બ્રૉડવેને પણ ટક્કર મારશે નવું ભાઈદાસ

Published: Feb 09, 2020, 14:52 IST | Rashmin Shah | Mumbai

વિલે પાર્લે કેળવણી મંડળ દ્વારા નવનિર્મિત થઈ રહેલું ભાઈદાસ ઑડિટોરિયમ શરૂ થયું ત્યારે એમાં નાટકના શો કરવાની હિંમત કોઈ પ્રોડ્યુસર કરતો નહોતો. એ સમયે આ આખો વિસ્તાર જંગલ હતો. પાર્લા સ્ટેશનથી આગળ કશું હતું નહીં

ભાઈદાસ હોલ
ભાઈદાસ હોલ

ભાઈદાસ.

બસ નામ હી કાફી હૈ. પાર્લામાં આવેલું આ ઑડિટોરિયમ છેલ્લા થોડા સમયથી બંધ છે અને એ હજી હમણાં ચાલુ પણ નથી થવાનું. દેશના બેસ્ટ ઑડિટોરિયમમાં જેનો સમાવેશ થતો એ ભાઈદાસ ઑડિટોરિયમ નવનિર્મિત થવા જઈ રહ્યું છે અને પેપર પર એનું કામ ઑલમોસ્ટ પૂરું પણ થઈ ગયું છે. કૉર્પોરેશનની પરમિશન જેવી આવશે કે ભાઈદાસ ઑડિટોરિયમ તોડવાનું શરૂ થશે. એ તૂટશે ત્યારે અનેકના હૈયે કાળમીંઢ શેરડા પડશે પણ એ જે કારણે તૂટવાનું છે એ કારણ કલાજગતની એકેક વ્યક્તિની છાતી ગર્વથી ફુલાવી દેશે. શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના ટ્રસ્ટી અને ભાઈદાસ ઑડિટોરિયમનું રોજબરોજનું સંચાલન સંભાળતા ભાર્ગવ પટેલ કહે છે, ‘નવું ભાઈદાસ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનું બનશે. નવા ભાઈદાસમાં માત્ર નાટકો જ નહીં પણ બ્રૉડવે શો પણ આસાનીથી થઈ શકશે. આજે આપણે ભાઈદાસમાં ‘ઠાકોરજી’ જેવાં નાટકો જોઈ શકીએ છીએ, પણ નવા ભાઈદાસમાં લાયન કિંગ અને રોમિયો-જુલિયટ જેવાં પચાસ અને સાઠ સેટનાં ટેક્નિકલી હાઇફાઇ કહેવાય એવાં નાટકો પણ જોઈ શકીશું.’

ભાઈદાસ ઑડિટોરિયમનું કલેવર બદલાઈ રહ્યું છે એ વિશે તો ઘણા જાણે છે, પણ બહુ જૂજ લોકોને ખબર છે કે એ નવા ભાઈદાસમાં મુખ્ય સિવાય પણ ત્રણ ઑડિટોરિયમ હશે તો સાથોસાથ એમાં રિહર્સલ રૂમ પણ બનશે જેમાં રિહર્સલ થઈ શકશે. મુખ્ય ઑડિટોરિયમની બેઠક-વ્યવસ્થા પણ ૧૧પ૦થી વધીને ૧૪૦૦ થશે તો પાર્કિંગ માટે પાંચ બેઝમેન્ટ ઊભાં કરવામાં આવશે જેમાં એક હજાર ગાડી સમાઈ શકશે. ભાર્ગવ પટેલ કહે છે, ‘નવું ભાઈદાસ ૨૦૨૪ સુધીમાં તૈયાર થાય એવી સંભાવના છે. બધું પેપરવર્ક સબમિટ થઈ ગયું છે, હવે બહુ ઝડપથી કામ શરૂ થશે.’

આ કામ શરૂ થઈ રહ્યું છે ત્યારે ભાઈદાસ મગનલાલ સભાગૃહના ભૂતકાળમાં પણ એક ડોકિયું કરવું જોઈએ. ભાઈદાસ ઑડિટોરિયમનું કામ સિત્તેરના દશકમાં શરૂ થયું અને એનો શુભારંભ થયો ૧૯૭૩-૭૪માં. ઑડિટોરિયમ બનાવવા પાછળનો હેતુ સાંભળીને તમારી આંખોમાં અચરજ અંજાશે. સિત્તેરના દશકમાં મોટા ભાગના લેખક, કલાકારો પાર્લામાં રહેતા. સૌકોઈને એવું લાગતું કે કલા ક્ષેત્રના વારસદારો પાર્લામાં રહે અને પાર્લા પાસે પોતાનું એક ઑડિટોરિયમ પણ નહીં. આજે તો ભાઈદાસવાળો આખો વિસ્તાર પ્રાઇમ લોકેશન છે, પણ એ સમયે આ વિસ્તાર જંગલ જેવો હતો. શ્રી વિલે પાર્લે કેળવણી મંડળ પાસે વાત આવી એટલે એણે આગેવાની લીધી અને કામ શરૂ થયું. ભાર્ગવ પટેલ એ સમયની વાત યાદ કરતાં કહે છે, ‘મંડળ પાસે પૈસા હતા નહીં એટલે મંડળે ઑડિટોરિયમની લાઇફટાઇમ મેમ્બરશિપ વેચીને ફન્ડ એકત્રિત કરવાનું ચાલુ કર્યું. ફન્ડ આવે એટલે કામ આગળ વધે અને ફન્ડ ન હોય એટલે કામ રોકાઈ જાય. બનવાનું હતું ઑડિટોરિયમ બે વર્ષમાં પણ આ કારણે એને તૈયાર થવામાં ચાર વર્ષ લાગ્યાં.’

ઑડિટોરિયમ તૈયાર થયું ત્યારે એના પહેલા મૅનેજર તરીકે પણ કોઈ બિઝનેસ-માઇન્ડેડ વ્યક્તિને બદલે થિયેટર પ્રવૃત્તિ સાથે જોડાયેલા સુરેશ વ્યાસને લાવવામાં આવ્યા હતા. ગુજરાતી નાટકોના જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર અને ડિરેક્ટર સંજય ગોરડિયા કહે છે, ‘સુરેશભાઈએ પોતે મને કહ્યું છે કે તેમણે મૅનેજરની જૉબ સ્વીકારી ત્યારે બધા તેમની મજાક ઉડાવતા અને કહેતા કે ભાઈદાસમાં શો કરવા કોણ આવશે? મુજરા કરાવજે મુજરા. આખો વિસ્તાર જ વેરાન હતો એ સમયે.’

ભાઈદાસ ઑડિટોરિયમ પહેલાં સબર્બમાં કોઈ ઑડિટોરિયમ નહોતું. નાટકો જોવા માટે છેક ટાઉન જવું પડતું. પાર્લામાં ઑડિટોરિયમ થયું પછી પણ કોઈ આવવા રાજી નહીં. છેલ્લા દશકમાં તો ભાઈદાસથી નાટકનો શુભારંભ થતો હોય તો નાટક હિટ થવાની શક્યતા વધી જતી, પણ એ સમયે તો ભાઈદાસનું નામ પડે અને સાંભળનારના મસ્તક પર ત્રણ રેખા અંકાઈ જતી. એ સમયે આઇએનટીનો જમાનો હતો. દરેક બીજું નાટક આઇએનટીનું હોય. મૅનેજર સુરેશ વ્યાસે સૌથી પહેલાં કૉન્ટૅક્ટ કર્યો આઇએનટીનો. એ સમયે દામુ ઝવેરી અને બચુભાઈ સંપટ આઇએનટીના કર્તાહર્તા. તેમણે માત્ર ૨૦૦ રૂપિયાના ટોકન દરે ઑડિટોરિયમની ઑફર કરી, પણ આઇએનટીએ એવું ધારીને ના પાડી દીધી કે વગડામાં કોઈ નાટક જોવા આવશે નહીં.

આવું નક્કી કરવા પાછળનું બીજું એક કારણ એ પણ ખરું કે આઇએનટી જયહિન્દ કૉલેજના નાના ઑડિટોરિ યમ સાથે કમ્ફર્ટેબલ હતા. પ્રોડ્યુસર સંજય ગોરડિયા કહે છે, ‘એ સમયે એક માન્યતા એવી પણ હતી કે સબર્બ્સમાં રહેનારો વર્ગ નાટક જોવા નહીં આવે. જો આ માન્યતા સાચી હોય તો હું કહીશ કે ભાઈદાસે માત્ર નાટકો દેખાડ્યાં જ નહીં, પણ એણે નવું ઑડિયન્સ પણ ઊભું કરવાનું કામ કર્યું.

hall

આઇએનટી માનતી કે ઑડિયન્સ તો જયહિન્દ કૉલેજના ઑડિટોરિયમમાં જ આવે, પણ એની આ માન્યતા ત્યારે તૂટી જ્યારે ઑડિટોરિયમમાં ૭ દિવસનો નાટક ફેસ્ટિવલ ગોઠવ્યો અને એ ફેસ્ટિવલ જબરદસ્ત હિટ થયો. બધા શો હાઉસફુલ થઈ ગયા. આગળ કહ્યું એમ એ સમયે ઑડિટોરિયમની આસપાસ કોઈ હોટેલ-રેસ્ટોરન્ટ નહોતાં એટલે લોકો પોતાની સાથે નાસ્તો લઈને આવતા. ઑડિયન્સ આવતું રહે એવા હેતુથી એ સમયે મૅનેજમેન્ટ પણ ઑડિટોરિયમની પરસાળમાં લોકોને નાસ્તો કરવાની છૂટ આપતું. ભાઈદાસને પ્રસ્થાપિત કરવામાં ગુજરાતી ઑડિયન્સ અને ગુજરાતી નાટકોનો સૌથી મોટો હાથ રહ્યો છે એવું કહેતાં ભાર્ગવ પટેલ કહે છે, ‘ગુજરાતી કલા અને સાહિત્યને ઑડિટોરિયમમાં પહેલો પ્રેફરન્સ રહે છે, જે આગળ પણ ચાલુ રહેશે. 

ભાઈદાસની ફુટપાથે પણ જોયા છે સ્ટાર્સ

હા, આ વાત સાવ સાચી છે. ભાઈદાસે તો ઊગતા સ્ટાર્સ જોયા જ છે, પણ ભાઈદાસની ફુટપાથ પણ એમાં બાકાત નથી રહી. ભાઈદાસની ફુટપાથ પર શફી ઇનામદાર અને જતીન કાણકિયા જેવા દિગ્ગજ દરજ્જાના ઍક્ટરોથી માંડીને પરેશ રાવલથી લઈને હૅટ્સ ઑફ પ્રોડક્શન્સના મૅનેજિંગ ડિરેક્ટર અને ખ્યાતનામ ટીવી-સિરિયલ પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા સહિતના અનેક ઍક્ટરો પોતાના સ્ટ્રગલ પિરિયડમાં ભાઈદાસની બહાર ફુટપાથ પર અડ્ડો જમાવીને બેસી રહેતા. જે. ડી.મજીઠિયા કહે છે, ‘ભાઈદાસનો એ આખો સમયગાળો જ અમારે માટે નૉસ્ટાલ્જિક છે. સાંજ પડ્યે અમે ભાઈદાસ પર જઈએ, સામે ચા પીવાની અને ગપાટા મારવાના. આ ભાઈદાસની ફુટપાથ પર અનેક મહાન પ્રોજેક્ટનો જન્મ થયો છે એવું કહું તો ખોટું નહીં કહેવાય.’

ભાઈદાસ અગાઉ આ પ્રિવિલેજ ટાઉનના ઑડિટોરિયમને મળતું હતું. ઍક્ટરો ત્યારે તેજપાલ કે બિરલા માતુશ્રી સભાગૃહની બહાર મળતા અને કામ શોધતા, પણ તેમનું રહેવાનું સબર્બમાં હતું એટલે એ દૂર પડતું હોવા છતાં કામના હેતુથી મીટિંગ ચાલુ રહેતી. સબર્બ્સમાં ભાઈદાસ શરૂ થતાં આ મીટિંગ-સ્પૉટ ભાઈદાસ બની અને પછી મીટિંગો ભાઈદાસની બહાર થવા માંડી. ભાઈદાસ પછી અમુક અંશે એવી જ મીટિંગો પ્રબોધન ઠાકરેની બહાર શરૂ થઈ, પણ ઠાકરે અને ભાઈદાસની મીટિંગમાં એક મોટો ફરક એ રહ્યો કે ભાઈદાસની બહાર થનારી મીટિંગો એક ચોક્કસ પરિણામ સુધી પહોંચતી, જ્યારે ઠાકરેની બહારની મીટિંગો બોરીવલી અને કાંદિવલીમાં રહેતા કલાકારો પૂરતી સીમિત બની ગઈ.

ભાઈદાસે આપી હિંમત

ભાઈદાસ ઑડિટોરિયમની સક્સેસ પછી સબર્બમાં બીજાં ઑડિટોરિયમ આવ્યાં, બાંદરામાં રંગશારદા અને સેન્ટ ઍન્ડ્રુઝ તો મલાડમાં અસ્પી બન્યું અને બોરીવલીમાં પ્રબોધન ઠાકરે આવ્યું. પણ અગાઉ આ કોઈ ઑડિટોરિયમ નહોતાં. ભાઈદાસ આવ્યું એની પહેલાં ષણ્મુખાનંદ, તેજપાલ, પાટકર, ભવન્સ જેવાં ગણ્યાંગાંઠ્યાં ઑડિટોરિયમ સાઉથ મુંબઈની શાન હતાં.

બીજી વખતનું છે આ રિનોવેશન

જો તમને એમ હોય કે ભાઈદાસ પહેલી વખત રિનોવેટ થઈ રહ્યું છે તો તમારી આ માન્યતા ભૂલભરેલી છે. મૂળ ભાઈદાસ સભાગૃહ તૈયાર થયા પછી એસીના દશકના અંત ભાગમાં એને રિનોવેટ કરવામાં આવ્યું હતું, જેને નેવુંના દશકની શરૂઆતમાં જિતેન્દ્રએ ખુલ્લું મૂક્યું હતું.

જિતેન્દ્ર માટે ભાઈદાસ ઑડિટોરિયમ પોતાના ઘર જેવું છે તો મનોજ જોષીને પણ અહીં ઘરની આત્મીયતાનો અનુભવ થાય છે. જિતેન્દ્રએ અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ ભાઈદાસમાં બેસીને સાંભળી છે તો આજે પણ મનોજ જોષી નાટકનો શો ન હોય તો પણ ભાઈદાસ ઑડિટોરિયમ આવીને ખાલી ગ્રીનરૂમમાં બેસીને શાંતિનો અનુભવ કરી જાય છે. મનોજ જોષી કહે છે, ‘ભાઈદાસ મારા માટે મેડિટેશન સ્પૉટ છે. અહીં આવ્યા પછી હું જાત સાથે તાદાત્મ્ય કેળવું છું.’

ભાઈદાસ મારા માટે મેડિટેશન સ્પૉટ છે. અહીં આવ્યા પછી હું જાત સાથે તાદાત્મ્ય કેળવું છું.

- મનોજ જોષી

ભાઈદાસે માત્ર નાટકો દેખાડ્યાં જ નહીં, પણ એણે નવું ઑડિયન્સ પણ ઊભું કરવાનું કામ કર્યું

- સંજય ગોરડિયા

આ ભાઈદાસની ફુટપાથ પર અનેક મહાન પ્રોજેક્ટનો જન્મ થયો છે એવું કહું તો ખોટું નહીં કહેવાય.

- જે. ડી. મજીઠિયા

ગુજરાતી કલા અને સાહિત્યને ઑડિટોરિયમમાં પહેલો પ્રેફરન્સ રહે છે, જે આગળ પણ ચાલુ રહેશે.

- ભાર્ગવ પટેલ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK