સ્વરાજ્ય પહેલાં કચ્છમાં હતી સાત નગરસભા!

Published: 28th April, 2020 19:57 IST | Kishor Vyas | Mumbai

જ્યારે ભુજમાં સૌપ્રથમ ‘નગરસભા’ રચાઈ હતી. એના બરાબર પાંચ વર્ષ પછી માંડવી અને ત્યાર પછીના પાંચ વર્ષે અંજારમાં નગરસભાઓની શરૂઆત થઈ હતી.

જ્યએ નવું બંધારણ બનાવ્યું અને ૧૯૪૫માં પહેલવહેલી કચ્છમાં નગરસભાઓની ચૂંટણી યોજવામાં આવી હતી.
જ્યએ નવું બંધારણ બનાવ્યું અને ૧૯૪૫માં પહેલવહેલી કચ્છમાં નગરસભાઓની ચૂંટણી યોજવામાં આવી હતી.

એ એક આશ્ચર્ય પમાડે એવી વાત છે કે કચ્છમાં એક તરફ રાજાશાહીનો અમલ ચાલુ હતો તો બીજી તરફ લોકશાહી પણ હતી! જી હા, એ વાત છે ઈસવી સન ૧૮૭૧ની! જ્યારે ભુજમાં સૌપ્રથમ ‘નગરસભા’ રચાઈ હતી. એના બરાબર પાંચ વર્ષ પછી માંડવી અને ત્યાર પછીના પાંચ વર્ષે અંજારમાં નગરસભાઓની શરૂઆત થઈ હતી. આ નગરસભાઓ મર્યાદિત મતાધિકાર ધરાવતી અને મુખ્યત્વે કચ્છ રાજ્ય તરફથી નિમાયેલા સભ્યોની બનેલી હતી. ૧૯૪૨ સુધી કે ત્યાર પછી પણ થોડાં વરસ સુધી એ નગરસભાઓમાં, એ જાણીને નવાઈ લાગશે કે પ્રમુખ તરીકે એ વિસ્તારના પોલીસ કમિશનર રહેતા!
સમય જતાં રાજ્યએ નવું બંધારણ બનાવ્યું અને ૧૯૪૫માં પહેલવહેલી કચ્છમાં નગરસભાઓની ચૂંટણી યોજવામાં આવી હતી. એ નગરસભાઓમાં ૨/૩ સભ્યો મર્યાદિત મતાધિકારથી ચૂંટાયેલા અને ૧/૩ રાજ્ય દ્વારા નિયુક્ત થયેલા સભ્યો હતા. ૧૯૫૦માં કચ્છનાં ચાર શહેરો ભુજ, અંજાર, માંડવી અને મુંદ્રા નગરસભાઓને મુંબઈ બરો મ્યુનિસિપાલિટી, ૧૯૨૫નો કાયદો લાગુ કરવામાં આવ્યો અને ૧૯૫૧માં નગરસભાઓ માટે જે બીજી ચૂંટણી યોજાઈ ત્યારે એ પુખ્ત મતદાનવાળી પહેલી ચૂંટણી બની રહી! એ વખતે તો દેશ સ્વતંત્ર થઈ ગયો હતો અને રજવાડાં વિદાય લઈ ગયાં હતાં, પરંતુ સ્વરાજ્ય પહેલાં કચ્છમાં સાત નગરસભાઓ કાર્યરત હતી એમાં ભુજ, અંજાર, માંડવી, મુંદ્રા, ભચાઉ, રાપર અને જખૌનો પણ સમાવેશ થતો હતો.
૧૯૫૦માં ‘મુંબઈ ગ્રામ પંચાયત ધારો’ કચ્છને લાગુ પડ્યો અને ૧૯૫૧માં ‘મુંબઈ ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડ ઍક્ટ, ૧૯૩૩‍’નો અમલ શરૂ થયો હતો. શહેરોમાં મ્યુનિસિપાલિટીઓ અને ગ્રામીણ વિસ્તારમાં ગ્રામ પંચાયત અને જિલ્લા કક્ષાએ એ ગ્રામ પંચાયતોનું વરિષ્ટ મંડળ, જેને આજે જિલ્લા પંચાયત કહીએ છીએ એને એ સમયે જિલ્લાનું લોકલ બોર્ડ નામ અપાયું હતું જે શહેરો સિવાયની સ્વાયાત્ત સંસ્થાઓને નિયંત્રિત કરતું, પરંતુ આવડા મોટા કચ્છમાં, ૧૯૫૨માં પહેલવહેલી ૧૦ ગ્રામ પંચાયતો રચાઈ હતી જેની સંખ્યા વધીને ‘ક’ વર્ગના રાજ્યના અંત સુધીમાં ૩૨ની થઈ હતી! ૧૯૫૨ના ડિસેમ્બર મહિનામાં, કચ્છમાં પહેલી વાર ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી જેના સભ્યોની સંખ્યા ૩૦ની હતી. કચ્છ જિલ્લા લોકલ બોર્ડના પ્રથમ પ્રમુખ તરીકે હીરજીભાઈ રણછોડદાસ કોટક અને ઉપપ્રમુખ તરીકે કુમારી પાનબાઈ ઠાકરશી ચૂંટાયાં હતાં. હીરજીભાઈ કોટકે પ્રમુખ તરીકે એક કાર્યદક્ષ અને કલ્પનાશીલ વહીવટકાર તરીકેની છાપ ઊભી કરી કચ્છના વિકાસને ગતિ આપી હતી.
હીરજીભાઈ કોટકના કાર્યકાળ દરમ્યાન જે નવી યોજનાઓ હાથ ધરાઈ એના પરથી તેમની દીર્ઘદૃષ્ટિનો ખ્યાલ આવી જાય છે. સરકારની એવી નીતિ હતી કે ૫૦૦થી વધારે વસ્તી ધરાવતા ગામમાં પ્રાથમિક શાળા શરૂ કરવી, જ્યારે નાનાં ગામડાંઓમાં શિક્ષણ અંગે કોઈ જ યોજના નહોતી. હીરજીભાઈએ એક વિચાર અમલમાં મૂક્યો અને ૨૫૦થી ઓછી વસ્તીવાળા ગામમાં મંદિરના પૂજારી કે પછી તેના જેવા કોઈ શિક્ષિતને મહિને ૩૦ રૂપિયા જેટલો પગાર આપીને બાળકોને અક્ષરજ્ઞાનથી વંચિત ન રાખવા. તેમની એ યોજનાએ ગ્રામીણ પ્રજામાં સારો રસ જગાડ્યો હતો. ગામનાં વથાણ, ગામના ચોરા, પાણીપુરવઠાના કૂવા જેવી બાબતોમાં તેમણે સુધારાઓ અમલમાં મૂક્યા હતા. તેમણે પંચાયતના તાલીમ વર્ગો પણ શરૂ કરાવ્યા હતા. તેમણે એ સમયમાં સ્વતંત્ર પ્રેસ, લોકલ બોર્ડના નેજા હેઠળ શરૂ કરાવીને ‘ગ્રામ વિકાસ’ નામનું માસિક શરૂ કરાવ્યું હતું. દવાખાનાં શરૂ થયાં, પ્રસૂતિગૃહોની સગવડ ઊભી કરી. લોકલ બોર્ડ હેઠળ ગ્રામ પંચાયતોએ પણ ખૂબ સારી કામગીરી કરી બતાવી હતી.
જરા, ફરી ૧૯૫૨ પહેલાંના સમયમાં ડોકિયું કરી આવીએ! મહારાઓ શ્રી વિજયરાજજી કે જેને લોકો માધુભા તરીકે પ્રેમથી બોલાવતા હતા, તેમને કોઈએ કહ્યું હતું કે ‘બાવા, કોઈ નાની એવી સત્તા પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટણી દ્વારા આપો’ ત્યારે તેમણે ફ્રાન્સના રાજા લુઈની માફક જવાબ આપ્યો હતો કે ‘તમે પાંચ લાખ કોરી લઈ જાવ, પણ એ રીતે મારા રાજ્યની સત્તા કોઈને નહીં આપું!’ ફ્રાન્સના રાજા લુઈ તો કહેતા કે ‘હું જ રાજ્ય છું!’ તેમ છતાં દેશની બદલતી જતી તાશીર જોયા પછી મહારાઓ પણ ઢીલા પડ્યા હતા. જ્યારે સમગ્ર દેશમાં, સ્વતંત્રતા મળ્યા પછી પ્રથમ વાર ૧૯૫૨માં સામાન્ય ચૂંટણી પુખ્ત મતાધિકારના ધોરણે યોજાઈ રહી હતી એ કચ્છ જેવાં દેશી રજવાડા માટે અનુપમ પ્રસંગ બની રહ્યો હતો. કચ્છમાં એ વખતે ૩,૩૧,૪૪૪ મતદારો હતા અને ચૂંટણી માટે ૪૦૦ જેટલાં મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં હતાં.
કચ્છને સંબંધ છે ત્યાં સુધી બે ચૂંટણી એકસાથે યોજાઈ રહી હતી. લોકસભા માટે બે પ્રતિનિધિ મોકલવાના હતા જેમાં એક બેઠક પૂર્વ કચ્છ એટલે કે ભુજ, અંજાર, ભચાઉ અને રાપર; જ્યારે બીજી બેઠક પશ્ચિમ કચ્છની જેમાં માંડવી, મુંદ્રા, નખત્રાણા અને અબડાસા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ તો કચ્છમાં પણ કૉન્ગ્રેસ એક જ વ્યવસ્થિત પક્ષ હતો, પરંતુ કેટલાક જાગીરદારો અને કેટલાંક સ્થાપિત હિતો ધરાવતો લોકસમૂહ સહિત અન્ય તત્ત્વોએ કૉન્ગ્રેસના વિરોધમાં સંગઠન ઊભું કર્યું હતું. તેમની પાસે પણ કૉન્ગ્રેસને એ સમયમાં પણ પડકારવા માટેના મુદ્દાઓ હતા, જેમ કે અનાજની અછત, શરણાર્થીઓની સમસ્યાઓ, નવા સામાજિક સુધારાઓના કારણે જૂનવાણી માણસનું એની સામેનું ઘર્ષણ, કેટલાક શ્રીમંતો અને ખેડૂતો દ્વારા થતો અવળો પ્રચાર વગેરે પરિબળો સાથેનો પ્રચાર કચ્છમાં તંગદિલી પેદા કરવા માટે પૂરતા હતા. સૌરાષ્ટ્રમાં ભૂપત બહારવટીઓ કૉન્ગ્રેસની સામે બહારવટે ચઢ્યો હતો અને ચાલીસેક હત્યાઓ કરીને હાહાકાર મચાવી દીધો હતો. ટૂંકમાં પ્રચાર સભાઓ તોફાની બની જતી હતી!
પ્રેમજી રાઘવજી ઠક્કર આમ તો કૉન્ગ્રેસ કુળના કચ્છના નેતા હતા, પરંતુ ચૂંટણી માટેની ટિકિટ બાબતે પક્ષ સાથે વાંકું પડતાં પક્ષના જ ઉમેદવાર ગુલાબશંકર ધોળકિયા સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી બહારવટે ચઢ્યા હતા. એ બેઠક પૂર્વ કચ્છની હતી. એ અલગ વાત છે કે પ્રેમજીભાઈ હારી ગયા હતા, પરંતુ એથી પણ વધારે કટોકટીનો જંગ પશ્ચિમ કચ્છની બેઠક પર હતો. કૉન્ગ્રેસના ઉમેદવાર ભવાનજી અરજણ ખીમજી સામે પ્રો. કે. ટી. શાહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યાં સમાજવાદી પક્ષના ત્રીજા ઉમેદવાર ખીમજી રાજારામ વેલાણી પણ હતા. પ્રો. કે. ટી. શાહ આમ તો પંડિત નેહરુના પ્રીતિપાત્ર વ્યક્તિ હતા, કારણ કે ૧૯૩૭માં કૉન્ગ્રેસમાં પંડિત નેહરુએ ‘પ્લાનિંગ ફૉરમ’ રચ્યું હતું એમાં કચ્છના ખુશાલ તલકશી શાહ (કે. ટી. શાહ)ને પણ તેમણે લીધા હતા, પણ એ ચૂંટણીમાં તેઓ ભવાનજીભાઈ સામે હારી ગયા હતા.
૧૯૫૬માં ‘ક’ વર્ગનો દરજ્જો ગયો ત્યારે જેનું વિસર્જન કરવામાં આવ્યું હતું એ ‘મતદાર મંડળ’ની ૩૦ બેઠકો માટે ૬૮ ઉમેદવારોની ચૂંટણી પણ, એ સામાન્ય ચૂંટણી સાથે યોજાઈ હતી. કૉન્ગ્રેસ તો બધી બેઠકો પર લડી, પણ સામે દરેક બેઠક માટે સ્વતંત્ર ઉમેદવારો પણ ચૂંટણી લડ્યા હતા. ૬૮ ઉમેદવારોમાં ૧૫ વકીલો, ૧૮ વેપારીઓ, ૧૩ ખેડૂતો અને બાવીસ કાર્યકર્તાઓ હતા. કચ્છમાં લોકસભાની ચૂંટણી કરતાં પણ મતદાર મંડળના સભ્ય બનવા માટેની ચૂંટણીએ રંગ જમાવ્યો હતો. એક મહિનો એની ઝુંબેશ ચાલી હતી. ૧૦ જાન્યુઆરી, ૧૯૫૨ના રોજ પંડિત નેહરુએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર એ ચૂંટણીઓ માટે સભા પણ સંબોધી હતી. પૂર્વ કચ્છમાં એના માટે ૧૪થી ૧૭ અને પશ્ચિમમાં ૨૧થી ૨૪ જાન્યુઆરી, ૧૯૫૨ના દિવસોએ મતદાન થયું હતું. મતગણતરી પણ ત્રણ દિવસ ચાલી હતી. અનેક ઝંઝાવાત અને તંગદિલી વચ્ચે એનાં પરિણામ જાહેર થયાં હતાં. એ કહેવાની તો જરૂર નથી કે કૉન્ગ્રેસની જ જીત થઈ હતી! ૩૦ બેઠકોમાંથી ૨૮ પર કૉન્ગ્રેસ જીતી હતી અને બે અપક્ષ ઉમેદવાર જીત્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK