૩ દિવસમાં શું ચમત્કાર થયો કે...સોનુ સૂદની હોટેલ બીએમસીના હથોડાથી બચી

Published: Feb 13, 2020, 08:08 IST | Chetna Sadadekar | Mumbai Desk

જુહુમાંના રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સને કમર્શિયલ કરી એમાં ગેરકાયદે ઍડિશન ને ઑલ્ટરેશન કરવા સામે અપાયેલી ડિમોલિશનની નોટિસ મળ્યા પછી ગણતરીના દિવસોમાં જ બીએમસી ચીફે જરૂરી મંજૂરી આપી દીધી

સોનુ સૂદ પર હાલમાં લટકતી તલવાર હતી, પરંતુ તે બાલ બાલ બચી ગયો છે. કે-વેસ્ટ વૉર્ડ ઑફિસ દ્વારા આપવામાં આવેલી ડિમોલિશનની નોટિસના ત્રણ જ દિવસ બાદ જ તેને મ્યુનિસિપલ ચીફ દ્વારા જરૂરી પરવાનગી મળી ગઈ છે. તેણે જુહુમાં આવેલા રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સને હોટેલમાં કન્વર્ટ કરવા માટે કરેલા ગેરકાયદે ઍડિશન અને ઑલ્ટરેશન બદલ તેને ડિમોલિશનની નૉટિસ મળી હતી. સોનુ સૂદે જરૂરી પરવાનગી માટે દોઢ વર્ષ પહેલાં અરજી કરી હતી, પરંતુ કોઈ ને કોઈ કારણસર તેને પરવાનગી નહોતી મળી રહી. જોકે તેને આ વર્ષે ૭ ફેબ્રુઆરીએ પરવાનગી મળી ગઈ હતી. એ પણ ત્યારે જ્યારે લોકાયુક્તે તેના વિરુદ્ધ કોઈ જરૂરી પગલાં કેમ નથી લીધાં એવો સવાલ થયો ત્યારે. ૨૦૧૯ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ‘મિડ-ડે’એ એ સમાચાર આપ્યા હતા કે જરૂરી પરવાનગી વિરુદ્ધ ઘરને હોટેલની જેમ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. સોનુ સૂદે જ્યારે પણ પરવાનગી માટે અરજી કરી હતી ત્યારે બીએમસી દ્વારા એમાં કોઈ ને કોઈ ખામી કાઢવામાં આવી હતી. આ મામલા વિરુદ્ધ કોઈ ઍક્શન નહોતી લેવામાં આવી રહી હોવાથી ઍક્ટિવિસ્ટ ગણેશ કુસુમુલુએ લોકાયુક્તનો સંપર્ક કર્યો હતો. એથી ૧૬ જાન્યુઆરીએ કે-વેસ્ટ વૉર્ડે નોટિસ મોકલાવી હતી. ત્યાર બાદ ૧૮ જાન્યુઆરીએ બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટે સોનુની અરજીને હૅડ ઑફ ડિપાર્ટમેન્ટને મોકલાવી હતી. ૪ ફેબ્રુઆરીએ કે-વેસ્ટ વૉર્ડ ઑફિસે સોનુને એ મકાન તોડી પાડવાની નોટિસ ફટકારી હતી. જોકે ૭ ફેબ્રુઆરીએ બીએમસી ચીફે સોનુની અરજીને મંજૂરી આપી દીધી હતી.

આ વિશે વાંધો ઉઠાવતાં ગણેશ કુસુમુલુએ કહ્યું હતું કે ‘સોનુને ડિમોલિશનની નોટિસ મોકલાવ્યા બાદ અચાનક તેની અરજીને મંજૂરી આપવામાં હતી. તેને રેસિડેન્શિયલને કમર્શિયલમાં બદલવાની મંજૂરી મળી ગઈ હોય તો પણ તમે એમાં જે બદલાવ કર્યા છે એ ગેરકાનૂની છે.’

કે-વેસ્ટ વૉર્ડ ઑફિસે કહ્યું હતું કે ‘અમે તેમની કોઈ ફાઇલ તપાસી નથી કેમ કે ફાઇલ મ્યુનિસિપલ કમિશનર પાસેથી બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ પાસે ગઈ હતી. ત્યાર બાદ વૉર્ડ ઑફિસ પાસે આવે છે. અમે તેમનાં મંજૂર થયેલાં ડૉક્યુમેન્ટ્સ જોઈ લઈશું ત્યાર બાદ ડિમોલિશનની નોટિસને અમે પાછી ખેંચી લઈશું.’

આ વિશે અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વી. પી. મોટેએ કહ્યું હતું કે ‘અમે તમામ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીશું. અમારે ફરિયાદ કૅન્સલ કરવા કે પછી ડિમોલિશન કરવાનો નિર્ણય લેવા પહેલાં જરૂરી તમામ ડૉક્યુમેન્ટ્સની તપાસ કરીશું.’

હું બીએમસી સાથે સતત સંપર્કમાં હતો અને એમાં કંઈ પણ ગેરકાનૂની નથી. માત્ર પરમિશન મળવામાં મોડું થઈ રહ્યું હતું. અમારે વારંવાર અરજી કરવી પડતી હતી. મ્યુનિસિપલ કમિશનરે એક વખત મારી ઍપ્લિકેશનને મંજૂરી આપી છે તો મને નથી લાગતું કે હવે ડિમોલિશનની જરૂર પડશે. - સોનુ સૂદ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK