મોતને હવાલે પળભરમાં

Published: 6th November, 2014 03:18 IST

ઇન્ડોનેશિયાના બાલીમાં રાફ્ટિંગ દરમ્યાન બગડેલી બોટને ધક્કો મારવા ઊતરેલો અંધેરીનો ગુજરાતી યુવાન ભાવિક શાહ એક જ સેકન્ડમાં પત્ની અને મિત્રો સામે પાણીમાં ડૂબી ગયો : બૉડી છેક ૩૬ કલાકે હાથમાં આવી
રોહિત પરીખ

ઇન્ડોનેશિયાના બાલી આઇલૅન્ડ પર રિવર-રાફ્ટિંગ દરમ્યાન અંધેરીની જુહુ લેનમાં રહેતો ૨૯ વર્ષનો આર્કિટેક્ટ ભાવિક નરેશ શાહ બગડેલી બોટને ધક્કો મારવા જતાં પાણીમાં ડૂબી ગયો હતો. ભાવિકની બૉડીને શોધતાં તેના મિત્રો અને પરિવારને ૩૬ કલાક લાગ્યા હતા. બે વર્ષ પહેલાં જ પરણેલા ભાવિકનું કરુણ મોત થતાં ઘોઘારી જૈન સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ગઈ કાલે ભાવિકની ડેડ-બૉડી મુંબઈ લાવવામાં આવી હતી. આજે સવારે આઠ વાગ્યે અંધેરીમાં ભાવિકના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

ભાવિક અને તેની પત્ની ખ્યાતિનાં મૅરેજને હજી બે વર્ષ જ થયાં છે. ૧૯ ઑક્ટોબરે ભાવિકનો જન્મદિવસ હતો.  ત્યાર પછી ભાવિક અને ખ્યાતિ તેમના પાર્ટનર કમ મિત્ર કાર્તિક અને અન્ય મિત્ર એમ ત્રણ કપલ ૧૪ દિવસ માટે સિંગાપોર અને બાલીની ટૂર પર ગયાં હતાં. સોમવારે તેમની ટૂરનો હજી તો પાંચમો દિવસ હતો. એ દિવસે તેઓ બાલીમાં રાફ્ટિંગ માટે ગયાં હતાં.

આ માહિતી આપતાં ભાવિકના કાકા રજનીકાંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અચાનક બોટ બગડતાં ભાવિક બોટને ધક્કો મારવા નીચે ઊતર્યો અને તે બોટને ધક્કો મારીને એક જ સેકન્ડમાં ક્યાં ગરકાવ થઈ ગયો એની કોઈને જ ખબર પડી નહીં. ભારે જહેમત પછી તેની ડેડ-બૉડી ૩૬ કલાકે એક રૉકમાં ફસાયેલી મળી હતી.’

રજનીભાઈને મળેલી માહિતી મુજબ ભાવિકની બોટ જ્યાં બગડી હતી ત્યાં માંડ ત્રણ ફૂટ ઊંડું પાણી હતું. તેણે સેફ્ટી જૅકેટથી લઈને બોટિંગ દરમ્યાન સેફ્ટી માટે જે કંઈ પહેરવું જોઈએ એ બધું જ પહેર્યું હતું. છતાં ભાવિક કેમ કરીને ડૂબી ગયો એ બાબતે સૌને વિચારતા કરી દીધા છે.

ભાવનગર પાસે આવેલા મૂળ ઘોઘાના ભાવિકના પિતા નરેશ શાહ મુંબઈમાં ડાયમન્ડના વેપારી છે. ભાવિક તેની મમ્મી નયના, પપ્પા, મોટા ભાઈ અને ભાભી સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK