ન ગમતા કામ સાથે કેટલા કલાક રહો છો?

Published: Apr 21, 2019, 15:43 IST | ભવ્ય ગાંધી

સૌથી વધારે કલાક પણ એવું કરવાને બદલે જો કામ ઝડપથી પૂરું કરવાનું રાખશો તો બાકી બચેલા સમયનો તમે સદ્પયોગ કરી શકશો અને સ્ટ્રેસ પણ નહીં રહે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આરંભ હૈ પ્રચંડ

મારા એક ફ્રેન્ડને હમણાં મારે મળવાનું થયું. મારો એ ફ્રેન્ડ પણ એક ઍક્ટર છે. સરસ કરીઅર છે તેની અને તેને કામ માટે ક્યારેય સ્ટ્રગલ નથી કરવી પડતી. અત્યારે તેની બહુ વિચિત્ર કહેવાય એવી પરિસ્થિતિ છે. છે એવું કે હવે એ ભાઈને ઍક્ટિંગ ગમતી નથી. ઍક્ટિંગ નથી કરવી અને શું કરવું છે એની તેને ખબર નથી. હા, ખરેખર એવું જ છે. તેની પાસે ઍક્ટિંગનાં ઘણાં અસાઇનમેન્ટ છે, જે એ પૂરાં કરે છે અને હવે તે નવું કામ નથી લેતો. તેના મનમાં બસ એક જ ગડમથલ ચાલ્યા કરે છે કે હવે કરવું શું? મેં પણ તેને એ જ પૂછયું કે તારે કરવું છે શું, તારું ડ્રીમ શું હતું, તું મોટો થઈને કરવા શું માગતો હતો? આ ત્રણેત્રણ સવાલના જવાબમાં તેનું એ જ કહેવું હતું કે તેને નાનપણથી ઍક્ટિંગ જ કરવી હતી, ઍક્ટર જ બનવું હતું, પણ હવે જ્યારે તે ઍક્ટર બની ગયો છે ત્યારે તેને સમજાતું નથી કે કેમ આવું થાય છે, કેમ તેને પોતાને જ પોતાના ગમતા કામથી કંટાળો આવવા માંડ્યો છે. જે ડ્રીમ હતું એ પૂરૂ થયું અને એ પછી પણ તેને સંતોષ નથી. તેને સતત અંદરથી એમ્પ્ટીનેસ ફીલ થાય છે. કામ આવ્યા જ કરે છે એની પાસે, પણ તે ના પાડ્યા કરે છે અને શોધતો રહે છે કે આગળ શું કરવું, ઍક્ટિંગ સિવાય કયું એવું કામ છે જે તેને સંતોષ આપે, તેને મનથી ખુશી આપે.

વિચિત્ર લાગેને આવી માનસિકતા, આવી મનોદશા, પણ એવું નથી. હકીકત તો એ છે કે આપણી આસપાસ આવા સેંકડો લોકો છે જેમને પોતાની જ ઇચ્છાઓ તેમને પોતાને ખબર નથી. એનું કારણ પણ છે. એ પોતાની પ્રોફેશનલ કરીઅરમાં ખૂબ આગળ નીકળી ગયા હોય છે અને અનેક લોકોની કરીઅર માટેના આઇડલ પણ બની જાય છે, પણ અંદરથી, મનથી એ લોકો જ અસંતોષ વચ્ચે જીવતા હોય છે, અહીંયાં ને ત્યાં ફંટાયા કરતા હોય છે. આવું થવાનું કારણ શું?

 

 આ પણ વાંચો: કૅપ્ટન અમેરિકા અને હલ્ક: અર્જુન અને ભીમ

 

ફ્રેન્ડ્સ, સાચું કહું. મારા પેલા ઍક્ટર-ફ્રેન્ડની અત્યારની જે પરિસ્થિતિ છે એ જાણીને હું પોતે મૂંઝવણમાં મુકાઈ ગયો. મને પોતાને થયું કે આ જે હાલત છે એવી હાલત ભવિષ્યમાં મારી થઈ તો શું અને આવું હું પણ માનતો થઈ ગયો તો શું? હું આજે જે કંઈ કરું છું એનાથી મને બહુ સંતોષ છે અને મને કામ કરવાની ખુશી પણ મળે છે, પણ ધારો કે થોડાં વર્ષો પસાર થયા પછી મારી હાલત પણ જો આવી જ થઈ તો? મને પણ એવું લાગે કે મારું જે ડ્રીમ હતું એ હવે નથી રહ્યું અને મને ઍક્ટિંગ નથી કરવી કે પછી આ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનીને નથી રહેવું. તો? આ પ્રશ્નોના કારણે જ મને લાગ્યું કે આ બાબતમાં મારે પણ ગંભીરતા સાથે વિચારવું જોઈએ અને આવું શું કામ થતું હોય છે એ સમજવાની કોશિશ કરવી જોઈએ.

મોટા ભાગે થતું એવું હોય છે કે ડૉક્ટરના સંતાનોને ડૉક્ટર જ બનવું હોય છે અને એન્જિનિયરનાં બાળકોને એન્જિનિયર. આવા સપના સાથે જે ભણવાનું પૂરું કરે અને પછી તેમને સારી જૉબ કે સારી કરીઅર પણ મળી જાય. અહીંયાં હું સારી કરીઅર જેને કહું છું એમાં ફાઇનૅન્સ પાર્ટની જ વાત છે. ડૉક્ટરનો દીકરો કે દીકરી ડૉક્ટર બને એટલે પપ્પાની હૉસ્પિટલ એના નસીબમાં આવે અને સીધી સારી ઇન્કમ પણ ગોઠવાઈ જાય, પણ અમુક સમય પછી એવું લાગે કે આ કામ તો કરવું નહોતું અને પછી તેને એ કામ કરવામાં મજા આવતી બંધ થઈ જાય. સંતોષ મળતો પણ બંધ થઈ જાય. અફસોસની વાત એ જ છે કે આ કરીઅર બનાવવી એ તેમનું ડ્રીમ હતું. ડ્રીમ હતું એટલે જ તો તેમણે એ કરીઅર બનાવી છે. અહીંયાં જ મોટો ડિફરન્સ છે. જેને આપણે ડ્રીમ કહીએ છીએ એ હકીકતમાં ડ્રીમ નથી, કોઈનું રિફલેક્શન છે અને એ રિફલેક્શનના આધારે જ નક્કી કરીએ છીએ કે આપણે ડૉક્ટર કે એન્જિનિયર કે પછી રાઇટર કે જે આંખ સામે છે એ બનવું છે. સચિનને જોઈને ક્રિકેટર બનવા માગતા લોકોનો તૂટો નથી, પણ અમુક સમય પછી તેમને સમજાઈ જાય છે કે તે ક્રિકેટર બનવાને લાયક નથી. માસીના દીકરાએ સાયન્સ લીધું એટલે આપણે પણ એ જ સાયન્સ લઈ લઈએ, શું કામ? તો જવાબ છે કે હું દેખાડવા માગું છું કે હું ડફર નથી. સાયન્સ એ તમારું ડ્રીમ નથી, તમારું ડ્રીમ તો એટલું જ છે કે સામેવાળા પાસે તમે નીચા ન દેખાવ અને તમારે શરમજનક અવસ્થા વચ્ચે ન આવવું પડે.

હું મારા જે ફ્રેન્ડની વાત કરું છું તે સેકન્ડ જનરેશન ઍક્ટર છે, તેનું એ જ ડ્રીમ હતું કે તે ઍક્ટર બને, પણ આ ડ્રીમ રિયલમાં તો તેના પપ્પામાંથી તેનામાં આવ્યું છે અને એ જોઈ-જોઈને સપનું બની ગયું છે. ડ્રીમને કોઈની લાઇફની સામે મૂકીને નહીં જુઓ. ડ્રીમ એ નથી, એ તો દેખાદેખી છે અને દેખાદેખીની રમતમાં તમે જો એક પણ વખત અટવાયા તો એવી પરિસ્થિતિ ઊભી થશે કે જેમાં તમારે તમારી જ લાઇફને દાવ પર મૂકવી પડશે. મને ક્યારેય બિઝનેસમેન નહોતું બનવું અને આવું ડ્રીમ ક્યારેય મારું રહ્યું પણ નથી. થૅન્ક ગૉડ, જે સમયે હું મારાં સપનાંઓ જોવાનાં શરૂ કરતો હતો એ સમયે મારી આંખ સામે મારા પપ્પા, મામા કે પછી મારી ફૅમિલીના કોઈ બીજા પુરુષો ન આવ્યા. નહીં તો કદાચ એવું બન્યું હોત કે હું પણ તેમના જેવા બનવાની દિશામાં ભાગતો થઈ ગયો હોત અને ખૂબ બધું ભાગી લીધા પછી મને સમજાયું હોત કે હું ખોટી દિશામાં છું.હવે મૂળ વાત કરીએ. ખોટી દિશામાં ખૂબ બધું આગળ વધી ગયા પછી શું કરવાનું? શું બધું ઝીરો કરીને પાછા વળી જવાનું કે પછી વચ્ચેનો કોઈ રસ્તો કાઢવાનો?

હું કહીશ કે આ નિર્ણય તમારા વિલપાવર પર આધારિત છે. ટીવી પર ખૂબ મોટું નામ ધરાવતા રાજેશકુમાર (‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ સિરિયલમાં રોસેશનું અને એવાં જ બીજાં અનેક બ્યુટિફુલ કૅરૅક્ટર કરનારા ઍક્ટર) આજે બધું છોડીને સદ્ગુરુ જગ્ગીજીના આશ્રમમાં પોતાને ગમે છે એવું કામ કરે છે. આશ્રમમાં તેમને ફાર્મિંગ આપવામાં આવે તો તે એ પણ કરે છે અને બધાના માટે રસોઈ બનાવવાની હોય તો એ કામ પણ તે દિલથી કરે છે. તેમને એમાં મજા આવે છે. ઍક્ટર બન્યા, નામના કમાઈ લીધી અને એ પછી પણ તેમને મજા નહોતી આવતી તો તેમણે એકઝાટકે બધું કાપીને જે કામમાં તેમને મજા આવતી હતી એ કામ અપનાવી લીધું અને ખુશી-ખુશી તે એ કામ કરવા માંડ્યા, પણ આવું કરવામાં તમારો વિલપાવર બહુ મહત્વનો છે, જવાબદારીઓ પણ એટલી જ મહત્વની છે. બને કે તમે એ ન કરી શકો, પણ વાંધો નહીં, જો તમે એવું ન કરી શકતા હો તો ઍટ લીસ્ટ એવું કરો કે તમારે જે કામ ફરજિયાત કરવું પડે છે, જે હવે તમને કંટાળો આપે છે એ કામને તમે ઝડપભેર પૂરું કરો. પૂરી નિષ્ઠા અને મન સાથે કામ કરવાનું છે, પણ એ સુપર સ્પીડ પર પૂરું કરવાનું છે, જેથી તમારી પાસે મૅક્સિમમ સમય વધે અને તમે એ સમય તમારી ઇચ્છા મુજબના કામને આપી શકો.

હું તમને મારી જ એક વાત કહું. બહુ વખત પહેલાં એક કામ એવું આવ્યું જે કરવાની મેં જ હોંશભેર હા પાડી, પણ પછી મને જરા પણ મજા નહોતી આવતી. બે, ત્રણ અને ચાર દિવસમાં મેં નક્કી કરી લીધું કે આ કામ પાછળ વધારે સમય ઇન્વેસ્ટ કરવો નથી. મેં જઈને મારા પ્રોડ્યુસરને રિક્વેસ્ટ કરી કે મારું કામ જેટલું બને એટલું ઝડપથી લઈ લો, જેથી હું વહેલો એમાંથી ફ્રી થાઉં. આના માટે મેં પણ જહેમત લીધી. મારી સ્ક્રિપ્ટની તૈયારી હું ઍડવાન્સમાં કરી લેતો, રાતે જ રિહર્સલ્સ કરી લઉં, જેથી દિવસ દરમ્યાન સમય બગડે નહીં. ચાલીસ દિવસનું કામ ઑલમોસ્ટ મેં બાવીસ દિવસમાં પૂરું કરી લીધું અને મારા અઢાર દિવસ બચાવી લીધા. પાપી પેટ કા સવાલ હૈ ઔર ઉસમેં કુછ ગલત ભી નહીં હૈ. ન ગમતી અવસ્થા હોય ત્યારે કામને ઝડપથી પૂરું કરું. વેઠ નથી ઉતારવાની, કામ તો દિલથી જ કરવાનું છે, પણ કામ ઝડપથી પૂરું કરવાનું છે. એની સાથે રમતાં રહેવાને બદલે એ કામ પૂરું કરીને તેને રમતું મૂકી દેવાનું છે અને પછી જે સમય બચે છે એને તમારા માટે ઇન્વેસ્ટ કરવાનો છે. ફરીથી મારી વાત કહું

 

 આ પણ વાંચો: કૉલમ : લાઇફ ઇઝ બ્યુટીફુલ

 

ચાલીસ દિવસનું કામ ઑલમોસ્ટ બાવીસ દિવસમાં પૂરું કર્યુ એટલે મારી પાસે અઢાર દિવસ જેટલો સમય બચ્યો. જો મેં કામને ઝડપથી પૂરું ન કર્યુ હોત તો હું અઢાર દિવસ, જે મને ફ્રીમાં મળ્યા એનો લાભ લેવાનો નહોતો, પણ ન ગમતાં કામને પૂરું કરવાની મેન્ટાલિટીએ મને અઢાર દિવસ આપ્યા અને એ અઢાર દિવસમાં મેં આખું અમદાવાદ એક્સપ્લોર કર્યું અને છ નૉવેલ વાંચી. આ કામે મને એવી ખુશી આપી કે પેલા ન ગમતા કામનો ભાર મારા મન પરથી બિલકુલ હટી ગયો અને એ કામનું સ્ટ્રેસ પણ ગાયબ થઈ ગયું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK