હોય મુંબઈ કે ગુજરાત, હવે સ્વેટર મૂકો ને કાઢો રેઇનકોટ

Published: Jan 06, 2020, 11:16 IST | Mumbai Desk

ઠંડી ગાયબ થવાની છે અને કમોસમી વરસાદ પડે એવી આગાહી

આ શિયાળુ મોસમમાં લાલગુલાબી ઠંડીનો અનુભવ કરી રહેલા મુંબઈગરાઓ માટે માઠા સમાચાર છે. આગામી બે-ત્રણ દિવસમાં શહેરમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હોવાથી ઠંડીમાં વધારો થવાને બદલે તાપમાન વધશે. આવી જ આગાહી ગુજરાત માટે પણ છે. છેલ્લા પંદર દિવસથી એકધારા આવી રહેલા ઉત્તરીય પવનોને કારણે ગુજરાત ઠરીને ઠીકરું થઈ ગયું છે. ગઈ કાલે પણ ગુજરાતનું ઍવરેજ લઘુતમ તાપમાન ૯.૧ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કચ્છના નલિયામાં ૬.૭ ડિગ્રી, રાજકોટમાં ૯.૩, ડીસામાં ૧૦.૩, ગાંધીનગરમાં ૧૧, ભુજમાં ૧૧.૨, વડોદરામાં ૧૧.૮ અને અમદાવાદમાં ૧૨.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. સતત ઠંડી અને પવન વહેતો હોવાથી રીતસર લોકો પ્રાર્થના કરતા થઈ ગયા હતા કે ‘ભગવાન, ઠંડી ઘટે’. જાણે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી હોય એ રીતે ગઈ કાલે ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી હતી કે આવતા બેએક દિવસમાં ગુજરાતમાં ઠંડી ઘટશે અને મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે. જોકે આ આગાહી સાથે બીજી આગાહી જે આવી છે એ ગુજરાતના લોકોને વધારે અકળાવનારી છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસમાં મુંબઈમાં ઠંડીનો ચમકારો દેખાયા બાદ એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૧ અને ૨ જાન્યુઆરીએ શહેરમાં મિનિમમ તાપમાન ૧૫ અને ૧૬ ડિગ્રી હતું, એ ગઈ કાલે વધીને ૧૭.૫ ડિગ્રી થઈ ગયું હતું અને આગામી સમયમાં એમાં હજી વધારો થઈ શકે છે. 

સ્કાયમેટના રિપોર્ટ મુજબ હિમાચલની ઉત્તરીય હવા પશ્ચિમી રાજ્યો રાજસ્થાન અને ગુજરાત થઈને મુંબઈ તરફ વહેતી હોવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે આવતી કાલથી હવાની દિશા ઉત્તરથી દક્ષિણ તરફની થવાની શક્યતા છે એથી દિવસ અને રાતના તાપમાનમાં વધારો થશે અને એથી મુંબઈમાં ઠંડીનું પ્રમાણ ઘટશે.
આ સિવાય ૭ અને ૮ જાન્યુઆરીએ મુંબઈ અને પરા વિસ્તારમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. પૂર્વ ઉત્તર પ્રદેશથી ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્ર અને ઉત્તર કોંકણ તથા ગોવામાં તેમ જ મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાનમાં આવી રહેલા ફેરફારને કારણે મુંબઈમાં તપમાનમાં ઘટાડો થશે એથી આ અઠવાડિયે મુંબઈગરાઓ ઠંડીનો અનુભવ નહીં કરી શકે.
ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસમાં ઠંડી ઘટશે અને એ પછી દક્ષિણ તથા મધ્ય ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ આ વખતે ગુજરાતનો કેડો મૂકવાનું નામ નથી લેતો. હવામાન વિભાગની આગાહી મુજબ હળવાં ઝાપટાંથી લઈને એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. જો વરસાદ પડશે તો એ પછી ગુજરાતમાં વધારે આકરો શિયાળો શરૂ થશે એ પણ નક્કી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK