Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જે છે, જેવું છે અને જેટલું છે

જે છે, જેવું છે અને જેટલું છે

04 September, 2020 04:43 PM IST | Mumbai
J D Majethia

જે છે, જેવું છે અને જેટલું છે

જે છે, જેવું છે અને જેટલું છે એમાં ખુશ રહેજો અને સૌકોઈને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો.

જે છે, જેવું છે અને જેટલું છે એમાં ખુશ રહેજો અને સૌકોઈને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો.


રવિવારની સાંજે એક મેસેજ વાંચીને હું એક સેકન્ડ માટે ધબકારો ચૂકી ગયો. માનવામાં ન આવે એવી વાત હતી એટલે મેસેજ મેં બે-ત્રણ વાર વાંચ્યો. મેસેજમાં લખ્યું હતું...
‘પરમપૂજ્ય શ્રી કૃષ્ણવલ્લભજી હમારે બીચ નહીં રહે.’
આ વાક્ય અમારા આખા સમાજ માટે આઘાતજનક હતું. બધાના પરમ હતા, સૌને માટે પૂજ્ય હતા. અમારા સમાજના કોઈ એવા વૈષ્ણવ નહીં હોય જે તેમના વાંચનથી કે તેમનાથી અજાણ હશે. ગુડગાંવમાં રહેતા શ્રીકૃષ્ણવલ્લભજી વર્ષોથી દર શનિવારે સાંજે મથુરા જાય અને વૈષ્ણવોની સામે ગ્રંથોનું વાંચન કરે અને દરેક પેઢીના આબાલવૃદ્ધ સૌને બહુ જ સરળ રીતે વંચનમાં આવતી વાતો સમજાવે. બહુ સરસ રીતે, સરળ શબ્દોમાં સમજાવે અને દરેકના પ્રશ્નોના ઉત્તર પણ આપે. અનેક શહેરોમાં તેમના વંચનનાં આયોજન થતાં. મારા સદ્નસીબે અને વડીલ પૂજનીય અને મારા તથા મારા આખા શ્રી રમણ અનન્ય સુજાતી સમાજના પ્રિય એવા શ્રી રમણરાજાના સૂચનને લીધે મારા ઘરે પણ એક વાર તેમના વંચનનું આયોજન થયું હતું અને વૈષ્ણવ પધાર્યા હતા. મારા ખરેખર બહુ પ્રિય હતા, છે અને રહેશે. આ આખાયે લૉકડાઉન દરમ્યાન દરરોજ સાંજે બે કલાક સુધી દેશવિદેશના વૈષ્ણવો તેમનું વંચન સાંભળે. લાઇવ વિડિયો સ્ટ્રીમિંગ થતું હોય. લૉકડાઉનના કપરા સમયને ખૂબ જ સુંદર અનુભવો અને અનુભૂતિમાં બદલી નાખ્યો હતો તેમણે. નકારાત્મક વિચારો અને પરિસ્થિતિમાંથી બધા બહાર આવી જતા દરરોજ સાંજે તેમની વાતો સાંભળીને.
રવિવારની સાંજે ૬.૨પ સુધી તેમનું વંચન ચાલ્યું અને ૬.૨૭ વાગ્યે તેમણે મથુરાસ્થિત અમારા વૈષ્ણવ પપ્પનભાઈના મેસેજનો જવાબ પણ આપ્યો અને થોડી જ વારમાં તેમના અહીંથી પધારી જવાના સમાચાર મળ્યા.
અકલ્પનીય.
હજી માનવામાં નથી આવતું. માની નથી શકાતું.
આ કાળ, આ સમય એવો થઈ ગયો છે કે આપણી આસપાસ એવી ઘટનાઓ થઈ રહી છે જે દુર્ઘટનાઓ કે એનાથી પણ વધારે દુખદ અને ચોંકાવનારી છે. થોડા સમય પહેલાં જામનગરસ્થિત પ્રભુકાકા, કલકતાસ્થિત લલિતાબહેન અને બીજા ઘણા ઉત્તમ વૈષ્ણવો અને સ્વજનોથી વિખૂટા પડ્યાનું દુઃખ છે. મોટું દુઃખ એ પણ થાય કે તેમનાં છેલ્લાં દર્શન પણ નથી થઈ શકતા કે તેમના પરિવારની બાજુમાં પણ પ્રત્યક્ષ રીતે ઊભા રહી નથી શકતા.
તમારામાંથી ઘણાને જીવનમાં દુખદ પ્રસંગો આવ્યા હશે અને તમને આવો અનુભવ થયો હશે. બાળપણમાં મેં જોયું છે, સાંભળ્યું છે અને આચરણ કર્યું છે એ છે દુનિયામાં સગાં વહાલાં અને સંબંધીઓના બીજા કોઈ પણ પ્રસંગમાં કારણસર ન પહોંચી શકો તો ચાલે, પણ ચિરવિદાય અને કાંધ આપવામાં ઊભા રહેવાનું ન ચૂકવું. આ મહામારીએ એવું જીવન કરી નાખ્યું છે કે દુનિયામાં અરે, બીજે ક્યાંય તો જવા દો, પાડોશીઓને ત્યાં પણ ઊભા રહેવું શક્ય નથી બનતું ઘણી વાર. પરિવારજનો પોતાના આપ્તજનને કાંધ, દાહ કે છેલ્લા દર્શનથી વિચલિત રહી જાય છે. અમારા પર જણાવેલા પ્રિય સ્વજનોમાંથી કોઈ કોરોનાને લીધે વિદાય નથી થયા અને એમ છતાં આજની પરિસ્થિતિ વચ્ચે તેમની પાસે જઈ શકાયું નથી. તમને મારા જ બિલ્ડિંગની વાત કહું. બિલ્ડિંગમાં રહેતાં એક ઓળખીતાં વડીલ બહેનને કંઈ જ નહોતું થયું, સહેજ છાતીમાં દુખાવો ઊપડ્યો અને આવા વખતે કોઈ પણ સાવચેતી વર્તે એટલે તેમને હૉસ્પિટલ લઈ ગયા. ત્યાંથી પાછાં ઘરે આવ્યાં તો ખબર પડી કે તેમને હવે તાવ છે અને એ હવે ઊતરતો નથી. ટેસ્ટ કરાવી તો રિપોર્ટ કોરોના-પૉઝિટિવ આવ્યો. તેમના સંતાન અને તેમના પતિદેવ સેવાચાકરીમાં એટલે તેમને પણ કોરોના આવ્યો અને એક જ સપ્તાહમાં એ વડીલ બહેને ચિરવિદાય લીધી. ઘરમાં તેમના ફૅમિલી મેમ્બર્સ, તેમના પુત્ર અને પતિદેવને અગ્નિદાહ આપવાનો કે સ્મશાનભૂમિ સુધી કાંધ આપવા જવાનો પણ મોકો ન મળ્યો. આવી અનેક વિચિત્ર પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે જે અકલ્પનીય છે. આપણે ક્યારેય આવી પરિસ્થિતિની કલ્પના કરી જ નથી અને આવું બીજું ઘણું થઈ રહ્યું છે અને થતું રહેશે એવો ભય છે.
લોકોના ધંધામાં મોટાં ગાબડાં પડ્યાં છે. અમુક ધંધાની તો ખબર જ નથી પડતી કે એ ફરી ક્યારે શરૂ થશે, કેવી રીતે શરૂ થશે? માણસો રાખ્યા છે તો તેમના પગાર હવે કેવી રીતે ચૂકવવા? ઘણા માણસોની નોકરીઓ ગઈ છે તો કોઈને નવેસરથી કામ શરૂ થશે ત્યારે જૉબ કન્ટિન્યુ રહેશે કે નહીં એની ખબર નથી. પ્રસંગોને તો એક વાર માણસ પોસ્ટપોન પણ કરી દે પણ ભણતર, એને કેમ પોસ્ટપોન કરવું? ભણતરનાં પ્લાનિંગ હતાં, સપનાંઓ જોયાં હતાં બચ્ચાઓના ભણતરનાં. આ ભણતર પણ હવે જોખમમાં આવી ગયાં છે. કોઈક-કોઈકનાં ભણતરની તો એવી પરિસ્થિતિ છે કે એ રહે છે એવી જગ્યાએ જ્યાં વાઇફાઇ કે મોબાઇલ નેટવર્ક શક્ય નથી એટલે ઑનલાઇન પણ ભણી નથી શકાતું. મેડિકલની વાત કરીએ તો કેટકેટલી જગ્યાએ ડૉક્ટર્સ પર્સનલી મળતા જ નથી અને તમે પોતે પણ જતાં ડરો છો એટલે ક્યારે શું થઈ રહ્યું છે એની આપણને જાણ પણ નથી થતી અને અચાનક તબિયત બગડે છે અને એવામાં એટલે હૉસ્પિટલ જવું જ પડે અને ત્યાં જાઓ તો ત્યાંથી વાઇરસ લાગી જવાનો ડર છે. કોઈક કારણસર ઘરની બહાર નીકળો અને લિફ્ટ કે ક્યાંકથી પણ તમને વાઇરસ મળી જાય એવું બની શકે છે એટલે આવી અનેકગણી વિકટ પરિસ્થિતિમાં ફસાઈ શકો છો.
બહુ વાર આ વિશેની ચેતવણી આપી ચૂક્યો છું હું છતાં મારા વાચકોને વારંવાર આ કહેવા પાછળનું તાત્પર્ય એટલું જ છે કે ઘણી વાર એક જ પરિસ્થિતિ સતત ચાલ્યા રાખે તો આપણે એનાથી કંટાળી જઈએ અને સાથે-સાથે એનાથી પણ ટેવાતા જઈએ. આવું બને ત્યારે એમાંથી બહાર આવવાનો આપણે પ્રયત્ન અને હિંમત કરવા માંડીએ. આ જે પ્રયાસ છે, પ્રયત્નો છે એ ક્યારેક આપણને ભૂલ કરાવે કે પછી ખોટું જોખમ લેવા પ્રેરે અને એને લીધે સામે રહેલા જોખમના ભયથી આપણને વંચિત રાખે. અહીં તો કામકાજ શરૂ કરી ઘર ચલાવવાની મજબૂરી પણ છે. ન ઇચ્છતાં હોય તો પણ નીકળવું પડે છે અને ઘરે પાછા ફરીએ ત્યારે સુરક્ષિત હોય એ જ એ દિવસની સૌથી મોટી કમાણી હોય એવું લાગે છે. અત્યારે આપણે જે લાઇફ જીવીએ છીએ એ એક વાઇલ્ડલાઇફ જેવી લાઇફ છે. નદીકિનારે પાણી પીવા જતું જાનવર કે પછી પોતાનાં બચ્ચાંઓ માટે ખોરાક શોધવા નીકળેલું જાનવર સતત સજાગ રહેતું હોય છે કે પોતાના ખોરાક માટે ટાંપીને બેઠેલા સિંહ, વાઘ, ચિત્તાની હડફેટમાં ચડી ન જવાય. એટલે એ છુપાઈને, બચીને આગળ વધવાની તકેદારી રાખે છે. આપણે પણ એવી જ, એટલી જ અને કદાચ એનાથી વધારે તકેદારી રાખવાની છે.
બહુ નૉર્મલ દેખાય છે હવે, પણ એવું છે નહીં. પરિસ્થિતિ હજી પણ એવી જ કફોડી છે અને વાઇરસની ઇમ્પૅક્ટ પહેલાં હતી એટલી જ છે. તમે જોશો તો હિન્દુસ્તાનનો વાઇરસ સંક્રમણનો રેટ બહુ મોટો થતો જાય છે, પણ મેં જેમ આગળ કહ્યું એમ, આપણે કદાચ ટેવાતા જઈએ છીએ એટલે ટેવ પડી ગયાની જે આદત છે એને કાબૂમાં લાવીને હવે સંભાળીને આગળ વધવાનું છે. ડરવાનું છે અને સાવચેત પણ રહેવાનું છે.
માસ્ક, સૅનિટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સિંગ. રોગપ્રતિકારક શક્તિ વધારતા કાઢા અને દવા. ઘરમાં સ્ટીમ લેવી અને ઉકાળા પી લેવા. કપૂરને કારણે વાતાવરણમાં રહેલા વાઇરસને દૂર કરવા. આ અને આવી તમને જે ખબર હોય એવી ચીજોમાં બેધ્યાન ન રહેવું અને એ બધા રસ્તાને હવે જીવન જીવવાનો હિસ્સો બનાવી દેવો. રોજબરોજની આદતમાં એક વાત ઉમેરી દેવાની છે. દરેક બચાવેલો પૈસો કમાણી સાબિત થશે. આ વાત સમજીને જ આગળ વધવું અને કરકસરથી જ ખર્ચો કરવો. ઉતાવળે ક્યાંય રોકાણ ન કરવું. સમજીવિચારી બહુ ચેતીને ધંધામાં પગલાં ભરવાં. કારણ કે જે સમય ચાલી રહ્યો છે એનાં ગંભીર પરિણામો હજી ઘણા સમય સુધી આવ્યા જ કરશે, આવતાં જ રહેશે અને ખાસ વાત, તબિયતનું જોખમ જરા પણ ન લેવું. જ્યાં સુધી વૅક્સિન ન શોધાય અને દરેકને મળી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય ત્યાં સુધી વાતાવરણ વિચિત્ર રહેશે એ વાતને સમજીને જ પગલાં લેવાં. કંટાળતા નહીં, ગાફેલ ન રહેતા અને હિંમતથી ઝઝૂમજો. હું તમને આ કહું છું, પણ ઘણી વિકટ પરિસ્થિતિ ભોગવી અને જોઈ ચૂક્યો છું. આટલી ખબર હોવા છતાં પરિસ્થિતિનો ભોગ બની શકીએ છીએ. બધાની સ્વસ્થતા, સુરક્ષાની પ્રાર્થના કરું છું. સંભાળજો, સાચવજો, ચેતતા રહેજો, સ્વસ્થ રહેજો. જે છે, જેવું છે અને જેટલું છે એમાં ખુશ રહેજો અને સૌકોઈને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2020 04:43 PM IST | Mumbai | J D Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK