50 કે 100?

Published: 21st February, 2021 10:34 IST | Prakash Bambhrolia | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ગાઇડલાઇન્સમાં સામાજિક, શૈક્ષણિક, એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્‌સ, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પચાસ લોકોને જ સામેલ થવાનો આદેશ છે; જ્યારે દહિસરના ‘આર’ નૉર્થ વૉર્ડે ૧૦૦ લોકોની લિમિટની નોટિસ મોકલી

કોરોનાવાઇરસથી છેલ્લા એક વર્ષથી બેહાલ બનેલા મુંબઈમાં ફરી આ મહામારીએ માથું ઊંચકતાં પાલિકાએ કોવિડને કાબૂમાં લેવા માટે નવેસરથી ગાઇડલાઇન્સ જારી કરી છે. સામાજિક, ધાર્મિક, સ્પોર્ટ્‌સ, એન્ટરટેઇનમેન્ટ, શૈક્ષણિક કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થાય તો કોરોનાનું જોખમ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો સાદાઈથી કરીને એમાં પચાસ માણસોથી વધુ લોકો હાજર ન રહે એ માટે લિમિટ નક્કી કરાઈ છે.

જોકે દહિસરના ‘આર’ નૉર્થ વૉર્ડના આરોગ્ય વિભાગ દ્વારા મૅરેજ કે બૅન્ક્વેટ હૉલને આવા કાર્યક્રમમાં ૧૦૦ લોકોની લિમિટ હોવાની નોટિસ મોકલી છે. આથી સવાલ એ છે કે લગ્ન, સગાઈ કે ઍનિવર્સરી જેવા ફંક્શનમાં ૫૦ લોકોને કે ૧૦૦ લોકોની મર્યાદા છે?

દહિસરના ‘આર’ નૉર્થ વૉર્ડના હેલ્થ વિભાગે ૧૭ ફેબ્રુઆરીએ અહીંના તમામ મૅરેજ અને બૅન્ક્વેટ હૉલને એક નોટિસ મોકલી છે, જેમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સાવચેતી રાખવાની સાથે એક સમયે હૉલમાં ૧૦૦ લોકોથી વધુ માણસો ન રહેવા જોઈએ એની તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે.

૧૦૦ લોકોની લિમિટની નોટિસની તપાસ કરીશું

મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લગ્ન સહિત તમામ સામાજિક કાર્યક્રમોમાં પચાસ લોકોની મર્યાદા નક્કી કરાઈ છે, જેની ગાઇડલાઇન્સ પહેલેથી અમલમાં છે. ‘આર’ નૉર્થ વૉર્ડ દ્વારા ૧૦૦ લોકોની લિમિટની નોટિસ કેવી રીતે મોકલાઈ એની તપાસ કરીને સુધારો કરવામાં આવશે.’

સુધારો કરીને નોટિસ ફરીથી મોકલીશું

‘આર’ નૉર્થ વૉર્ડનાં વૉર્ડ-ઑફિસર સંધ્યા નાંદેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાજિક કાર્યક્રમ માટે પચાસ લોકોની જ લિમિટ છે. સરતચૂકથી આરોગ્ય વિભાગે મૅરેજ અને બૅન્કવેટ હૉલને મોકલેલી નોટિસમાં ૧૦૦નો આંકડો લખાયો છે. આથી અમે એમાં સુધારો કરીને ફરીથી મોકલીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK