ભાઈંદર : પોલીસચોકીનો દુરુપયોગ થતો હોવાથી બંધ કરાશે

Published: 22nd December, 2011 07:39 IST

ભાઇંદર-વેસ્ટમાં બનાવવામાં આવેલી આ ચોકીમાંથી લાઇટ સહિત બધું ચોરાઈ ગયું છે : અસામાજિક તત્વો માટે બન્યું આશ્રયસ્થાનભાઈંદર-વેસ્ટમાં રાધાસ્વામી સત્સંગ રોડ પરના નાગરેખ મીઠાઘર વિસ્તારમાં પોલીસોને આરામ કરવા તેમ જ બેસવાની જગ્યા માટે પોલીસ નિવારા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું, પણ આજે પોલીસો નહીં પણ ચોરો અને અસામાજિક તત્વો જ એનો ઉપયોગ કરી રહ્યાં છે.

પોલીસના બેસવા તેમ જ આરામ કરવા માટે બનાવવામાં આવેલા આ પોલીસ નિવારા કેન્દ્રમાં રહેલી મોટા ભાગની વસ્તુઓની ચોરી થઈ ગઈ છે. આ ચોકીની અંદરથી પંખાથી લઈને ટ્યુબલાઇટ અને ઇલેક્ટ્રિક ર્બોડની પણ ચોરી થઈ ગઈ છે. આમ છતાં પોલીસને આ વિશે કોઈ પણ પ્રકારની માહિતી નથી. ભાઈંદર-વેસ્ટના અંદરના વિસ્તારમાં આવેલા આ પોલીસ નિવારા કેન્દ્રનો દરવાજો અને બારીઓ હંમેશાં બંધ જોવા મળે છે. પોલીસ દ્વારા એનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ તેમના દુર્લક્ષને કારણે આ કેન્દ્રની આજે આ દુર્દશા છે. આ ઉપરાંત અંદર ગંદકી પણ એટલી જ જોવા મળે છે.

વળી આ કેન્દ્રમાં ન તો ત્યાં બેસવાની કોઈ સગવડ છે, ન તો પીવા માટે પાણી છે. બારીઓ તૂટી ગઈ હોવાથી ચોરો અને અસામાજિક તત્વો અંદર ઘૂસીને એનો ખુલ્લેઆમ ઉપયોગ કરતાં હોય છે.

પોલીસનું શું કહેવું છે?

ભાઈંદર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરે મિડ-ડે LOCALને આ સંદર્ભે કહ્યું હતું કે ‘મને આ વાતનો જરાય અંદાજ નથી, પણ આ વાતની ચોક્કસ તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં કંઈ ને કંઈ કરવામાં આવશે. ઉપરાંત સ્ટાફ ઓછો હોવાથી પોલીસ એક જગ્યાએ બેસી રહેવાથી પૅટ્રોલિંગ કરતા હોય છે એટલે આ ચોકીનો ઉપયોગ નથી થતો એ વાત સાચી છે.’

ભાઈંદર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ વડકેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વાતનો મને કોઈ અંદાજ નથી. એમ છતાં તમે અમારું આ બાબતે ધ્યાન દોર્યું છે તો હું સંબંધિત લોકોને આ વિશે જાણ કરીશ. પોલીસ દ્વારા આ ચોકીનો ઉપયોગ થતો ન હોવાથી આ વિસ્તારમાં ચાલતો સત્સંગનો કાર્યક્રમ ખતમ થયા બાદ તરત જ એને બંધ કરી દેવામાં આવશે.’

- પ્રીતિ ખુમાણ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK