Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બેટર ધૅન હેલ

બેટર ધૅન હેલ

03 May, 2020 07:05 PM IST | Mumbai Desk
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

બેટર ધૅન હેલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફિલોસૉફરે પણ કહ્યું છે અને શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે સ્વર્ગ અને નરક ક્યાંય હોતાં નથી, એ બન્ને આ પૃથ્વી પર જ છે, બીજે ક્યાંય નહીં. સ્વર્ગ પણ અહીં જ છે અને નરક પણ આ જ છે. અત્યારે લૉકડાઉન વચ્ચે આપણને બહાર જવા નથી મળતું એટલે આપણામાંથી ઘણાને જે ઘર સ્વર્ગ જેવું લાગતું એ હવે નરક જેવું લાગવા માંડ્યું હશે, પણ યાદ રાખજો કે આ માત્ર કંટાળાને લીધે એવું લાગી રહ્યું છે. બાકી નરકની તમે કલ્પના પણ ન કરી શકો. જેમ સ્વર્ગની કલ્પના કરવી પણ અઘરી છે એવી જ રીતે નરકની પણ કલ્પના કરવી અઘરી છે. નરક એટલે મર્યા પછીના નરકની વાત હું નથી કરતો. એ નરકને ટક્કર આપે એવી જગ્યાઓની વાત કરું છું. હા, આપણી પૃથ્વી પર જ અમુક જગ્યાઓ એવી છે જે નરકને પણ સારી કહેવડાવે એવી છે. એચબીઓ પર એક સ્પેશ્યલ પ્રોગ્રામ દરમ્યાન મેં આ જગ્યાઓ જોઈ. ‘બેટર ધૅન હેલ’. શોનું નામ આ હતું અને સાચે જ એ જગ્યા નરકની સરખામણીએ પણ ક્યાંય વધારે ભયાનક છે. 

થોડા સમય પહેલાં ‘જસ્ટ લાઇક હેવન’ શો આવ્યો હતો. એ શોમાં સ્વર્ગ જેવી સાચી જગ્યા દર્શાવવામાં આવી હતી. સ્વાભાવિક રીતે એમાં કાશ્મીર, સ્વિટ્ઝરલૅન્ડ, મૉલદીવ્ઝ અને મૉરિશિયસ જેવી ટિપિકલ જગ્યાને બદલે એનાથી પણ અનેકગણી ચડિયાતી કહેવાય એવી જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ જગ્યા જોઈએ ત્યારે ખરેખર એવું લાગે કે સાચું જીવન ત્યાં જ છે. વિશ્વના અમુક દેશોમાં તો એવો દરિયો છે જે દરિયો બબ્બે કિલોમીટર સુધી આરપાર જોઈ શકાય છે અને અમુક જગ્યાએ એવાં જંગલ છે જે જંગલ વિશ્વનાં શ્રેષ્ઠ જંગલો પૈકીનાં ગણાય છે, પણ આપણે એ સ્વર્ગની વાત અત્યારે નથી કરવી. અત્યારે વાત કરવી છે એ નરકની કરવી છે અને એનું કારણ પણ છે.



લૉકડાઉન. લૉકડાઉને આપણને અત્યારે તમામ પ્રકારના અનુભવો આપવાનું શરૂ કર્યું છે ત્યારે આપણે કેટલા સુખી છીએ એ સમજવા માટે પણ આ નરકને નજીકથી જોઈ લેવું પડે. આ નરકના ફોટોગ્રાફ્સ તમને આરામથી નેટ પર જોવા મળશે અને એ જોશો ત્યારે ખરેખર તમને એવું લાગશે કે બહુ સારું છે કે અમે અત્યારે જ્યાં છીએ ત્યાં સારા છીએ.


નરકથી પણ એક વેંત વધારે ઊંચી જગ્યા કહેવાય એવા લિસ્ટમાં સૌથી પહેલાં જો કોઈ આવે તો એ છે બ્રાઝિલ. બ્રાઝિલમાં આઇલૅન્ડ છે. એ આઇલૅન્ડનું નામ જ સ્નૅક આઇલૅન્ડ છે. આ આઇલૅન્ડ દુનિયાનો સૌથી ખતરનાક આઇલૅન્ડ છે અને એ ખતરનાક હોવાનું કારણ પ્રકૃતિ છે. હા, હકીકત એવી છે કે અહીં ૧૦,૦૦૦ કરતાં પણ વધારે ઝેરી સાપ છે. તમને ખબર ન હોય તો કહીં દઉં કે જગતમાં સૌથી વધારે ખતરનાક સ્નૅક જો કોઈ હોય તો એ વાઇપર છે અને આ આઇલૅન્ડ પર વાઇપર સ્નૅકનું રાજ છે. જો ભૂલથી પણ તમે આઇલૅન્ડ પર ગયા અને જતી વખતે તમે તકેદારી રાખવાનાં કપડાં ન પહેર્યાં હોય તો પતી ગયું, એ દિવસ તમારી લાઇફનો આખરી દિવસ હશે.
ડગલે ને પગલે ગોલ્ડન લાન્સહેડ વાઇપર તમને મળશે અને એનું એક બાઇટ તમારો જીવ લઈ લેશે. આ જગ્યા કૉમનમૅન માટે ખુલ્લી નથી, પણ હા, તમે નેચર સાથે જોડાયેલી કોઈ સંસ્થા સાથે જોડાયેલા હો કે પછી તમે મેડિકલ રિચર્સ સાથે કંઈ કરી રહ્યા હો તો તમને બ્રાઝિલ ગવર્નમેન્ટ ખાસ તકેદારી સાથે ત્યાં જવા દે છે. આઇલૅન્ડનો એરિયા એટલો મોટો નથી છતાં અહીં જવામાં જોખમ છે. હંમેશાં પ્રકૃતિ સામે માણસ લાચાર રહ્યો છે એ આ આઇલૅન્ડ વધુ એક વાર પ્રૂવ કરે છે. આ આઇલૅન્ડ પરના સાપને સાચવી રાખવામાં આવ્યા છે, એવું ધારીને કે જો એને ત્યાંથી મારી નાખવામાં આવશે તો એ ફરી બ્રાઝિલમાં નવો જન્મ લઈને આવશે અને બ્રાઝિલની જનતાને હેરાન કરશે.

બીજા નંબરનું નરક છે, અગબોગબ્લૉસાયર નામનું ઘાના દેશનું શહેર. આ એક એવું સિટી છે જ્યાં દુનિયાનો બધો ઈ-વેસ્ટ ઠાલવવમાં આવે છે. જી હા, આપણો ઈ-વેસ્ટ. તમે, હું અને દુનિયાના કરોડો લોકો જે મોબાઇલ, પીસી, લૅપટૉપ અને બીજાં બધાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ વાપરીએ છીએ અને પછી એ વાપરવાલાયક નથી રહેતાં એ બધો વેસ્ટ ત્યાં ઠાલવવામાં આવે છે. અહીં રહેતા દરેક માણસનું એક જ કામ છે. આ ઈ-વેસ્ટને ફેંદવાનું, એમાંથી સારા પાર્ટ્સ કાઢીને એ વેચીને રોજીરોટી મેળવવાનું. અહીં એટલી ગરીબી છે કે બધા આ ઈ-વેસ્ટ પર જ જીવે છે. તમને થાય કે હવે અહીં ઈ-વેસ્ટ આવે છે અને લોકો એમાંથી કામ મેળવે છે તો આ શહેર નરક કેવી રીતે થયું? તમે આ જગ્યા ધ્યાનથી જોશો તો પોતાને આ સવાલનો જવાબ મળી જશે. જે વેસ્ટ અહીં આવે છે એમાંથી ઉપયોગી પાર્ટ્સ કાઢીને એ લોકો બાકીનો વેસ્ટ જમીનમાં દાટી દે છે. ઈ-વેસ્ટ સતત જમીનમાં દાટી દેવાને કારણે ત્યાંનું જમીનમાં ઈ-વેસ્ટનું લેડ કન્ટેન્ટ જમીનમાં ભળી ગયું છે. ૧૮,૦૦૦ની માત્રામાં લેડ કન્ટેન્ટ છે જે ખરેખર ખતરનાક છે. સાયન્સ કહે છે કે લેડની માનવશરીર પર બહુ ખરાબ અસર થાય છે. અહીં કામ કરનાર દરેકને ખબર છે કે તે ગમે ત્યારે ગુજરી જશે અને ભયંકરમાં ભયંકર બીમારીનો ભોગ પણ બની શકે છે. એવું કહેવાય છે કે સામાન્ય માણસ આ શહેરમાં એક દિવસ પસાર કરે તો તેના જીવનનો એક મહિનો ઓછો થાય એ સ્તરે પૉલ્યુશન અહીં ફેલાયેલું છે. શ્રીમંત દેશો પોતાનો ઈ-વેસ્ટ ગરીબ દેશોમાં ઠાલવે અને આ ગરીબ દેશ પોતાનું પેટ ભરવા માટે આ ઈ-વેસ્ટ વેચીને રોજી કમાય, પણ આ વેસ્ટને કારણે તેમના જીવનું જોખમ ઊભું થઈ જાય છે અને થોડા દિવસમાં તેમનો અંત આવે છે. તમને નવાઈ લાગશે પણ આ શહેરમાં છેલ્લાં અઢી વર્ષમાં જન્મેલું બાળક એક વર્ષ સુધી પણ જીવી નથી શકતું.


ત્રીજા નરકની વાત કરીએ હવે. લેક નાયોસ, કેમરુન. તમને થશે કે આ લેક કુદરતે સર્જેલી એક રચના છે પણ અહીંથી જ ટ્વિસ્ટ શરૂ થાય છે. કુદરતે એટલી ક્રૂર રચના કરી છે કે ઘણી વાર તો કરોડો લોકો આ લેકને કારણે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા છે. આ લેક દેખાવે ખૂબ સુંદર જગ્યા લાગે, એવું લાગે કે લેકને કિનારે એક નાનકડું મકાન બનાવીને રહીએ, પણ એ શક્ય નથી, કારણ કે આ ઍક્ચ્યુઅલી ક્રેટર લેક છે. ક્રેટર લેક એટલે આ જગ્યાએ પહેલા વૉલ્કેનો એટલે કે જ્વાળામુખી હતા અને પછી અહીં પાણી ભરાવા લાગ્યું એટલે બન્યું એવું કે જે જગ્યાએ પાણી ભરાઈને કુદરતે લેક બનાવ્યું છે, પણ હકીકતમાં એની નીચે ભયાનક લાવા છે. એ ભયાનક લાવા અને પાણીના મિશ્રણને લીધે સતત એમાંથી મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બન્યા કરે છે. પાણીને કારણે એ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા થયા અને ધીરે-ધીરે એ ખૂબ જ માત્રામાં વાતાવરણમાં ફેલાઈ ગયા. ધીરે-ધીરે હવાની સાથે એ આજુબાજુનાં શહેરો સુધી પહોંચી ગયા અને લોકો મરવા લાગ્યા. આ ગૅસ જ્યારે એકસાથે વાતાવરણમાં ફેલાયો હતો ત્યારે ૨૦૦૦ જેટલા માણસો અને ૪૦૦૦ કરતાં વધારે જાનવરો ઊંઘમાં જ ગૂંગળાઈ જવાને લીધે મૃત્યુ પામ્યાં હતાં. આપણે ઑક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ. રાતના સમયે વૃક્ષો રિવર્સ સિસ્ટમથી કામ કરે એટલે કે તેઓ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે અને રાતના સમયે લેકનો ગૅસ અને આ કાર્બન ડાયોક્સાઇડ કેર બનીને હજારો માણસોને મારી નાખે છે. આજે પણ આ જગ્યા એમ જ છે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન રિલીઝ થયા જ કરે છે.

નરક નંબર ચાર, સાઇટેરિયમ રિવર, ઇન્ડોનેશિયા. આપણે ત્યાં નદીઓનું બહુ મહત્ત્વ છે. કોઈ પણ દેશમાં એ મહત્ત્વ હોવાનું જ. ઇન્ડોનેશિયામાં પણ એવી જ એક નદી છે. આપણે ત્યાં ગંગા-યમુના નદીને સૌથી વધુ પ્રદૂષિત નદી માનવામાં આવે છે એમ જ એને ક્લીન કરવા માટે વિવિધ પ્રયોગ અને પ્રોગ્રામ પણ થતા રહેતા હોય છે, પણ ઇન્ડોનેશિયામાં એ શક્ય જ નથી, કારણ કે આ નદીમાં એટલી હદે કચરો ભળી ગયો છે કે હવે એને ક્લીન કરવું શક્ય જ નથી. આ નદી આખી મારી નાખવામાં આવી છે એ હદે એમાં વેસ્ટ નાખવામાં આવ્યો છે. તમે ઑનલાઇન જોશો તો ખ્યાલ આવશે કે તમે એના પર જે કચરો નાખેલો છે એના પર ચાલી પણ શકો છો. એ નદીનું પાણી આખું કાળું થઈ ગયું છે. આ નદીની આસપાસ આજે પણ લોકો રહે છે અને તેમનું જીવન ૩૦-૩૫ વર્ષથી વધારે નથી હોતું. આ પાણીના ઉપયોગને લીધ ત્યાં બહુ બધી બીમારી ફેલાઈ ગઈ છે અને એને લીધે લોકોનાં મૃત્યુ થાય છે.

નરક નંબર પાંચ. ઓમાયકોન, રશિયા. દુનિયાનું સૌથી ઠંડું શહેર છે ઓમાયકોન અને ત્યાં માઇનસ ૮૮ ડિગ્રી સુધીનું તાપમાન નોંધવામાં આવ્યું છે. નૉર્મલ તાપમાન અહીં માઇનસ ૧૦ ડિગ્રીની આસપાસ રહે છે અને લોકો અહીં રહે પણ છે. હમણાં એક વિડિયો આવ્યો હતો કે કાશ્મીરમાં આપણા સૈનિકો બરફ અને ઈંડાં, ટમેટાં તોડીને  ખાય છે. અહીં પણ એવી જ પરિસ્થિતિ છે. અહીં રહેલું વાતાવરણનું પાણી તરત જ થીજી જાય છે. ઈંડાં, બટાટા, ટમેટાં એમાં રહેલા વૉટર કન્ટેન્ટને લીધે થીજી જ જવાનાં અને અને એને ખાવા માટે હથોડીનો જ ઉપયોગ કરવો પડે. અહીંના લોકો સતત આગની નજીક રહે છે જેથી તેમના શરીરનું તાપમાન મેઇન્ટેન થાય, નહીંતર એવી પરિસ્થિતિ થાય કે શરીરનું પાણી પણ થીજી જવા માંડે અને માણસ મરી જાય. અહીં પીવાના પાણીની બહુ તંગી છે, કારણ કે જેટલું પણ પાણી છે એ બધું થીજી જાય છે અને એટલે જ અહીંના લોકોએ બરફને ઓગાળીને જ એનું પાણી પીવું પડે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2020 07:05 PM IST | Mumbai Desk | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK