બૉલીવુડનું સૌથી વધુ ગ્લૅમર વરલીની દહીહંડીમાં

Published: 10th August, 2012 05:54 IST

હૃતિક રોશન, અક્ષયકુમાર, ઇમરાન હાશ્મી હાજરી આપશે

 

 

 

આજે જન્માષ્ટમી નિમિત્તે મુંબઈ અને થાણેમાં યોજાનારી મોટી દહીહંડીઓને લઈને ગોવિંદાઓમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દહીહંડી સાથે આયોજકો હવે વિવિધ સામાજિક વિષયોને પણ સાંકળી લે છે. એ સિવાય હવે ગોવિંદામાં ગ્લૅમરનું તત્વ પણ ઉમેરવામાં આવે છે અને બૉલીવુડ સેલિબ્રિટીઓને લોકોનો અને ગોવિંદાઓનો ઉત્સાહ વધારવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવે છે. લાખો રૂપિયાનાં ઇનામોની ધરાવતી મુંબઈ અને થાણેમાં આયોજિત કરાયેલી મોટી દહીહંડી પર ગોવિંદાઓની આ વખતે નજર રહેશે. બૉલીવુડની હાજરીનો માપદંડ માનીએ તો વરલીના જમ્બોરી મેદાનમાં એનસીપીના વિધાનસભ્ય સચિન આહિર અને તેમનાં પત્ની સંગીતા આહિરે શ્રી સંકલ્પ પ્રિત્ાષ્ઠાન હેઠળ આયોજિત કરેલી દહીહંડી મુખ્ય છે. આ વર્ષે‍ તેમણે ૧૦ થર લગાડનાર ગોવિંદાની ટીમને ૨૫ લાખ રૂપિયા, ૯ થર લગાડનાર ટીમને ૫ાંચ લાખ રૂપિયા, ૮ થર લગાડનાર ટીમને એક લાખ રૂપિયા, ૭ થર લગાડનાર ટીમને સાત હજાર રૂપિયા અને ૬ થર લગાડનાર ગોવિંદાને છ હજાર રૂપિયાનાં ઇનામો આપવાનું નક્કી કર્યું છે. એ ઉપરાંત મહિલા ગોવિંદાઓની ટીમને ૬ થર માટે ૧૧ હજાર અને પાંચ થર માટે છ હજાર રૂપિયાનાં ઇનામો જાહેર કર્યા છે. ઉપરાંત ગોવિંદાની જે ટીમ ગુટકા, સ્ત્રીભ્રૂણહત્યા જેવા સામાજિક સંદેશા લાવશે એનો વિશેષ સત્કાર કરવામાં આવશે. આ દહીહંડીમાં બૉલીવુડના સ્ટાર્સ હૃતિક રોશન, અક્ષયકુમાર, ઇમરાન હાશ્મી, શ્વેતા તિવારી અને ગૌહર ખાન હાજરી આપશે. ઈશા દેઓલના ઓડિસી નૃત્યથી દહીહંડીના પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવશે. એ સિવાય મંત્રાલયમાં લાગેલી આગ વખતે જાનની પરવા ન કરતાં ત્રિરંગાનું રક્ષણ કરનારા સાત સરકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાને કારણે સુરક્ષાના ઉપાય માટે મેદાનની આજુબાજુ ૩૦ સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા છે અને કન્ટ્રોલ-રૂમમાંથી સતત એના દ્વારા મૉનિટરિંગ કરવામાં આવતું રહેશે. એ સિવાય આયોજન-સ્થળનો એક કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે.

 

સની લીઓની સાથે સલામત અંતર રાખી રહી છે એનસીપી

 

થાણેના એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ દ્વારા આયોજિત દહીહંડી ઉત્સવમાં ફિલ્મ ‘જિસ્મ-૨’ની અભિનેત્રી સની લીઓનીને આમંત્રણ આપવાના મુદ્દે સફાઈ આપતાં એનસીપીના પ્રવક્તા મદન બાફનાએ કહ્યું હતું કે ‘આ આમંત્રણની સાથે એનસીપીને કંઈ જ લાગતુંવળગતું નથી. સમગ્ર ઉત્સવનું આયોજન જિતેન્દ્ર આવ્હાડે પોતાની રીતે કર્યું છે. એ કોઈ એનસીપી દ્વારા આયોજિત કાર્યક્રમ નથી.

 

સુધરાઈની હૉસ્પિટલોના ડૉક્ટરો ગોવિંદાઓને થતી ઈજાઓનો અભ્યાસ કરશે

 

આજે દહીહંડી ફોડતી વખતે ઉપરથી પટકાઈને ઘાયલ થતા ગોવિંદાઓની ઈજાઓનો ૧૯ સરકારી હૉસ્પિટલોના ડૉક્ટરો અભ્યાસ કરવાના છે જેથી એ ઈજા ન થાય અને એ માટે શું સાવચેતીનાં પગલાં લઈ શકાય એ માટેની ગાઇડલાઇન્સ બહાર પાડી શકાય. સાયન હૉસ્પિટલના એક ડૉક્ટરે આ બાબતે કહ્યું હતું કે ‘દર વર્ષે‍ સંખ્યાબંધ લોકોને ઈજા થાય છે જેમને મોટા ભાગે માથામાં અથવા કરોડરજ્જુમાં વાગે છે. ઘણી વાર એવું પણ બને છે કે દહીહંડી જોઈ રહેલા લોકો પણ ઘાયલ થાય છે. ગયા વર્ષે‍ દહીહંડી વખતે સાયન હૉસ્પિટલના પ્રિવેન્ટિવ ઍન્ડ સોશ્યલ મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉક્ટરોએ એક સર્વે‍ કર્યો હતો; જેમાં સાયન, કેઈએમ અને નાયર હૉસ્પિટલમાં આવેલા દરદીઓનો સમાવેશ હતો. એમાં જાણવા મળ્યું હતું કે જો દારૂ લેવામાં આવ્યો ન હોત તો એ ઈજાઓ રોકી શકાઈ હોત.’

 

થાણે પહોંચી રેકૉર્ડ નોંધતી ટીમ

 

આ વર્ષે થાણેમાં મટકી ફોડવા માટે ગોવિંદાના નવ અને દસ થર જોવા મળે એવી શક્યતા હોવાથી લિમકા બુક ઑફ રેકૉર્ડ્સની ટીમ થાણે પહોંચી છે. આ વખતે ૧૦ થર લગાવવામાં આવે તો એ એક વિક્રમ હશે.

 

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, સીસીટીવી = ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK