Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જાગ્યા ત્યારથી સવાર...

જાગ્યા ત્યારથી સવાર...

13 July, 2020 04:28 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

જાગ્યા ત્યારથી સવાર...

જ્યારે પણ આપણે આ સંકટમાંથી બહાર આવીશું ત્યારે આપણી આંખો સમક્ષ બે ચહેરા હશે.

જ્યારે પણ આપણે આ સંકટમાંથી બહાર આવીશું ત્યારે આપણી આંખો સમક્ષ બે ચહેરા હશે.


આ વર્ષે જુલાઈમાં સોશ્યલ મીડિયા પર અડધું ૨૦૨૦ પત્યાના ઘણા મેસેજો વાંચવા મળ્યા. કેટલાક આશાવાદી, કેટલાક નિરાશાવાદી, કેટલાક કટાક્ષ ભરેલા તો કેટલાક આભાર પ્રગટ કરતા. અત્યાર સુધીનું વિતેલું વર્ષ...ને આગળ કંઈક પોતાના મનની ભાવના પ્રગટ કરતાં વાક્યોની જાણે લાઈન લાગી હોય એવું પહેલી જુલાઈના રોજ લાગતું હતું. દરેક વ્યક્તિએ પોતપોતાના અનુભવો તથા તેના તાત્પર્ય પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં રજૂ કર્યા. આવું થાય એમાં આશ્ચર્ય પણ ન થવું જોઈએ. વાસ્તવમાં જ ૨૦૨૦નું વર્ષ એક એવું વર્ષ નીવડી રહ્યું છે, જેમાં પૃથ્વી પરની દરેક વ્યક્તિ કોઈને કોઈ ચિંતામાં ડૂબેલી છે. ચિંતા જોકે માણસનો સ્વભાવ છે, પરંતુ આ વર્ષે ચિંતાના પ્રકાર બદલાઈ ગયા છે. ૨૦૨૦ એ વાસ્તવમાં એક આત્મનિરીક્ષણનું વર્ષ નીવડી રહ્યું છે.
૨૦૨૦ના વર્ષે માનવજાતને ઉઘાડી પાડી દીધી છે-ખુદ પોતાની જાત સામે અને બીજી દુનિયા સામે. અંગ્રેજીમાં પેલી કહેવત છે તેમ સ્કેલેટન્સ આર આઉટ ઑફ કપબોર્ડ. દરેકના મનમાં છુપાયેલા હાડપિંજર આ વર્ષે બહાર આવી રહ્યાં છે. હજી તો અડધું વર્ષ વીત્યું છે ત્યાં ઓલરેડી લોકો માટે પોતાની જાત સાથે રહેવું દુષ્કર થઈ રહ્યું છે, કારણ કે આ વર્ષ તમારા અસલી સ્વભાવને તમારી સામે કોઈ પણ પડદા વિના દેખાડી રહ્યું છે. કેટલાય બધા લોકોને મેં હાલમાં એવું કહેતાં સાંભળ્યા હશે કે આનો અસલી ચહેરો પણ અત્યારે જ બહાર આવ્યો છે અને દુનિયાને દેખાઈ રહ્યો છે. ઘરમાં એક પિતા, પુત્ર કે પતિ તરીકે, માતા, બહેન કે પત્ની તરીકે, પુત્ર ભાઈ કે મિત્ર તરીકેનો ચહેરો તમને અરીસામાં દેખાઈ રહ્યો છે. કઈ રીતે તમે મુશ્કેલ સમયનો સામનો કરો છો, કઈ રીતે પોતાની નજીકના લોકોનું ધ્યાન રાખો છો, કઈ રીતે તેમની સારસંભાળ રાખો છો. કઈ રીતે પોતાનું માનસિક સંતુલન જાળવી રાખો છો એ બધી બાબતો આ વર્ષના પૂર્વાર્ધમાં ઉજાગર થઈ ગઈ છે.
વ્યક્તિઓની માનસિક અવસ્થા બે રીતની હોય છે. એક જે તમે માનો છો કે તમે છો અને બીજી જે તમે વાસ્તવમાં છો. આ સમય કપરો છે એ વાતમાં કોઈ બેમત નથી. માનસિક રીતે તમે કેટલા મજબૂત કે નબળા છો તેનાથી પરિચિત થવાનો આ સમય છે. પોતાની નબળાઈઓને શક્ય હોય તો સુધારવાનો સમય છે. કેટલાક લોકો હશે, જેમણે પોતાના મિત્રવર્તુળ માટે સોશ્યલ મીડિયા પર હેલ્પલાઈનની ઘોષણા કરી છે, જેમની નોકરીઓ છૂટી ગઈ હોય તેવા લોકોને મદદ કરવાની યોજનાઓ બનાવી છે, મદદ માગી છે, મદદ આપી છે. માનવ ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વાર કોઈ સંકટે દુનિયાના બધા દેશોને પોતાના ભરડામાં લીધા છે. અરે, જે દેશો બીજા વિશ્વયુદ્ધમાં પણ ઝંપલાવવાથી બચી ગયા હતા એ બધાનો નંબર પણ કોરોનામાં લાગી ગયો છે. ડોનલ્ડ ટ્રમ્પથી લઈને શી જિનપિંગ કે તમારા પાડોશીથી લઈને તમારા બૉસ, તમારા હાથની નીચે કામ કરતા કર્મચારીથી લઈને પાડોશી સુધી બધાનો આ વર્ષે તમને એવો પરિચય થયો છે જેવો આટલાં વર્ષોમાં નહીં થયો હોય. નિરાશા, ચિંતા, હતાશા, વળગણ, આશા, હકારાત્મક્તાની લાગણીઓનો એક વૈશ્વિક મહાસાગર અત્યારે ઘૂઘવાઈ રહ્યો છે. કાળના આ અરીસામાં તમારું પ્રતિબિંબ તમને અત્યારે જેવું લાગી રહ્યું છે તે આવનારા સમયમાં તમારા વાણી, વર્તન અને વિચારો નિશ્ચિત કરશે. ઘણા સમજુ લોકોને કદાચ આ સમયગાળા દરમ્યાન પોતાની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન લાવવાની પણ પ્રેરણા મળી છે.
આપણે સૌએ એક વાત યાદ રાખવાની જરૂર છે. હજી આ સંકટકાળ કેટલો લાંબો ચાલશે કોઈને ખબર નથી. ચોમાસામાં ઘેરાયેલાં કાળાં ડિબાંગ વાદળો ક્યારે ખૂલશે કે ક્યારે વરસી પડશે તેની જાણકારી સ્વયં વાદળને જ હોય છે. ૨૦૨૦નું પણ કંઈક એવું જ છે. એ એક એવું કાળું વાદળ સાબિત થઈ રહ્યું છે જેની આપદાઓ વરસીને પૂરી થઈ ગઈ કે હજી બાકી છે, અત્યાર સુધી જે કંઈ થયું એ માત્ર ટ્રેલર હતું કે પિકચર હજી બાકી છે એ કોઈને ખબર નથી.
આ વાત આપણને લાવે છે આ લેખની શરૂઆતમાં કહ્યું એ બીજા મુદ્દા પર. એક તો ૨૦૨૦ના વર્ષે તમને તમારો ચહેરો દેખાડ્યો, પરંતુ બીજો ચહેરો દેખાડ્યો છે કુદરતનો. સામાન્ય રીતે દર વર્ષે દુનિયાના કોઈને કોઈ ભાગમાં મહામારી, ધરતીકંપ, સુનામી, દાવાનળ જેવી આપદાઓ આવતી રહેતી હોય છે, પરંતુ એક ક્ષણમાં આખી દુનિયાના દરેક દેશો, નાગરિકો, સરકારોની નિયત પલટનારી કોરોના નામની આ બીમારીએ આખી માનવજાતિને કુદરતની શક્તિનો પરિચય કરાવી દીધો છે. મુંબઈમાં બેઠેલી વ્યક્તિ વરસાદને જોઈને એ વિચારથી ડરી રહી છે કે ક્યાંક આનાથી કોરોના વધુ ફેલાશે તો નહીં, દિલ્હીમાં બેઠેલી વ્યક્તિ દર અઠવાડિયે આવી રહેલા ભૂકંપથી ફફડી રહી છે, આફ્રિકાથી લઈને ભારત સુધીના નાગરિકો ખાસ કરીને ખેડૂતો સતત તીડના ઝૂંડના ફફડાટમાં જીવી રહ્યા છે. આ વર્ષે મૂળ કુદરતે માનવજાતને થપ્પડ મારીને યાદ અપાવી છે કે સૌથી સર્વોપરિ માત્ર એ જ છે. તેણે પોતાની ક્ષમતાનો પરિચય કરાવી દીધો છે. થોડા સમય પહેલાં કોરોના જેવી કોઈ બીમારીની સંભાવનાને બધા હસી કાઢતા હતા, જે આજે હકીકત છે, પરંતુ કુદરતની આગલી થપ્પડ માટે દુનિયા કેટલી તૈયાર છે અને તે કેવી હશે? આ પ્રશ્ન સો ટકા વિચારવાલાયક છે.
હજારો વર્ષોથી માનવજાત વ્યક્તિગત તથા સામાજિક ધોરણે આવા ભયંકર સંકટોનો સામનો કરતી આવી છે અને કરતી પણ રહેશે. એટલું જ નહીં, દરેક સંકટમાંથી નાની-મોટી ઈજા સાથે બહાર નીકળી પણ આવે છે. આપણે પણ આવીશું. જ્યારે પણ આપણે આ સંકટમાંથી બહાર આવીશું ત્યારે આપણી આંખો સમક્ષ બે ચહેરા હશે. એક તો કુદરતના પ્રકોપનો ભયાનક ચહેરો અને બીજો પોતાની જાતનો. એ ચહેરો એવો હોવો જોઈએ જે આપણને પોતાને તથા આપણી નજીકની વ્યક્તિઓને જોવો ગમે. તેથી હજી પણ મોડું થયું નથી. ૨૦૨૦નું અડધું વર્ષ હજીય બાકી છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 04:28 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK