૨૦૨૦ના નવા વર્ષનો પ્રારંભ થયો છે સાથે જ કચ્છમાં કાતિલ ઠંડીએ ભરડો લેતાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. ભુજમાં પણ નીચા તાપમાનનો પારો ૭ ડિગ્રી સુધી સરકવાથી રાજ્યનું શીત શહેર બન્યું હતું. જ્યારે નલિયા ૭.૬ ડિગ્રી સાથે બીજા નંબરે રહ્યું છે જેને પગલે કચ્છના સરહદી વિસ્તાર લખપત સહિતના વિસ્તારોમાં લોકોએ તાપણાં કરીને ઠંડીથી બચવા માટે પ્રયાસ કર્યો હતો અને ગરમ કપડાં પહેરીને ઠંડીથી રક્ષણ મેળવતા જોવા મળ્યા હતા. આગામી બેથી ત્રણ દિવસ સુધી ઠંડીનો પારો નોંધપાત્ર રીતે ઊંચો જવાની શક્યતા નહીંવત છે તેમ હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું હતું.
રાજકોટ ૮.૭ ડિગ્રી સાથે ચોથા નંબરનું ગુજરાતનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ સિવાય અમરેલીમાં ૮.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૨.૨ ડિગ્રી, અમદાવાદમાં ૧૨.૮ ડિગ્રી, ભાવનગરમાં ૧૩ ડિગ્રી, વડોદરામાં ૧૩.૩ ડિગ્રી અને સુરતમાં ૧૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
લખપત સહિત કચ્છના તાલુકા અને ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે લોકોએ ફરજિયાતપણે ગરમ કપડાં પહેરવાં પડે છે. આજે ખ્રિસ્તી નવ વર્ષના પ્રારંભે શિયાળાની કાતિલ ઠંડીને કારણે દયાપર, ઘડુલી, માતાના મઢ, પાન્ધ્રો, નારાયણ સરોવર, વર્માનગર, બરંડા સહિતના વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા માટે તાપણાં કરીને બેઠા હતા.
કાતિલ ઠંડીને કારણે દુધાળાં પશુઓમાં દૂધ ઉત્પાદનક્ષમતા ઘટી હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે, જેને પગલે તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે.
ઉત્તર ભારતના સુસવાટા મારતા પવનો ગુજરાતમાં પહોંચી રહ્યા છે ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કચ્છનું વડું મથક ભુજ ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું અને ૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે એના બાદ નલિયા ૭.૮ સાથે રાજ્યનો બીજા નંબરનો ઠંડો વિસ્તાર રહ્યો હતો. ઉપરાંત બંદરીય વિસ્તાર ન્યુ કંડલા ૧૦.૪ અને કંડલા (ઍરપોર્ટ) ૯.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.