સીએસટી પર એક ટ્રૉલી-બૅગમાંથી મળ્યો ૩૦ વર્ષની મહિલાનો મૃતદેહ

Published: 27th September, 2012 05:10 IST

તેના ગળા પર નિશાન મળતાં કોઈકે હત્યા કરી હોવાની પોલીસને શંકાસીએસટી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને ગઈ કાલે એક ટ્રૉલી-બૅગમાંથી ૩૦ વર્ષની એક મહિલાનું ડેડબૉડી મળી આવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે ‘ગળું દબાવીને મારી નાખવામાં આવી હોય એવાં નિશાન તેના ગળા પરથી મળી આવ્યાં હતાં. તેનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં મોકલ્યો છે. આ મહિલાની ઓળખાણ મેળવવાના પણ પોલીસ પ્રયત્ન કરી રહી છે.’

સીએસટી જીઆરપીને ગઈ કાલે એક જણે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે સીએસટીથી બહારગામ જનારી ટ્રેનના સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર નવ પર એક અજાણી ટ્રૉલી-બૅગ પડી છે. જીઆરપીના પોલીસ-ઇન્સ્પેકટર સોમનાથ તાંબેએ કહ્યું હતું કે ‘બૅગની જાણ થતાં અમે અમારી ટીમને ચકાસણી કરવા માટે પ્લૅટફૉર્મ નંબર નવ પર મોકલી હતી. ચેક કરતાં અમારા કોન્સ્ટૅબલને બૅગમાંથી લગભગ ૩૦ વર્ષની મહિલાનું ડેડબૉડી મળી આવ્યું હતું. આ મહિલાએ ભૂખરા રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને ગળું દબાવ્યું હોય એવાં નિશાન તેના ગળા પર મળી આવ્યાં હતાં. આ મહિલાના ગળા પરનાં નિશાન અને ડેડબૉડીને જોતાં લાગે છે કે તેની મંગળવારે હત્યા કરવામાં આવી હોઈ શકે.’ 

લાલ રંગની ટ્રૉલી-બૅગ મળી એના થોડા સમય પહેલાં જ પુણેથી આવતી સિંહગઢ એક્સપ્રેસ ટ્રેન પ્લૅટફૉર્મ નંબર નવ પર આવી હતી એમ જણાવીને સોમનાથ તાંબેએ કહ્યું હતું કે ‘અમને શંકા છે કે કોઈકે પુણેમાં જ આ મહિલાની હત્યા કરી તેને બૅગમાં ભરી દીધી હશે અને ત્યાર બાદ સવારે છ વાગ્યે પુણેથી મુંબઈમાં આવતી સિંહગઢ એક્સપ્રેસમાં તેનું ડેડબૉડી બૅગમાં લઈ આવ્યો હશે. સવારે દસ વાગ્યે સીએસટી આ ટ્રેન પહોંચી ત્યારે સ્ટેશન પર બૅગ છોડીને તે નાસી ગયો હોઈ શકે.’

હાલમાં પોલીસ ગુમ થયેલી દરેક મહિલાના રેકૉર્ડની વિવિધ પોલીસ-સ્ટેશનોમાં તપાસ કરી રહી છે અને મહિલાની ઓળખા મેળવવા પુણેપોલીસની પણ મદદ લઈ રહી છે.’

સીએસટી જીઆરપીના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેન્દ્ર દેશમુખે કહ્યું હતું કે ‘આ મહિલા પાસેથી કોઈ પણ ઓળખપત્ર પણ અમને નથી મળ્યું નથી. જોકે પ્લૅટફૉર્મ નંબર નવના સીસીટીવી કૅમેરાનું ફુટેજ અમારી પાસે છે. આ બૅગ કોણ અહીં મૂકી ગયું એ જાણવા સીસીટીવી કૅમેરાનું ફુટેજ અમારી મદદ કરશે. સીએસટી જીઆરપીએ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’

અગાઉના બનાવ

અગાઉ પણ સીએસટી જીઆરપી પોલીસને સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન પર એક બૅગમાં મહિલાનું ડેડબૉડી મળ્યું હતું અને આ મહિલાના પતિની ધરપકડ કરીને કેસ સૉલ્વ કરવામાં આવ્યો હતો. પોલીસને મહિલાના ડ્રેસ પર મુંબ્રાના એક ટેલરનું ઍડ્રેસ મળી આવતાં મહિલાની ઓળખ થઈ હતી. આવી જ રીતે ચર્ચગેટ સ્ટેશન પર પણ એક બૅગમાં મહિલાનું ડેડબૉડી મળ્યું હતું, જેમાં અખબારમાં ગુમ થયેલી મહિલાની જાહેરાતને કારણે તેની ઓળખ થઈ હતી અને તેને આધારે મહિલાના પતિની ધરપકડ કરવામાં આવી હતી.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK