તમે પણ કરી શકો આ રીતે ચહેરા પર ૧૬ ચમચીઓનું બૅલેન્સિંગ?

Published: 16th October, 2011 18:48 IST

ઇંગ્લૅન્ડના ડેવન શહેરના નવ વરસના ફૂટડા છોકરા જો ઍલિસનના નામે ચહેરા પર ૧૬ ચમચીઓ બૅલેન્સ કરવાનો રેકૉર્ડ છે. ૨૦૦૮માં બ્રિટનના કિંગડમ્સ ગૉટ ટૅલન્ટ નામના ટીવી-શોમાં તેણે આ રેકૉર્ડ બનાવ્યો હતો. જો વારાફરતી એક-એક ચમચી પોતાના ચહેરા પર મૂકે છે. એમ કરતી વખતે ચમચી પડી જાય એવું બની શકે, પણ એક વાર સોળેસોળ ચમચીઓ ચહેરા પર લટકી જાય એ પછી લગભગ એક મિનિટ સુધી તે બધી ચમચીઓ હોલ્ડ કરી રાખી શકે છે.

 

(રેકૉર્ડ મેકર)

એકસરખી સાઇઝની સ્ટેનલેસ સ્ટીલની ૧૬ ચમચીઓ જો પોતાના ચહેરા પર કોઈ જ આધાર વિના ઊંચકી શકે છે, પણ કોણીથી કાંડા સુધીના ભાગ પર પાંચ-છથી વધુ ચમચીઓ સળંગ ગોઠવવામાં આવે તો તે સ્થિર રાખી શકતો નથી.

સાયન્ટિસ્ટોએ જોના શરીરમાં કોઈ ખાસ પ્રકારનું મૅગ્નેટિક ફીલ્ડ છે કે કેમ એ વિશે અભ્યાસ કર્યો છે, પણ એવું ખાસ કંઈ જણાયું નથી. બાળક તરીકે તે એટલો ચંચળ છે કે તેના એક હાથ પર એ જ ચમચીઓ છૂટી-છૂટી ગોઠવવામાં આવે તો એ લાંબો સમય ટકી શકતી નથી.

હાલમાં જો બાર વરસનો છે. તે હવે વીસ ચમચીઓ ચહેરા પર સ્થિર રાખી શકવાનો દાવો કરે છે. સ્કૂલમાં તેમ જ ખાસ કાર્યક્રમોમાં તે આ લાઇવ પફોર્ર્મન્સ પણ આપે છે, પરંતુ એ માટે તેણે હજી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું નથી.

જોની મમ્મી ફીનેલા સ્વિમિંગ દરમ્યાન જાતજાતનાં કરતબો કરતાં શીખવવાનું કામ કરે છે. તે જ્યારે સાત વર્ષનો હતો ત્યારે રમત-રમતમાં કઝિન બ્રધરે જોને જીભના ટેરવા પર ચમચી બૅલેન્સ કરવાની ચૅલેન્જ આપી હતી. શરૂઆતમાં બેઉ ખૂબ મથ્યા, પણ આખરે જોને સ્પૂન-બૅલેન્સિંગની ટેક્નિક હાથ લાગી ગઈ. એ પછી તો જ્યારે પણ જો નવરો પડતો ત્યારે રસોડામાંથી ચમચીઓ લઈને કાન પર, દાઢી પર, ગાલ પર, નાક પર એમ ચહેરા પર શક્ય હોય ત્યાં એક-એક ચમચી બૅલેન્સ કરીને ઘરમાં ફરતો.

૨૦૦૪માં કૅલિફૉર્નિયાના ટિમ જોન્સ્ટન નામના ૧૬ વર્ષના ટીનેજરે ચહેરા પર ૧૫ ચમચીઓ બૅલેન્સ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. એ જોઈને જોની મમ્મી ફીનેલાએ પોતાના દીકરાને ચમચીઓ બૅલેન્સ કરવાની અસાધારણ શક્તિને વિકસાવવા માટે ટ્રેનિંગ આપી હતી. આ રેકૉર્ડ ટીવીમાં જોઈને જોએ ચહેરા પર સોળ ચમચીઓ ઉપાડવાનો પ્રયોગ કર્યો ને લાઇવ ટીવી-શોમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો.

હજી સુધી ટિમ અને જો સિવાય કોઈએ આ પ્રકારનો રેકૉર્ડ કરવાનો પ્રયત્ન કર્યો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK