MLA નરેન્દ્ર મેહતાએ BJPના NCP સાથેના સંબંધોની પોલ ખોલી?

Published: 17th November, 2014 03:25 IST

મૅડમ, ઉપર તો સપોર્ટ કિયા હૈ, યહાં પર ક્યા પ્રૉબ્લેમ હૈ? પોતાના સન્માનનો પ્રસ્તાવ નકારવામાં આવતાં ધૂંધવાઈ ગયેલા BJPના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ મીરા-ભાઇંદર સુધરાઈમાં મેયર સામે આવું બોલી BJPના NCP સાથેના સંબંધોની પોલ ખોલી?
વરુણ સિંહ

ઔરંગાબાદમાં શનિવારે ખેડૂતોના એક કાર્યક્રમમાં હાજર રહેલા BJPના ચીફ અમિત શાહે મહારાષ્ટ્રમાં BJP સાથે શરદ પવારની પાર્ટી NCP સાથેના સંબંધો કે યુતિ બાબતે કંઈ પણ કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ મીરા-ભાઈંદરના BJPના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાએ મીરા-ભાઈંદર સુધરાઈના હાઉસમાં જાહેર કર્યું હતું કે NCPએ BJPને સપોર્ટ આપ્યો હતો.

શનિવારે જ નરેન્દ્ર મહેતાની આ જાહેરાત બાદ BJPની પરેશાની વધી ગઈ છે. પાર્ટીના સિનિયર નેતાઓને વિવિધ સ્તરેથી ફોન-કૉલ્સ મળી રહ્યા છે કે એક વિધાનસભ્ય અને ચોક્કસ એરિયાનો કોઈ તાકાતવાર નેતા આવી ગંભીર વાત હળવાશથી કેમ કરી શકે?

આખો મામલો શું છે?

નરેન્દ્ર મહેતા મીરા-ભાઈંદરના નગરસેવક છે અને તેઓ વિધાનસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમના સાથીદાર નગરસેવકોની ઇચ્છા હતી કે મેયર કૅટલિન પરેરા સુધરાઈના ગૃહમાં નરેન્દ્ર મહેતાનું સન્માન કરે. આ પ્રસ્તાવને નકારતાં મહિલા મેયર પરેરાએ જણાવ્યું હતું કે મને આ વિશે આગોતરી નોટિસ આપવામાં આવી ન હોવાથી હું નરેન્દ્ર મહેતાનું સન્માન ન કરી શકું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેયરના આવા જવાબ બાદ નરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે ઉપર (વિધાનસભામાં) તો સપોર્ટ કિયા હૈ, યહાં પર ક્યા પ્રૉબ્લેમ હૈ?

મીરા-ભાઈંદરનાં મેયર કૅટલિન પરેરા NCPનાં છે અને BJPની સરકારે વિધાનસભામાં વિશ્વાસનો મત પૉલિટિકલ ટ્રિકથી જીતીને નૈતિક પરાજય વહોરી લીધાના આક્ષેપોના બચાવમાં પાર્ટીના નેતાઓ સતત એવું કહી રહ્યા છે કે વિધાનસભામાં અમે NCPનો સપોર્ટ લીધો નહોતો અને લેવાના પણ નથી.

મેયર શું કહે છે?

નરેન્દ્ર મહેતા આવું બોલ્યા હોવાનું જણાવતાં કૅટલિન પરેરાએ કહ્યું હતું કે ‘તેમણે એવું કહ્યું હતું કે ઉપર સપોર્ટ કર્યો છે અને એ સાચું પણ છે, કેમ કે અમારી પાર્ટીના સપોર્ટથી જ દેવેન્દ્ર ફડણવીસ ચીફ મિનિસ્ટરની ખુરસી પર આરૂઢ થયા છે. જોકે વિધાનસભા અને સુધરાઈનું ગૃહ અલગ સ્થળ છે. નરેન્દ્ર મહેતાનું સન્માન કરવા સામે મને કોઈ વાંધો નથી, પરંતુ આ માટે તેમણે મેયર અને સુધરાઈના સેક્રેટરીને સાદો પત્ર તો લખવો જોઈએને? એક તો હું આવા કોઈ કાર્યક્રમ વિશે જાણતી નહોતી અને બીજું કારણ એ પણ છે કે એક સમયે નરેન્દ્ર મહેતા મેયર હતા ત્યારે તેમણે વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા મારા પપ્પા ગિલ્બર્ટ મેન્ડોન્સા કે વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયેલા સ્થાનિક નેતા મુઝફ્ફર હુસેનનું સન્માન નહોતું કર્યું.’

શિવસેનાને મળ્યો મોકો   

આ સમયે સુધરાઈના ગૃહમાં હાજર શિવસેનાના નગરસેવકોમાંથી એક જણે કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદર સુધરાઈના ગૃહમાં BJP અને NCP વચ્ચે ઉગ્ર દલીલોથી ભારે શોરબકોર થયો હતો. BJPના સભ્યો ઊછળી-ઊછળીને નરેન્દ્ર મહેતાના સન્માનની માગણી કરતા હતા અને ફ્ઘ્ભ્વાળા એનો વિરોધ કરી રહ્યા હતા. આ શોરબકોરમાં નરેન્દ્ર મહેતા મેયરને એવું કહેતા રહ્યા હતા કે મૅડમ, હવે અમને બોલવા દો; ગમે એમ પણ તમે હવે રાજ્યમાં અમારી સાથે યુતિમાં છો.’

નરેન્દ્ર મહેતાનાં આ વિધાનો દર્શાવે છે કે BJP અને NCP વચ્ચેની સાઠગાંઠ હોવાના શિવસેનાના આક્ષેપોમાં દમ છે અને વિધાનસભામાં BJPએ પવારની પાર્ટીનો સપોર્ટ લીધો હતો. આમાં નવું એટલું જ છે કે BJPના નેતાઓ હવે ખુલ્લેઆમ સ્વીકારતા થયા છે કે વિશ્વાસનો મત જીતવા રાજ્ય સરકારે પવારની પાર્ટીનો સપોર્ટ લીધો હતો.

BJPનો ખુલાસો, નરેન્દ્ર મહેતા ચૂપ

નરેન્દ્ર મહેતાની આવી કમેન્ટ બાદ પાર્ટીના સ્થાનિક યુનિટના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે BJP અને NCP વચ્ચે હવે યુતિ હોવાનું અમારા નેતાએ મેયરને કહ્યું હોય તો એ હળવા મૂડમાં કહ્યું હશે, એને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

જોકે આવી કમેન્ટ બાદ નરેન્દ્ર મહેતા ચૂપ થઈ ગયા છે. ‘મિડ-ડે’એ આ વિશે તેમની પ્રતિક્રિયા જાણવા કરેલા કૉલ્સ અને મેસેજનો તેમણે કોઈ જ પ્રતિસાદ આપ્યો નહોતો.       

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK