વેલનો આધાર બન

Published: May 17, 2020, 18:54 IST | Hiten Anandpara | Mumbai Desk

અર્ઝ કિયા હૈ : આત્મનિર્ભર દેશનું એલાન શક્ય ત્યારે જ બનશે જ્યારે નાગરિકોનું એમાં પ્રદાન હોય. રાજેન્દ્ર શુક્લ કહે છે એમ માનસિક સ્થિરતા અને પ્રતિબદ્ધતા જરૂરી છે...

મિડ-ડે લોગો
મિડ-ડે લોગો

ભારતના અર્થતંત્રને ઉગારવા મહાકાય આર્થિક પૅકેજની મોદી સરકારે ઘોષણા કરી. કુલ વીસ લાખ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કરવા સાઠ ઇંચની છાતી જોઈએ. લાંબા સમય સુધી અનિર્ણિત રહેવાને બદલે હિંમતભર્યા નિર્ણયો લેવાની વડા પ્રધાનને આદત છે. પૅકેજનો ફિગર સાંભળીને વિપક્ષોના ફિગરમાં ફાચર પડી ગઈ ને ફિંગર મરડાઈ ગયા. આત્મનિર્ભર દેશનું એલાન શક્ય ત્યારે જ બનશે જ્યારે નાગરિકોનું એમાં પ્રદાન હોય. રાજેન્દ્ર શુક્લ કહે છે એમ માનસિક સ્થિરતા અને પ્રતિબદ્ધતા જરૂરી છે...

વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત
કોઈ કુમળી વેલનો આધાર બન
ચિત્તને જો ક્યાંય સંચરવું નથી
સ્થિર રહીને સર્વનો સંચાર બન
અર્થતંત્રમાં સંચાર કરવા માટે અદના, મધ્યમવર્ગના ને શ્રીમંત નાગરિકે પણ મથવું પડશે. લક્સ-લાઇફબૉયથી નહાતા શરીરને, રીન-વ્હીલ-ઍરિયલથી ધોવાતા કપડાને, જૉન્સન-પોન્ડ્સના સૌંદર્ય પ્રસાધનોથી ઊજળા થતા ચહેરાને, કોલગેટ-ક્લોઝઅપથી મંજાતા દાંતને, બ્રિટાનિયા અને મૅગી જેવા ખાદ્યપદાર્થોમાં ઓતપ્રોત જીભને, લિપ્ટન-બ્રુક બૉન્ડની ચા થકી મળતી લિજ્જતને, પેપ્સી-કોકા કોલા જેવાં ઠંડાં પીણાંથી બુઝાતી તરસને, ફિલિપ્સ-સોનીનાં ઘરગથ્થુ ઉપકરણોથી મળતી સુવિધાને, રીબૉક-નાઇકીનાં શૂઝથી મળતી ગ્ર‌િપને, પીટર ઇંગ્લૅન્ડ- વૅન હુસેનનાં વસ્ત્રોથી સજતા આપણા અસ્તિત્વને આપણે આયુષ મંત્રાલયનો કાઢો પીને સમજાવવું પડશે કે બૉસ, હવે નહીં. હવે તો મારી માટીમાંથી જે બનતું હશે એ જ મારા ઘરમાં આવશે. કોરાના પછીની આ સામૂહિક લડતમાં સૌએ જોડાવાનું છે. આ વર્ષ આકરું જવાનું છે એ નક્કી એમ રાકેશ હાંસલિયા કહે છે...
એને ક્યાં વાપરવી નિર્ભર આપ પર છે
કેટલાંયે કામ ચિંગારી કરે છે
ઓણ એના મોલ પર પાણી ફરી ગ્યું
હર વરસ જે કાપણી સારી કરે છે
મોલ, માલ અને મહત્ત્વાકાંક્ષા પર પાણી ફરી ગયું. ગાડી પાટે ચડતાં કમ સે કમ એકાદ-બે વર્ષનો ગાળો લાગશે અને સ્થિર થવા ચાર-પાંચ વર્ષ રોકડાં જોઈશે. કોરોનાના ઉગ્ર તમાચાએ સાન ઠેકાણે લાવી દીધી. વપરાશ અને બચત બન્ને વચ્ચેનો રેશિયો જાળવવો હવે જરૂરી છે. કોરોના કે અન્ય કોઈ નવો વાઇરસ પાછો ત્રાટકે તો કમ સે કમ છ મહિના ઘર-પરિવાર ટકી રહે એની જોગવાઈ કરતાં શીખવું પડશે. અનાજ અને કઠોળને સહારે આખું વર્ષ નભી જવાય એવું આપણા વડદાદાઓનું પ્લાનિંગ જીવનમાં ઉતારવું પડશે. આયોજનની સાથે પ્રવીણ શાહ કહે છે એવો વિશ્વાસ હવે આપણો સાથી બનવો જોઈએ.
કેટલી કંઈ આવશે મુશ્કેલીઓ
ભીતરી એતબાર પર વિશ્વાસ છે
જીવને આ જીર્ણ પહેરણ નહીં ગમે
અમને તો ધબકાર પર વિશ્વાસ છે
ભારતીય લઘુઉદ્યોગોને મરણતોલ માર પડ્યો છે. થોડીક ફિલ્મી સરખામણી કરીએ તો ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં શાહરુખ ખાન માર ખાઈ-ખાઈને લગભગ બેહોશ થઈ ગયો હોય છે. તે બચેલી તાકાત સાથે હટ્ટાકટ્ટા દુશ્મન ઉપર ત્રાટકીને તેને ધૂળ ચાટતો કરી દે છે. માન્યું કે એ ફિલ્મ હતી, પણ એ વલણ અખત્યાર કરવાનો સમય આવ્યો છે. પ્લેગમાં ને પૂરમાં બરબાદ થયેલું સુરત ફરી બેઠું થયેલું. ભૂકંપમાં ખંડિયેર બની ગયેલું ભુજ નવપલ્લવિત થયેલું. સરકારી સહાયના આધારે અને પોતાની આવડતથી નાના-નાના સાહસિકોએ દેશને ઊભો કરવાનો છે. સ્વમાંથી બહાર નીકળીને હર્ષ બ્રહ્મભટ્ટ કહે છે એવો આધાર અન્યને આપતાં પણ શીખવું પડશે.
જો આપ કહો એક ચમત્કાર કરી દઉં
આ પાનખરોને હું તડીપાર કરી દઉં
જો ત્યાં સુધી તોફાન શમી જાય સમયનું
બે-ચાર દિલાસાનો આધાર કરી દઉં
સમયનું તોફાન જલદી શમે એમ નથી. સમય પાસે ટેસ્ટ મૅચ રમવાનો ટેમ્પરામેન્ટ છે અને આપણને ટ્વેન્ટી-ટ્વેન્ટીની ઝડપે બધું જોઈએ છે. આ બે વચ્ચેનું સંતુલન અઘરું છતાં અનિવાર્ય છે. ભારત પાસે એ ક્ષમતા છે. પીપીઈ કિટ માટે પરદેશ પર નિર્ભર રહેલો આપણો દેશ આજે બે જ મહિનામાં ઘરઆંગણે દૈનિક બે લાખ જેટલી કિટ બનાવતો થઈ ગયો. સરકારી પ્રોત્સાહન મળે અને બાબુશાહીના ઘોંચપરાણા ઓછા થાય તો ઉદ્યોગો ઊજળું પરિણામ આપી શકે. કુમાર જૈમિની શાસ્ત્રી એવી મૂળભૂત વૃત્તિની વાત કરે છે જે કુદરતે આપણને આપી જ છે...
કોઈના અનુરોધ પર નિર્ભર નથી
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે
છીછરું જળ હોય કે ઊંડો ધરો
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે
મારે શું એવા સવાલને બદલે આપણું શું એવું વિચારવું પડશે. સંઘશક્તિ ન હોત તો આપણે વ્યક્તિગત રીતે ક્યારના તૂટીને વિખરાઈ ગયા હોત. વ્યક્તિગત સત્યને હવે સાર્વજનિક સત્ય સુધી લઈ જવાનો પુરુષાર્થ કરવાનો છે. પરદેશની કિંમત કરીને સ્વદેશના મૂલ્યને ઓળખવાનું છે. કિરણસિંહ ચૌહાણ તાર્કિક સવાલ કરે છે...
કોઈએ કીધું ને જાણ્યું આપણે
આપણી પાસે ઉછીનું સત્ય છે
સત્ય માટે પણ અલગ કૅટેગરી
એના પર નિર્ભર કે કોનું સત્ય છે!
સત્યની રક્ષા માટે કડવા કાનૂનોની જરૂર પડશે. દેશવિરોધી તત્ત્વોને વીણી-વીણીને વેતરવાનો સમય આવી ગયો છે. નહીંતર આ બધા એકવીસમી સદીના રાક્ષસો છે જે હવનમાં હાડકાં હોમ્યા જ કરશે. થેલાવાલા બુદ્ધિવાદીઓને સામ, દામ, દંડ, ભેદ કોઈ પણ રીતિ અપનાવી શુદ્ધિવાદીઓ બનાવવા પડશે. આ લોકો કરતાં તો ગામની નાની શાળામાં જાજરૂ સાફ કરતાં કોઈ ગંગામાશી સારાં જેની નિષ્ઠામાં કોઈ કમી ન ગોતી શકો. દેશને માત્ર પથ્થરિયા પાડોશીથી જ નહીં, ઘરના ઘાતકીઓથી પણ રક્ષવાનો છે. મનસુખ નારિયાની સ્પષ્ટતા શાસકીય ધોરણે અનિવાર્ય છે...
શ્વાસ પર નિર્ભર રહે છે
ને હવાને રદ કરે છે
ક્યાં સુધી તું માફ કરશે
એ હવે અનહદ કરે છે

ક્યા બાત હૈ

સ્વયંની વ્હારે ધા
તને જે ગીત આવડે તે ગા
તું એ રીતે સ્વયંની વહારે ધા

ભરાય એ રીતેય ખાલીપો
લગાવ શબ્દના નગારે ઘા

વસંત છે ને ઘર ઉદાસ-ઉદાસ
ને ના ખબર કે એનું કારણ આ

કહે છે, જ્ઞાન મીણબત્તી છે
કોઈ છેડે નથી સળગતી કાં?

ચણાવી લીધી તેમણે ભીંતો
મેંય બારી મારી ઉઘાડી ના

તે કહે – વિશ્વ ક્ષેમકુશળ છે
મેંય આંસુ લૂછીને કીધી - હા

સૂર્ય ખોયો રમેશજીએ, ને
કીધું: પડછાયા, મારો ભેરુ થા - રમેશ પારેખ, પુણ્યતિથિઃ તા. 17 મે

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK