રણોત્સવ : કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા

Published: 12th November, 2019 14:22 IST | Mavji Maheshwari | Kutch

રણ અને મહેરામણ: રાવ દેશળજીનું રાજ્ય નિર્વિઘ્ને ચાલતું હતું, પરંતુ આ સમયમાં જ કુમાર લખપતજીની તૃષ્ણાઓ વધતી ગઈ હતી

રણોત્સવ
રણોત્સવ

રાવ દેશળજીનું રાજ્ય નિર્વિઘ્ને ચાલતું હતું, પરંતુ આ સમયમાં જ કુમાર લખપતજીની તૃષ્ણાઓ વધતી ગઈ હતી. તેમના મોજશોખના ખર્ચાઓ પણ વધતા ગયા હતા. તેમના વિલાસી જીવનને કારણે રાજ્ય પર આર્થિક બોજ પણ વધ્યો. પરિણામે રાજ્ય વહીવટ અને રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતાં જેમાંથી અનેક રાજકીય ખટપટનો પણ જન્મ થયો

કચ્છની રાજગાદી મેળવવા કેટલાય દાવપેચ ખેલાતા હતા એવા અનેક કિસ્સાઓ કચ્છના ઇતિહાસમાં નોંધાયા છે. કચ્છ ઉપર રાજ કરી ગયેલા રાજવીઓ પૈકી લખપતજીને કલાપ્રિય રાજવી ગણાવાયા છે. જોકે એ હકીકત છે કે તેમના સમયમાં થઈ ગયેલા રામસિંહ માલમની મદદથી તેમના સમયમાં કચ્છમાં કળાકૌશલ્યનો સારો વિકાસ થયો હતો, પરંતુ તેમણે કચ્છની ગાદી કેવા દાવપેચ રમી અને કપટપૂર્વક મેળવી એ કિસ્સો પણ નવી પેઢી માટે જાણવો રસપ્રદ બની રહેશે.

મહારાઓ દેશળજી પહેલાએ માગસર વદ આઠમના દિવસે કચ્છની રાજગાદી સંભાળી એ સમયે કચ્છનું વાતાવરણ મહદ અંશે શાંત હતું. લોકો પણ સુખી હતા. ભાયાતો પણ પોતાનો વહીવટ શાંતિપૂર્વક ચલાવતા અને કચ્છ રાજ્યને જરૂર પડે ત્યારે હાજર થતા અને મદદ માટે હાજર પણ થતા. પરંતુ એક મોરબીના કાંયાજી તેમને પ્રતિકૂળ રહેતો અને તે કચ્છનું રાજ તેને કેવી રીતે મળે એ માટે કાયમ તેની તજવીજમાં રહેતો અને આ માટે તેણે અમદાવાદના સૂબા શેર બુલંદખાનને સાધ્યો અને કચ્છનું રાજ જો તે તેને અપાવે તો દર વર્ષે તેને મોટી ખંડણી આપવાની લાલચ આપી, આ લાલચથી આકર્ષાઈ શેર બુલંદખાને પચાર હજાર સૈનિકોનું લશ્કર લઈ ભુજિયા પર ચડાઈ કરી. નવાબના લશ્કરે માધાપર પાસેથી ભુજિયાને ઘેરો ઘાલ્યો અને ભુંડાગરો સહિત બે કોઠા પર પોતાનો કબજો જમાવ્યો. પરંતુ કચ્છના રાજવીની આ પરિસ્થિતિ જાણી પટરાણી બાઈરાજબાએ પોતાનો ખજાનો કચ્છ રાજ્યની મદદ માટે ખોલી આપ્યો અને લોહાણા દેવકરણ શેઠે પોતાની કુનેહથી નવાબના લશ્કરને વિખેરી નાખ્યું. શેર બુલંદખાન ગભરાયો. તેને કચ્છ લાવનાર  કાંયાજી પણ તેને છોડી નાસી છૂટ્યો હતો. આથી સૂબો નિરાશ થઈ કચ્છ છોડી નાસી ગયો. રાવ દેશળજીના પુત્ર કુમાર લખપતજી પરાક્રમી અને શૂરવીર હતા. તેમણે પણ આ ચડાઈમાં શેર બુલંદખાનને પરાજિત કરવામાં પોતાની કુનેહ બતાવી હતી. વીસ વરસની ઉંમરના લખપતજીના આ પરાક્રમથી કચ્છની પ્રજા તેમના વારી ગઈ હતી.

ભારતને પશ્ચિમ છેડે આવેલો, ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે અલગ પડી જતો એક વિસ્તાર એટલે કચ્છ. કચ્છ અનોખું છે, અનન્ય છે. કચ્છની પોતાની એક તાસીર છે. કચ્છ પાસે છે પોતાનો હજારો વર્ષ જૂનો અકબંધ ઇતિહાસ, ભવ્ય ભૂતકાળનાં સ્મરણો, ભાતિગળ લોકસંસ્કૃતિ અને વિલક્ષણ ભૂગોળ. છેલ્લા બે દાયકાથી ગુજરાતના પ્રવાસન વિભાગ તરફથી યોજાતો રણોત્સવ ખરા અર્થમાં એક ઉત્સવ બની રહે છે. સામાન્ય રીતે નવેમ્બરથી શરૂ થતો રણોત્સવ આ વર્ષે રણમાં પાણી ભરાયાં હોવાથી ડિસેમ્બરથી શરૂ થાય એમ લાગે છે. દેશ-વિદેશથી આવતા સહેલાણીઓ રણોત્સવને માત્ર માણતા નથી, આ પ્રદેશના પ્રેમમાં પડી જાય છે. એટલે જ અમિતાભ બચ્ચન કહે છે – કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા!

કચ્છની ઓળખ માટે પૂરતું થઈ પડે એવું અમિતાભ બચ્ચનનું વાક્ય અમસ્તું નથી કહેવાયું, કારણ કે કચ્છને જાણવા શબ્દો કામ ન લાગે. એનું વર્ણન ન થઈ શકે. એ માટે કચ્છમાં આવવું પડે. દિવસો વિતાવવા પડે ત્યારે સમજાય કે કચ્છની સુગંધ અને ઠસ્સો શું ચીજ છે. સદીઓ સુધી અલિપ્ત રહી ગયેલી કચ્છની લોકસંસ્કૃતિ અને કચ્છની વિલક્ષણ ભૂગોળથી દેશ અને દુનિયાને અવગત કરાવવા, ગુજરાત સરકારનું પ્રવાસન ખાતું એક ભવ્ય આયોજન કરે છે જે હવે ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ‘રણોત્સવ’ નામે જાણીતું બન્યું છે.

રણોત્સવનું મુખ્ય આકર્ષણ છે કચ્છનું સફેદ રણ. સફેદ એટલે રીતસર સફેદ! કોઈને એમ થાય કે રણ કદી સફેદ હોય ખરું? હા, કચ્છનું રણ સફેદ છે. માઇલો સુધી ચાંદી પાથરી હોય એવું છે કચ્છનું રણ! સામાન્ય રીતે રણ એટલે રેતી અને રેતીના ઢુવા. પણ કચ્છનું રણ રેતીનું નહીં, મીઠાના થરનું બનેલું છે. ચોમાસામાં ભરાઈ જતું વરસાદનું પાણી ક્યાંય વહી શકતું નથી. કોઈ વિશાળ સરોવરની માફક હિલ્લોળા લેતું પાણી દીવાળી સુધીમાં સુકાઈને મીઠાના થરમાં ફેરવાઈ જાય છે. સેંકડો વર્ષોની કુદરતી પ્રક્રિયા પછી કચ્છના બન્ની તરીકે ઓળખાતા વિસ્તારમાં મીઠાના થરો જામ્યા છે એ જ કચ્છનું સફેદ રણ, જ્યાં રણોત્સવ યોજાય છે જેને નિહાળવા દેશ–વિદેશથી લોકો ઊમટી પડે છે.

જે ગામ નજીક રણોત્સવ યોજાય છે એ ગામનું નામ ધોરડો છે. ધોરડો ભુજથી ૯૨ કિલોમીટર દૂર  ખાવડા જતાં આવે છે. કચ્છનો બન્ની વિસ્તાર કોઈક સમયે ઘાસિયા મેદાન તરીકે જાણીતો હતો. કાળક્રમે અરબી સાગરનાં પાણી એ વિસ્તારમાં ધસી આવતાં થયાં પછી એ રણમાં ફેરવાતું ચાલ્યું. સામાન્ય દિવસોમાં જો કોઈ માણસ એ વિસ્તારમાં ભુલો પડે તો મૂંઝાઈ પડે એવી ભૂલભુલામણીવાળો વિસ્તાર છે. એ જ નિર્જન અને ડરામણો વિસ્તાર હવે રણોત્સવ થકી વિશ્વના નકશામાં ચમકી રહ્યો છે. કચ્છમાં યોજાતો રણોત્સવ કચ્છની સંસ્કૃતિ અને લોકજીવનની ઝલક માત્ર જ નથી. રણોત્સવ કુદરતના અતુલ્ય સૌંદર્યને પીવાનો, માણવાનો એક અવસર છે. જ્યાં જુઓ ત્યાં મીઠાના થર ચમકતા હોય! અચંબામાં પડી જવાય કે મુગ્ધ થઈ જવાય એવી આ ભૂમિ પર આવતા માણસને અપાર શાંતિનો અનુભવ પણ થાય છે. રોજબરોજની દોડધામ અહીં આવતાં જ ભુલાઈ જાય છે.

રણપ્રદેશનો દિવસ ભલે અસહ્ય હોય, અકળાવનારો હોય; પણ રણની રાત પાંખ પસારી વિંઝણો વાતી કોઈ પરી જેવી હોય છે. સાંજ ઢળતાં જ હળવો-હળવો પવન વાવા લાગે. દિવસના તાપથી અકળાઈ ગયેલું મન એકદમ શાંત થઈ જાય અને સૂરજ આથમતાં જ આખું દશ્ય બદલાઈ જાય. દિવસે દેખાય એ રણ જુદું અને રાતે દેખાય એ રણ સાવેય જુદું. રાત આ રણને એક અલૌકિક સૌંદર્યની ભેટ ધરી દે છે. તેમાંય જો પૂનમની રાત હોય તો તો જીવનભર ભૂલી ન શકાય એવાં દશ્યો જોવાં મળે. કચ્છના સફેદ રણમાં રાત ગાળવી એ પણ એક લહાવો છે. આકાશમાં પૂર્ણ ચંદ્ર ખીલ્યો હોય, ચંદ્રનાં ધવલ કિરણો રણની સફેદી પરથી પરાવર્તીત થાય ત્યારે એવું લાગે જાણે ચોમેર નાના-નાના હીરા વેરાઈ ગયા હોય! અને જ્યારે ચંદ્ર બરાબર મધ્યાકાશે પહોંચે ત્યારે એનું પ્રતિબિંબ ધરતી પર દેખાય. પાણીમાં પ્રતિબિંબ દેખાય એ તો સમજાય એવી વાત છે, પણ નક્કર ધરતી પર ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય એ એક અદ્ભુત ઘટના છે અને એટલે જ રણોત્સવના મુખ્ય કાર્યક્રમ પૂનમના દિવસની આસપાસ જ ગોઠવવામાં આવે છે.

આ અદ્ભુત રોમાંચની સાથે-સાથે રણોત્સવનાં બીજાં કેટલાંય આકર્ષણો છે એમાં એક છે પૂનમની રાતે યોજાતો જલસો. એક તો અફાટ રણ, પૂનમની રાત અને એ રણ પર વરસતી ચાંદનીમાં ઝબોળાઈને રેલાતું સંગીત. પૂનમની રાતે કચ્છના પારંપરિક સંગીતનો એક ખાસ કાર્યક્રમ હોય છે. કચ્છી કાફી ગવાતી હોય અને ઢોલક પર થાપ પડે ત્યારે દિશાઓ ગાજી ઊઠતી હોય છે. કચ્છની આરાધીવાણી ગાતા ભજનિકો, જોડિયાપાવા અને મોરચંગના રેલાતા સૂર, એ ઉપરાંત વિવિધ પ્રકારના લોકરાસ! ચોમેર નિર્જનતા વચ્ચે થોડાક ટુકડામાં માનવમેળો જામ્યો હોય ત્યારે એવું લાગે જાણે વર્ષોથી તપતી અહીંની વેરાન ભૂમિને કોઈ અંજલિ અપાઈ રહી હોય.

આ પણ વાંચો : ડોમરા અને બાઈસાહેબ

રણોત્સવમાં કચ્છની પારંપરિક બજાર પણ ભરાય. જ્યાં કચ્છની હસ્તકલાની બેનમૂન વસ્તુઓ મળી શકે છે. કચ્છની હાથવણાટની વસ્તુઓ, કચ્છની કાષ્ટકલા, ચર્મકલા, વિવિધ જ્ઞાતિઓના ભરતકામની વસ્તુઓ પણ મળી રહે છે. બન્નીની ખાસ મીઠાઈ ‘મીઠોમાવો’ ખાવાની લિજ્જત પણ માર્ગમાં આવતા ભીરંડિયારા ગામે માણી શકાય છે. ઉપરાંત ખાવડાનો મેસુક અને જલેબી તો ખરાં જ. રણોત્સવ દરમ્યાન બાઇક-રૅલી અને કારરેસનું આયોજન પણ થતું હોય છે. અત્યાર સુધી રણોત્સવની શરૂઆત રાજકીય હસ્તીઓની હાજરીમાં ધામધૂમથી થતી આવી છે. રણોત્સવનું એક આકર્ષણ કચ્છ કાર્નિવલ પણ ખરું જે ભુજમાં યોજાય છે.

...તો આવો કચ્છડો આપની વાટ જોઈ રહ્યો છે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK