શેઠ, અમે કંઈ મદારી નથી કે કોઈના ઘરે જઈને ખેલ કરીએ : કાબરાજી

Published: Jun 27, 2020, 22:16 IST | Deepak Maheta | Mumbai

હરિશ્ચન્દ્ર નાટકનો સંસ્કૃતથી તમિળ-અંગ્રેજી-ગુજરાતીનો પ્રવાસ

શું આપણા દેશમાં કે શું દુનિયાના બીજા દેશોમાં, નાટક, સાહિત્ય, ચિત્ર, શિલ્પ અને બીજી કલાઓ પર આજ સુધી જે-તે દેશની માઇથોલૉજીની જબરી અસર રહી છે. આપણે ત્યાં રામાયણ-મહાભારત અને પુરાણોનાં પાત્રો અને પ્રસંગોને આધારે અનેક કૃતિઓ દરેક ભાષામાં રચાઈ છે. આવી એક કથા એ રાજા હરિશ્ચન્દ્રની વાત. નરસિંહ મહેતાથી કવિ દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન, કથા-વાર્તા વગેરેમાં આ કથા જોવા મળે છે. ભવાઈ ભજવનારાઓ માટે પણ રાજા હરિશ્ચન્દ્રની કથા હાથવગી હતી. આનું એક કારણ એ કે સામાન્ય માણસ પોતાના જીવનમાં જે કરી ન શકે એવું કરનારાઓ પ્રત્યે તેને હંમેશાં અહોભાવ અને આકર્ષણ રહે છે. ગાંધીજીએ ભલે લખ્યું કે ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ પણ વ્યવહારમાં એ શક્ય નથી જ. અને એટલે આમ જનતાને હરિશ્ચન્દ્રની કથાનું આકર્ષણ રહે.
આપણે ત્યાં અર્વાચીન ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓએ કરી અને શરૂઆતમાં પારસીઓમાં વધુ પ્રચલિત એવી કેટલીક કથાઓને લઈને નાટકો લખ્યાં અને ભજવ્યાં. પણ પછી ચતુર પારસીઓના ધ્યાનમાં એ વાત આવી ગઈ કે પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવું હોય તો હિન્દુ ગુજરાતી પ્રેક્ષકોને આકર્ષ્યા વિના નહીં ચાલે. એટલે તેમણે હિન્દુ પુરાણકથાઓ પર આધારિત નાટકો ભજવવાનું શરૂ કર્યું. આ દિશામાં પહેલ કરી કેખુશરૂ કાબરાજી અને તેમની નાટક ઉત્તેજક મંડળીએ. ૧૮૬૮ના મે મહિનાની ૧૬મી તારીખે બીજા ચાર મિત્રોને સાથે રાખીને કાબરાજીએ ‘વિક્ટોરિયા નાટક મંડળી‘ શરૂ કરી હતી. એણે મુખ્યત્વે પારસી ગુજરાતી નાટકો સફળતાથી રજૂ કર્યાં હતાં. આ મંડળીએ પોતાનાં નાટકો રજૂ કરવા માટે ૧૮૭૦માં ‘વિક્ટોરિયા નાટક શાળા’ (થિયેટર) બંધાવી હતી. પણ પછી બીજા ભાગીદારો સાથે મતભેદ થતાં કાબરાજી આ મંડળીમાંથી છૂટા થયા અને પોતાની નવી ‘નાટક ઉત્તેજક મંડળી’ શરૂ કરી. એણે પહેલું નાટક ભજવ્યું એ કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ એ ઝાઝું ચાલ્યું નહીં. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહીં પણ હિન્દુ નાટક ભજવવું. એ જમાનાના જાણીતા નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે કાબરાજીએ તેમની પાસે આવા એક નાટકની માગણી કરી અને ૧૮૭૧માં પ્રગટ થયેલું પોતાનું ‘હરિશ્ચન્દ્ર નાટક’ રણછોડભાઈએ તેમને આપ્યું.
રણછોડભાઈના આ નાટકનો પણ ભલે નાનકડો તોય ઇતિહાસ છે. દુનિયા માત્ર આજે જ નાની થઈ ગઈ છે, જુદા-જુદા દેશો, લોકો, ભાષાઓ વચ્ચેની લેવડદેવડ ગૂગલ દેવના આગમન પછી જ વધી છે એવું નથી; ૧૯મી સદીમાં પણ એવી લેવડદેવડ થતી. માર્કંડેય પુરાણમાંની રાજા હરિશ્ચન્દ્રની કથા પરથી દક્ષિણ ભારતના એક મધ્યકાલીન લેખકે તમિળ ભાષામાં નાટક લખ્યું. સિલોન કહેતાં શ્રીલંકાના રહેવાસી તમિળભાષી મુથ્થુ કુમારસ્વામી (૧૮૩૪-૧૮૭૯)એ એનો અંગ્રેજી અનુવાદ કર્યો. આ મુથ્થુ કુમારસ્વામી એટલે આખા એશિયા ખંડમાં પહેલવહેલો ‘સર’નો ઇલકાબ મેળવનાર. તેઓ વિલાયત જઈ બૅરિસ્ટર થયેલા અને શ્રીલંકાની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય નિયુક્ત થયા હતા. ૧૮૬૨માં ગ્રેટ બ્રિટનની પ્રખ્યાત ‘લિંકન્સ ઇન’ના તેમને સભ્ય બનાવવામાં આવ્યા હતા. કોઈ બિન-ખ્રિસ્તી અને બિન-જ્યુને આવું માન ત્યારે પહેલી જ વાર મળ્યું હતું. તેમણે એ તમિળ નાટકનો અંગ્રેજી અનુવાદ કરી વિલાયતમાં જ ૧૮૬૩માં પ્રગટ કર્યો. આ જ વર્ષના ડિસેમ્બરની આઠમી તારીખે આ નાટક રાણી વિક્ટોરિયા સમક્ષ ભજવાયું ત્યારે એમાં રાજા હરિશ્ચન્દ્રની ભૂમિકા મુથ્થુ કુમારસ્વામીએ પોતે ભજવી હતી. આમ હરિશ્ચન્દ્રનું નાટક મુંબઈના પ્રેક્ષકો પહેલાં રાણી વિક્ટોરિયાએ જોયું હતું. મુથ્થુસ્વામી લેટિન, ગ્રીક, હિબ્રૂ, પાલી, અરબી, સંસ્કૃત સહિત કુલ ૧૨ ભાષા જાણતા હતા. પ્રખ્યાત કલામીમાંસક આનંદ કુમારસ્વામી તેમના દીકરા. પોતાના અનુવાદની એક નકલ તેમણે મુંબઈના કોઈ મિત્રને મોકલી. એ નકલ રણછોડભાઈના જોવામાં આવી. એ વખતે તેઓ હરિશ્ચન્દ્ર વિશે નાટક લખવાનો વિચાર કરતા જ હતા, પણ આ અંગ્રેજી અનુવાદ તેમને એટલો તો ગમી ગયો કે તેમણે મૌલિક નાટક લખવાને બદલે એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. મૂળ તમિળ નાટકમાં ગદ્ય અને પદ્ય બન્ને હતાં, પણ અંગ્રેજી અનુવાદ કેવળ ગદ્યમાં હતો. પણ એમાંના કેટલાક ભાગનો અનુવાદ રણછોડભાઈએ પદ્યમાં કર્યો.
પોતાના આ અનુવાદની ૧૮૭૧માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની નકલ રણછોડભાઈએ કાબરાજીને આપી. કાબરાજીને નાટક તો ઘણું ગમ્યું, પણ એ ભજવતાં પહેલાં કેટલાક ફેરફાર કરવાનું જરૂરી હતું. પહેલું તો એ કે ૧૦૮ છાપેલાં પાનાંનું આ નાટક લાંબાં નાટકોના એ જમાનામાં પણ ટૂંકાવ્યા વગર ભજવી શકાય નહીં. બીજું એ વખતે ભજવાતા નાટકમાં નાચ-ગાયન તો હોવાં જ જોઈએ એવો ચાલ. રણછોડભાઈના અનુવાદમાં પદ્ય હતું, પણ ગીતો નહોતાં. આ ફેરફારો માટે રણછોડભાઈએ સંમતિ આપી એટલે કાબરાજીએ પહેલાં તો નાટકમાં કાપકૂપ કરી. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠૂમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. ભજવણી માટે તૈયાર થયેલી આ સ્ક્રિપ્ટ તેમણે ૧૮૭૬ના એપ્રિલમાં પુસ્તકાકારે પણ પ્રગટ કરી. એની એક નકલ આ લખનારના અંગત સંગ્રહમાં છે, પણ કમનસીબે એના ટાઇટલ પેજનો નીચેનો ભાગ ફાટી ગયો છે, પણ કાબરાજીએ લખેલી પ્રસ્તાવનાની નીચે ‘એપ્રેલ ૧૮૭૬’ છાપ્યું છે. એટલે આ પુસ્તક ૧૮૭૬માં પ્રગટ થયું હતું.
આમ નાટક તો તૈયાર થઈ ગયું, પણ શરૂઆતમાં નાટક ઉત્તેજક મંડળીના બીજા ભાગીદારોએ આવું નાટક ભજવવા સામે વિરોધ કર્યો. મુખ્ય કારણ એ કે પારસી નટો હિન્દુ પાત્રો ભજવે એ ન તો પારસી પ્રેક્ષકો સ્વીકારશે કે ન તો હિન્દુ પ્રેક્ષકો સ્વીકારશે એવી તેમને બીક હતી. બીજું, પારસી ઍક્ટરોને ‘શુદ્ધ’ ગુજરાતી ભાષા બોલવાનું ફાવશે નહીં અને તેઓ હાંસીપાત્ર થશે એમ પણ લાગતું હતું. વિક્ટોરિયા અને નાટક ઉત્તેજક, બન્ને મંડળીઓમાં કાબરાજીના ખાસ સાથી એવા ફરામજી ગુસ્તાદજી દલાલ ‘ઇન મેમોરિયમ: કેખુશરો નવરોજી કાબરાજી’ (૧૯૦૪) નામના સ્મૃતિ ગ્રંથમાંના લેખમાં જણાવે છે કે એ વખતે કાબરાજીએ કહ્યું કે પહેલાં આ નાટક હું તમને વાંચી સંભળાવું. પછી નક્કી કરજો કે એ ભજવવું કે નહીં. તેમણે લગભગ અડધું નાટક વાંચ્યું ત્યાં જ બધા ભાગીદારોએ કહ્યું કે આ નાટક તો આપણે ભજવવું જ જોઈએ. અને કાબરાજીએ ‘હરિશ્ચન્દ્ર’નાં રિહર્સલ શરૂ કર્યાં. એક બાજુથી ‘શુદ્ધ’ ગુજરાતી ગાવા-બોલવાની તાલીમ આપતા જાય, બીજી બાજુથી વેશભૂષા, પડદા, સાધન-સામગ્રી એકઠી કરતા જાય એટલું જ નહીં; એ બધાંનો ઉપયોગ કરવાની પારસી ઍક્ટરોને ટેવ પણ પાડતા જાય.
કાબરાજી અને રણછોડભાઈએ નક્કી કર્યું હતું કે નાટકનો પહેલો પ્રયોગ માત્ર આમંત્રિત મહેમાનો માટે જ કરવો. તેમની ‘હા’ હોય તો જ જાહેર પ્રયોગ કરવા. આવો ખાસ પ્રયોગ આમંત્રિત પ્રેક્ષકોને બેહદ પસંદ પડ્યો. પણ નાટક એવી જગ્યાએ રજૂ કરવું જોઈએ કે હિન્દુ અને પારસી, બન્ને પ્રેક્ષકોને એ પાસે પડે. કાબરાજી અને રણછોડભાઈએ ઘણી મહેનત કરીને ધોબી તળાવ પરની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટની જગ્યા આખા એક વર્ષ માટે ભાડેથી મેળવી અને ૧૮૭૪માં ખેલ શરૂ કર્યા. ખેલ વખતે દર્શકોની એટલી ભીડ થતી કે એ ઇમારતના દરવાજા ખેલ શરૂ થતાં પહેલાં અડધા કલાકે બંધ કરી દેવા પડતા. અને એ જમાનામાં એના કેટલા પ્રયોગ થયા હશે? પૂરા અગિયારસો. આ નાટકમાંથી ‘નાટક ઉત્તેજક મંડળી’ને એટલી તો આવક થઈ કે એમાંથી એણે ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રૉફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું.
એમાં પહેલું નાટક ભજવાયું એ રણછોડભાઈ ઉદયરામનું ‘નળ-દમયંતી નાટક. આ નાટક જોવા માટે હિન્દુ સ્ત્રીઓ બહુ મોટી સંખ્યામાં આવવા લાગી. પણ સાથે આવેલાં બાળકો રડતાં ત્યારે ઍક્ટરોને અને બીજા પ્રેક્ષકોને ખલેલ પડતી. એટલે કેટલાક ભાગીદારો કહે કે સાથે બાળકોને લાવવાની મનાઈ ફરમાવીએ. પણ કાબરાજીએ જુદો રસ્તો લીધો. પહેલું તો બપોરે ખાસ ‘જનાના ખેલ› શરૂ કર્યો અને એ વખતે પણ થિયેટરની લૉબીમાં ઘોડિયાં મુકાવ્યાં અને એમાં સૂતેલાં બાળકોનું ધ્યાન રાખવા ખાસ માણસો રાખ્યા. એ પછી તો આ નાટકની લોકપ્રિયતા બેહદ વધી ગઈ. એટલે ત્રણ મહિના સુધી રોજેરોજ આ નાટક ભજવવું પડ્યું. ત્યાર બાદ આ જ થિયેટરમાં કાબરાજીએ કવિ નર્મદનું ‘રામજાનકીદર્શન’ નામનું નાટક કેટલાક ફેરફાર અને ઉમેરા સાથે ‘સીતાહરણ’ નામથી ૧૮૭૮માં ભજવવાનું શરૂ કર્યું. એ ખેલ વખતે ઘણા હિન્દુ પ્રેક્ષકો ઊભા થઈને રામ-સીતાનાં પાત્રો ભજવનાર નટોને નમન કરતા. નાટકોને સફળ બનાવવા કાબરાજી જાતજાતના નુસખા અજમાવતા. ક્યારેક જીવણજી મહારાજ કે પંડિત ગટ્ટુલાલ ધ્રુવને નાટકની શરૂઆતમાં ભાષણ કરવા આમંત્રણ આપતા. તો બીજી બાજુ પોતાનાં નાટકો જોવા તેમણે મુંબઈના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલ, ઓનરેબલ મિસ્ટર એશબર્નર, ઓનરેબલ મિસ્ટર ગિબ્સ, મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરો, લશ્કરી અફસરો અને નામાંકિત વેપારીઓને પણ બોલાવ્યા હતા. ગ્રેટ બ્રિટનના રાષ્ટ્રગીતનો સમગેય તરજુમો કાબરાજીએ પોતે કર્યો હતો અને બધા નટોને મૂળ ચાલમાં એ ગાતાં શીખવાડ્યું હતું. જ્યારે ખેલમાં ગવર્નર કે બીજા કોઈ બ્રિટિશ મહેમાન આવે ત્યારે નાટકને અંતે બધા નટો સ્ટેજ પરથી બ્રિટિશ રાષ્ટ્રગીત ગાતા.
તો બીજી બાજુ પોતાના, નટોના અને પોતાની નાટક કંપનીના સ્વમાનનો પણ તેઓ પૂરો ખ્યાલ રાખતા. એક વખત એક અમીરે પોતાના બંગલોમાં નાટક ભજવવા આમંત્રણ આપ્યું. બધા ખર્ચ ઉપરાંત માત્ર એક ખેલ માટે એક હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ) આપવાની ઑફર કરી. બીજા ભાગીદારો તૈયાર હતા, પણ કાબરાજીએ કહ્યું કે આપણે કંઈ મદારી નથી કે કોઈના ઘરે જઈને ખેલ કરીએ. આવું કરીએ તો ‘જેન્ટલમૅન’ ખેલાડીઓની મંડળીને અને એની મોભાદાર કમિટીને નીચાજોણું થાય. એટલે તેમણે વિનયપૂર્વક એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. થોડા વખત પછી વધુ મોટી મુશ્કેલી. નાટક ઉત્તેજક મંડળીની કમિટીના એક સભ્યને ઘરે લગ્નપ્રસંગે નાટક ભજવવા એ સભ્યે જણાવ્યું અને એ માટે ૫૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી. બીજા સભ્યોને થયું કે હવે કાબરાજી બરાબરના ફસાયા છે. પણ કાબરાજીએ દલીલો કરીને બીજા સભ્યોને પોતાની સાથે લઈ લીધા અને આ આમંત્રણ પણ સ્વીકાર્યું નહીં.
પોતાનાં નાટકો લઈ કાબરાજી મુંબઈ બહાર પણ અવારનવાર જતા. એ વખતના ઘણાખરા નાટક-લેખકોની જેમ રણછોડભાઈ ધંધાદારી નાટ્યકાર નહોતા. વ્યવસાયે તેઓ ગુજરાત-સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોના મુંબઈ ખાતેના એજન્ટ તરીકે કામ કરતા. એટલે તેમની ઓળખાણોનો લાભ લઈને કાબરાજી ‘હરિશ્ચન્દ્ર’ નાટક લઈને ૧૮૭૬-૧૮૭૭ના અરસામાં ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હોય એ શક્ય છે. અને એ પ્રવાસ દરમ્યાન આ નાટક રાજકોટમાં ભજવ્યું હોય. એટલે સાત-આઠ વરસની ઉંમરે ગાંધીજીએ જે નાટક જોયેલું એ રણછોડભાઈ અને કાબરાજીનું આ નાટક હોઈ શકે.
૧૮૭૦માં વિક્ટોરિયા નાટક મંડળીએ વિક્ટોરિયા નામનું જે થિયેટર બંધાવેલું એ ક્યાં આવ્યું હતું? આ લખનારના અંગત સંગ્રહમાં ૧૮૯૩માં છપાયેલો મુંબઈ શહેરનો એક નકશો છે (કૉન્સ્ટેબલ્સ હૅન્ડ ઍટલસ ઑફ ઇન્ડિયા, પાનું ૪૦) એમાં ખેતવાડી બૅક રોડ અને ફોકલૅન્ડ રોડની વચ્ચેની એક ગલીમાં આ થિયેટરનું લોકેશન બતાવ્યું છે. ૧૮૫૩ના અરસામાં જગન્નાથ શંકરશેટે બંધાવેલા ‘ગ્રાન્ટ રોડ થિયેટર’નું લોકેશન પણ એમાં બતાવ્યું છે. વી.ટી. સ્ટેશનના ઉત્તર દિશાના છેડાની સામે (આજે જ્યાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ઇમારત છે ત્યાં) પણ એક થિયેટરનું લોકેશન બતાવ્યું છે, પણ એનું નામ આપ્યું નથી. અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ઑફિસનું લોકેશન એલ્ફિન્સ્ટન (આજનું હૉર્નિમન) સર્કલ પર આજે જ્યાં મુંબઈ સમાચારનું મકાન છે ત્યાં બતાવ્યું છે.
રાજા હરિશ્ચન્દ્રના નાટક વિશેની આજની વાત એ જમાનાનાં નાટકોની જેમ લાંબી થઈ ગઈ. હવે આવતા શનિવારે એમના પર બનેલી ફિલ્લમની વાત. અને હા, શહેનશાહ પાંચમા જ્યૉર્જ અને રાજા હરિશ્ચન્દ્ર વચ્ચેના સંબંધની વાત પણ બાકી છે. પણ ગમેતેવો માંધાતા ભૂપ પણ અમરપટો લખાવીને સિંહાસન પર નથી બેસતો. ‘હરિશ્ચન્દ્ર’ નાટકની ગરબીની પહેલી પંક્તિઓ યાદ આવે છે:

થીર ઠરીને કોઈ આ ઠામ રે નથી રહેવાનું,
કરી લો કાંઈ રૂડું કામ, રહેશે કહેવાનું

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK