Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચાલો, ચાલો, અપસેટ થઈએ?

ચાલો, ચાલો, અપસેટ થઈએ?

14 June, 2020 10:54 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

ચાલો, ચાલો, અપસેટ થઈએ?

ચાલો, ચાલો, અપસેટ થઈએ?


આજે વાત કરવી છે લાઇફ અને એમાં આવતી અપસેટનેસની. અપસેટનેસ એટલે શું એ જો પૂછવામાં આવે તો સહજ રીતે સમજાવી શકાય એવો જવાબ એક જ છે કે ન ગમે એવું બને કે પછી ઇચ્છા પડે એવું ન થાય ત્યારે મૂડમાં જે સ્વિંગ્સ આવે એનું નામ અપસેટનેસ, પણ આ અપસેટનેસ ક્યારે આવવી જોઈએ અને શું કામ આવવી જોઈએ એની સમજણ આપણે ક્યારેય વાપરતા નથી.

માઇન્ડવેલ, લાઇફ એ સતત અને એકધારી ચાલતી એવી એક લર્નિંગ પ્રોસેસ છે. આ પ્રોસેસમાં આવતી તકલીફો એ લાઇફનાં સ્પીડબ્રેકર છે. જો તમને એવું લાગે કે હાઇવે પર સ્પીડબ્રેકર ન હોવાં જોઈએ તો તમારી આ માન્યતા ખોટી છે. આગળ વધતાં પહેલાં મને સંજય ગોરડિયાનું એક ફેવરિટ વાક્ય કહેવું છે. સંજયભાઈ હંમેશાં કહે કે જીવન એક સંઘર્ષ છે. વાત એકદમ સાચી છે. જીવન એક સંઘર્ષ છે અને વચ્ચે આવતાં તકલીફોનાં સ્પીડબ્રેકર જે છે એ આ સંઘર્ષની નિશાની છે. આ સ્પીડબ્રેકર ક્યાંક ને ક્યાંક તમને એ યાદ દેવડાવવાનું કામ કરે છે ગાડીમાં બ્રેક છે અને એનો ઉપયોગ કરતા રહેવાનું છે. મારી એજની જનરેશનને પણ આજે મારે એક વાત કહેવી છે. દરેક વાતમાં અપસેટ થવું અને દરેક નાની વાતમાં અપસેટ થઈને જિંદગી હારી ગયા હોઈએ એ રીતે બેસી જવું એ પણ ખોટી વાત છે. લાઇફની બધી વાત અને લાઇફની બધી વાસ્તવિકતા તમને ગમે એવી ન જ હોય અને એવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ. ધારો કે લાઇફમાં ચૅલેન્જિસ અને ડિસ્ટર્બન્સ આવે જ નહીં, ધારો કે લાઇફમાં ક્યારેય કોઈ જાતનો પ્રૉબ્લેમ આવે જ નહીં અને લાઇફમાં ક્યારેય ન ગમે એવું બને જ નહીં તો તમને એવી લાઇફ જીવવી ગમે ખરી?



જો એવી લાઇફ જીવવી હોય તો લાઇફમાં થ્રિલ હોવું જોઈએ એવું ક્યારેય કહેતા નહીં, કારણ કે તકલીફ અને મુશ્કેલી વિનાની લાઇફ ડલ બની જાય છે અને એ ડલ લાઇફ જીવવાની કોઈ જાતની મજા આવતી નથી. લાઇફમાં તકલીફો, મુશ્કેલી, પ્રૉબ્લેમ્સ હોવાં જ જોઈએ. જો એ હોય તો એના સૉલ્યુશન માટે તમે મહેનત કરશો અને એ મહેનત કરશો તો તમે ગ્રો થશો. આપણને તો આમ પણ થ્રિલની આદત છે. પેલું શું કહેવાય, કિક. આપણને બધાને કિક જોઈએ છે અને ફ્રેન્ડ્સ કિક માટે, થ્રિલ માટે તો આપણે કંઈ પણ કરતા રહીએ છીએ. મેં જોયું છે કે મરીનલાઇન્સ પર રાતના બાઇક-રેસ થાય છે. ઇન્ટર્નલ શરતો લાગી હોય એ જીતવા માટે જીવનું જોખમ લઈને પણ એ રેસમાં ભાગ લેનારાઓ છે. જો આવી થ્રિલ અને આવી કિક માટે આપણે સામે ચાલીને તકલીફ લેવા તૈયાર હોઈએ તો પછી લાઇફમાં આવતા પ્રૉબ્લેમથી કેવી રીતે થાકી શકીએ? આપણે થાકવાનું નથી, હારવાનું નથી. આપણે એ બધી તકલીફોનો સામનો કરવાનો છે અને એ બધાની સામે લડવાનું છે અને સામનો કરવાનો છે. સામનો કરવા માટે હિંમત જોઈશે અને એ લડવા માટે બુદ્ધિ વાપરવાની રહેશે. તકલીફ સામે ક્યારેય ઝૂકો નહીં અને તકલીફ સામે ક્યારેય હાથ જોડો નહીં. હું નાનો હતો ત્યારે મારાં મમ્મી મને કહેતાં કે ભગવાન પરીક્ષા એની જ લે, જે પરીક્ષાને લાયક હોય અને જેને પરીક્ષાનું બધું આવડતું હોય અને કાં તો ભગવાન તેને કંઈક વધારે શીખવવા માગતા હોય.


વાત સાચી છે. મુશ્કેલી આવે ત્યારે એનાથી ગભરાવાને બદલે મુશ્કેલીને વેલકમ કરો અને એનો સામનો કરીને વધુ ચડિયાતા બનો. જો ચડિયાતા બનવું હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડશે, હીરો પણ એ કામ કરે જ છે. તમે ક્યારેય ચણાને ઘસાતા નહીં જુઓ, ઘંટીએ જે ચડે એ હીરો જ હોય. હવે જ્યારે પણ તકલીફ આવે ત્યારે ધારો કે તમે ડાયમન્ડ છો અને તમારે ઘસાઈને વધુ કીમતી બનવાનું છે. જરૂર છે તો બસ યકીન રાખવાની, તમારા પર વિશ્વાસ રાખો.

‘ટ્યુબલાઇટ’ ફિલ્મને યાદ કરો. હમણાં લૉકડાઉનમાં આ ફિલ્મ જોઈ. ફિલ્મનો મેસેજ છે કે તમારા પર શ્રદ્ધા રાખો. જો શ્રદ્ધા હશે, તમને તમારા પર જ ટ્રસ્ટ હશે તો તમે પહાડને પણ હલાવી શકશો. ફિલ્મમાં એ પહાડ ભૂકંપને લીધે હલે છે, પણ કહેવાનો ભાવાર્થ તો એ જ છે કે તમને તમારા પર વિશ્વાસ હોવો જોઈશે. ઘણા લોકોને ‘ટ્યુબલાઇટ’ ફિલ્મ નહોતી ગમી અને ફિલ્મ ફ્લૉપ ગઈ હતી, પણ એ ફ્લૉપ જવાનું કારણ કદાચ ભાઈજાન હતા. ભાઈજાન સલમાને જો હાથથી પર્વત હલાવી નાખ્યો હોત તો લોકો ફિલ્મ સુપરહિટ કરી દેત, પણ એવું થયું નહીં એટલે લોકોનું એક્સપેક્ટેશન તૂટી ગયું અને ફિલ્મ ફ્લૉપ ગઈ. મને ફિલ્મ ગમી અને ખાસ તો એટલા માટે ગમી કે એને ઑનેસ્ટીથી બનાવી હતી. સલમાન ખાનને ધી ગ્રેટ સલમાન ખાન તરીકે રજૂ કરવામાં ન આવ્યો. મહત્ત્વનું એ છે કે તમારી પાસે સલમાન ખાન હોય અને એ પછી પણ તમે તેને તમારા કૅરૅક્ટર મુજબ રજૂ કરવાની હિંમત કરો એ મોટી વાત છે. ‘ટ્યુબલાઇટ’ રિલીઝ થઈ એ સમયે મારી ‘પપ્પા, તમને નહીં સમજાય’નું શૂટ ચાલતું હોવાથી મારાથી એ ફિલ્મ મિસ થઈ અને પછી તો એ ઊતરી પણ ગઈ અને રહી ગઈ, પણ મને એનો અફસોસ છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફિલ્મ જોયા પછી મારા મોઢામાંથી પહેલું રીઍક્શન એ જ આવ્યું હતું, ‘ભાઈ, ક્યા બાત હૈ.’


ઍનીવે, આપણા વિષયની વાત કરીએ અને આપણા વિષયની વાત જ ફિલ્મમાં કહેવામાં આવી છે. યકીન કરો. ભરોસો રાખો. તમારા પર વિશ્વાસ રાખો, તમને કોઈ અટકાવી નહીં શકે, તમને કોઈ રોકી નહીં શકે.

જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો તમારી માટે પણ આ વાત લાગુ પડે છે. તમને કોઈ રોકી નહીં શકે અને તમને કોઈ અટકાવી નહીં શકે. બસ, એક જ વાત યાદ રાખવાની છે. તમને તમારા પર વિશ્વાસ, ટ્રસ્ટ, યકીન હોવો જોઈએ. જો શ્રદ્ધા રાખશો તો તમને ક્યારેય કોઈ પાછળ રાખી નહીં શકે અને તમને ક્યારેય કોઈ રોકી નહીં શકે. બાકી તકલીફોને જોઈને જો રડવા બેસશો તો એ તકલીફો તમને ક્યારેય આગળ વધવા નહીં દે અને તમને ક્યારેય ગ્રો થવા નહીં દે. બને કે કોઈ વખત તમે ફેલ જાઓ, નિષ્ફળ જવું એ પણ જીવનનો જ દસ્તૂર છે અને એને સ્વીકારીને જ આગળ વધવાનું હોય છે. વિચારો કે અમિતાભ બચ્ચન જો પોતાની ફ્લૉપ ફિલ્મનું રિઝલ્ટ જોઈને બેસી રહ્યા હોત તો શું તેઓ ક્યારેય આગળ વધી શક્યા

હોત ખરા? સલમાન ખાને જો પોતાની ફ્લૉપ ફિલ્મના નામે રડવાનું શરૂ કર્યું હોત તો તમને આજના સલમાનભાઈ ક્યારેય જોવા મળ્યા

ન હોત.

જો આગળ વધવું હોય તો પાછળ હટવાની તૈયારી રાખવી પડશે. જો મોટા માણસ બનવું હોય તો નાની તકલીફો વેઠવી પડશે અને એને ભૂલવી પણ પડશે. જો નામ કમાવું હશે તો ગુમનામી ભોગવવાની તૈયારી રાખવી પડશે. મેં જ્યારે સિરિયલમાં કામ શરૂ કર્યું ત્યારે અનેક લોકો એવા હતા જેમણે મને અને મારી ફૅમિલીને ડરાવ્યાં હતાં. આવી રીતે કંઈ નામ ન થાય એવું પણ કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે આવું કરવામાં રહીશ તો તારું એજ્યુકેશન બગડી જશે, પણ આ બન્નેમાંથી કંઈ નથી થયું. હું આજે નામ પણ કમાઈ શક્યો છું અને કામ કર્યાનો મને આનંદ પણ છે. દિવસમાં ઓછામાં ઓછા પાંચ અજાણ્યા લોકો મને એવા મળે છે જે ટપુભાઈ-ટપુભાઈ કહીને મને બોલાવે છે. મારુ ભણવાનું આજે પણ ચાલુ છે. આજે પણ મેકિંગને લગતા કોર્સ હું ઑનલાઇન કરું છું અને એ પછી એનાં એક્સપરિમેન્ટ્સ પણ કરું છું. સ્કૂલ કે કૉલેજની વાત કરું તો અત્યાર સુધીમાં હું એક પણ વખત ફેલ નથી થયો. આ કોઈ આપબડાઈ નથી, પણ મહેનત કરવાથી શું પરિણામ આવી શકે એનું આ એક્ઝામ્પલ છે. કિક અને થ્રિલ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આ કિક અને થ્રિલ બાઇકની રાઇડમાં નહીં, પણ જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી જ તમને મળી જશે, જો તમે એને માટે તૈયાર રહેશો તો અને એને માટે તૈયાર રહેવું એ દરેક વ્યક્તિની ફરજ છે. કોરોના સામે ટકવું એ થ્રિલ છે. કોરોનાને ઘરમાં ન આવે એની ચીવટ સાથે રહેવું એ પણ થ્રિલ છે અને પહેલાં જેવા બનીને રાતે ૧૦-૧૨ વાગ્યા સુધી ભટકતા રહેવાને બદલે સમયસર ઘરમાં પાછા આવવું એ પણ થ્રિલ છે. એક વાર અનુભવી જુઓ તમે.

સાચે જ, તમને પણ એ થ્રિલનો અનુભવ થશે.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2020 10:54 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK