ભાઇંદરના બે એમબીએ સ્ટુડન્ટ્સની ઈમાનદારી

Published: 24th November, 2012 05:56 IST

રસ્તા પરથી મળી આવેલું લાખો રૂપિયાના દાગીનાવાળું પર્સ પોલીસ-સ્ટેશને જઈને આપ્યું અને મૂળ માલિકને પહોંચાડ્યું
સોનાના ભાવ સતત વધી રહ્યા હોવા છતાં ભાઈંદરમાં રહેતા એમબીએના બે વિદ્યાર્થીઓએ રસ્તા પરથી મળેલું લાખો રૂપિયાના દાગીનાવાળું પર્સ પોલીસ-સ્ટેશનમાં જઈ પાછું આપીને એક ઈમાનદાર નાગરિક હોવાની ફરજ બજાવી હતી. આથી જ પોલીસ પણ આ બદલ તેમનું સન્માન કરવાની છે.


ભાઈંદર (ઈસ્ટ)માં આવેલી રોહિદાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટમાં એમબીએના સેકન્ડ યરમાં ભણતાં સ્ટુડન્ટ્સ શિવકુમાર શુક્લા અને સ્મિતા નડે બુધવારે સાંજે કૉલેજથી ઘરે જઈ રહ્યાં હતાં. રિક્ષા પકડતી વખતે તેમને નવઘર નાકાની આસપાસ રસ્તા પર એક પર્સ પડેલું જોવા મળ્યું હતું. તેમણે આ પર્સ લઈને જોયું તો એમાં લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હતાં. બન્ને સ્ટુડન્ટ્સ એ લઈને સીધા નવઘર પોલીસ-સ્ટેશનમાં પહોંચી ગયા અને પોલીસને એ પર્સ આપી દીધું હતું. આ પર્સમાં લાખો રૂપિયાના દાગીના હતા અને બે સ્ટુડન્ટ્સ પોલીસ-સ્ટેશનમાં એ આપવા આવ્યા એ જોઈને પોલીસને પણ નવાઈ લાગી હતી. પોલીસ તરત જ સ્ટુડન્ટ્સની સાથે એ જગ્યાએ ગઈ જ્યાંથી તેમને પર્સ મળ્યું હતું.


નવઘર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર પી. આઇ. દિનકર પિંગળેએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે કૉલેજિયનોએ પોલીસ-સ્ટેશનમાં આવીને લાખો રૂપિયાના દાગીનાવાળું પર્સ અમને આપ્યું હતું. એ પર્સમાં લાખો રૂપિયાના દાગીના અને અમુક રોકડ રકમ હતી. એ જોઈ અમને પણ નવાઈ લાગી કે આટલીબધી કિંમત ધરાવતા દાગીના કૉલેજિયન અમને આપવા આવ્યા. આ પર્સમાં લગભગ સાત તોલાનો ગળાનો નેકલેસ, ત્રણ તોલાનું મંગળસૂત્ર અને રોકડ રકમ હતાં. અમે તરત જ સ્ટુન્ડટ્સ સાથે પર્સ મળ્યું એ જગ્યાએ ગયા. અમે આજુબાજુમાં પૂછપરછ કરી રહ્યા હતા એ દરમ્યાન જ એક મહિલા ત્યાં આવી. તે રડતી-રડતી તેની વસ્તુની તપાસ કરી રહી હતી. અમે તેની પૂછપરછ કરી તો એ પર્સ તેનું હોવાની અમને ખબર પડી હતી. આ મહિલા ભાઈંદરના નવઘર ગામની રહેવાસી છે. નર્મિલા પાટીલ નામની આ મહિલા વિરારમાં રહેતા તેના સંબંધીના ઘરે જઈ રહી હતી. રિક્ષા પકડવાની ઉતાવળમાં પર્સ રસ્તા પર પડી ગયું હતું. અમે પૂરી તપાસ કર્યા બાદ પર્સ તે મહિલાને પાછું આપ્યું હતું. અમે આ સ્ટુડન્ટ્સનું થાણે ગ્રામીણના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસના હાથે સર્ટિફિકેટ આપીને સન્માન કરવાના છીએ.’


એમબીએ = માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK