Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 'વેસ્ટર્ન સબર્બ્સમાં પાણી ભરાવા માટે MMRDA અને મેટ્રો જ દોષી'

'વેસ્ટર્ન સબર્બ્સમાં પાણી ભરાવા માટે MMRDA અને મેટ્રો જ દોષી'

10 August, 2019 07:55 AM IST | મુંબઈ
પ્રાજક્તા કાસલે

'વેસ્ટર્ન સબર્બ્સમાં પાણી ભરાવા માટે MMRDA અને મેટ્રો જ દોષી'

સાંતાક્રૂઝમાં ફેકાયેલો કાટમાળ (તસવીરઃ નિમેશ દવે)

સાંતાક્રૂઝમાં ફેકાયેલો કાટમાળ (તસવીરઃ નિમેશ દવે)


શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે નાગરિકોના રોષનો સામનો મુંબઈ મહાનગરપાલિકા કરે છે, પરંતુ પાલિકાએ ગયા અઠવાડિયે ભારે વરસાદ દરમ્યાન પશ્ચિમનાં ઉપનગરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં એ બદલ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએમઆરડીએ) તેમ જ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (એમએમઆરસીએલ)નાં તંત્રોને દોષી ઠેરવ્યાં છે.

પાલિકાએ બન્ને તંત્રોને પત્ર લખીને જણાવ્યું છે કે ‘મેટ્રો-થ્રી અને સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડના વિસ્તરણના કામકાજના કાટમાળના અનેક ઠેકાણે ખડકલાને કારણે કલાનગર અને સાંતાક્રુઝના મિલન સબવે વચ્ચેના નાળામાં જળપ્રવાહ અવરોધાયો હતો. ૩.૫ કિલોમીટરનું એ નાળું વાકોલા વિસ્તારમાં પાણી ભરાવા માટે કારણભૂત બન્યું હતું. પશ્ચિમી ઉપનગરોના નાળાં-ગટરોનાં પાણીના નિકાલના મહત્ત્વના માર્ગોમાંથી એક એ નાળું છે.’



સાંતાક્રુઝ (ઈસ્ટ)માં મેટ્રો અને એમએમઆરડીએના બાંધકામના અને પાણી ભરાવાના સ્થળથી ૪૦૦ મીટર દૂરના ઘરમાં વીજળીના આંચકાથી એક મહિલા અને તેના પુત્રનાં મૃત્યુની પાર્શ્વભૂમિકામાં પાલિકાએ ઉપરોક્ત પત્ર લખ્યા છે. રવિવારે મીઠી નદીની જળસપાટી જોખમી સ્તરને પાર કરી જતાં બાંદરા અને સાંતાક્રુઝના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સાંતાક્રુઝ (ઈસ્ટ)ના ગોલીબાર નગરના રાજે સંભાજી વિદ્યાલય પાસે અસાધારણ પ્રમાણમાં પાણી ભરાયાં હતાં. એ વખતે ગોલીબાર નગરમાં ૫૦ વર્ષનાં માલા નાગમ ઘરનું બારણું ખોલતાં હતાં ત્યારે તૂટેલા ઇલેક્ટ્રિક વાયરને કારણે લોખંડના સેફ્ટી ડોરમાંથી વીજપ્રવાહ પસાર થતો હતો એથી માલા નાગમ સેફ્ટી ડોરને ચોંટી ગયાં હતાં. માલા નાગમને બચાવવાના પ્રયાસમાં તેમનો બાવીસ વર્ષનો દીકરો સંકેત પણ ડોર સાથે ચોંટી જતાં માતા-પુત્ર મૃત્યુ પામ્યાં હતાં.


એ ઘટનાને ગોલીબાર વિસ્તારમાં પાણી ભરાવા સાથે કોઈ સંબંધ ન હોવા છતાં જનતાએ મુંબઈ મહાનગરપાલિકા પર રોષ ઠાલવ્યો હતો. ઘટનાસ્થળથી ૪૦૦ મીટર દૂર એ વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. મહાનગરપાલિકાએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘એ વિસ્તારમાં ઉક્ત બન્ને તંત્રોનાં બાંધકામ ચાલે છે. એ બાંધકામના કાટમાળને લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના સમાંતર મિલન સબવેથી કલાનગર સુધી પહોંચીને મીઠી નદીમાં ભળતું નાળું ભરાઈ જતાં ગંદા પાણીને વહેવામાં અવરોધ પેદા થયા હતા.’

મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ખાર-સાંતાક્રુઝ વિસ્તારમાં વેસ્ટર્ન એકક્સપ્રેસ હાઇવે પર મેટ્રો-થ્રી (કોલાબા-બાંદરા-સીપ્ઝ)નું બાંધકામ પુરજોશમાં ચાલે છે. એ વિસ્તારમાં એમએમઆરડીએનું તંત્ર સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડનું કામ પણ ચલાવી રહ્યું છે. બાંધકામનાં બન્ને સ્થળોનો કાટમાળ નાળામાં ઠલવાય છે. બાંધકામ કરતાં તંત્રોએ એ કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસ લોકોને નુકસાન કે અકસ્માતથી બચાવવાના માર્ગદર્શન માટે રિફ્લેક્ટિવ જૅકેટ પહેરેલા સિક્યૉરિટી સ્ટાફર્સને ત્યાં ગોઠવવા ફરજિયાત છે, પરંતુ બન્ને તંત્રો એ ફરજ નિભાવવામાં નિષ્ફળ ગયાં હતાં. ઘણ‌ી વખત ખોદાયેલા ભાગમાંનું પાણી રસ્તા પર છોડવામાં આવતું હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. મેટ્રો રેલવે કૉર્પોરેશનને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનના ખોદકામનું પાણી વાકોલા નાળામાં છોડવાનો અનુરોધ અનેક વખત કરવામાં આવ્યો છે છતાં એ તંત્ર નાના નાળામાં છોડી દે છે.’


વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના નાળામાં પાણી ભરાવા માટે મેટ્રો-થ્રીનું બાંધકામ કારણભૂત નહીં હોવાનું મેટ્રો રેલ કૉર્પોરેશનના પ્રવક્તા કહે છે. ચોમાસામાં વાકોલા નદી છલકાવાને કારણે વેસ્ટર્ન એક્પ્રેસ હાઇવેના પૂર્વ ભાગમાં પાણી ભરાતાં હોવાનો એ પ્રવક્તાનો દાવો છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2019 07:55 AM IST | મુંબઈ | પ્રાજક્તા કાસલે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK