બંદરીય શહેર માંડવી પર જાણે બારેય મેઘ ખાંગા થયા હોય તેમ રવિવારે રાત્રે થયેલા સાત ઇંચ વરસાદ બાદ ગઈ કાલે પણ વધુ સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેર પર જાણે જળ હોનારત જેવી સ્થિતિ સર્જાઈ છે અને માંડવી-નલિયા ધોરી માર્ગ પર આવેલી રોયલ વિલા સોસાયટીમાં પાણી ભરાતાં એક જ પરિવારના ૧૪ જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને માંડવીના કેટલાક ખારવા યુવાનો દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. આ ઉપરાંત માંડવીના સાંજીપડી અને ભીડબજાર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જવા પામતાં જળહોનારત જેવાં દૃશ્યો સર્જાયાં છે. કચ્છના માંડવીમાં ૪.૧ ઇંચ વરસાદ માત્ર બે કલાકમાં ખાબક્યો હતો.
લાકડાબજારમાં દુકાનોમાં બેથી ત્રણ ઇંચ જેટલું પાણી ભરાતાં તેમ જ ઇલેક્ટ્રિક મોટરો અને ઇલેક્ટ્રિક રંધા જેવાં સાધનો તણાઈ જતાં લાકડાના વેપારીઓને ભારે નુકસાની ભોગવવી પડી છે. માંડવીની રૂકમાવતી નદી બારેય નાકામાંથી ધસમસતી વહી રહી હોવાનું માંડવી ચેમ્બર્સ ઑફ કૉમર્સના પ્રમુખ વાડીલાલ દોશીએ જણાવ્યું હતું. બે દિવસના ભારે વરસાદને પગલે માંડવીનું ટોપણસર તળાવ ઓગની જવા પામ્યું છે. માંડવીના લોકો મોટી સંખ્યામાં તળાવને કાંઠે ઊમટ્યા છે.
દરમ્યાન ભુજમાં હમીરસર તળાવના કેચમેન્ટસમા લક્કી ડુંગરો પરની હારમાળામાં નોંધપાત્ર વરસાદ થતાં ઐતિહાસિક હમીરસર તળાવમાં પાણી લઈ આવતા મોટા બંધમાં પાણીની ધોધમાર આવક શરૂ થતાં લોકો મોટી સંખ્યામાં મોટા બંધ અને હમીરસર તળાવ પાસેના કૃષ્ણાજી પુલ પાસે એકઠા થતાં મેળા જેવો માહોલ સર્જાવા પામ્યો છે. છેલ્લા ચાર મહિનાથી કોરોનાના હાઉથી ફફડી રહેલા જનજીવનને આ વરસાદથી રાહત મળવા પામી છે.
માંડવી અને ભુજ ઉપરાંત કચ્છના અબડાસા અને નખત્રાણા તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અબડાસાના સુથરી ગામમાં પાણી ભરાતાં લોકોને હાલાકી પડી હતી.
કચ્છી નવા વર્ષ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ભુજના હમીરસર તળાવમાં નવું પાણી આવતાં તેમ જ ટોપણસર તળાવ છલકાઈ જતાં કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા લોકોમાં ભારે આનંદ ફેલાયો હોવાનું વાડીલાલ દોશીએ ઉમેર્યું હતું.