ખુરશીદ ૭૧ લાખ રૂપિયા જેટલી નાની રકમનું કૌભાંડ કરે જ નહીં : બેનીપ્રસાદ

Published: 16th October, 2012 05:01 IST

કેજરીવાલના આરોપો સામે કેન્દ્રીય પ્રધાન બેનીપ્રસાદ વર્માનો વિચિત્ર બચાવકેન્દ્રીય કાયદાપ્રધાન સલમાન ખુરશીદના શારીરિક રીતે અક્ષમ લોકો માટે કામ કરતા ટ્રસ્ટ સામે ભ્રષ્ટાચારના આરોપોને લઈને ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન (આઇએસી)એ અભિયાન છેડ્યું છે ત્યારે ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન બેનીપ્રસાદ વર્માએ ખુરશીદના બચાવમાં આપેલા નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. વર્માએ કહ્યું હતું કે ‘સલમાન ખુરશીદ જેવી કક્ષાના કેન્દ્રીય પ્રધાન માટે ૭૧ લાખ રૂપિયા ઘણી નાની રકમ છે. તેઓ આટલી નાની રકમનું કૌભાંડ કરે જ નહીં. જો રકમ ૭૧ કરોડ જેટલી મોટી હોત તો આરોપોને સિરિયસ્લી લઈ શકાય.’

એક ન્યુઝચૅનલના સ્ટિંગ ઑપરેશનમાં સલમાન ખુરશીદના એનજીઓ ડૉ. ઝાકિર હુસેન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સરકારી ફન્ડની રકમ ખિસ્સામાં સેરવી લેવા માટે શારીરિક અક્ષમ લોકો તથા સરકારી અધિકારીઓની બનાવટી સહીઓ મેળવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

ખુરશીદના બચાવમાં વર્મા

આઇએસીના નેતા અરવિંદ કેજરીવાલે ખુરશીદના રાજીનામા અને ધરપકડની માગણી સાથે આંદોલન શરૂ કર્યું છે. એની સામે ખુરશીદનો બચાવ કરતાં બેનીપ્રસાદ વર્માએ જણાવ્યું હતું કે ‘ખુરશીદે રાજીનામું આપવાની કોઈ જરૂર નથી. નવી પાર્ટી શરૂ કરવા જઈ રહેલા કેજરીવાલ જેવા લોકો દિવસ-રાત ભસ્યા કરે છે. આ લોકોની સંખ્યા ઘણી નાની છે.’

કેજરીવાલ આંદોલન તેજ કરશે

ગઈ કાલે દિલ્હીના જંતરમંતરમાં ખુરશીદ સામેના દેખાવો મોકૂફ રાખ્યા પછી કેજરીવાલે જણાવ્યું હતું કે ‘તેઓ હવે ફરુખાબાદમાં વધારે જોરશોરથી ખુરશીદ સામે દેખાવો કરશે.’ ફરુખાબાદ ખુરશીદનો સંસદીય મતવિસ્તાર છે. એટલું જ નહીં, તેમણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ખુરશીદ સામે શારીરિક રીતે અક્ષમ વ્યક્તિને ઉમેદવાર બનાવવા લોકોને અપીલ કરી હતી. બેનીપ્રસાદ વર્માના વિવાદાસ્પદ નિવેદન વિશે કેજરીવાલે કહ્યું હતું કે આ સ્ટેટમેન્ટ યુપીએ સરકારનો અહંકાર દર્શાવે છે.’ 

એનજીઓ = નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK