Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાડાને વાંકે પખાલીને ડામ

પાડાને વાંકે પખાલીને ડામ

28 October, 2020 07:55 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

પાડાને વાંકે પખાલીને ડામ

ગઈ કાલે ઘાટકોપરમાં કેબલના વાયર કાપ્યા પછી ફરીથી વાયર જોડવામાં વ્યસ્ત પ્રાઇવેટ કેબલ ઑપરેટરોના માણસો.

ગઈ કાલે ઘાટકોપરમાં કેબલના વાયર કાપ્યા પછી ફરીથી વાયર જોડવામાં વ્યસ્ત પ્રાઇવેટ કેબલ ઑપરેટરોના માણસો.


ઘાટકોપર અને વિક્રોલી-વેસ્ટ એ બન્ને વિસ્તારો મહાનગરપાલિકાના જે વૉર્ડ હેઠળ આવે છે એ ‘એન’ વૉર્ડના અધિકારીઓએ છેલ્લા ૨૦ દિવસથી વધુ સમયથી ટેલિવિઝન અને ઇન્ટરનેટના વૃક્ષો સાથે તથા જમીનથી ઊંચે લટકતા વાયરને કાપવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ગઈ કાલે સવારે મહાનગરપાલિકાએ ઘાટકોપર-ઈસ્ટ અને વેસ્ટને જોડતા હવેલી બ્રિજની આસપાસના વિસ્તારોમાં કેબલના વાયર કાપવાની કાર્યવાહી કરતાં હજારો લોકોનાં ઘરના ટીવી અને ઇન્ટરનેટ કલાકો સુધી ઠપ થઈ ગયાં હતાં.
જોકે મહાનગરપાલિકાની આ કાર્યવાહીના થોડા કલાકમાં જ પ્રાઇવેટ કેબલ ઑપરેટરોએ તેમની લાઇનો પાછી જોડવાની શરૂઆત કરી હતી છતાં તેઓને જોઈતી સફળતા મળી નહોતી. એને લીધે અનેક ઑફિસનાં કામકાજ અને ઑનલાઇન ભણી રહેલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી.
દેશભરનાં શહેરો હવે કેબલના લટકતા વાયરથી મુક્ત થઈ રહ્યાં છે. ૯૦ના દાયકાથી આ વાયરને હવે જમીનની નીચે નાખવામાં આવે છે. સાઉથ મુંબઈમાં સપ્ટેમ્બર ૨૦૧૯માં અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં તૈયબ બિલ્ડિંગની આગ વખતે કેબલના લટકતા વાયરને કારણે ફાયરબ્રિગેડને ખૂબ મુશ્કેલી પડી હતી જેને પગલે મહાનગરપાલિકાએ ઇમર્જન્સી ઍક્શન તરીકે અબ્દુલ રહેમાન સ્ટ્રીટની આસપાસની નાગદેવી સ્ટ્રીટ અને મોહમ્મદ અલી રોડ પરના જમીનથી ઉપર લટકી રહેલા કબલ વાયર કાપી નાખ્યા હતા.
આવી જ કાર્યવાહી દરમ્યાન જાન્યુઆરી ૨૦૨૦માં લોઅર પરેલ, વરલી અને હાજીઅલીની આસપાસના વિસ્તારોમાંથી ‘જી’ વૉર્ડના અધિકારીઓ લટકતા અને મોટાં વેહિકલ્સને નડતરરૂપ બનતા કેબલના વાયર કાપીને હટાવી દીધા હતા.
આ બન્ને કાર્યવાહી વખતે મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે મુંબઈમાં અધ્ધર લટકતા વાયર ગેરકાયદે છે. આ વાયર હટાવવા માટે અમે ઝુંબેશ શરૂ કરી છે. ફક્ત ઇમર્જન્સી સિવાયના એક પણ વાયર હવામાં લટકતા ચલાવી લેવામાં આવશે નહીં. એ સમયે અનેક કેબલ ઑપરેટરોએ મહાનગરપાલિકા સામે લડત ચલાવી હતી.
ગઈ કાલની ઘાટકોપરમાં થયેલી કેબલના વાયર કાપવાની આડઅસરની માહિતી આપતાં હવેલી બ્રિજની બાજુમાં આવેલી ટૉય્‍સની દુકાનના માલિક પંકજ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે ડિજિટલ યુગ છે. અમારાં બિલ અને અકાઉન્ટ્સ ઇન્ટરનેટ પર ચાલે છે. અચાનક મહાનગરપાલિકાએ કેબલના વાયર કાપી નાખતાં અમારો વ્યવહાર સદંતર ખોરવાઈ ગયો છે. અમારાં સ્વાઇપ કાર્ડ મશીન પણ કામ કરતાં બંધ થઈ ગયાં છે. સૌથી વધારે મહત્ત્વની વાત તો એ છે કે આ કારણસર અમારા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અમારા મોબાઇલ પર આવતાં બંધ થઈ ગયાં છે, જે સૌથી જોખમી સાઇન છે. આનાથી દુકાનની સુરક્ષા જોખમાઈ છે.
આ તો પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવી કાર્યવાહી છે એમ જણાવતાં ઘાટકોપર-ઈસ્ટના મહાત્મા ગાંધી રોડ અને વેસ્ટમાં કામા લેનના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાએ આવી કોઈ પણ કાર્યવાહી કરતાં પહેલાં સ્થાનિક રહેવાસીઓને આ બાબતની જાણકારી આપવી જોઈએ. અત્યારે લૉકડાઉનના સમયમાં વધારેમાં વધારે લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે. અનેક સ્ટુડન્ટ્સ ઘેરબેઠાં ઑનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. અચાન કેબલના વાયર કપાઈ જવાથી અભ્યાસ અને ઑફિસનાં કામ બંધ થઈ ગયાં હતાં. એમાં કોઈ શંકા નથી કે શહેરમાં ચારે બાજુ લટકતા વાયર પક્ષીઓ માટે અને મોટાં વેહિકલ માટે ડેન્જરસ છે. અનેક વિસ્તારોમાં તો આ વાયરો જમીનથી બે ફુટ ઊંચે લટકતા હોય છે જેને લીધે બાઇકર્સ પડી જતા જોવા મળે છે. જોકે આમ છતાં મહાનગરપાલિકાએ કેબલ વાયર કાપતાં પહેલાં લોકોને તેમની કાર્યવાહીની જાણ કરવી જોઈએ અને એમાં અત્યારના સંજોગોમાં તો ખાસ.’
આ સંદર્ભે ‘એન’ વૉર્ડના ઑફિસર અજિતકુમાર આંબીને અનેક ફોન અને મેસેજ કર્યા છતાં તેમના તરફથી કોઈ સ્પષ્ટતા મળી નહોતી. તેમના અધિકારીઓ કાર્યવાહી સંબંધે એક જ જવાબ આપતા હતા, ‘ઉપર સે ઑર્ડર હૈ.’ એના સિવાય તેમની પાસે કોઈ જવાબ નહોતો.
જોકે મહાનગરપાલિકાના પ્રવક્તાએ અજિતકુમાર આંબી સાથે વાતચીત કરીને માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવામાં લટકતા કેબલ વાયર ગેરકાયદે છે. આ વાયર જમીનની અંદર નાખવા માટે અમે પરવાનગી આપીએ છીએ. અનેક ઑપરેટરોએ અમારી પાસેથી જમીનની નીચે કેબલ વાયર નાખવા માટેની પરવાનગી લીધી છે છતાં ઘાટકોપરમાં હજી અનેક કેબલ ઑપરેટરો આ વાતને ગંભીરતાથી લેતા નથી એથી અમે તેમના કેબલ વાયર કાપવાની કાર્યવાહી શરૂ કરી છે.
ઘાટકોપરના કેબલ ઑપરેટરોએ તેમનાં નામ ન છાપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં જ નહીં, મુંબઈભરમાં છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી વાયર લટકે છે. એની સામે મહાનગરપાલિકાએ ક્યારેય વિરોધ કર્યો નથી. અત્યારે પણ અમને આ બાબતની કોઈ નોટિસ આપવામાં આવી નથી, પરંતુ છેલ્લા થોડા સમયથી અમુક કૉર્પોરેટ કંપનીઓને સપૉર્ટ કરવા માટે અમારા પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈ કાલની કાર્યવાહીથી હજારો લોકોના કારોબાર પર અસર થઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 07:55 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK