ગાયોને કતલખાનામાં લઈ જવાતી હોવાની શંકાના આધારે BJPના કાર્યકરો દ્વારા ટેમ્પોની તોડફોડ

Published: 6th October, 2014 05:13 IST

મલાડ (ઈસ્ટ)ના કુરાર વિલેજ પાસેથી ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે પસાર થઈ રહેલા એક ટેમ્પોમાં એક બાઇકસવારને પ્રાણીની પૂંછડી દેખાતાં તેણે ટેમ્પો અટકાવ્યો હતો અને કુરાર પોલીસને જાણ કરી હતી.ત્યાર બાદ તપાસ કરતાં ટેમ્પોમાંથી બે ગાય મળી આવતાં એ વાતની જાણ ત્યાંથી પસાર થઈ રહેલા BJPના કાર્યકરોને થતાં તેમણે ગાયોને કતલખાનામાં લઈ જવાતી હોવાની શંકાના આધારે ડ્રાઇવર પર હુમલો કરીને ટેમ્પોની તોડફોડ કરી હતી.

આ કેસમાં કુરાર પોલીસે બાવન વર્ષના ટેમ્પો-ડ્રાઇવર વિરુદ્ધ કેસ નોંધીને તેને તાબામાં લીધો હતો તથા ગાયોને તબેલામાં કે કતલખાનામાં લઈ જવાઈ રહી હતી એ વિશે વધુ તપાસ શરૂ કરી હતી.

કુરાર વિલેજના તાનાજીનગરમાં આવેલી એક હોટેલ પાસેથી ગઈ કાલે બંધ ટેમ્પોમાં ગાયોને લઈ જતી વખતે ટેમ્પોની પાછળ જઈ રહેલા એક બાઇકસવારે ગાયની પૂંછડી ટેમ્પોની બહાર નીકળેલી જોઈ હતી ત્યારે તેને ટેમ્પોમાં કોઈક પ્રાણી હોવાની શંકા જતાં તેણે અન્ય બાઇકરોની મદદથી ટેમ્પોની આગળ જઈને બાઇક પાર્ક કરી દીધી હતી. લોકોએ ભેગા થઈ ટેમ્પોને અટકાવીને કુરાર પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘટનાસ્થળેથી ટેમ્પો-ડ્રાઇવરને તાબામાં લઈ બન્ને ગાયોને મલાડના પાંજરાપોળમાં મોકલી દીધી હતી. એ દરમ્યાન વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ત્યાંથી પસાર થઈ રહેલા BJPના કાર્યકરોને ઘટનાની જાણ થતાં તેમણે ટેમ્પોનો કાચ તોડી નાખ્યો હતો તથા ડ્રાઇવર પર હુમલો કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી.

આ વિશે કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જે. એન. કાઠેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આરોપી ગાયોને તબેલામાં લઈ જઈ રહ્યો હતો કે કતલખાનામાં એ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK