Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈના વેપારીઓ સાથે સરકારનો વિશ્વાસઘાત

નવી મુંબઈના વેપારીઓ સાથે સરકારનો વિશ્વાસઘાત

17 January, 2019 09:23 AM IST |
રોહિત પરીખ

નવી મુંબઈના વેપારીઓ સાથે સરકારનો વિશ્વાસઘાત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈની APMC માર્કેટ પર ઑક્ટોબરમાં લાદવામાં આવેલા સેસના અધ્યાદેશમાં મામૂલી ફેરફાર કરીને સરકાર રજૂ કરવાની ફરીથી તૈયારી કરી રહી છે. આ અધ્યાદેશ સરકાર આવી રહેલા વિધાનસત્રમાં નવા સ્વરૂપે રજૂ કરશે એવી વેપારીઓને આશંકા છે. એથી મંગળવારે સરકાર અને વેપારીઓની મંત્રાલયમાં મળેલી બેઠકમાં ગ્રોમા સહિતના અનેક વેપારી પ્રતિનિધિઓ દ્વારા અધ્યાદેશને કોઈ પણ સ્વરૂપે રજૂ કરવા સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા 25 ઑક્ટોબરે APMC માર્કેટ પરિસર બહારના વ્યાપારને APMCના કાયદામાથી મુક્ત કરી નાખતા અધ્યાદેશનો નવી મુંબઈ APMC માર્કેટના દાણાબંદરના વેપારીઓની સંસ્થા ગ્રોમા તથા અન્ય ૧૪ માર્કેટના અસોસિએશનના પ્રતિનિધિઓ અને માથાડી કામગારોના નેતાઓેએ સખત વિરોધ કર્યો હતો, જેને પગલે 28 નવેમ્બરે સરકારના આ અધ્યાદેશને વિધાનપરિષદમાં પાસ થતો રોકી દેવામાં આવ્યો હતો. જોકે આવી રહેલા વિધાનસત્રમાં આ અધ્યાદેશ પર ફરીથી ચર્ચા કરીને એને નવા સ્વરૂપે APMCના વેપારીઓ પર લાદવાની સરકાર તૈયારી કરી રહી છે.



સરકાર તરફથી અઢી મહિના પછી ફરીથી અધ્યાદેશ પર ચર્ચાવિચારણા શરૂ કરવામાં આવી છે. સરકાર અધ્યાદેશમાં મામૂલી ફેરફાર કરવાના મૂડમાં છે અથવા તો અધ્યાદેશને બદલે અન્ય રીતે APMC માર્કેટના વેપારીઓ પર સેસનો બોજો નાખવાની યોજના બનાવી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કો-ઑપરેશન મિનિસ્ટર સુભાષ દેશમુખ અને મહેસૂલપ્રધાન ચંદ્રકાંત પાટીલે વેપારીઓના પ્રતિનિધિઓ સાથે આ બાબતની ચર્ચાવિચારણા શરૂ કરી છે જેમાં કૅબિનેટ મિનિસ્ટર પ્રકાશ મહેતાની સાથે ગ્રોમાના પ્રમુખ શરદ મારુ, ઉપપ્રમુખ મહેન્દ્ર ગજરા, સેક્રેટરી અશોક બડિયા અને ભીમજી મંગે (ભાનુશાલી), અમૃતલાલ જૈન, મહારાષ્ટ્ર કમિટીના ચૅરમૅન મોહન ગુરનાણી, નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના કીર્તિ રાણા તેમ જ અન્ય અસોસિએશનોના પદાધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો.


આ બેઠકમાં એક વાર અધ્યાદેશ પાછો ખેંચ્યા બાદ સરકારની ફરીથી આ અધ્યાદેશને મામૂલી ફેરફાર સાથે લાવવાની હિલચાલનો ગ્રોમા તરફથી કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતની માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સરકાર સામે રજૂઆત કરી હતી કે જે કાયદો નવી દેશી-વિદેશી મલ્ટિનૅશનલ કંપની માટે છે એ જ કાયદો 125 વર્ષ જૂની મુંબઈ અને નવી મુંબઈની માર્કેટોને લાગવો જોઈએ. એક પણ વેપારીને અન્યાય ન થવો જોઈએ એવી અમે ભારપૂર્વક સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. અગાઉ મૉડલ ઍક્ટના ઓઠા હેઠળ ડાયરેક્ટ લાઇસન્સ માટે પણ સરકારે ફેરવિચારણા કરવી જોઈએ તેમ જ નવી મુંબઈમાં જ લાઇસન્સ અપાવવાં જોઈએ એવી અમે માગણી કરી હતી.’

ઇલેક્ટ્રૉનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટ માટે ફ્રૂટ-વેજિટેબલ માર્કેટ બનશે કે નહીં એ બાબતે ફ્રૂટમાર્કેટના નેતા સંજય પાનસરેએ શંકા વ્યક્ત કરી હતી જેને ગ્રોમાએ સમર્થન આપ્યું હતું.


સરકાર ખેડૂતોને સારા ભાવ આપવા પ્રયત્નશીલ છે એનું સમગ્ર વેપારીસમુદાય સમર્થન કરી રહ્યો છે એવી જાણકારી આપતાં ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘ખેડૂતોને સપોર્ટ કરવાના સરકારના નિર્ણયને વેપારીઓ સમર્થન આપે છે, પણ એનો મતલબ એ નથી કે સરકાર વેપારીઓને હાંસિયામાં ધકેલી દે. અત્યારે સરકાર ફક્ત મોટી અને મલ્ટિનૅશનલ કંપનીઓને ફાયદાઓ મળે એવા કાયદાઓ બનાવીને વેપારીઓને અન્યાય કરી રહી છે જે વેપારી સંગઠનો કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરે. ફરીથી એક વાર માર્કેટને બંધ કરતાં વેપારીઓ અચકાશે નહીં. અમે સરકારના અને એમાં પણ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના શબ્દો પર વિશ્વાસ કરીને નવેમ્બરમાં અમારા બેમુદત બંધને પાછો ખેંચ્યો હતો, પરંતુ હવે સરકાર ફરીથી એ જ મુદ્દા પર અમારી સાથે કોઈ રાજરમત રમશે તો અમે એનો જવાબ આપતાં અચકાઈશું નહીં.’

ગ્રોમાની આ રજૂઆતને અન્ય માર્કેટના હાજર રહેલા વેપારી પ્રતિનિધિઓએ પણ સમર્થન આપીને તેમણે પોતાની સમસ્યાઓને પણ સરકાર સમક્ષ રજૂ કરી હતી. માથાડી કામગાર નેતા શશિકાંત શિંદેએ સરકાર સામે સ્પષ્ટતા કરી હતી કે તમે જે કોઈ નવા કાયદાઓ બનાવો એ નાના-મોટા વેપારીઓ અને મલ્ટિનૅશનલ કંપનીઓ માટે એકસરખા જ હોવા જોઈએ.

અમને વેપારીઓને સૌથી મોટો સાથસહકાર પ્રકાશ મહેતા તરફથી મળી રહ્યો છે એમ જણાવતાં ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘પ્રકાશ મહેતા અમારી દરેક રજૂઆતમાં અમારી સાથે રહ્યા હતા. 28 નવેમ્બરે પણ પ્રકાશ મહેતા અને ચંદ્રકાંત પાટીલે વેપારીઓની ભરપૂર તરફેણ કરી હતી તેમ જ 25 ઑક્ટોબરના અધ્યાદેશને પાછો ખેંચવામાં તેમણે બહુ મોટો રોલ ભજવ્યો હતો.’

છેલ્લા ઘણા સમયથી એકધારો ઘટી રહેલો વ્યાપાર પણ બહુ મોટી ચિંતાનો વિષય છે. આ સંદર્ભમાં ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘ઘટી રહેલા વ્યાપાર અને દિનપ્રતિદિન સરકાર તરફથી વેપારીઓની ઉપેક્ષા કરીને તેમના પર બોજારૂપ નાખવામાં આવતા ટૅક્સથી હોલસેલ વેપારીઓની સાથે દલાલો, ગુમાસ્તાઓ અને માથાડી કામગારો બેકારીની ગર્તામાં ધકેલાય નહીં, તેમની તરફ સરકાર પણ દુર્લક્ષ રાખે નહીં એવી ચોખ્ખી વાત પણ અમે મંગળવારની મંત્રાલયમાં મળેલી બેઠકમાં કરી હતી. અમારી સાથે નવી મુંબઈના કાંદા-બટાટાના વેપારી પ્રતિનિધિઓ, નવી મુંબઈ કૉમોડિટી બ્રોકર અસોસિએશનના અરુણ ભિંડે, કિસાન સંઘ નારિયેળ બજારના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા. આ બધાએ અમારી રજૂઆતને સમર્થન આપીને સરકારને યોગ્ય નિર્ણય લેવાનો અનુરોધ કર્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2019 09:23 AM IST | | રોહિત પરીખ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK