સ્તબ્ધ થયેલા ભાવેશને પરિવાર લઈ ગયો છે બહાર ફરવા માટે

Published: 2nd November, 2012 06:50 IST

પાકિસ્તાનથી આવ્યા બાદ માનસિક આઘાતમાં સરી પડ્યો હોવા છતાં જમવામાં કોઈ નખરાં ન કરતો હોવાથી મમ્મી હંસા પરમાર ખુશવિલે પાર્લેના ભાવેશ પરમારને શુક્રવારે ૨૬ ઑક્ટોબરે પાકિસ્તાનથી પાછા લાવ્યા બાદ તેમનાં મમ્મી હંસા પરમાર તેમને આઘાતમાંથી બહાર લાવવાના ઘણા પ્રયત્નો કરી રહ્યાં છે. હાલમાં હંસાબહેન ભાવેશને અલગ વાતાવરણમાં રાખવા માટે અને માનસિક રીતે આરામ અપાવવા માટે બહાર ફરવા લઈ ગયાં છે. ભાવેશ માનસિક રીતે તંદુરસ્ત ન હોવાથી થોડા સમયમાં તેની સારવાર પણ શરૂ કરવામાં આવશે.

પાકિસ્તાનથી આવ્યા બાદ તેની માનસિક પરિસ્થિતિ વિશે જણાવતાં હંસાબહેને મિડ-ડે LOCALને અજ્ઞાત સ્થળેથી ફોન પર કહ્યું હતું કે ‘ભાવેશ હાલમાં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવતો નથી. તે પાકિસ્તાનથી આવ્યા બાદ એકદમ સ્તબ્ધ થઈ ગયો છે, કારણ કે તે હજી માનસિક રીતે બહાર આવી શક્યો નથી. પરંતુ જો તેની સાથે વાતો કરીએ તો તે બધા સાથે સારી રીતે વાતો કરે છે. શરૂઆતમાં તો ભાવેશ બરાબર જમતો પણ નહીં, પરંતુ હવે તે સારી રીતે જમે છે. જમવામાં પણ જે આપીએ એ ખાઈ લે છે. આ એક સકારાત્મક વસ્તુ જોવા મળી છે અને આશા છે કે આમ ધીરે-ધીરે ભાવેશ માનસિક રીતે પણ સાજો થઈ જશે.’

ભાવેશની સારવાર માટે ડૉક્ટરોએ તેને બહાર ફરવા લઈ જવાની સલાહ આપી હતી અને થોડા સમયમાં તેનો માનસિક ઇલાજ શરૂ કરવા જણાવ્યું હતું જેથી ભાવેશ સારું અનુભવી શકે અને તેની સારવાર જલદી થઈ શકે. ભાવેશની માનસિક પરિસ્થિતિ સુધરી જાય એ માટે એમએલએ ક્રિષ્ના હેગડે પણ અમને ખૂબ મદદ કરી રહ્યા છે.’

શું બન્યું હતું?


ભાવેશ કયા સંજોગોમાં પાકિસ્તાન પહોંચી ગયો એ વિશે જણાવતાં હંસાબહેને કહ્યું હતું કે ‘ભાવેશે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું અને તે સારી કંપનીમાં જૉબ કરતો હતો. ૨૦૦૪ના વર્ષમાં અમને ખબર પડી કે તેના પપ્પાને કૅન્સર છે અને તેઓ છેલ્લા સ્ટેજ પર છે એટલે બચવાની કોઈ આશા નહોતી. એ સાંભળીને તે એકદમ તૂટી ગયો હતો. તેના પપ્પા અમને છોડીને જતા રહ્યા ત્યારે તે બહુ ડિપ્રેશનમાં આવી ગયો હતો. હું થોડા દિવસ મારા પિયર જતી રહી હતી. તેણે મને થોડા દિવસ પછી કહ્યું હતું કે હું મારા મિત્રો સાથે બહારગામ ફરવા જાઉં છું એટલે તમે ટેન્શન ન લેતાં, પંદરેક દિવસમાં પાછો આવી જઈશ. થોડા દિવસ પછી તેના ફોન આવવાનું બંધ થઈ ગયું એટલે મને ચિંતા થવા લાગતાં હું પાછી મુંબઈ આવી ગઈ. ત્યારે મેં તપાસ કરાવી તો ખબર પડી કે તે એકલો ગયો છે અને ક્યાં ગયો છે એની કોઈને ખબર નથી. તેના બધા મિત્રોને ત્યાં તપાસ કરી, પણ કોઈને આ બાબતની જાણકારી નહોતી. હું ગભરાઈને પોલીસ-સ્ટેશનમાં ગઈ અને રિપોર્ટ લખાવ્યો. થોડા મહિના પછી મને એક કાગળ મળ્યો. એમાં લખેલું હતું કે ભાવેશ લાહોરની જેલમાં છે. કોઈ રામરાજ નામના માણસે આ કાગળ મોકલ્યો હતો. તેના કહેવા પ્રમાણે ભાવેશે તેમને પોતાના ઘરનું સરનામું આપ્યું હતું અને કહ્યું હતું કે મને અહીંથી છોડાવો.’

કેવી રીતે પાછો આવ્યો?

૨૦૦૭ની સાલથી પાકિસ્તાનના લાહોરની કોટ લખપત જેલમાં પૂરી દેવામાં આવેલા અને ૨૦૦૬ના ઑક્ટોબરથી વિલે પાર્લેમાંથી ગુમ થયેલા ૩૨ વïર્ષના ગુજરાતી સૉફ્ટવેર એન્જિનિયર ભાવેશને ગુરુવારે પાકિસ્તાન સરકારે છોડી મૂકતાં શુક્રવારે ૨૬ ઑક્ટોબરે તે મુંબઈ પહોંચ્યો હતો. તેને ભારત લાવવા માટે સંસદસભ્ય પ્રિયા દત્ત, વિલે પાર્લેના એમએલએ ક્રિષ્ના હેગડે અને તેની માતા હંસા પરમાર ગુરુવારે વહેલી સવારે અઢી વાગ્યાની જેટ ઍરવેઝની ફ્લાઇટમાં દિલ્હી અને દિલ્હીથી સવારે ૬.૪૦ વાગ્યાની ફ્લાઇટમાં અમૃતસર ગયાં હતાં. ત્યાંથી સાડાઆઠ વાગ્યે તેઓ વાઘા બૉર્ડર પહોંચ્યા હતા. સવારે વિવિધ સરકારી કાર્યવાહી પતાવીને ૯ વાગ્યાની આસપાસ ભાવેશને પાકિસ્તાન સરકાર દ્વારા ભારતીય અધિકારીઓને સુપરત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં થોડો સમય વધુ લાગ્યો હોવાથી તેઓ દિલ્હી તો આવી ગયાં હતાં, પરંતુ દિલ્હીથી મુંબઈ આવવામાં તેમને મોડું થઈ ગયું હતું. ત્યાર બાદ જ્યારે ભાવેશનો કબજો મળ્યો ત્યારે તેને લઈને શુક્રવારે બપોરે મુંબઈ સાંતાક્રુઝ ઍરર્પોટ પર આવ્યાં હતાં.

એમએલએ = મેમ્બર ઑફ લેજિસ્લેટિવ ઍસેમ્બલી

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK