આલ્બર્ટ આઇન્સ્ટાઇન કેમ હતા જિનીયસ?

Published: 17th November, 2012 04:22 IST

વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો જવાબ : તેમના મગજની ફરતે વિશિષ્ટ પ્રકારનું આવરણ હતુંવિખ્યાત પદાર્થ-વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ગણના વિશ્વની સૌથી જિનીયસ હસ્તીઓમાં થાય છે. આઇન્સ્ટાઇનની તેજસ્વિતાનું આખરે શું કારણ હતું એ અમેરિકન વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે આઇન્સ્ટાઇનના મગજની ફરતે ભૂરા રંગનું એક વિશિષ્ટ આવરણ (ર્કોટેક્સ) હતું. સામાન્ય લોકોના મગજની ફરતે આવું કોઈ આવરણ હોતું નથી. વિજ્ઞાનીઓને મતે આ આવરણને કારણે જ આઇન્સ્ટાઇન સરેરાશ લોકો કરતાં વધારે તેજસ્વી હતા.

આ સંશોધન કરનાર ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના ઍન્થ્રોપોલૉજિસ્ટ (નૃવંશવિજ્ઞાની) ડેન ફૉક અને તેમની ટીમે પહેલી વાર આઇન્સ્ટાઇનના મગજ ફરતેના આવરણનો અભ્યાસ કર્યો હતો. તેમણે ૮૫ સામાન્ય માણસોના મગજ અને આઇન્સ્ટાઇનના મગજ વચ્ચે સરખામણી કર્યા બાદ આ તારણ આપ્યું હતું. તેમનાં તારણો મુજબ આઇન્સ્ટાઇનના મગજનો આકાર તથા કદ સામાન્ય માણસોના મગજ જેવો જ હતો, પણ તેમના મગજની કેટલીક ખૂબી અન્ય કરતાં જુદી હતી. મગજનો જે ભાગ સંવેદના અનુભવવાનું કામ કરે છે, જે ભાગ નવી બાબતો શીખવાનું અને યાદ રાખવાનું કામ કરે છે એ અન્ય લોકો કરતાં અનેકગણો શ્રેષ્ઠ હતો. ૧૯૫૫માં આઇન્સ્ટાઇનના મૃત્યુ બાદ પરિવારજનોની પરવાનગી લઈને તેમના મગજને શરીરમાંથી દૂર કરવામાં આવ્યું હતું, એ પછી આઇન્સ્ટાઇનના મગજની  જુદા-જુદા ઍન્ગલથી ૨૪૦ જેટલી તસવીરો લેવામાં આવી હતી એ પછીનાં વર્ષોમાં અનેક તસવીરો ગુમ થઈ ગઈ હતી. અત્યારે અમેરિકાના નૅશનલ મ્યુઝિયમ ઑફ હેલ્થ ઍન્ડ સાયન્સમાં આઇન્સ્ટાઇનના મગજની ૧૪ તસવીરો સચવાયેલી છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK