મુંબઈ મહાનગરપાલિકાએ વિવિધ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક બોર્ડ્સને કોરોનાના નિવારણ માટેની માર્ગદર્શિકાનું પાલન કરીને એમના શેડ્યુલ અનુસાર શહેરમાં પરીક્ષાઓ હાથ ધરવાની મંજૂરી આપી છે.
અગાઉ કોરોનાની સેકન્ડ વેવના ભયને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ ગયા મહિને સ્કૂલ-કૉલેજો ખોલવાની પ્રક્રિયા ૧૫ જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી હતી.
જોકે હવે એણે બોર્ડ્સને તેમની પરીક્ષાઓ યોજવાની પરવાનગી આપી દીધી છે, કારણ કે આમ ન કરવાથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડી શકે છે એમ બીએમસીએ મંગળવારે રાતે જાહેર કરેલા એના આદેશમાં જણાવ્યું હતું.
બોર્ડ્સને ૧૮ જાન્યુઆરીથી પરીક્ષા હાથ ધરવાની છૂટ અપાઈ છે.
આદેશ અનુસાર ઇન્ટરનૅશનલ સ્કૂલ્સ અસોસિએશન (કૅમ્બ્રિજ બોર્ડ)ના સભ્યો ૯થી ૧૨મા ધોરણની પ્રિલિમિનરી કે પ્રી-પ્લાન્ડ પરીક્ષાઓ હાથ ધરી શકે છે.