બૉબી : જ્યારે હિન્દી સિનેમાને જવાની ફૂટી

Published: May 09, 2020, 20:15 IST | Raj Goswami | Mumbai Desk

બ્લૉકબસ્ટર : ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

બૉબી
બૉબી

મને આ કહેવાની શરમ આવે છે, પણ હું એટલો નાદાન હતો કે (બૉબી ફિલ્મ માટે બેસ્ટ ઍક્ટરનો) અવૉર્ડ ખરીદી લાવ્યો હતો. એક પીઆરઓએ મને કહ્યું કે ‘સર, ૩૦,૦૦૦ દેદો, તો આપ કો મૈં અવૉર્ડ દિલા દૂંગા.’ મને કોઈ ભરમાવી જાય એવો હું છું નહીં, પણ મેં વગરવિચાર્યે તેને પૈસા આપી દીધા હતા - રિશી કપૂર

રિશી કપૂરની સૌથી મોટી ખુશકિસ્મતી એ હતી કે પિતા રાજ કપૂરે તેને ‘બૉબી’ (૧૯૭૩) ફિલ્મથી પેશ કર્યો. એ જ ફિલ્મનો એક સૌથી મોટો રંજ પણ રહી ગયો. આ ટીનેજ રોમૅન્સ ફિલ્મ એટલી મોટી બ્લૉકબસ્ટર સાબિત થઈ કે રિશી પૂરી કારકિર્દી દરમ્યાન ૪૫ અભિનેત્રીઓ સાથે જર્સી પહેરીને નાચતો રહ્યો. રિશી કપૂરે કહ્યું કે ‘બૉબી’ તો ડિમ્પલની ફિલ્મ હતી. મને તો કશી ગતાગમ પણ નહોતી અને રાજસાહેબે કહ્યું એટલે કૅમેરા સામે ઊભો રહી ગયો, પણ ફિલ્મ એટલીબધી મોટી હિટ સાબિત થઈ ગઈ કે રિશીના મગજમાં રાઈ ભરાઈ ગઈ અને તેણે એક ગુજરાતી ફિલ્મના પીઆરઓના કહેવાથી ૩૦,૦૦૦ રૂપિયા આપીને બેસ્ટ ઍક્ટરનો ફિલ્મ અવૉર્ડ ખરીદી લીધો (જે અમિતાભ બચ્ચનને ‘ઝંજીર’ માટે મળવાનો હતો). રિશીને એનો આજીવન રંજ રહી ગયો. તેની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લા’માં તે લખે છે, ‘મને આ કહેવાની શરમ આવે છે, પણ હું એટલો નાદાન હતો કે અવૉર્ડ ખરીદી લાવ્યો હતો. પીઆરઓએ મને કહ્યું કે સર, ૩૦,૦૦૦ રૂપિયા દેદો, તો આપ કો મૈં અવૉર્ડ દિલા દૂંગા. મને કોઈ ભરમાવી જાય એવો હું છું નહીં, પણ મેં વગરવિચાર્યે તેને પૈસા આપી દીધા હતા.’
જરૂર નહોતી. ‘બૉબી’ કોઈ પણ અવૉર્ડથી મોટી ફિલ્મ હતી. તેણે રિશીની રોમૅન્ટિક હીરોની ગાડી પાટે ચડાવી દીધી, એટલું જ નહીં, આર. કે. ફિલ્મ્સનું ડૂબતું જહાજ તાર્યું અને હિન્દી સિનેમાને ટીનેજ રોમૅન્સનો એક એવો વિષય આપ્યો કે વર્ષો સુધી એવા વિષય પર અનેક ફિલ્મો બની, અનેક સ્ટાર પેદા થયા અને અનેક લોકો પૈસા કમાતા રહ્યા.
‘બૉબી’ કિશોર-કિશોરીના સામાજિક ઊંચ-નીચના ભેદભાવ સામે વિદ્રોહની ફિલ્મ હતી, અને રાજ કપૂરે પણ કચકચાવીને એ બનાવેલી. તેમની સૌથી મહત્ત્વાકાંક્ષી અને સૌથી ખર્ચાળ ‘મેરા નામ જોકર’માં જબરદસ્ત ધબડકો થયેલો. એ ફિલ્મ પિટાઈ ગઈ અને તેમને દેવું થઈ ગયું. એ તેમની પંચાવનમી ફિલ્મ અને તેમને થયું કે હીરો તરીકે રાજ કપૂરના દા’ડા પૂરા થઈ ગયા છે (‘મેરા નામ જોકર’માં તેમણે ત્રણ પ્રેમિકાઓ રાખેલી), અને આર. કે. બૅનરને જીવતું રાખવું હશે તો નવા યુવાન સ્ટારને લાવવા પડશે. રિશી કપૂર કહે છે, ‘જોકર રિલીઝ કરવા માટે અમારો સ્ટુડિયો અને બીજી સંપત્તિ ગીરવી મૂકવામાં આવી હતી અને ફિલ્મ ફ્લૉપ ગઈ. અમે ખાસા સંકટમાં હતા અને તેમણે નવવાં જ છોકરા-છોકરી સાથે ‘બૉબી’ બનાવી, જે બહુ મોટું સાહસ હતું, કારણ કે ‘જોકર’નું દેવું માથા પર જ હતું.’
કપૂરપરિવારની એક મિત્ર મુન્ની ધવને રાજ કપૂરને ડિમ્પલ કાપડિયાનું નામ સૂચવ્યું હતું. મુંબઈના ગુજરાતી બિઝનેસમૅન ચુનીભાઈ કાપડિયાનાં ચાર સંતાનોમાં સૌથી મોટી દીકરી ડિમ્પલ. ‘બૉબી’ રિલીઝ થઈ એ પહેલાંથી ફિલ્મી સામયિકોનાં ગ્લોસી પાનાંઓ પર હિરોઇન બની ગઈ હતી. તેને ઘણી ઑફર આવી હતી. ડિમ્પલનો ઇરાદો ફિલ્મમાં કામ કરવાનો નહોતો. એનું એક કારણ એ પણ હતું કે ડિમ્પલ ૧૨ વર્ષની ઉંમરથી હતી ત્યારે રક્તપિત્તમાં થાય એવા મસા તેની આંગળીઓ પર થયા હતા. સ્કૂલમાં છોકરાઓ તેની ઠેકડી ઉડાડતા હતા. ઇન ફૅક્ટ, ચુનીભાઈ ત્યારે જ તેને પરણાવી દેવાની વેતરણમાં હતા અને થયું પણ એવું. ‘બૉબી’ રિલીઝ થઈ એના ૬ મહિના પહેલાં જ એ વખતના તોતિંગ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે તેનાં લગ્ન થઈ ગયાં. ખન્ના કેમ ડિમ્પલ તરફ ઢળ્યા એ અલગ લેખનો વિષય છે, પણ ૧૨ વર્ષમાં કાકા સાથેની પરીકથાનો કરુણ અંત આવ્યો, એ પછી ૧૯૮૫માં ડિમ્પલે ‘સાગર’ ફિલ્મથી રિશી કપૂર સામે જ પુરાગમન કર્યું.
‘હું સાત દિવસ પહેલાં જ તેમના (ખન્નાના) પરિચયમાં આવી હતી’ એવું ડિમ્પલ એક ઇન્ટરવ્યુમાં કહે છે અને ઉમેરે છે, ‘અમદાવાદમાં એક શો માટે અમે બન્ને ફ્લાઇટમાં સાથે હતાં. તેઓ મારી બાજુમાં જ બેઠા હતા, પણ એકેય અક્ષર બોલ્યા નહોતા. ફ્લાઇટ જેવી ઊતરવાની થઈ કે તેઓ મારી તરફ ફર્યા અને મારી આંખમાં આંખ નાખીને બોલ્યા કે મારી સાથે લગ્ન કરીશ?’ ડિમ્પલ ત્યારે ૧૬ વર્ષની હતી અને રાજેશ ૩૧ વર્ષના.
‘બૉબી’ ડિમ્પલ કાપડિયાની ફિલ્મ હતી, કારણ કે રાજ કપૂરને તેનામાં નર્ગિસ દેખાતી હતી. ફિલ્મમાં રાજ (રિશી) જ્યારે બૉબીના ઘરે જાય છે અને બૉબી લોટવાળા હાથે લટોને પસવારતી દરવાજો ખોલે છે તે દૃશ્ય હકીકતમાં રાજ કપૂર અને નર્ગિસની પહેલી મુલાકાત પરથી પ્રેરિત હતું. એટલા માટે જ રાજ કપૂરે દીકરા રિશીને એમાં લીધો હતો, જેથી દર્શકો બન્નેમાં રાજ-નર્ગિસ જોઈ શકે.
એક ઇન્ટરવ્યુમાં ડિમ્પલ કહે છે, ‘હું ૧૩ વર્ષની હતી ત્યારે રાજસા’બે મને કાસ્ટ કરી હતી. મારા પિતાને ડર હતો કે હું ફિલ્મોમાં જોડાઉં છું એવી અફવા ફેલાશે. અમે હૃષીકેશ મુખરજીની ‘ગુડ્ડી’ ફિલ્મ (જયા ભાદુરીવાળી)ની ભૂમિકા માટે ના પાડીને બેઠા હતા. રાજસા’બે મારા પિતાને કહ્યું કે મને સ્ક્રીન-ટેસ્ટ લેવા દો, પછી નક્કી કરજો. મારે આ ફિલ્મ કરવી હતી, એટલે પિતાજી માની ગયા. ડબ્બુ (રણધીર કપૂર)ની ‘કલ, આજ ઔર કલ’ ફિલ્મના સેટ પર મારી સ્ક્રીન-ટેસ્ટ લેવામાં આવી. હું મેકઅપ કરીને સેટ પર આવી, તો હું છવાઈ ગઈ. ટેસ્ટ પછી રાજસા’બે સાઉન્ડ-રેકૉર્ડિંસ્ટ અલાદીન ખાનને પૂછ્યું, ‘કૈસી લગી?’ તો ખાને કહ્યું, ‘બિસ્મિલ્લા કરો’ (કરો કંકુના), પણ અસલી મત તો કૅમેરામૅન રાધુ કરમાકરનો હતો, ‘સ્ટાર મટીરિયલ છે,’ રાધુસા’બે રાજ સ’બને ફેંસલો આપ્યો. બસ, પછી તો જોવાનું જ શું હતું!’
રાજ કપૂરે ‘બૉબી’ ની મુહૂર્ત-પાર્ટીમાં ડિમ્પલ- રિશીને મહેમાનો સમક્ષ પેશ કર્યા પછી ગાયક કલાકાર શૈલેન્દ્રને પેશ કરીને કહ્યું, ‘...અને આ આજનો સ્ટાર છે, જેનું ગીત તમે બૅકગ્રાઉન્ડમાં સાંભળી રહ્યા છો.’ રાજ કપૂરે ‘બૉબી’ પહેલાં ‘મૈં શાયર તો નહીં...’ ગીત રેકૉર્ડ કરી લીધું હતું. લક્ષ્મી-પ્યારે આરકે ફિલ્મ્સ માટે નવા હતા અને થોડા નર્વસ હતા, એટલે મોહમ્મદ રફી પાસે ગીતો ગવડાવવાના આગ્રહી હતા, પણ રાજ કપૂરે જીદ કરીને કહેલું કે હીરો-હિરોઇનની જેમ ગાયક પણ નવો જ હશે.
‘બૉબી’માં બધું જ ફ્રેશ હતું. હીરો-હિરોઇન તો નવાં હતાં જ, પણ સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ, ગાયક શૈલેન્દ્ર સિંહ અને ગીતકાર આનંદ બક્ષી પણ ‘બૉબી’થી જ આરકે સ્ટુડિયોમાં આવ્યા હતા. જેમ ‘મેરા નામ જોકર’માં બધા જ પાસા અવળા પડ્યા એમ ‘બૉબી’માં બધા પાસા સવળા પડ્યા. ડિમ્પલ અને રિશી કપૂર રાતોરાત સ્ટાર બની ગયાં. ગીતો બધાં જ સુપરહિટ. આજે સાંભળો તોય તાજાં લાગે. નડિયાદના પટેલ પરિવારમાં સાગર, મધ્ય પ્રદેશમાં જન્મેલા વિઠ્ઠલભાઈ પટેલ આમ કૉન્ગ્રેસના નેતા, પરંતુ સ્વભાવે અને શોખે કલાકાર હોવાથી થોડામાં જ સંતોષ માનીને રહી ગયા. એટલે જ એના કલાકાર દિમાગમાંથી આ શબ્દો આવેલા:
‘ના માંગું સોના-ચાંદી, ના માંગું હીરા-મોતી
યહ મેરે કિસ કામ કે,
ના માંગું બંગલાગાડી, ના માંગું ઘોડાગાડી
યહ તો હૈ બસ નામ કે...’
તેમના બાપદાદા મૂળ નડિયાદના. ચરોતરમાંથી તમાકુના ધંધાર્થે ઘણા પટેલો સાગરમાં જઈને વસેલા છે. વિઠ્ઠલભાઈ પિતા લલ્લુભાઈ અને માતા કાન્તાબહેનના વેપારી ખાનદાનમાં પેદા થયેલા. પૈસેટકે સુખી એટલે સાગરની કૉમર્સ કૉલેજમાં વિદ્યાર્થીઓની લીડરશિપ અને કવિતા બન્ને કરતા. આમાંથી બે વાત થઈ. એક તો એ કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા વિદ્યા ચરણ શુક્લની સંગતમાં આવ્યા, જે તેમને મધ્ય પ્રદેશની રાજનીતિમાં લઈ ગયા અને બીજું એ કે તેમને બુંદેલખંડની લોકબોલી અને લોકગીતોનો ખાસ્સો અભ્યાસ થઈ ગયો, જે તેમને રાજ કપૂરની ‘બૉબી’ તરફ લઈ ગયો.
રાજ કપૂરના કાયમી ગીતકાર શૈલેન્દ્રની ‘બોબી’ દરમ્યાન જ વિદાઈ થઈ. શૈલેન્દ્ર મૂળ કવિ હતા અને કવિ સંમેલનોમાં તેઓ વિઠ્ઠલભાઈને ભટકાયેલા. એમાંથી રાજ કપૂરનો પરિચય થયો. ‘હિન્દી સિનેમા ગુજરાતી મહિમા’માં ફિલ્મ ઇતિહાસકાર હરીશ રઘુવંશી લખે છે એ પ્રમાણે સાગરમાં ‘તીસરી કસમ’ના શૂટિંગમાં એ દોસ્તી મજબૂત થયેલી અને દિલ્હીમાં એક મહેફિલમાં રાજ કપૂરે વિઠ્ઠલભાઈને એક રૂપિયો આપીને ફિલ્મોમાં ગીતો લખવાની ઑફર કરેલી. વિઠ્ઠલભાઈએ સાગર ગયા પછી મન બનાવ્યું, એ દરમ્યાન રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ જબરદસ્ત પિટાઈ ગયેલી અને રાજ એમાંથી બહાર આવવાની તરકીબ શોધતા હતા. એ તરકીબ એટલે ‘બોબી.’
રાજે આ બૉબી માટે વિઠ્ઠલભાઈને એક દૃશ્ય સમજાવેલું, પણ ગીતોના શબ્દો જામતા નહોતા. હરીશ રઘુવંશી કહે છે ‘એક દિવસ હું રાજ કપૂર સાથે બેઠો હતો ત્યાં અભિનેત્રી સિમી ગરેવાલનો ફોન આવ્યો અને વાત વાતમાં રાજ કપૂરે કહ્યું, ‘દેખો સિમી, તુમ કહતી હો તો માન લેતા હૂં, મગર જૂઠ મત બોલના. જૂઠ બોલોગી તો કૌઆ કાટેગા.’ વિઠ્ઠલભાઈએ આના પરથી લખ્યું : ‘જૂઠ બોલે કૌઆ કાટે કાલે કૌએ સે ડરીયો, મૈં માઇકે ચલી જાઉંગી તુમ દેખતે રહિયો...’
બુંદેલખંડમાં આ એક જાણીતું લોકગીત છે. વિઠ્ઠલભાઈનાં પત્ની રેવાનાં છે અને વિઠ્ઠલભાઈએ પહેલી વાર આ ગીત રેવામાં પત્નીના મોઢે સાંભળેલું. ‘બોબી’ દ્વારા રાજ કપૂરનું પુનરાગમન જેટલું ધમાકેદાર હતું એટલું જ ધમાકેદાર આગમન વિઠ્ઠલભાઈનું. વિઠ્ઠલભાઈએ બીજું એક પણ ગીત ન લખ્યું હોય તો પણ ‘જૂઠ બોલે કૌઆ કાટે...’થી તેમનું એક સ્થાન નિશ્ચિત થઈ ગયેલું.
વિજય મનોહર તિવારીની કિતાબ ‘જૂઠ બોલે કૌઆ કાટે’માં વિઠ્ઠલભાઈ લખે છે, ‘ફિલ્મોમાં મેં ૪૧ ગીત લખ્યાં છે પરંતુ ‘જૂઠ બોલે કૌઆ કાટે’ ચાર દાયકા સુધી એટલું લોકપ્રિય રહ્યું કે બીજાં ગીતો વિશે ફિલ્મરસિકોને તો જવા દો, મારા નજીકના લોકોનેય બહુ ખબર નથી.’ વિઠ્ઠલભાઈએ ‘બોબી’ માટે જ એક બીજું ગીત લખેલું, ‘વો કહતે હૈં હમસે અભી ઉમર નહીં હૈ પ્યાર કી, નાદાં હૈ વો ક્યા જાને કબ કલી ખીલી બહાર કી...’ આ ગીત ‘બૉબી’માંથી કપાઈ ગયું, પણ રાજ કપૂર આ ગીત હંમેશાં ગણગણતા રહેતા. ૨પ વર્ષ પછી ગોવિંદા, કિમી કાટકરની ફિલ્મ ‘દરિયાદિલ’માં નીતિન મુકેશે આ ગીત ગાયેલું. એમાં વિઠ્ઠલભાઈનું નામ જ નહીં. ત્યારે તેઓ મધ્ય પ્રદેશના ઉદ્યોગપ્રધાન હતા અને રેડિયો પર તેમણે આ ગીત સાંભળેલું. પછીથી તેમણે કેસ-બેસ કરીને ક્રેડિટ લીધી પણ ‘બૉબી’ માટે તેમણે જે ગીત લખેલું એ જ ગીત તેમની ફિલ્મ-કારકિર્દીનું અંતિમ ગીત બની ગયું હતું.
વિઠ્ઠલભાઈએ પછીથી કહ્યું હતું, ‘ના માંગું સોના-ચાંદી, ના માંગું હીરા-મોતી...’ એ ગીત મારી પહેલી પસંદગી છે. પાંચ-સાત વર્ષ ફિલ્મોમાં સક્રિયા રહ્યા બાદ ૧૯૭૨ની આસપાસ સક્રિય રાજનીતિમાં જોડાયો ત્યારે એક ગીત લખવાના ૭૦૦૦ રૂપિયા મળતા હતા, પરંતુ ફિલ્મોમાં કરીઅરનું ખ્યાબ જોયું નહોતું. ગલૅમરસની ચકાચૌંધ મને સ્પર્શી નહીં. હું દાલ-રોટી ખાનારો, સામાન્ય માણસ છું. આ રાજ કપૂરની અસર છે. સફળતાના શિખર પર સહજ રહેવું સામાન્ય વાત નથી. હું તેમના આ ગુણ માટે કાયમ તેમનો ભક્ત રહ્યો છું.’
‘બૉબી’થી જ કિશોર-કિશોરીનો રોમૅન્સ હિન્દી ફિલ્મોમાં આવ્યો. રિશી કપૂર કહે છે એમ, ‘બૉબી’ પહેલાં ફિલ્મોમાં સ્ત્રી-પુરુષ હતાં. ‘બૉબી’ પછી છોકરા-છોકરી આવ્યાં.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK