ભારતનાં નાગરિક સન્માનો મૂળ સ્વરૂપ ગુમાવી ચૂક્યાં છે

Published: 26th December, 2014 05:18 IST

એમ. જી. રામચન્દ્રન, સચિન તેન્ડુલકર અને મદનમોહન માલવીયમાં કોઈ સમાન ગોત્ર નજરે પડે છે? ક્ષેત્ર ભલે જુદાં હોય, પણ ઊંચાઈ તો ક્યાંક મૅચ થવી જોઈએ કે નહીં?કારણ-તારણ - રમેશ ઓઝા

ભારત રત્નનું સન્માન એટલું ઝાંખું પડી ગયું છે અને અવૉર્ડ એટલો વિખાઈ ગયો છે કે એ હવે ગમે એવા મોટા માણસને આપવામાં આવે, પણ નજીકના ભવિષ્યમાં એની પ્રતિષ્ઠા વધી શકે એમ નથી. એ. જી. રામચન્દ્રનથી લઈને સચિન તેન્ડુલકર સુધીના લોકોને ભારત રત્નનો ઇલકાબ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં જે ૪૩ વ્યક્તિઓને અવૉર્ડ આપવામાં આવ્યો છે તેમનાં નામની યાદી પર નજર નાખશો તો તમને એમાં કોઈ ભાત નજરે નહીં પડે. તમને ખ્યાલ જ નહીં આવે કે દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે કયા પ્રકારના લોકો માટે અને કયા પ્રકારની કામગીરી માટે.

જવાહરલાલ નેહરુએ ૧૯૫૪ની સાલમાં જ્યારે નાગરિક સન્માનો આપવાની દરખાસ્ત મૂકી હતી ત્યારે તેમની કલ્પના સત્તા બહારનાં ક્ષેત્રોમાં અદ્ભુત કામ કરનારા મુઠ્ઠીઊંચેરા માણસોને નવાજવાની હતી. એ ક્ષેત્ર સેવાથી લઈને સાહિત્ય તેમ જ કલા સુધીનું હોઈ શકે છે. મૂળ કલ્પના મુજબ પદ્મશ્રી અને પદ્મભૂષણના ઇલકાબ જે-તે ક્ષેત્રમાં અનોખું કામ કરનારા મહાનુભાવો માટે કદરદાનીની સાથે પ્રોત્સાહન માટે આપવામાં આવે. પદ્મવિભૂષણ એક ઊંચાઈએ પહોંચેલા લોકોની કદરદાનીરૂપે હોય અને ભારત રત્ન તો એવી જ વ્યક્તિને આપવામાં આવે જેનું કામ દુનિયાભરમાં ડંકો વગાડનારું હોય. બાકીનાં સન્માનો દર વર્ષે આપવામાં આવે, પણ ભારત રત્નનું સન્માન તો ત્યારે જ આપવામાં આવે જ્યારે ઝળહળતું રત્ન સામે હોય અને એનું સન્માન ન કરવામાં આવે એ જાણે રાષ્ટ્રીય ગુનો હોય. દેખીતી રીતે ભારત રત્ન કોઈના પણ ગળામાં નાખવાનો હાર નહોતો. પાંચ-દસ વર્ષે એક વાર કોઈ રત્નનું સન્માન કરવાનું હતું.

આ તો ભારત છે. અહીં દરેક ઉપક્રમમાં રાજકારણ હોય છે. રાજ્યસભાની રચના પણ આવા જ ઉદ્દેશથી કરવામાં આવી હતી; જેમાં પીઢ રાજકારણીઓ હોય, જાહેર જીવનમાં અનોખું કામ કરનારાઓ હોય, વિદ્વાનો હોય, વિચારકો હોય, કલાકારો હોય, શિક્ષકો હોય જે દેશને અને શાસકોને માર્ગદર્શન કરે. માટે તો એને વડીલોના સભાગૃહ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણ અમલમાં આવ્યું અને હજી તો દાયકો નહોતો વીત્યો ત્યાં રાજ્યસભાને વસૂકી ગયેલા, અસંતુષ્ટ કે લોકસભાની ચૂંટણી હારી ગયેલા રાજકારણીઓના મોક્ષ માટેનું સભાગૃહ બનાવી દેવામાં આવ્યું હતું. જે સ્થિતિ રાજ્યસભાની થઈ છે એ જ સ્થિતિ પદ્મશ્રીથી લઈને ભારત રત્ન સુધીનાં નાગરિક સન્માનોની થઈ છે. ભારત રત્ન જેવું સર્વોચ્ચ સન્માન પણ અભડાયેલું અને ઝાંખું પડેલું છે ત્યાં બીજા ઇલકાબની તો ક્યાં વાત કરીએ. પદ્મશ્રી તો સસ્તો થઈને એક જમાનાના થ્ભ્ (જસ્ટિસ ઑફ પીસ)ની સમકક્ષ નીચે આવી ગયો છે.

ભારત રત્નનું પહેલું નાગરિક સન્માન વિજ્ઞાની સી. વી. રામન સાથે સી. રાજગોપાલાચારીને આપવામાં આવ્યું હતું. સી. રાજગોપાલાચારી માત્ર રાજકારણી નહોતા, પણ વિદ્વાન હતા; અંગ્રેજીમાં રામાયણ અને મહાભારતનો રસાળ શૈલીમાં સાર આપનારા લેખક હતા અને ૬ દાયકાના જાહેર જીવનમાં તેમનું મોટું યોગદાન હતું. આમ છતાં તેઓ રાજકારણી તો હતા જ. જવાહરલાલ નેહરુએ પહેલો અપવાદ કર્યો અને પછી રાજકારણીઓને ભારત રત્નનું સન્માન આપવાનું છીંડું પડી ગયું. એ પછી તો તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. જી. રામચન્દ્રનને પણ ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જે ૪૩ વ્યક્તિઓને ભારત રત્નનો ઇલકાબ આપવામાં આવ્યો છે એમાં ૨૦ તો આઝાદી પછી સત્તાનું રાજકારણ કરનારા રાજકારણીઓ છે.

બીજું, આ નાગરિક સન્માનો જ્યારે શરૂ કરવામાં આવ્યાં ત્યારે એવું ઠરાવવામાં આવ્યું હતું કે આ સન્માનો માત્ર જીવંત વ્યક્તિઓને આપવામાં આવશે. એમાં મરણોત્તર સન્માનની કોઈ જોગવાઈ નહોતી. મૂળભૂત રીતે આ કદરદાની અને સન્માન છે એટલે એની કિંમત હયાતીમાં જ હોવાની, મર્યા પછી કદર કે સન્માનનો કોઈ અર્થ હોતો નથી. હવે બન્યું એવું કે ૧૯૬૫ના પાકિસ્તાન સામેના યુદ્ધ પછી તરત જ વડા લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં અવસાન થયું અને ત્યારે માગણી ઊઠી કે શાસ્ત્રીજીનું ભારત રત્નથી સન્માન કરવામાં આવે. લોકલાગણીને માન આપીને મરણોત્તર સન્માન આપવાનો ચીલો શરૂ થયો જે હવે પહોળો થતો જાય છે. મરણોત્તરની કોઈ વ્યાખ્યા કરવામાં આવી નથી. ક્યાં સુધી પાછળ જવાનું? આવતી કાલે શિવાજીને, મહારાણા પ્રતાપને અને હજી પાછળ જઈને કૌટિલ્યને ભારત રત્ન આપવાની માગણી થશે અને મરણોત્તરની કોઈ વ્યાખ્યા કરવામાં ન આવે તો આપી પણ શકાય. કોઈ ભાર્ગવ બ્રાહ્મણ વડા પ્રધાન પરશુરામને પણ ભારત રત્ન આપી શકે છે પછી ભલે તેની ઐતિહાસિકતા સિદ્ધ ન થઈ હોય.

ત્રીજું, આ નાગરિક સન્માન છે, કોઈ ખિતાબ નથી અને પહેલેથી એનું એ જ સ્વરૂપ છે. જે ખિતાબ હોય એને નામની આગળ કે પાછળ વાપરી શકાય. જેમ કે રાવબહાદુર, સર કે લૉર્ડ. આઝાદી પહેલાં ભારતમાં ખિતાબ આપવામાં આવતા હતા. હજી પણ બ્રિટન જેવા દેશમાં સર અને લૉર્ડના ખિતાબ આપવામાં આવે છે. લૉર્ડ ભીખુ પારેખ અને લૉર્ડ મેઘનાદ દેસાઈનાં નામ સાંભળ્યાં હશે. આઝાદી પછી ભારતે ખિતાબ આપવાનું બંધ કરી દીધું હતું, કારણ કે એ બે નાગરિક વચ્ચેના સમાન દરજ્જાની વિરુદ્ધ છે. રાવબહાદુર જેવા ખિતાબ આપીને કોઈને મોટા ભા નહીં બનાવવા એનો અર્થ એવો નથી કે કોઈની કદર પણ ન કરવી. આમ કદર કરવા માટે, સન્માનિત કરવા માટે આ નાગરિક સન્માનો શરૂ કરવામાં આવ્યાં હતાં. દુર્ભાગ્યે મોહગ્રસ્ત લોકો પદ્મશ્રી વગેરે સન્માનો ખિતાબ તરીકે પોતાના નામની આગળ કે પાછળ વાપરે છે અને બીજા એ રીતે વાપરે એવો આગ્રહ રાખે છે. આ કાયદાની પણ વિરુદ્ધ છે અને સભ્યતાની પણ વિરુદ્ધ છે. આજે ડૉ. આંબેડકરના નામ સાથે દરેક જાહેર સ્થળે ભારત રત્ન જોડવામાં આવે છે એ ખોટું છે. દલિતો આવો આગ્રહ રાખે છે અને દલિતોના મત મેળવવા શાસકોએ ખોટા ચીલા પાડ્યા છે.

તો ભારતનાં નાગરિક સન્માનોનું અત્યારે સુધરી ન શકે એટલી હદે અવમૂલ્યન થયું છે. અવમૂલ્યન કરતાં પણ અવૉડ્ર્સ ચોક્કસ એક સ્વરૂપ વિનાના વિખાઈ ગયા છે. એમ. જી. રામચન્દ્રન, સચિન તેન્ડુલકર અને મદનમોહન માલવીયમાં કોઈ સમાન ગોત્ર નજરે પડે છે? ક્ષેત્ર ભલે જુદાં હોય, પણ ઊંચાઈ તો ક્યાંક મૅચ થવી જોઈએ કે નહીં?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK