Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોના મહામારી પછીનું બ્રેવ ન્યુ વર્લ્ડ

કોરોના મહામારી પછીનું બ્રેવ ન્યુ વર્લ્ડ

20 September, 2020 05:42 PM IST | Mumbai
Raj Goswami

કોરોના મહામારી પછીનું બ્રેવ ન્યુ વર્લ્ડ

કોરોના મહામારી પછીનું બ્રેવ ન્યુ વર્લ્ડ

કોરોના મહામારી પછીનું બ્રેવ ન્યુ વર્લ્ડ


૧૯૩૨માં ઇંગ્લિશ લેખક આલ્ડ્સ હક્સ્લેએ ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ નામની નવલકથા લખી હતી. હક્સ્લેએ એમાં સન ૨૫૪૦ના એક એવા લંડનની કલ્પના કરી હતી, જેમાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિકાસને કારણે, પરંપરાગત માનવ સભ્યતાથી હટીને એક એવી સંસ્કૃતિ આવી ગઈ હશે, જે બહુ જ ભિન્ન અને ઘૃણાસ્પદ હશે. હક્સ્લેએ જે નવી દુનિયાની કલ્પના કરી હતી એને કોરોના મહામારીએ ધક્કો માર્યો છે. દુનિયા હંમેશાં બદલાતી રહે છે, પણ એ બદલાવ બહુ ધીમો હોય છે, કારણ કે માણસનો સ્વભાવ છે કે તે એક (સારી કે ખરાબ) ચીજને અનુકૂળ થઈ ગયો હોય, પછી તે ઝડપથી એમાંથી બહાર નથી આવતો. એમાં એક બદલાવ આવતાં દાયકાઓ નીકળી જાય છે. ઉત્ક્રાન્તિ અને ઇતિહાસ હંમેશાં ગોકળગાયની ગતિએ આગળ વધે છે.

અત્યાર સુધીનો આપણો અનુભવ તો આવો જ રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીએ ઇતિહાસમાં જે નથી થયું એ કરવાની શરૂઆત કરી છે; દુનિયા અકલ્પનીય ગતિએ બદલાઈ રહી છે. છેલ્લા ૮ મહિનામાં આપણે ક્યાંથી ક્યાં પહોચી ગયા! લાંબું લિસ્ટ નથી આપવું, પરંતુ આપણું ઊઠવું-બેસવું-સૂવું, કામ કરવું, કોઈને મળવું, ભણવું, વિચારવું, ભવિષ્યનું પ્લાનિંગ કરવું બધું જ ઊંધુચત્તું થઈ ગયું છે અને એમાં આડોશ-પાડોશ અને પ્રિયજનોના પરિવારમાંથી આવતી દુખદ કહાનીઓ તો ખરી જ, જે આપણા લાગણીતંત્રને ઝકઝોરી રહી છે. આ ન્યુ નૉર્મલ છે અને જૂના નૉર્મલમાં પાછા જવાની સંભવાનાઓ નહીંવત્ છે. વેલકમ ટુ ધ બ્રેવ ન્યુ વર્લ્ડ!



કોરોના વાઇરસ માત્ર સ્વાસ્થ્યને લગતી જ બીમારી નથી, પરંતુ આપણે ભવિષ્યમાં કેવી રીતે જીવીશું અને આપણી સામાજિક અને રાજકીય વ્યવસ્થાઓ કેવી


રીતે કામ કરશે એ પણ આ મહામારી નક્કી કરશે. આપણે આ મહામારીનો સામનો કરી લઈશું, આપણે એની સારવારને પણ શોધી લઈશું, પરંતુ આજથી એક દાયકા પછી, આપણી દુનિયા એ નહીં હોય જે આજે છે. કોરોના વાઇરસે દુનિયાના મૂળભૂત માળખામાં બુનિયાદી પરિવર્તન લાવી દીધાં હશે. વ્યક્તિગત સ્તરે આજે આપણી પ્રાથમિકતા આપણા સ્વાસ્થ્ય માટેની છે એ સમજી શકાય એમ છે, પરંતુ સામૂહિક કે વૈશ્વિક સ્તરે એની શું અસર પડશે એ જાણવું પણ એટલું જ અગત્યનું છે.

લંડનના ‘ધી ફાઇનૅન્શિયલ ટાઇમ્સ’ અખબારમાં એક લેખમાં લેખિકા અરુંધતી રૉય કોરોના મહામારીને પૉર્ટલ અથવા દરવાજો કહે છે - એક દુનિયા અને બીજી દુનિયા વચ્ચેનું પ્રવેશદ્વાર. તે લખે છે કે ‘ઇતિહાસ ગવાહ છે કે મહામારીઓએ માનવજાતિને તેના ભૂતકાળથી છેડો ફાડીને ભવિષ્ય માટે નવેસરથી કલ્પના કરવાની ફરજ પાડી છે. આજે પણ એવા જ સંજોગો છે. આપણી પાસે બે વિકલ્પો છે; એક તો આપણે આપણા પૂર્વગ્રહો અને નફરત, આપણા લોભ અને લાલચ, આપણી ડેટા બૅન્ક અને  મૃત વિચારો, આપણી સુકાયેલી નદીઓ અને પ્રદૂષિત આકાશને આપણી પીઠ પર લાદીને આ પ્રવેશદ્વારમાંથી પસાર થઈએ અથવા બધા ભાર છોડીને હળવા હૈયે એક નવા વિશ્વની કલ્પના સાથે અને એને સાકાર કરવા માટે લડાઈ લડવાની તૈયારી સાથે બીજી દુનિયામાં પગ મુકીએ છીએ.’


૨૧મી સદીની દુનિયાનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે ઈસુ પૂર્વે અને ઈસુ પછીની તર્જ પર ‘કોરોના પહેલાં‘ અને ‘કોરોના પછી’ તારીખ નોંધવામાં આવશે. આ મહામારીને કારણે દુનિયા પહેલાં જેવી નહીં રહે એવું અનુમાન ઘણા નિરીક્ષકોએ કર્યું છે. આ વાઇરસ પૂરા વિશ્વમાં પહોંચી ગયો છે અને દેશોની આંતરિક-આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓને ધરમૂળથી બદલી રહ્યો છે. દુનિયા માણસોના સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને સામાજિક વ્યવસ્થામાં એની કિંમત ચૂકવી રહી છે. વિશ્વના તમામ દેશો અત્યારે આર્થિક માર ખાઈ રહ્યા છે, એ આફત પણ છે અને અવસર પણ.

અમેરિકાના પ્રસિદ્ધ ભાષાવિદ, ઇતિહાસકાર અને વિચારક નોમ ચોમ્સ્કી કહે છે કે ‘માનવજાતિના અસ્તિત્વ સામે ખતરો છે અને એમાંથી બચવાના રસ્તા છે, પણ સત્તા અને નફાખોરીની લાલચમાં નજરચૂક ન થાય એ જરૂરી છે.’ 

ચોમ્સ્કીએ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી રૉબર્ટ પોલિન સાથે મળીને ‘Climate Crisis and the Global Green New Deal’ નામનું નવું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક પર્યાવરણના આડેધડ બોલાઈ રહેલા ખુરદા સામે લાલ બત્તી ધરે છે. એના ઉપાય તરીકે ચોમ્સ્કીએ ગ્રીન ન્યુ ડીલનું સૂચન કર્યું છે - દુનિયાએ ગ્રીન કૉનૉમીની દિશામાં જવું પડશે.

ગ્રીન ઇકૉનૉમી એટલે એવી અર્થવ્યસ્થા જેમાં ઉત્પાદનનું જે પણ કાર્ય થાય એનાથી પર્યાવરણને જરા પણ નુકસાન ન થાય. અમેરિકામાં ગ્રીન ન્યુ ડીલ નામનું એક સૂચિત વિધેયક ઘણા સમયથી પેન્ડિંગ છે, જેમાં પર્યાવરણની રક્ષા કરવા માટેના સૂચિત ઉપાયો અને નિયમો સાથે એક નવા પ્રકારના સામાજિક અને આર્થિક સુધારાઓની ભલામણ છે.

ચોમ્સ્કી કહે છે, ‘આ પુસ્તક લખાતું હતું ત્યારે કોવિડ-19ની કટોકટીએ આપણા દિલ-દિમાગનો ભરડો લીધો છે. ગંભીર સ્થિતિ છે અને ગંભીર રીતે એ જીવનને તહસનહસ કરી રહી છે. આ કટોકટી પસાર તો થઈ જશે, પણ ભારે કિંમત ચૂકવીને આપણે બહાર આવીશું, પણ ઍન્ટાર્કટિકામાં બરફનું ઓગળવાનું કે ગ્લોબલ વૉર્મિંગનાં પરિણામોથી આપણે છૂટી નહીં શકીએ.’

ચોમ્સ્કી કોરોના મહામારીને મૂડીવાદના ઉદારવાદી સ્વરૂપની મહાનિષ્ફળતા ગણાવે છે. અમેરિકામાં આ સ્થિતિ વધુ ગંભીર છે, કારણ કે ચોમ્સ્કીના શબ્દોમાં કહીએ તો, વૉશિંગ્ટનમાં મનોરોગી બંદરો સરકાર ચલાવી રહ્યા છે. કોવિડ-19માંથી શું શીખવા જેવું છે એવા એક સવાલના જવાબમાં ચોમ્સ્કીએ કહ્યું હતું કે ‘મૂડીવાદની આ તોતિંગ નિષ્ફળતા છે અને એમાંથી જો આપણે કશું ન શીખ્યા તો એનું વધુ ખરાબ રીતે પુનરાવર્તન થશે.’

૨૦૦૩માં સાર્સની મહામારી પછી, ચોમ્સ્કી કહે છે, ‘વૈજ્ઞાનિકોને સારી રીતે ખબર હતી કે કદાચ કોરોના વાઇરસ પ્રકારની જ અન્ય મહામારીઓ આવી રહી છે. એ વખતે જ એની તૈયારી કરી લેવાનું હિતાવહ હતું. ફ્લુમાં વૈજ્ઞાનિકોએ એવું કર્યું હતું. દર વર્ષે ફ્લુની નવી વૅક્સિન આવે જ છે, કારણ કે વાઇરસના સૂક્ષ્મ ફેરફારો થાય છે, પણ તમે એના માટે તૈયાર છો એટલે ફટાફટ વૅક્સિન બનાવો છો. કોરોનામાં એવું ન થયું. બે શક્યતાઓ છે; ડ્રગ કંપનીઓ પાસે સંસાધનો છે અને સમૃદ્ધિ છે, પણ એ નહીં કરે. એ બજાર જુએ છે. બજાર કહે છે કે આવનારી તવાઈ માટે તૈયારી કરવામાં કોઈ નફો નથી.’

ચોમ્સ્કી બીજો ગુનેગાર સરકારને ગણતાં કહે છે, ‘ઉદારવાદી મૂડીવાદનો હથોડો સરકારોને કશું કરવા દેતો નથી. સરકારો સમાધાન નહીં, સમસ્યા છે. વૉશિંગ્ટનમાં જે ગૅન્ગ કામ કરે છે એમાં અમેરિકાનો સંપૂર્ણ વિનાશ થયો છે. તેમને પોતાના સિવાય આખી દુનિયામાં બધાને દોષી ઠેરવતાં આવડે છે અને દોષી તો પાછા પોતે જ છે. આ કટોકટીનું એપિસેન્ટર હવે અમેરિકા છે. આ એક જ એવો દેશ છે જે એટલો અપંગ છે કે મોત અને ચેપી રોગના આંકડા પણ આપી શકતો નથી.’

આકરા શબ્દો છે, પણ ચોમ્સ્કી શબ્દોને ચોર્યા વગર માનવજાતિ સામે મંડરાઈ રહેલા એ જોખમની વાત કરે છે, સરકારો છુપાવી રહી છે - ન્યુક્લિયર વૉર અને ગ્લોબલ વૉર્મિંગ. ચોમ્સ્કી એને કોરોનાની મહામારી સાથે જોડે છે, ‘૩૧ ડિસેમ્બરે ચીને વિશ્વ આરોગ્ય સંગઠનને ન્યુમોનિયા જેવા અજાણ્યા તાવની માહિતી આપી હતી. એક અઠવાડિયા પછી અમુક ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ કોરોના વાઇરસને ઓળખી કાઢ્યો અને એની સિક્વન્સ સંગઠનને આપી. ત્યાં સુધી વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ્સને વાંચવાની તસ્દી લેનારા વાઇરોલૉજિસ્ટ અને અન્યોને કોરોનાની અને એને માટે શું કરવું એની ખબર હતી. તેમણે કશું કર્યું? હા, અમુકે કર્યું. ચીન, સાઉથ કોરિયા, તાઇવાન અને સિંગાપોરે તરત પગલાં ભર્યાં અને મહામારીના પહેલા તબક્કાને કાબૂમાં રાખ્યો.’

ચોમ્સ્કી કહે છે, ‘પશ્ચિમમાં દેશોનો વ્યવહાર જુદો-જુદો હતો. યુરોપમાં કંઈક અંશે સારું થયું. જર્મનીએ સારો પ્રયાસ કર્યો. બીજા દેશોએ ઉપેક્ષા કરી. એમાં બ્રિટન અને અમેરિકાનું કામ સૌથી ખરાબ હતું. ટ્રમ્પે એક દિવસ કહ્યું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ખાલી ફ્લુ છે. બીજા દિવસે કહ્યું, ભયાનક કટોકટી છે, આપણને પહેલેથી જ ખબર હતી. ત્રીજા દિવસે કહ્યું, આપણે પાછા નૉર્મલ થઈ જવું જોઈએ, કારણ કે મારે ચૂંટણી જીતવાની છે. આવા લોકોના હાથમાં દુનિયા છે એ આઘાતજનક છે.’

ચોમ્સ્કી ટ્રમ્પને મનોરોગી વિદૂષક (સોસીઓપેથિક બફુન) કહે છે, ‘આપણે એવી વધુ ભયાનક દુર્ઘટના તરફ ધસી રહ્યા છીએ જે માનવઇતિહાસમાં જોઈ નથી. ડોનલ્ડ ટ્રમ્પ અને તેના પિઠ્ઠુઓ બે વિનાશ તરફ દોડી રહ્યા છે - ન્યુક્લિયર વૉર અને ગ્લોબલ વૉર્મિંગ.’ મહામારીની વચ્ચે ‘યુદ્ધની ભાષા’માં વાત કરવામાં આવી રહી છે,  જેથી લોકોમાં એક માનસિકતા કેળવી શકાય. સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી પણ એવું બોલતા થયા છે કે દુનિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહ્યું છે. ચોમ્સ્કી ચેતવણી આપે છે કે મહામારી પછીની દુનિયામાં રાષ્ટ્રવાદી-આપખુદશાહી સરકારો સત્તામાં આવશે અને એ સમાજની વ્યવસ્થા બદલી નાખશે.

એ જ વાતનો પડઘો પાડતાં ચોમ્સ્કી કહે છે, ‘પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મત આપવો એ હિટલરને મત આપવા કરતાં પણ ખરાબ છે. માનવઇતિહાસમાં હિટલર કદાચ સૌથી બર્બર અપરાધી હશે, પણ એ યહૂદીઓ, સમલૈંગિકો, સ્લાવ, રોમા અને અન્ય લાખો લોકોને મારવા માગતો હતો. ટ્રમ્પ શું કરવા માગે છે? એ પૂરા માનવજીવનના ભવિષ્યને ખતમ કરવા માગે છે.’

મહામારી પછીની આપણી વ્યક્તિગત જિંદગી કેવી હશે?

બેસ્ટ સેલર પુસ્તક ‘હોમો સેપિયન્સ ઃ માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ના લેખક અને ઇઝરાયલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ પણ કહ્યું છે કે મહામારી પછી દુનિયામાં કઠોર જાપ્તાવાળી સરકાર આવશે, જે નાગરિકો પર સખત નિગરાની રાખશે. ‘ધી ફાઇનૅન્શિયલ ટાઇમ્સ’માં એક લેખમાં તે લખે છે કે ‘વિશ્વ સામે બે નોંધપાત્ર વિકલ્પો મોં ફાડીને ઊભા છે; એક વિકલ્પ એકહથ્થુ જાપ્તો (ટોટેલિટેરિયન સર્વેલન્સ) અને નાગરિક સશક્તીકરણ (સિટિઝન એમ્પાવરમેન્ટ) વચ્ચે છે, અને બીજો વિકલ્પ રાષ્ટ્રવાદી અળગાપણું (નૅશનલિસ્ટિક આઇસોલેશન) અને વૈશ્વિક એકતા વચ્ચે છે. આપણે આમાંથી શું પસંદ કરીએ છીએ એના પર આપણા ભાવિનો આધાર છે.’

મહામારી સામેની લડાઈમાં ઘણી સરકારોએ નવાં જાસૂસી યંત્રો ગોઠવ્યાં છે. લોકોના મોબાઇલની ગતિવિધિઓને ટ્રૅક કરીને, ચહેરાઓ ઓળખે એવા કૅમેરા ગોઠવીને તથા લોકોને તેમના બૉડી-ટેમ્પરેચર અને મેડિકલ સ્થિતિની જાંચ કરાવવાની ફરજ પાડીને ચાઇનીઝ સત્તાવાળાઓ બહુ ઝડપથી કોરોના વાઇરસ ધરાવતા શંકસ્પદ લોકોને ઓળખી કાઢે છે ,એટલું જ નહીં, કૉન્ટૅક ટ્રેસિંગ પણ કરે છે. ચીનમાં અનેક મોબાઇલ-ઍપ્લિકેશન્સ નાગરિકોને શંકાસ્પદ રોગીઓથી દૂર રહેવાની ખબર આપે છે. આ જ સિસ્ટમ પછીથી સરકાર સામેના વિરોધ કરતા લોકો સામે પણ વપરાઈ શકે છે એમ હરારી કહે છે.

ઇઝરાયલમાં આતંકવાદ સામે લડવા માટે પણ આવી જ ટેક્નૉલૉજી છે, પરંતુ પ્રધાનમંત્રી નેતન્યાહુએ કોરોનાના દરદીઓ પર નજર રાખવા માટે એનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. કોરોના વાઇરસમાં હવે સરકારને તમારી આંગળીમાં કેટલું ટેમ્પરેચર અને કેટલું બ્લડ-પ્રેશર છે એની ખબર પડે છે. એ જ રીતે તમે કયા સમાચાર વાંચીને કે કયું ભાષણ સાંભળીને ખુશ થાઓ છો, ગુસ્સે થાઓ છો, કયો વિડિયો જોઈને તમારા બૉડી-ટેમ્પરેચરમાં, બ્લડ-પ્રેશરમાં અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે એ જાણવામાં સરકારને રસ પડશે.

કોરોના વાઇરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એક વાર મહામારી દૂર થઈ જાય એ પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધ વેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઇવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોના વાઇરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઇવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઇવસી કે સ્વાસ્થ્ય? એવી ચૉઇસ આપો તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઇવસી જતી કરશે.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 05:42 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK