પુસ્તકથી શ્રેષ્ઠ મિત્ર બીજું કોઈ હોતું નથી

Published: Aug 08, 2020, 18:44 IST | Sanjay Raval | Mumbai

વાંચવું કે ન વાંચવું એ પછીનો પ્રશ્ન છે, પણ એક નિયમ બનાવી લો કે પુસ્તકો ખરીદશો અને એ તમારી આંખ સામે રાખશો. ખાતરી સાથે કહું છું કે આટલું કરશો તો પણ એક દિવસ વાંચતા થઈ જશો

વાંચન શું કામ મહત્ત્વનું છે? શું કામ બુદ્ધિશાળીઓ વાંચન માટે લોકોને સલાહ આપતા હોય છે અને શું કામ વારંવાર વાંચનના ફાયદાઓ વિશે કહેવામાં આવતું રહે છે એના વિશે અત્યારે આપણી વાત ચાલે છે. ગયા વીકમાં આપણે વાંચનના ફાયદા જોયા અને આ સલાહે પણ આપણે આ જ વિષય પર વાત કરવાના છીએ, પણ એ વાત શરૂ કરતાં પહેલાં મારે એક પ્રશ્ન પૂછવો છે.

એક પુસ્તકનું સર્જન કેવી રીતે થાય છે એનો તમને ખ્યાલ છે?

એક પુસ્તકના સર્જન માટે એના સર્જનકારે અઢળક સંશોધન કરવું પડે, માહિતીઓ એકઠી કરવી પડે અને એ બધી માહિતી તમારી સામે રસાળ શૈલીમાં રજૂ થાય એ માટે દિવસ-રાત એક કરીને એ બધી લખવી પડે. આ લખાયા પછી વાત કે કામ પૂરું નથી થતું. એ તૈયાર કરી લીધા પછી સર્જકે પ્રકાશક શોધવા નીકળવું પડે અને પ્રકાશકને સહમત કરવા પડે કે આ પુસ્તક અનેક રીતે ઉપયોગી છે અને એ આર્થિક રીતે પણ પ્રકાશકને લાભદાયી બનવાનું છે. આ વાત સાથે પ્રકાશક સહમત થાય એટલે તે પોતાનું કામ શરૂ કરે. સીધી સર્જકની વાત માની નથી લેવામાં આવતી. એ જે સર્જન છે એ સર્જનને તે બે-ચાર જગ્યાએ વાંચવા મોકલશે અને તેમનો મત પણ લેશે. બધી જગ્યાએથી હકારાત્મક જવાબ આવે પછી જ તે એ પુસ્તકને પ્રકાશિત કરશે અને એને માટે તે એ છાપશે અને ત્યાર પછી એનું વિમોચન થશે. બધી દુકાનો સુધી એ પહોંચી રહે એવી ગોઠવણ કરશે અને પુસ્તક બધાને સરળતાથી મળી રહે એવી વ્યવસ્થા કરશે. હવે તમે શાંતચિત્તે વિચારો કે આ જે પુસ્તક હોય એ લેખક માટે તો તેના બાળક સમાન જ થયુંને. એક લેખક, એક સર્જક એ પુસ્તક માટે કેટલું કષ્ટ ભોગવે છે અને એ પછી તેનું સર્જન પુસ્તક સ્વરૂપ પામે છે, પણ તમારી સામે પુસ્તક આવે ત્યારે તમે એની અવગણના કરો છો અને તમને મનગમતા ટીવી-પ્રોગ્રામ જોવા માટે બેસી જાઓ છો. જરા વિચાર તો કરો, મૅગી નૂડલ્સ જેમ બે મિનિટમાં બની જાય છે એમ તમારી સામે એક લેખક એક આખી નવી દુનિયા ઊભી કરી દે છે અને એ પણ માત્ર બે રૂપિયામાં. તો પછી આપણાથી એ દુનિયાને જાકારો કેવી રીતે દઈ શકાય. ન જ દેવાય, એ પુસ્તકની દુનિયાને તમારે, આપણે સૌએ અપનાવી જ લેવાય.

હવે આ જ વાતને જરા જુદી રીતે કહું તમને.

જરા વિચારો તમને કેટલી ચિંતા છે? ઘરની, બહારની, કામની, કામમાં જે સાથે છે તેની, હરીફાઈની, ઘરવાળીની, પરિવારની, જો ભણતા હો તો સ્કૂલ કે કૉલેજની અને જો ન ભણતા હો પણ બાળકો હોય તો તેના એજ્યુકેશનની, ઑફિસની અને ઘરમાં કોઈ વડીલો હોય તો તેની પણ. આ બધી ચિંતાઓ દિવસ-રાત તમારા પડછાયાની જેમ તમારી સાથે રહેવા જ સર્જા‍યેલી છે અને એ દરેકના જીવનમાં એ હોય જ છે, હોવી પણ જોઈએ, કારણ કે એનું નામ જ જીવન છે. જો એ ન હોય તો જીવનનો કોઈ અર્થ નથી, પણ હવે હું તમને મૂળ વાત કહું. તમારી આ બધી ચિંતાઓનો જવાબ તમને કેવી રીતે મળશે એના વિશે ક્યારેય વિચાર્યું છે ખરું?

હા, અત્યારે તમારા મગજમાં જે જવાબ આવ્યો છે એ સાચો છે.

વાંચન. હું પણ એ જ જવાબ આપવાનો હતો. આજની ફાસ્ટ લાઇફમાં તમારી જેટલી પણ ચિંતાઓ છે એ બધાનો જવાબ છે એક જ છે, રીડિંગ. તમને સવાલ થાય કે કઈ રીતે અને કેવી રીતે આ વાંચન મદદપ થાય તો એનો પણ જવાબ છે જ.

જેમ તમે સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજના સમયે હળવો નાસ્તો અને રાતે ડિનર કરો છો એનું શું કારણ? બહુ સીધો જવાબ છે કે તમારે તમારા શરીરને ચલાવવા માટે ઈંધણ આપવું પડે. કોને ચલાવવા માટે, શરીરને, પણ મગજનું શું?

તમારા મગજમાં ખાલી લોહી પરિભ્રમણ કરે એ જ એનો ખોરાક નથી અને એવું માનતા પણ નહીં, કારણ કે એ તો મગજને તેના કામમાં કોઈ તકલીફ ન પડે એને માટેની પ્રક્રિયા થઈ, પણ એ કામની સાથોસાથ મગજ વિકસિત થાય, વધુ તેજવાન થાય અને એ વધુ પાવરધું બને એ માટે પણ કામ કરવાનું છે અને એ કામ એટલે વાંચન. વાંચન તમારા મગજનું ઈંધણ છે, ફ્યુઅલ છે અને તમારે એને સતત આપતા રહેવું પડે. તમે જેટલી નવી વાતો વાંચશો, જેટલા નવા-નવા પાઠ તમારા મગજમાં જમા કરશો એટલું જ તમારું મગજ ડેવલપ થશે. તમારી જેટલી ચિંતા છે એના નિરાકરણ કે પછી એના જવાબ શોધવા માટે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. એ બધાં જ નિરાકરણ અને એના બધા જ જવાબ તમારી પાસે જ છે, પણ એ મેળવવા માટે તમારે બસ વિચારવાની જરૂર છે અને વિચારવા માટે કે પછી સ્પષ્ટ વિચારો કરવા માટે તમારું જેટલું વધારે વાંચન હશે એટલી જ તમને આસાની રહેશે. જો વાંચન હશે તો તમારા વિચારોમાં સ્પષ્ટતા હશે, તમારી વાતમાં સ્પષ્ટતા હશે અને વાંચન હશે તો વિચારોના એકધારા ચાલુ રહેતા વંટોળ વચ્ચે તમને મદદરૂપ થાય એ વિચાર મળતાં વાર પણ નહીં લાગે, જેને લીધે જેટલી ઝડપથી ચિંતાઓ આવી હતી એટલી જ ઝડપથી એ ચાલી પણ જશે.

મારું માનો તો, દરરોજ જેટલો વાંચનનો લાભ મળે એ લઈ લેવા જેવો છો. જેટલું મળે અને જેવું મળે એ લઈ લો. જેમ આંતરડાં તમારા શરીરમાંથી સારું અને ખરાબ દૂર કરવાનું કામ કરે છે એમ મગજમાં ગયેલી વાતમાંથી સારી અને ખરાબ વાત કઈ એ તમારું મગજ નક્કી કરી લેશે અને નક્કી કરીને એ અલગ પાડવાનું કામ પણ કરી લેશે, પણ જરૂરી છે આપવું, મગજને વાંચન આપશો તો આ કામ થશે. જીવનમાં આવતી મુશ્કેલીઓ, તકલીફો અને દુખો સામે લડવા માટે તમારે માત્ર શારીરિક રીતે નહીં, પણ માનસિક રીતે પણ સક્ષમ રહેવું જરૂરી છે. જીવન કેમ જીવવું અને જીવનમાં આવતી આપત્તિઓથી દૂર કેમ રહેવું એ વાંચન થકી જ નક્કી થવાનું છે. તમે કોઈ પણ મહાન માણસનું જીવન જોઈ લેજો. તેમણે તકલીફ સામે લડવાનું બંધ નહીં કરીને માત્ર એક અલગ રસ્તો શોધ્યો અને એટલે જ તેમનું કામ થયું. આ જ કારણે તો તેઓ મહાન વિભૂતિની યાદીમાં સામેલ થયા. તેમના અને આપણામાં જો કોઈ ફરક હોય તો એક જ કે તેઓ વાંચતા અને આપણે એમાં આળસ કરી ગયા. આ ફરક દૂર થઈ શકે છે અને એ તમારા હાથમાં જ છે.

મારું માનો તો હવેથી એક નિયમ કરો કે જ્યારે પણ તમારી ખરીદી કરવા માટે જાઓ કે કોઈ તહેવાર-પ્રસંગની ખરીદી કરતા હો ત્યારે પુસ્તકોની ખરીદી પણ અચૂક કરો. કોઈને ભેટ આપવાનું થાય તો એમાં બુક્સ જ આપો. અરે, તમારે ખુદને ભેટ આપવાનું થાય તો પણ પુસ્તક જ આપો. ઘરમાં લઈ આવેલાં પુસ્તકો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે પણ વંચાશે જ અને ધારો કે તમે એ ન વાંચો તો તમારે ત્યાં આવેલા કે પછી ઘરમાં રહેલાઓ કે પછી પાડોશી કે બીજું કોઈ પણ વાંચશે ખરું. એવું પણ બનશે કે કોઈ તમને પૂછે કે આ પુસ્તકમાં શું છે ત્યારે એનો જવાબ આપવા અને શરમજનક અવસ્થામાં નહીં મુકાવા પણ તમારે એ વાંચવું પડશે. પુસ્તક તમારી એકલતાનો બેસ્ટ ફ્રેન્ડ છે. એ તમારી વાત સાંભળે છે, માને છે અને ખોટી દલીલો કરવાનું કામ પણ નથી કરતો.

પુસ્તકથી વધુ સારો મિત્ર મને તો આજ સુધી મળ્યો નથી, તમારી તમને ખબર.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK