બૉલીવુડના સિતારાઓ કારણ આપે છે કે શા માટે... નરેન્દ્ર મોદી રૉક્સ

Published: 17th September, 2012 06:38 IST(રશ્મિન શાહ)

સંજય દત્ત

નરેન્દ્ર મોદીની એક વાત મને સૌથી વધુ ગમે છે એ છે તેમનો પૉઝિટિવ અપ્રોચ. તેઓ હંમેશાં પૉઝિટિવ મેન્ટાલિટી સાથે જ વાત કરે છે. હમણાં મેં તેમનું એક સ્ટેટમેન્ટ વાંચ્યું : મારા તરફ જે કોઈ પથ્થરો ફેંકાય છે એ પથ્થરોની સીડી બનાવીને હું આગળ વધતો ગયો છું. આ સ્ટેટમેન્ટ તેમને ખરેખર લાગુ પડે છે. હું તેમને નજીકથી ઓળખું છું એટલે મને ખબર છે કે તેઓ પોતાના વિરોધીના સ્ટેટમેન્ટ નિયમિતપણે વાંચે છે અને પછી જો એ સ્ટેટમેન્ટમાંથી પોતાનામાં કંઈ સુધારો કરવાનો હોય કે કામની સ્ટાઇલમાં કોઈ ચેન્જ કરવાનો હોય તો તેઓ તરત જ કરી નાખે છે. મને લાગે છે કે આ પગલું ભરવા માટે પણ હિંમત હોવી જોઈએ.

દુનિયા આખી જાણે છે કે નરેન્દ્ર મોદી કદાચ એકમાત્ર એવા નેતા છે જે ચોવીસે કલાક કામ બાબતમાં વિચારતા રહે છે અને એમ છતાં હું તેમને જ્યારે પણ મળ્યો છું ત્યારે મને તેઓ કામના ટેન્શનમાં લાગ્યા નથી. ગુજરાતમાં ફિલ્મસિટી ડેવલપ કરવાના પ્રોજેક્ટ માટે અમે એક વખત મળ્યા ત્યારે મેં તેમને આ વાત પૂછી ત્યારે તેમણે સરસ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કામ મારો શોખ છે અને શોખનો થાક ક્યારેય લાગે નહીં.

અનુપમ ખેર

અદ્ભુત પર્સનાલિટી. હું તો કહીશ કે આ લેવલની બૌદ્ધિકતા ધરાવતી વ્યક્તિ પૉલિટિક્સમાં છે એ બહુ સારી વાત કહેવાય. હું તેમને આમ તો ઘણાં વષોર્થી ઓળખું છું, પણ અમારા વચ્ચે વધુ સારા રિલેશન ૨૦૦૭-૦૮ પછી શરૂ થયા. તેમની ઍડ્વાઇઝ પછી જ મને અમદાવાદમાં મારી ‘અનુપમ ખેર ઍક્ટિંગ સ્કૂલ’ની ફૅકલ્ટી શરૂ કરવાની ઇચ્છા થઈ અને મેં એ સ્કૂલ શરૂ કરી. તમે માનશો નહીં, બધું રેડી થયા પછી જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે સામેથી આ સ્કૂલમાં આવવાની ઇચ્છા દર્શાવી એટલે મેં તેમની પાસે જ ઓપનિંગ કરાવવાનો અવસર લઈ લીધો.

નરેન્દ્ર મોદીને અનેક વખત તેમનાં સ્ટેટમેન્ટ્સના કારણે તકલીફો પડી છે, જેનું કારણ છે તેમનો આખાબોલો સ્વભાવ. જોકે છેલ્લા દોઢબે વર્ષથી એમાં ફરક આવ્યો છે, કારણ કે હવે તે એક પૉલિટિશ્યન તરીકે સીઝન્ડ થયા છે અને હવે તે દરેક વાત ડાયરેક્ટ્લી બોલી નાખવાનું ટાળે છે; પણ એનો અર્થ એવો નથી કે તેઓ ખરાબ છે કે ખરાબ બોલે છે. મિડિયાને દરેક વાતમાં તેમનામાં ખોટ દેખાય છે, પણ ગુજરાત જઈને જુઓ તો ખબર પડે કે તેમણે કયા લેવલ પર કામ કર્યું છે. જે કામ કરવામાં વીસથી ત્રીસ વર્ષ લાગે એ કામ નરેન્દ્ર મોદીની ગવર્નમેન્ટે હાર્ડ્લી પાંચથી સાત વર્ષમાં કરીને દેખાડ્યું છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન બન્યા પહેલાં તેઓ ક્યારેય કોઈ પોસ્ટ પર નહોતા એટલે શરૂઆતનાં વષોર્માં તો તેમણે પણ ઘણું શીખવાનું અને સમજવાનું હતું, પણ હું કહીશ કે તેમણે ખંતપૂર્વક શીખવાનું કામ કર્યું અને બેથી ત્રણ જ વર્ષમાં મોદીએ ગવર્નમેન્ટનો બધો ભાર સંભાળી લીધો.

અજય દેવગન

હું તેમને લગભગ દસ વર્ષથી જાણું છું અને છેલ્લાં પાંચેક વર્ષથી તો તેમના ટચમાં પણ છું. ગુજરાતમાં શરૂ થયેલા સોલર પાર્કમાં મારો પણ એક પ્રોજેક્ટ છે એટલે એ પ્રોેજેક્ટ માટે અમારે વાતચીત કરવાનું કે રૂબરૂ મળવાનું બનતું રહે છે. મને તેમની જો કોઈ એક વાત બહુ ગમતી હોય તો એ છે તેમની ર્દીઘદૃષ્ટિ. નરેન્દ્ર મોદી આજનું નહીં પણ આવતાં બે વર્ષ પછીનું અને કેટલાક કિસ્સાઓમાં તો પાંચથી સાત વર્ષ આગળનું વિચારે છે. આ વિઝન હોવું બહુ જરૂરી છે, પણ આજકાલ કોઈ આ રીતે લાંબું વિચારીને સ્ટેપ નથી લેતા હોતા. દરેકને ટેમ્પરરી કામ થઈ જાય એમાં ઇન્ટરેસ્ટ હોય છે, પણ નરેન્દ્ર મોદીનું એવું નથી. તે કોઈ પણ કામ હાથમાં લે, એ કામને લાંબા સમયની દૃષ્ટિએ જ જુએ. બીજી કોઈ વાત શું કામ કરું, અમારા સોલર પ્રોજેક્ટની જ વાત કરું તો નરેન્દ્ર મોદીએ જે કોઈ કમિટમેન્ટ આપ્યાં હતાં એ બધાં કમિટમેન્ટ તેમણે ટાઇમલાઇનના એક મહિના પહેલાં પૂરાં કરી દીધાં હતાં. આવી બીજા કોઈ સ્ટેટની ગવર્નમેન્ટ પાસેથી અપેક્ષા ન રાખી શકો. આ જ રીઝન છે કે આજે મોટાં ઇન્ડસ્ટિÿયલ હાઉસ ગુજરાતમાં આવવા માટે રેડી છે અને ગુજરાતમાં આવી રહ્યાં છે.

જૅકી શ્રોફ

સતાસ્થાને બેઠેલી બહુ ઓછી વ્યક્તિ તમને પોતાની લાગે. નરેન્દ્ર મોદીને આ લાગુ પડે છે. મોદી દરેક ગુજરાતીને પોતાના લાગે છે. મને તેમની એક વાત બહુ ગમે છે: ‘હું ખાતો નથી, ખાવા દેતો નથી.’ આ વાતને તેમણે માત્ર કહી નથી, પાળી પણ છે અને જો કોઈએ તેમની જાણબહાર તેમની આ વાતને ઉથાપી હોય તો તેમને સજા પણ આપી છે. હું ગુજરાતમાં બે પ્રોજેક્ટ કરી રહ્યો છું. એક રિસૉર્ટ પ્રોજેક્ટ છે અને બીજો ફિલ્મસિટીનો છે. હું એક ગુજરાતી છું એટલે આ પ્રોજેક્ટ ગુજરાતમાં નથી કરતો, ગુજરાતમાં મોદી છે એટલે આ પ્રોજેક્ટ હું ત્યાં લઈ ગયો છું. મારી જેમ જ બીજા ઇન્ડસ્ટિÿયલિસ્ટ પણ એવું જ કરી રહ્યા છે. હમણાં હું ગુજરાત હતો ત્યારે એ દિવસોમાં સુઝુકીના ચૅરમૅન પણ ગુજરાતમાં હતા. મને એક વાર તેમને મળવા મળ્યું ત્યારે તેમણે મને કૉન્ગ્રેચ્યુલેશન કહેતાં એવું કહ્યું હતું કે, ‘યુ પીપલ આર વેરી લકી, યુ હૅવ અ લીડર લાઇક મોદી.’ આવું આ દેશના કયા નેતા માટે તમને અગાઉ સાંભળવા મળ્યું?

જો એક વ્યક્તિ, એકલા હાથે આ રીતે કામ કરી બતાવે તો હવે તેમને વહેલી તકે પીએમ બનાવવા જોઈએ એવું મારું અંગત માનવું છે. આજે આપણે ગુજરાત રૉક્સ કહીએ છીએ, પણ જો મોદી પ્રાઇમ મિનિસ્ટર બનશે તો આપણે ગર્વથી ઇન્ડિયા રૉક્સ કહેતા થઈ જઈશું.

પરેશ રાવલ

એક ગુજરાતી તરીકે હું નરેન્દ્ર મોદીને સર્વશ્રેષ્ઠ નેતા માનું છું અને તેઓ છે પણ ખરા. હું આમાં કંઈ નવું નથી કહેતો, મારી જેમ લાખો-કરોડો ગુજરાતીઓ પણ નરેન્દ્ર મોદીને આદર આપે છે અને ચાહે છે. તમે માનશો નહીં પણ ગુજરાત બહારના લોકો પણ માને છે કે ગુજરાત નસીબદાર છે કે એ સ્ટેટને નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા છે. ગુજરાતની બહાર જો કોઈ મને મળે અને તેને ખબર પડે કે હું ગુજરાતી છું તો તરત જ તેના ચહેરા પર સ્માઇલ આવી જાય અને કહે કે નરેન્દ્ર મોદીવાલે ગુજરાતી ના... આવું બીજા કયા સ્ટેટમાં શક્ય છે, કહો જોઈએ?

રસ્તા બનાવવા કે બ્રિજ બનાવવાથી ખાલી વિકાસ નથી થવાનો એ તેઓ બહુ સારી રીતે જાણે છે અને એટલે જ તેમણે સમાજના છેલ્લા સ્તરના મનાતા ગરીબોના ઉથ્થાન માટે પણ કાર્યક્રમો કર્યા છે. ગુજરાતીઓ માત્ર બિઝનેસ કરનારી પ્રજા બનીને ન રહે એ માટે છેલ્લાં થોડાં વષોર્થી તેમણે સ્ર્પોટ્સ ઍક્ટિવિટી પણ વધારી દીધી. સ્ટેટના સ્ટુડન્ટ્સનું વાંચન વધે એ માટે ‘વાંચે ગુજરાત’ જેવી ઍક્ટિવિટી અને ટૂરિઝમ ડેવલપ થાય એ માટે પણ તેમણે અલગ-અલગ ઉત્સવો કર્યા. આ બધું વિઝનરી નેતા જ કરી શકે. તેમની પાસે રચનાત્મક વિચારોનો ખજાનો છે એવું કહું તો કંઈ ખોટું નથી, કારણ કે તેમણે અનેક યોજનાઓ થકી આ પુરવાર કર્યું છે.

દેશના એક રાજ્યના મુખ્ય પ્રધાન દેશનાં અન્ય રાજ્યોમાં પણ લોકચાહના ધરાવતા હોય એવું આ અગાઉ ક્યારેય બન્યું નથી. હું તો માનું કે હવે સમય આવી ગયો છે કે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા જોઈએ અને જો વિકાસ કરવો હોય, અડીખમ અને નક્કર વિકાસ કરવો હોય તો મારી દૃષ્ટિએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવ્યા સિવાય બીજો કોઈ છૂટકો પણ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK