પાળેલો શ્વાન ખોવાઈ જતાં ગુજરાતી પરિવારે કર્યો ભોજનનો ત્યાગ

Published: 28th July, 2012 03:34 IST

પારેખપરિવારની ૧૯ વર્ષની દીકરી નેમીએ તેને ભાઈ માની લીધો હતો : શોધી લાવનારાને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

dogy-gumશિરીષ વક્તાણિયા

બોરીવલી, તા. ૨૮

બોરીવલીમાં ગઈ કાલે પાંચ વર્ષનો પાળેલો શ્વાન રાજા ખોવાઈ જવાથી એક ગુજરાતી પરિવારનાં ૪૩ વર્ષનાં શૈલા પારેખ, ૪૮ વર્ષના જયેશ પારેખ અને તેમની ૧૯ વર્ષની પુત્રી નેમીએ ગઈ કાલે બપોરના ૧૨ વાગ્યાથી ભોજનનો ત્યાગ કર્યો છે. તેમણે નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી તેમનો પાળેલો શ્વાન ઘરે પાછો નહીં આવે ત્યાં સુધી તેઓ જમશે નહીં. તેમણે શ્વાનનું નામ રાજા પારેખ રાખ્યું હતું. જે વ્યક્તિ આ શ્વાનની ખબર આપશે તેને ૧૦,૦૦૦ રૂપિયા બક્ષિસ તરીકે આપવામાં આવશે એમ શૈલાબહેને કહ્યું હતું.

બોરીવલી (વેસ્ટ)ના સોડાવાલા લેન પર આવેલા શ્રી સાઈ ટાવરમાં સોળમા માળે રહેતાં શૈલા પારેખે તેમનો પાંચ વર્ષનો શ્વાન રાજા ખોવાઈ જતાં બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ નોંધાવી હતી. શૈલા પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે રોજની જેમ રાજા સવારના સાડાછ વાગ્યે ઘરેથી બહાર રમવા નીકળી ગયો હતો. તે બિલ્ડિંગમાં નીચે રમી રહ્યો હતો. રોજ તે રમીને ઘરે સાડાનવ વાગ્યે પાછો આવી જતો, પણ તે આવ્યો નહોતો. શોધ કરતાં તે બિલ્ડિંગમાં પણ મળ્યો નહોતો. એથી અમે બોરીવલી (વેસ્ટ)માં આવેલા ગોવિંદ નગર,  ગોરાઈ, સાંઈબાબા નગર જેવા ઘણા વિસ્તારોમાં જઈને તપાસ કરી હતી; પણ તે નહોતો મળ્યો.’

પૉમેરેનિયન નસલનો રાજા અમારા પરિવારનો મેમ્બર હતો એમ જણાવતાં શૈલાબહેને કહ્યું હતું કે ‘મને ફક્ત ૧૯ વર્ષની નેમી નામની દીકરી છે એથી રાજાને મેં પાંચ વર્ષ પહેલાં મારો દીકરો બનાવી તેને ક્રૉફર્ડ માર્કેટમાંથી ગોદ લીધો હતો. તેને રોજ હું મારા હાથેથી જમાડતી હતી. તેને ટીવીમાં કાર્ટૂન જોવાનો ખૂબ શોખ હતો. તેની હાઇટ દોઢ ફૂટની હતી. તેનો સ્વભાવ ફ્રેન્ડ્લી હતો. તે કોઈને પણ હેરાન નહોતો કરતો. ઘરમાં તેનો અલગથી એક બેડરૂમ બનાવવામાં આવ્યો હતો. પરિવારના દરેક પ્રસંગમાં તે અમારી સાથે જ રહેતો હતો. રોજ અમે તેની સાથે જ જમતાં હતાં. જ્યાં સુધી અમને તે નહીં મળે ત્યાં સુધી અમારા પરિવારના સભ્યો જમશે નહીં.’

ક્યાં જાણ કરશો?
શ્વાન રાજા મળે તો ૯૮૯૨૦ ૯૨૧૭૩ અથવા ૯૯૩૦૮ ૧૨૬૯૫ મોબાઇલ નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK