બીજેપીપ્રમુખ નીતિન ગડકરી ગઈ કાલે વધુ એક વિવાદમાં ફસાયા હતા. રવિવારે ભોપાલમાં મહિલાઓ માટેના મૅગેઝિન ઓજસ્વિની દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન સ્વામી વિવેકાનંદ અને અન્ડરવર્લ્ડના ડૉન દાઉદ ઇબ્રાહિમની સરખામણી કરી દેતાં ભારે વિવાદ સર્જાયો હતો. ગડકરીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ‘વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમનો આઇક્યુ એકસરખો છે પણ વિવેકાનંદે તેમના આઇક્યુનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણ માટે કર્યો હતો, જ્યારે દાઉદે ગુનો આચરવા માટે બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો.’ ગડકરીના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો હતો. કૉન્ગ્રેસ સહિતના પક્ષોએ તેમના પર ટીકાનો વરસાદ વરસાવી દીધો હતો. જ્યારે બીજેપીપ્રમુખે બાદમાં તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. જાણીતા વકીલ મહેશ જેઠમલાણીએ ગઈ કાલે ગડકરીના વિરોધમાં બીજેપીની રાષ્ટ્રીય કારોબારીમાંથી રાજીનામુ આપી દીધું હતું.
બોલીને ફસાયા ગડકરી
ભોપાલમાં આપેલા વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ બાદ કૉન્ગ્રેસે ગડકરીની ટીકા કરતાં કહ્યું હતું કે આ નિવેદન બીજેપીપ્રમુખની માનસિકતા દર્શાવે છે. કૉન્ગ્રેસના પ્રવક્તા માનક અગ્રવાલે ગડકરીને તેમના નિવેદન બદલ દેશની માફી માગવાની જણાવતાં કહ્યું હતું કે બીજેપીપ્રમુખે પહેલાં પોતાનો આઇક્યુ સુધારવાની જરૂર છે. માહિતી અને પ્રસારણપ્રધાન મનીષ તિવારીએ કહ્યું હતું કે ‘બીજેપીપ્રમુખ કેવી રીતે દેશના સૌથી સન્માનનીય ધાર્મિક નેતા અને કુખ્યાત ગુનેગાર વચ્ચે સરખામણી કરી શકે છે? બીજેપીપ્રમુખે માત્ર સ્પષ્ટતા નહીં પણ માફી માગવાની જરૂર છે.’ કૉન્ગ્રેસના અન્ય એક નેતા દિગ્વિજય સિંહે આ મુદ્દે નરેન્દ્ર મોદી અને તેમના પ્રશંસકોની પ્રતિક્રિયા માગી હતી. થોડા સમય પહેલાં જ મોદીએ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદને નામે લાંબી યાત્રા યોજી હતી.
બીજેપીપ્રમુખનો ખુલાસો
ચારે તરફથી વિરોધ થતાં ગઈ કાલે ગડકરીએ પોતાના નિવેદન બદલ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મારા નિવેદનને ખોટી રીતે ટાંકવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હું માત્ર એટલું જ કહેવા માગતો હતો કે જો કોઈ વ્યક્તિ પોતાના મગજનો યોગ્ય દિશામાં ઉપયોગ કરશે તો તે સ્વામી વિવેકાનંદ બની શકે છે અને ખોટી દિશામાં ઉપયોગ કરીને દાનવ પણ બની શકે છે. મેં ક્યારેય વિવેકાનંદ અને દાઉદ વચ્ચે સરખામણી કરી નથી, મારા સ્ટેટમેન્ટને ખોટી રીતે ટાંકવામાં આવ્યું છે.
પાર્ટી ફરી ગડકરીના પડખે
ગડકરીના સ્ટેટમેન્ટને પગલે વિવાદ સર્જાયો હોવા છતાં બીજેપી તેમની પડખે રહી છે. ગઈ કાલે બીજેપીના નેતા બલબીર પુંજે પણ પાર્ટીના પ્રમુખનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમણે વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે સરખામણી કરી નથી. તેઓ માત્ર આ બન્ને વચ્ચેનો વિરોધાભાસ દર્શાવી રહ્યા હતા. બીજેપીપ્રમુખ માત્ર એટલું જ કહી રહ્યા હતા કે સત્તા, નાણાં કે બુદ્ધિનો યોગ્ય દિશામાં ઉપયોગ થાય તો એ સારાં પરિણામ લાવે છે અને ખોટી દિશામાં થાય તો તેનાથી અનિષ્ટ સર્જાય છે.
આઇક્યુ = ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,545 કેસ નોંધાયા, સક્રિય કેસ ઘટ્યા
22nd January, 2021 13:57 ISTવડા પ્રધાન મોદી બીજા તબક્કામાં મુકાવશે રસી
22nd January, 2021 13:18 IST૩૦ જાન્યુઆરીએ દેશભરમાં બે મિનિટનું મૌન રખાશે
21st January, 2021 14:40 ISTસરકાર વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ ૧૮ મહિના માટે મોકૂફ રાખવા તૈયાર
21st January, 2021 13:31 IST