Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઘાડી એકદમ આગળ, પણ ભાજપ સૌથી મોટો પક્ષ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઘાડી એકદમ આગળ, પણ ભાજપ સૌથી મોટો પક્ષ

19 January, 2021 09:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઘાડી એકદમ આગળ, પણ ભાજપ સૌથી મોટો પક્ષ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના ૩૪ જિલ્લામાં આવેલી ૧૪,૨૩૪ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરાયું હતું. આમાંથી ૧૫૨૩ ગ્રામ પંચાયત નિર્વિરોધ જાહેર થતાં ૧૫ જાન્યુઆરીએ ૧૨,૭૧૧ ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટવા માટે મતદાન થયું હતું. ગઈ કાલે મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં રાજ્યમાં સત્તાધારી મહા વિકાસ આઘાડીના પક્ષો શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસે મળીને બે-તૃતિયાંશ ગ્રામ પંચાયતમાં વિજય મેળવ્યો હતો. આમ છતાં ગઈ કાલે રાત સુધીમાં સૌથી વધારે બેઠક મેળવીને ભાજપ નંબર વન પાર્ટી હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણીનાં કેટલાંક પરિણામ ચોંકાવનારાં રહ્યાં છે. જ્યાં ‍લાંબા સમયથી સત્તા હતી ત્યાં પક્ષનો પરાજય થયો છે. રાજ્યના તમામ મહત્ત્વના રાજકીય પક્ષો બીજેપી, શિવસેના, કૉન્ગ્રેસ, એનસીપી અને મનસેના મોટા નેતાઓના વિસ્તારમાં લોકોએ કોને સફળતા અપાવી છે અને કોને ઘરે બેસાડ્યા છે એ જાણીએ...



કરાડમાં બીજેપીઅે કૉન્ગ્રેસના મોટા નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણની પૅનલને કારમો પરાજય આપ્યો છે. એવી જ રીતે બીજેપીમાંથી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં આવેલા એકનાથ ખડસેની પૅનલ તેમના ગઢ ગણાતા મુક્તાઈનગર તાલુકાની સૌથી મહત્ત્વની ગ્રામ પંચાયત કોથળીમાં હારનો સામનો કરવો પડ્યો છે. સિંધુદુર્ગમાં ૯૦ ટકા ગ્રામ પંચાયત બીજેપીને પક્ષે ગઈ છે. બીજેપીઅે અહીં અેકહથ્થુ સત્તા મેળવી હોવાથી શિવસેનાની તાબામાં રહેલી અન્ય ગ્રામ પંચાયતો પણ આંચકી લેવામાં સ્થાનિક વિધાનસભ્ય નીતેશ રાણેના સમર્થકોને સફળતા મળી છે. એમએનએસના પ્રમુખે પંચાયતની ચૂંટણીમાં જોર લગાવવાની પાર્ટીના કાર્યકરોને સૂચના આપી હતી, પણ તેમનો પક્ષ યવતમાળ અને અંબરનાથ સિવાય ક્યાંય ખાતું નથી ખોલાવી શક્યો. જ્યારે આમ આદમી પાર્ટીએ એમએનએસથી સારું પ્રદર્શન કરીને લાતુર જિલ્લામાં આવેલી દાપક્યાળ ગ્રામ પંચાયત પર કબજો મેળવ્યો છે.


એશિયાની સૌથી મોટી ગ્રામ પંચાયતમાં બીજેપી

સોલાપુર જિલ્લામાં આવેલી અકલુજ ગ્રામ પંચાયત એશિયાની સૌથી મોટી અને અેક સમયની સૌથી શ્રીમંત ગ્રામ પંચાયત છે. અહીં બીજેપીના વિજયસિંહ મોહિતે-પાટીલ ગ્રુપનો વિજય થયો છે. અહીંની ૧૭ બેઠકમાંથી ૧ બિનવિરોધ જાહેર થયા બાદ બાકીની ૧૬ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સૌથી વધુ ૧૩ બેઠકમાં બીજેપીનો વિજય થયો છે.


બીજેપીના પ્રદેશાધ્યક્ષના ગામમાં શિવસેનાનો ઝંડો

બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલના ખાનાપુર ગામમાં શિવસેનાએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બાજી મારી છે. અહીં શિવસેનાને પરાજિત કરવા માટે બીજેપી, કૉન્ગ્રેસ અને અેનસીપી સાથે આવ્યા હોવા છતાં શિવસેનાનો સામનો નહોતા કરી શક્યા. ખાનાપુરની ૧૨ બેઠકમાંથી શિવસેનાને ૬, વિરોધી આઘાડીને ૩, અેનસીપીને ૨ અને કૉન્ગ્રેસને ૧ બેઠક મળી છે, જ્યારે બીજેપીને એક પણ ગ્રામ પંચાયત નથી મળી.

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2021 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK