આને કારણે વિસ્તારના રહેવાસીઓને ગંદી વાસ અને મચ્છરોનો ત્રાસ : નગરસેવિકા બીના દોશીને કરેલી ફરિયાદો પર કોઈ પગલાં લેવાયા નથી
બોરીવલી-વેસ્ટમાં કાનજી સ્વામી માર્ગ (સોનીવાડી)માં છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં આવેલી મોટા ભાગની ગટરનાં ઢાંકણાં તૂટેલાં છે તેમ જ સુધરાઈ દ્વારા મહિનાઓ પહેલાં ગટર સાફ કરવામાં આવી હતી અને એની ગંદકી બહાર મૂકી દેવામાં આવી છે એ પણ એમની એમ પડી છે. એટલું જ નહીં, અહી ઘણા વખતથી ભંગાર જેવો ટેમ્પો પડી રહ્યો છે. એને પણ ખસેડવામાં આવ્યો નથી. જોકે સૌથી વધુ સોનીવાડીમાં આવેલી અંજના, પારસનાથ, બાલારામ, દર્શન, વૈશાલી, વિશાલ વન, ટૂ અને થ્રી, બદરીનાથ, કેદારનાથ, ગોકુલ, ઓમ શ્રી વગેરે કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓને સોસાયટીની બહારની ગટરનાં તૂટેલાં ઢાંકણાંને કારણે ગટરની ગંદી વાસ, મચ્છરો વગેરેનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારમાં રહેતા વિરલ ગોરડિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘તૂટેલી ગટરને કારણે અમારા વિસ્તારમાં મચ્છરોના ત્રાસ વધી ગયો છે. અમારા વિસ્તારથી પસાર થતા ઘણા બહારના લોકો એનો કચરાપેટીની જેમ ઉપયોગ કરે છે. રોડ બાજુની ખુલ્લી ગટરમાં લોકો નકામો કચરો ફેંકી દે છે, જેને કારણે સોસાયટીની ગટરો જૅમ થઈ જાય છે.’
અન્ય રહેવાસી નીલ દેસાઈએ કહ્યું હતું કે ‘ખુલ્લી ગટરને કારણે ઘરનાં વેહિકલ પાર્ક કરવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. આવી જ રીતે સોસાયટીના ગેટની પાસેની ગટરનું ઢાંકણું તૂટેલું હોવાથી ઘણા લોકોની કાર ગટરમાં ફસાઈ જતી હોય છે. ગટરનાં ઢાંકણાં તૂટેલાં હોવાથી કાર ફસાઈ જવાના કિસ્સા રોજના થઈ ગયા છે.’
સોસાયટીની બહારની ગટર ખુલ્લી હોવાથી હોવાથી ગટરની ગંદી વાસ આવે છે તેમ જ નાનાં બાળકો અને સિનિયર સિટિઝનોને પડી જવાની બીક રહે છે. આ વાત કરતાં આ વિસ્તારના રહેવાથી રસેશ દોશીએ કહ્યું હતું કે ‘ગટરનાં તૂટેલાં ઢાંકણાંને કારણે ખુલ્લી ગટરની સમસ્યાથી સૌ કંટાળી ગયા છીએ.’
આ વિસ્તારના અન્ય રહેવાસી વિક્રમ પુરોહિતે કહ્યું હતું કે ‘સોસાયટીના કેટલાક સભ્યો ભેગા થઈને અમારા વૉર્ડનાં બીજેપીનાં નગરસેવિકા બીના દોશીની ઑફિસે જઈ અમારા વિસ્તારની ગટરનાં તૂટેલાં ઢાંકણાંની સમસ્યા માટે લેટર આપીને આવ્યા છે, પરંતુ હજી સુધી કોઈ ખાસ પગલાં લેવામાં આવ્યાં નથી.
બીના દોશીનું શું કહેવું છે?
આ વિસ્તારની બીજેપીની નગરસેવિકા બીના દોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેં જાતે જઈને સોનીવાડીની સમસ્યા જોઈ છે. એ માટે મેં સુધરાઈ અને સેન્ટ્રલ એજન્સીને વાત કરી છે, પરંતુ આ કામ કોઈ પોતાના માથે લેવા માગતું નથી. બધા એકબીજા પર વાત ઢોળે છે. સેન્ટ્રલ એજન્સીના સ્ટાફને મળવા અંધેરી જવું પડે છે. આથી સેન્ટ્રલ એજન્સીનો સ્ટાફ અઠવાડિયામાં એક કે બે દિવસ સુધરાઈમાં બેસે એ માટેનો પણ પત્ર લખ્યો છે. જો સુધરાઈમાં એક કે બે દિવસ સેન્ટ્રલ એજન્સીનો સ્ટાફ બેસે તો સુધરાઈ અને સેન્ટ્રલ એજન્સી બન્નેના અધિકારીઓ સાથે એકસાથે વાત થઈ શકે. જોકે હું વહેલી તકે સોનીવાડી વિસ્તારના ગટરના તૂટેલા ઢાંકણાની સમસ્યા દૂર થાય એ માટે કાર્ય કરીશ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK