Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હૅપી બર્થ-ડે મિસ્ટર બચ્ચન

હૅપી બર્થ-ડે મિસ્ટર બચ્ચન

11 October, 2020 07:24 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

હૅપી બર્થ-ડે મિસ્ટર બચ્ચન

હૅપી બર્થ-ડે મિસ્ટર બચ્ચન

હૅપી બર્થ-ડે મિસ્ટર બચ્ચન


વાત જ્યારે અમિતાભ બચ્ચનની આવે ત્યારે આપણને પહેલો વિચાર આવે કે આ એજમાં પણ તેમને થાક કેમ નહીં લાગતો હોય? છે દાદાની ઉંમરના અને એ પછી પણ તમને એવું જ લાગે જાણે તે તમારા ફ્રેન્ડ છે અને તમે વાતચીતમાં તેમને માટે તું’કારો વાપરતા હો તો જરાસરખુંય અપમાન ન લાગે. ૯૦ અને ૧૦૦ વર્ષના લોકો પણ તેમને ઓળખે અને ચાર-પાંચ વર્ષનું બચ્ચું પણ તેમને ઓળખે. ઇન્ડિયા અને એશિયા તો ઠીક, જગતનો એક પણ દેશ એવો નહીં હોય જ્યાં તેમના ફૅન ન હોય. એકધારું કામ કરતા રહેવાનું અને એ પણ કેટલાં વર્ષોથી? તેમની સાથે કામ કરવાનો અવસર પણ મને મળ્યો છે એટલે હું મારી જાતને એટલી ભાગ્યશાળી માનું છું, પણ સાથોસાથ હું કહીશ પણ ખરો કે અમિતાભ બચ્ચન આપણી પાસે હોવા એ જ આપણા સૌ માટે સૌથી મોટી નસીબવંતી વાત છે.

અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય.



આજે મહાનાયકનો બર્થ-ડે છે અને મહાનાયકના આ બર્થ-ડે પર તેમના જ એવા પૉપ્યુલર ડાયલૉગ્સની વાત કરવી છે જેણે લાઇફમાં ઘણું શીખવવાનું કામ કર્યું છે. આ એવા ડાયલૉગ્સ છે જે આજે પણ બોલાય તો તરત જ આંખ સામે અમિતાભ બચ્ચન અને કાનમાં તેમનો ઘૂંટાયેલો ઘેઘુર સ્વર પડઘા પાડવા માંડે. અનેક એવા ડાયલૉગ્સ છે બિગ બીના જે આખી લાઇફ કામ લાગે એવા છે, પણ જગ્યાને ધ્યાનમાં રાખીને આપણે અહીં તેમના અમુક જ ડાયલૉગ્સ વાપરીશું પણ એટલું યાદ રાખજો કે એ ડાયલૉગ્સે મને જેટલું શીખવ્યું છે એટલું જ તમને પણ એ શીખવી શકે છે. આમ તો તેમના અઢળક ડાયલૉગ્સ યાદગાર છે, પણ આ ૭ ડાયલૉગ્સ લાજવાબ છે અને એ સતત આપણને લાઇફ વિશે પણ સમજાવે છે. આ ૭ ડાયલૉગ વાંચીને તમે પણ આ વાત કબૂલશો, પણ એક નાનકડી વિનંતી છે, માત્ર એ વાંચીને તાળીઓ પાડવાને બદલે એને જીવનમાં ઉતારજો, એની પાછળ રહેલો ભાવાર્થ સમજજો.


મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા...

ફિલ્મ ‘દીવાર’નો આ ડાયલૉગ શીખવે છે કે લાઇફમાં ક્યારેય ઝમીર છોડીને, મોરલ છોડીને કે પછી સિદ્ધાંત છોડીને પૈસાની પાછળ ભાગતા નહીં, ક્યારેય નહીં. પૈસા તો ચોર પણ કમાઈ લે છે એટલે પૈસા કમાવા કે પછી પૈસા ભેગા કરવા એ જીવનનો હેતુ ક્યારેય ન હોવો જોઈએ. પૈસા એવી રીતે કમાવા જેમાં તમારી ખુદ્દારી અકબંધ રહે, તમારી નામના જળવાયેલી રહે અને તમારાં સપનાં પણ સાકાર થતાં રહે. ભૂલતા નહીં ક્યારેય. પૈસા જરૂરી છે, અનિવાર્ય નહીં.


હમ જહાં ખડે રહતે હૈં, લાઇન વહાં સે શુરુ હોતી હૈ

ફિલ્મ ‘કાલિયા.’ ભૂલવું નહીં ક્યારેય કે ક્ષમતા તો એવી જ બનાવવી જ્યાં તમારું મૂલ્ય હોય, તમને આદર આપનારા કે પછી તમારી વાત માનનારાઓ તમારી આસપાસ ઊભા હોય. કામ કરવાની આવી તૈયારી હશે તો તમારી સફળતાને ક્યારેય કોઈ રોકી નહીં શકે, પણ સાથોસાથ એ પણ ભૂલવું નહીં કે લાઇન પાછળ ત્યારે જ શક્ય બને જ્યારે લીડરશિપના એકેક ગુણ તમારામાં ઠાંસોઠાંસ ભર્યા હોય. માટે લીડર બનવું અને એ પણ એવા લીડર જેની પાછળ ઊભા રહેવા માટે લોકો આતુર હોય.

પગાર બઢાઓ, પંદ્રહસો મેં ઘર નહીં ચલતા, સાલા ઇમાન ક્યા ચલેગા

‘અગ્નિપથ’ ફિલ્મનો આ ડાયલૉગ એ સૌએ મનમાં રાખવાનો છે જે કોઈને અને કોઈને સૅલેરી ચૂકવે છે. ઘરમાં મેઇડને સૅલેરી ચૂકવનારાઓએ પણ આ યાદ રાખવાનું છે અને ઑફિસમાં ક્લાર્કને પેમેન્ટ આપનારાએ પણ આ યાદ રાખવાનું છે. વિજય દીનાનાથ ચૌહાણ પોલીસ-કમિશનરને આ ડાયલૉગ કહે છે. વાત હવાલદારના પગારની હતી અને એ જરા પણ ખોટી નહોતી. આ હકીકત છે. અબજોની ચોરી કરનારાઓને ચોકીદાર તો ઈમાનદાર જ જોઈએ છે, પણ માણસ ભૂલી જાય છે કે ઈમાનદારીનું મૂલ્ય સમજવું જોઈએ. તમારી આજુબાજુમાં રહેલા પ્રામાણિક અને ઈમાનદારનું મૂલ્ય સમજજો અને તેમની કદર કરજો. જ્યારે પણ આ બાબતમાં કોઈ ચૂક થાય ત્યારે ‘અગ્નિપથ’નો આ ડાયલૉગ યાદ કરી લેશો તો આંખો ખૂલી જશે.

આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં

રાજેશ ખન્ના મરી જાય છે, પણ પછી બાબુ મોશાય આ ડાયલૉગ બોલે છે ફિલ્મ ‘આનંદ’માં. વાત ખોટી પણ નથી. આનંદ મરતો નથી અને આનંદ ક્યારેય મરે નહીં. જીવનનો આનંદ લેજો, દરેક ક્ષણને માણી લેજો. જો માણવાનું ચૂકી ગયા તો અફસોસ કરવાનો વારો આવશે. બહેતર છે કે અફસોસ કરતા આનંદને યાદ કરો અને આનંદની ક્ષણોને કાયમી બનાવો. કારણ કે એ જ રહેવાની છે અને એનું જ અસ્તિત્વ અકબંધ રહેવાનું છે. આજે આપણે જાતજાતના સ્ટ્રેસ સહન કરીએ છીએ અને એ સ્ટ્રેસને લીધે આપણે જીવન જીવવાની રીત ભૂલી ગયા છીએ. જીવન એકવા ર જીવવાનું છે તો પછી જે સ્ટ્રેસ કાયમી છે એની પાછળ શું કામ આપણે સમય બરબાદ કરીએ. બહેતર છે, સ્ટ્રેસ ભૂલીને આજના આ સમયને માણી લો, એનો આનંદ ઉઠાવો.

ના શબ્દ, એક શબ્દ નહીં અપને આપ મેં એક પૂરા વાક્ય હૈ

ફિલ્મ ‘પિન્ક’માં ઍડ્વોકેટ આ ડાયલૉગ કોર્ટમાં બોલે છે. આ ડાયલૉગ લાઇફના દરેક તબક્કે ખૂબ મહત્ત્વનો છે. ના. બહુ અસરકારક આ વાત છે અને આ વાતને ખાસ કરીને યંગ જનરેશને તો મનમાં સ્ટોર કરીને રાખવાની જરૂર છે. હાથરસમાં જે ઘટના બની એ ઘટના સમયે જ મને આ ડાયલૉગ યાદ આવી ગયો હતો. ના મતલબ ના. પછી એમાં બીજી કોઈ વાત હોય જ નહીં અને બીજી કોઈ આર્ગ્યુમેન્ટને પણ એમાં કોઈ સ્થાન નથી. એક વખત ના સાંભળી લીધા પછી એ નકારને રિસ્પેક્ટ આપવો જોઈએ, પણ એવું નથી થતું. ઍસિડ-અટૅક પણ આ નકાર પછીની જ ઘટના રહી છે. ના મીન્સ ના. પ્લીઝ, આ વાત સમજી લો અને જ્યારે પણ કોઈ ના કહે ત્યારે એને રિસ્પેક્ટ સાથે સ્વીકારો.

હમારે યહાં ઘડી કી સૂઇ કૅરૅક્ટર

ડિસાઇડ કરતી હૈ

અગેઇન આ ફિલ્મ, ‘પિન્ક’. એક ફિલ્મના બે પૉપ્યુલર ડાયલૉગ ન વાપરવા એવું નક્કી કર્યું હતું અને એ પછી પણ ‘પિન્ક’નો આ ડાયલૉગ વાપર્યા વિના રહેવાતું નથી. આ ડાયલૉગ દેશના એકેક નાગરિકને સીધો લાગુ પડી રહ્યો છે. છોકરી રાતે ૧૨ વાગ્યે ઘરે આવે તો તેનું કૅરૅક્ટર ખરાબ છે એવું ધારી લેવામાં કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. બસ, ધારી લીધું, માની લીધું અને એટલે એવું જ થઈ ગયું. આપણે માનસિકતામાં ધડમૂળથી ચેન્જ કરવાનો સમય આવી ગયો છે. પેરન્ટ્સ માટે મહેનત કરતી દીકરીની મહેનતને જોવાને બદલે રાતે ૧૦ કે ૧૧ પછી પણ બહાર રહેતી દીકરીના કૅરૅક્ટર માટે નબળું વિચારનારાઓને સણસણતો તમાચો કહેવાય એવો આ ડાયલૉગ છે. આ ડાયલૉગ એ સૌએ યાદ રાખવાનો છે જે છોકરીઓ માટે તરત જ જજમેન્ટલ બને છે. કોઈને માટે ઘસાતું બોલવું એટલું જ સહેલું છે જેટલું કોઈને માટે વખાણ કરતા શબ્દો વાપરવાનું અઘરું છે. જ્યારે પણ હવે કોઈ છોકરીને મોડી ઘરે આવતી જુઓ અને મનમાં ખરાબ વિચાર આવે ત્યારે ‘પિન્ક’નો આ ડાયલૉગ યાદ કરી લેજો.

પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન

યે ઇસ ગુરુકુલ કે તીન સ્તંભ હૈ.

ફિલ્મ ‘મહોબ્બતેં’. તકલીફ આ જ વાતની છે. પરંપરાની કોઈને પડી નથી, પ્રતિષ્ઠા સાથે કોઈને સંબંધ નથી અને અનુશાસન સ્વીકારવા કોઈ રાજી નથી. અનુશાસનમાં સૌકોઈ રહે એવી ઇચ્છા છે, પણ કોઈનું અનુશાસન સ્વીકારવાની તૈયારી નથી. એવું કેવી રીતે બની શકે. બહુ ઉચિત રીતે કહેવાયું છે કે જીવનમાં પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસનનું મૂલ્ય સૌથી વધારે છે. તમે કંઈ પણ કરતા હો અને ક્યાંય પણ આગળ વધતા હો, તમારે આ ત્રણનું મૂલ્યાંકન ઓછું નથી આંકવાનું. જીવન આ ત્રણ આધાર પર ટકેલું રહે છે. જ્યારે પણ તમે આ ત્રણને ડિસ્કાઉન્ટ કરો છો ત્યારે જીવનનાં મૂલ્યો, સિદ્ધાંતો અને આદર્શને ઠેસ લાગે છે એટલે એનું સન્માન જાળવો અને પરિવાર, સોસાયટી અને તમારા અંગત જીવનની પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસનને આંખ સામે રાખીને જ આગળ વધો.

વાત થઈ હતી ૭ ડાયલૉગની પણ આઠમો આ ડાયલૉગ બોનસમાં, જે તમને સમજાવી દેશે કે ઉંમરનું જીવનમાં કશું મહત્ત્વ નથી. એ માત્ર આંકડા છે, ક્ષમતા તમારામાં હોવી જોઈએ. આ આઠમો ડાયલૉગ છે...

બુઢ્ઢા હોગા તેરા બાપ...

સાચું જ છે સર, વધતી જતી ઉંમર પણ તમારું કશું બગાડી નથી શકતી. ટચ વૂડ.

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 07:24 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK