ભાઇંદરમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને હૉલ્ટ આપવાની માગણી

Published: 11th October, 2012 07:59 IST

રેલવે પૅસેન્જર્સ અસોસિએશને આપી જોરદાર આંદોલનની ચીમકીમીરા-ભાઈંદરની અગિયાર લાખની આસપાસની વસ્તીમાં ૬૦ ટકા ગુજરાતીઓ અને મારવાડીઓ વસે છે. છેલ્લા ઘણા વખતથી મીરા-ભાઈંદરના રહેવાસીઓ આ ટ્રેનોને ભાઈંદરમાં હૉલ્ટ મળે એવી માગણી કરી રહ્યા છે. કેટલાંય અસોસિએશનો, સ્થાનિક રહેવાસીઓ, રેલવે પૅસેન્જર્સ અસોસિએશન, મીરા-ભાઈંદર દ્વારા અનેક વાર માગણી કરી હોવા છતાં રેલવેના સત્તાવાળાઓએ આ બાબતે હજી સુધી કશું નથી કર્યું. માજીવાડાની યુથ કૉન્ગ્રેસ દ્વારા ઝુંબેશ હાથ ધરીને સિગ્નેચર કૅમ્પેન પણ યોજવામાં આવ્યું હતું. આ સિગ્નેચરવાળા કાગળ રેલવેના સત્તાવાળાઓને પહોંચાડવામાં આવ્યા હતા એમ છતાં આ માગણી સામે દુર્લક્ષ સેવવામાં આવતું હોવાથી લોકો ખૂબ રોષે ભરાયેલા છે. તેથી ફરી અસોસિએશને છેલ્લો પત્ર લખીને રેલવે ર્બોડ, રેલવેપ્રધાન અને સંબંધિત બધા જ વિભાગોને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં આ માગણી પૂરી નહીં કરવામાં આવે તો મીરા-ભાઈંદરના રહેવાસીઓ અને અસોસિએશન રસ્તા પર ઊતરીને આંદોલન કરશે.

રેલવે પૅસેન્જર્સ અસોસિએશન મીરા-ભાઈંદરના અધ્યક્ષ સોહનરાજ જૈને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મીરા-ભાઈંદરમાં ગુજરાતીઓ અને મારવાડીઓની સંખ્યા ઘણી છે. આ લોકો મોટા ભાગે રાણકપુર એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ વગેરે ટ્રેનો દ્વારા પ્રવાસ કરતા હોય છે એટલે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે એ માટે રેલવેને અમે વારંવાર માગણી કરી હતી કે ગુજરાત અને રાજસ્થાનથી જે ટ્રેનો આવે છે એને ભાઈંદરમાં હૉલ્ટ આપવો જ જોઈએ જેથી પ્રવાસીઓએ બોરીવલી સુધી લાંબા ન થવું પડે. જો કોઈ પગલાં લીધાં હોત તો કદાચ પ્રિયલ શાહનો કેસ પણ બન્યો ન હોત. બોરીવલી સુધી જઈને પાછું મીરા-ભાઈંદર કે વસઈ-વિરાર ટ્રેનથી કે રિક્ષાથી આવવું બહુ ખર્ચાળ હોવા સાથે સમય પણ વેડફાય છે. બોરીવલીના રિક્ષાવાળાઓ મીરા રોડ-ભાઈંદર કે એની આગળના વિસ્તારોમાં આવતા નથી અને દહિસર ચેકનાકા સુધી જ પ્રવાસીઓને છોડે છે એટલે સામાન સાથે હોવાથી પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે  છે. વળી બોરીવલીથી સામાન અને પરિવાર સાથે લોકલ ટ્રેન પકડીને પ્રવાસ કરવો ઘણો મુશ્કેલીભર્યો હોય છે. પ્રિયલ શાહ અને તેના પરિવારવાળા પણ વસઈ રહેતા હોવાથી પાછું બોરીવલીથી વસઈ આવવું એના કરતાં તેમણે નાલાસોપારા ટ્રેન ઊભી રહી ત્યારે જ ઊતરવાનું વિચાર્યું અને તેથી પ્રિયલ પોતાનો હાથ ખોઈ બેઠી હતી. ફક્ત આ જ નહીં, આવી રીતે અવારનવાર કેટલાય કેસ બનતા જ હોય છે. હવે ટૂંક સમયમાં માગણી સ્વીકારાશે નહીં તો અમારું અસોસિએશન તેમ જ મીરા-ભાઈંદરવાસીઓ રસ્તા પર આવી આંદોલન કરશે, કેમ કે આટલાબધા પ્રયાસો અને વિનંતી કર્યા છતાં રેલવે દ્વારા કોઈ ધ્યાન જ નથી આપવામાં આવતું તેથી પ્રવાસીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.’

વધુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે ‘વારંવાર રેલવે સાથે પત્રવ્યવહાર કરતાં તેમનો એવો જવાબ આવે છે કે ભાઈંદરના પ્લૅટફૉર્મની લંબાઈ ઓછી છે તેમ જ રેલવે ર્બોડની ગાઇડલાઇન્સ પ્રમાણે ભાઈંદર સ્ટેશન ચર્ચગેટ-વિરાર સબર્બન સેક્શનમાં આવતું હોવાથી એ સ્ટેશનને હૉલ્ટ આપી શકાય એમ નથી. આ હૉલ્ટ આપવાથી સબર્બન ટ્રેનો પર અસર થઈ શકે છે અને બોરીવલી સ્ટેશનનું અંતર બહુ દૂર પણ નથી. તેથી અમે તેમને એમ પણ કહ્યું છે કે ભાઈંદરનાં પ્લૅટફૉર્મ નંબર ૫ અને ૬ પર ૧૫ ડબ્બાની ટ્રેનો પણ ઊભી રહે છે તો પછી આ એક્સપ્રેસ ટ્રેનો પાંચ મિનિટ માટે પ્લૅટફૉર્મ પર સહેલાઈથી હૉલ્ટ તો કરી જ શકે છે. આમાં રેલવેનું તો કંઈ નુકસાન થવાનું નથી, પણ લોકોને ઘણી રાહત મળશે.’Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK