આપણો કાન આમળીને આપણી ભૂલ બતાવે એવો એકાદ હિતેચ્છુ સૌને મળે એવી શુભેચ્છા

Published: 23rd November, 2012 06:14 IST

ટીકાકાર ને ટીકાખોર વચ્ચેનો તફાવત સમજી લેવો જરૂરી છે. ટીકાકાર સજ્જ અને સજ્જન હોય છે, જ્યારે ટીકાખોર જડ અને અણઘડ હોય છેફ્રાઇડે-ફલક - રોહિત શાહ

દુનિયામાં સૌથી મોટો દુ:ખી માણસ કોણ ગણાય, ખબર છે? પોતાની ગમે એટલી ગંભીર મિસ્ટેક હોય છતાં તેને વઢી શકે - લડી શકે એવું કોઈ પાત્ર ન હોય - તે વ્યક્તિને દુનિયાની સૌથી દુ:ખી વ્યક્તિ માનવી.

આપણે બહુ મોટી ભૂલ કરી હોય તોય આપણને વઢનારું - લડનારું કોઈ જ ન હોય એ આપણું સૌથી મોટું દુર્ભાગ્ય છે. એ જ રીતે આપણી કોઈ સાવ સામાન્ય ભૂલ થઈ ગઈ હોય તોય આપણી સામે ડોળા કાઢનારું કે ઠપકાનાં બે વેણ કહેનારું કોઈક આપણી પાસે હોય તો સમજવું કે આપણે બહુ મોટા સદ્ભાગી છીએ.

કડવું એટલું મીઠું

આપણી પ્રશંસા કરનારા, આપણી પીઠ થાબડનારા અને આપણને પ્રોત્સાહન આપનારા તો હજારો-લાખો લોકો આ જગતમાંથી જડી આવશે, પરંતુ આપણા મોઢા પર આપણને કડવું સત્ય કહેનારા, આપણી ભૂલો માટે લડી-લડીને આપણને સુધારનારા કે આપણને સાચા રસ્તે દોરી જનારા પથદર્શકો બહુ ઓછા મળતા હોય છે. મોટા ભાગે તો એવું બને છે કે આપણી ભૂલ થતી હોય ત્યારે આપણને રોકવાનું જરૂરી હોવા છતાં સ્વજનો આપણને રોકતા નથી. આપણને દુ:ખ થશે, આપણને માઠું લાગી જશે, આપણને આઘાત લાગી જશે - એવી ચિંતાને કારણે આપણી ભૂલો જોવા છતાં એ લોકો આપણને કંઈ જ કહી શકતા નથી. આપણી લાગણીને ઘસરકો ન પડે એની ચિંતામાં તેઓ ચૂપ રહે છે. આવા સ્વજનો તો ઠેર-ઠેર જોવા મળશે. એવા લોકો માત્ર સ્વજનો જ ગણાય. એ આપણા હિતેચ્છુ ન ગણાય.

માત્ર હિત જ જુએ

સ્વજનો સંબંધને સાચવે. સ્વજનો સંવેદનાની પરવા કરે, પરંતુ હિતેચ્છુઓ માત્ર આપણું હિત જ જુએ. પોતાના હેતને દાવ પર મૂકીનેય આપણું હિત જાળવી જાણે એને જ સાચા હિતેચ્છુ કહેવાય. સંબંધ તૂટે તો ભલે તૂટે, માઠું લાગે તો છો લાગે, દુ:ખ થતું હોય તો ભલે થાય, પણ આપણી ખોટી વાત - આપણી મિસ્ટેક સામે આંખ લાલ કરી જાણે એવા હિતેચ્છુઓ કંઈ સૌના નસીબમાં નથી હોતા.

આપણી મુશ્કેલી એ છે કે આપણે આપણને પંપાળનારાઓનો પ્રેમ તો જોઈ શકીએ છીએ, પરંતુ આપણને લડી-વઢી શકે એવા સ્વજનોનો પ્રેમ આપણે પારખી નથી શકતા. વાતે-વાતે આપણો પક્ષ લેનારા, આપણો જ વાંક હોય તોય એની ફેવર કરીને બીજા સામે બાંયો ચડાવનારા લોકોને આપણા શત્રુ સમજવાનું આપણને આવડતું નથી. જેને સાચા હિતેચ્છુઓને ઓળખતાં ન આવડતું હોય તેણે તકલાદી સ્વજનોથી ચલાવી લેવું પડતું હોય છે.

લાલચ ન હોય

આપણને કડવું સત્ય કહેવાનું સાહસ એ જ વ્યક્તિ કરી શકે છે, જેને આપણી પાસેથી કશું મેળવી લેવાની લાલચ ન હોય કે આપણા સંબંધનો લાભ લઈ લેવાની જેને જરાય ગરજ ન હોય. આવું સાહસ ક્યારેક કોઈ મિત્ર કરે છે, ક્યારેક પત્ની કે નાનો ભાઈ કરે છે, ક્યારેક પુત્ર કે પાડોશી કરે છે, ક્યારેક આપણી બહેન તો ક્યારેક આપણું પ્રિયપાત્ર કરે છે. જ્યારે એ વ્યક્તિ આપણને રોકે છે - ટોકે છે ત્યારે તેની આપણા પ્રત્યેની લાગણી ગંગા કરતાં પવિત્ર અને ગૌરી શિખર કરતાંય ઊંચેરી હોય છે. આપણને માઠું લાગવાની તેને પરવા નથી હોતી. આપણું હિત જરાય ન જોખમાય એની ફિકર તેને હોય છે.

સમજદાર ટીકાકાર


દરેક ટીકાકારને ટીકાખોર સમજી ન બેસાય. ટીકાકાર એ છે કે જે પૂરી સજ્જતા અને સભાનતા સાથે આપણી ભૂલો વિશે વાત કરતો હોય. ટીકાખોર પાસેથી તો કદીયે સજ્જનતાની અપેક્ષા રાખી જ ન શકાય. તે તો અણઘડ અને જડ હોય છે. તેને તો પોતાની જ વાત અને પોતાની જ રીત સારી તથા સાચી લાગે છે. બીજાની ખૂબીઓમાંય તેને ખામીઓ જ દેખાય છે. જ્યાં સુધી કોઈની ટીકા-નિંદા કે બદબોઈ ન કરે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. પોતાની માન્યતાઓ અને ગેરસમજોની ફૂટપટ્ટી લઈને જગતને માપવા નીકળી પડવાનો તેને શોખ હોય છે. કોઈના વિશે સાચી પ્રશંસા કરવા માટેનો જેની પાસે એક શબ્દ પણ નથી હોતો તેને ટીકા કરવા માટે આખો શબ્દકોશ ઠાલવી દેવાની તાલાવેલી હોય છે - એવા ટીકાખોરની વાત નથી. એ લોકો તો પોતાનીયે કબર ખોદતા રહે છે અને બીજાનેય ખાડામાં ઉતારતા રહે છે. આપણે તો સજ્જ, સજ્જન અને સમજદાર ટીકાકારોની વાત કરી રહ્યા છીએ.

તારે દંડ ભરવો જ પડશે

એક ઍડ્વોકૅટનો દીકરો બાઇક લઈને રોડ પર નીકળે ત્યારે જાત-જાતના સ્ટન્ટ્સ કરે, હેલ્મેટ ન પહેરે, નો-એન્ટ્રીમાં ઘૂસી જાય રૉન્ગ સાઇડથી ઓવરટેક કરે. તેને મનમાં કૉન્ફિડન્સ હતો કે મારા પપ્પા તો મોટા વકીલ છે, મને કોઈ પણ રીતે કાનૂનની પકડમાંથી છોડાવી દેશે. તે બેફામ બનેલા યુવકને કોઈ કંઈ કહેવાની હિંમત કરતું નહીં. એક વખત ગજબની ઘટના બની. તે યુવક ઘરમાં હતો ત્યાં જ પોલીસ તેના નામના સમન્સ લઈને આવી. તેણે તરત તેના પપ્પાની ઑફિસે ફોન કર્યો અને પોતાને છોડાવવા કહ્યું. પપ્પાએ કહ્યું, ‘બેટા, તું શું એમ સમજે છે કે તને આ દુનિયમાં કોઈ લડનારું જ નથી? મેં જ તારી વિરુદ્ધમાં પોલીસ-ફરિયાદ કરી છે. હવે તો તારે દંડ ભરવો જ પડશે!’

એ જ ક્ષણે દીકરાને કડવા સત્યનું ભાન થયું. દુનિયામાં બીજું કોઈ ભલે મને લડે-વઢે નહીં, પણ મારા પપ્પા તો મને ખોટું કામ કરતાં અચૂક રોકશે જ!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK