સુધરાઈના મશીને સાયનમાં કર્યો સાત કલાકનો ટ્રાફિક જૅમ

Published: 21st December, 2014 05:35 IST

સાયન હૉસ્પિટલ પાસેના ફ્લાયઓવરના ડાઇવર્ઝન પૉઇન્ટ પર પડેલા ખોદકામ કરવાના મશીન વિશે લોકોએ વહેલી સવારે પાંચ વાગ્યે ટ્રાફિક-પોલીસને જાણ કરી હતી, પણ એને સાડાબાર વાગ્યે હટાવવામાં આવ્યું : એને લીધે છેક ચૂનાભઠ્ઠી સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી
મૉન્સૂનમાં કિંગ્સ સર્કલ વિસ્તારમાં પાણી ભરાય નહીં એ માટે સુધરાઈએ સાયન-માટુંગા વચ્ચે ગાંધી માર્કેટ સામે કામ હાથ ધર્યું છે અને એ કામમાં વપરાતા ખોદકામ કરવાના એક મશીનને ગઈ કાલે વહેલી સવારે સાયન હૉસ્પિટલ સામેના ફ્લાયઓવરના ગાંધી માર્કેટ પરના ડાઇવર્ઝન પૉઇન્ટ પર પાર્ક કરી દેવાતાં આશરે સાત કલાક સુધી સાઉથ મુંબઈ તરફ જતા મોટરિસ્ટો ભારે પરેશાન થયા હતા.

જૉગિંગ પર નીકળેલા સ્થાનિક લોકોએ વહેલી સવારે પાંચ વાગ્યે આ મશીન વિશે ટ્રાફિક-પોલીસને જાણકારી આપી હતી, પણ સાડાનવ વાગ્યા સુધી કોઈએ ઘટનાસ્થળે પહોંચવાની દરકાર પણ લીધી નહોતી. ત્યાં સુધીમાં તો સાયન હૉસ્પિટલથી છેક ચૂનાભઠ્ઠી સુધી ટ્રાફિક જૅમ થયો હતો. બપોરે સાડાબાર વાગ્યે આ મશીનને હટાવવામાં આવ્યું હતું, પણ એનો એક હિસ્સો ત્યાં જ પડી રહ્યો હતો જેના કારણે ટ્રાફિકને અસર પહોંચતી હતી.

મૉન્સૂનમાં પાણી ભરાય નહીં એ માટે સાયન સર્કલ તરફ જતા રોડ પર સુધરાઈનું કામ છેલ્લા પાંચ દિવસથી ચાલુ છે અને એમાં આ મશીનનો ઉપયોગ થતો હતો. આ વિશે પોલીસે કહ્યું હતું કે ‘અમને જ્યારે ફરિયાદ મળી ત્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પણ મશીનનો માલિક નાસી છૂટ્યો હતો. એ અમારા ફોનનો જવાબ પણ આપતો નહોતો. એથી અમે સુધરાઈના રોડ-ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો ત્યારે જાણ થઈ કે મશીનનું ફ્યુઅલ ખતમ થતાં એ ખોટકાયું હતું. સુધરાઈએ ડીઝલ લઇને ડ્રાઇવર મોકલ્યો એ પછી મશીનને હટાવવામાં આવ્યું હતું.’

નવાઈની વાત એ છે કે સુધરાઈના ચીફ એન્જિનિયર (રોડ અને ટ્રાફિક) અશોક પવારને આ ઘટના વિશે કોઈ જાણકારી નહોતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK