માનસિક મંદીથી મુક્ત રહેજો, આર્થિક મંદીને પહોંચી વળાશે

Published: May 24, 2020, 23:41 IST | Kana Bantwa | Mumbai

Come On જિંદગી : સમય ક્યારેય આપણે ધારીએ એટલો ખરાબ હોતો નથી, આપણો ડર એને વધુ ખરાબ ચીતરી દે છે. સમય ક્યારેય એટલો પ્રતિકૂળ નથી હોતો જેટલો આપણી નબળાઈ એને બનાવી દે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન આર્થિક મંદીને મુઠ્ઠીમાં બાંધીને બેઠું છે, જેમ રેતીને મુઠ્ઠીમાં પકડીને બેઠું હોય. આંગળીઓની વચ્ચેથી રેતી ધીમે-ધીમે સરકીને વેરાઈ રહી છે. લૉકડાઉન છૂટશે કે તરત જ આ મુઠ્ઠી ખૂલશે. આજે જે મંદીના માત્ર ઓળા જ દેખાય છે, ઓછાયા જ દૂર કળાય છે એ સાક્ષાત્ સન્મુખ આવીને ઊભી રહેશે ત્યારે ખરો ખ્યાલ આવશે. એ આર્થિક મંદીને તો પહોંચી વળાશે, પણ માનસિક મંદીને નહીં પહોંચી વળી શકાય. આર્થિક પાયમાલી સહન થઈ જશે, માનસિક નહીં થઈ શકે. નાણાકીય દેવાળિયાપણું જીરવીને ફરી ઊભું થઈ શકાશે, માનસિક દેવાળિયાપણું ફરીથી ઊભા નહીં થવા દે. માણસ બરબાદીમાંથી આબાદ થઈ શકે છે, જયાં સુધી મનથી મજબૂત હોય. પૈસેટકે સાવ ખલાસ થઈ ગયા પછી પણ પુરુષાર્થ અને મનોબળના આધારે ફરીથી સમૃદ્ધિની ટોચે પહોંચવું મનુષ્ય માટે સામાન્ય છે. એવાં હજારો ઉદાહરણ તમારી સામે પણ પડ્યાં હશે. માણસ ત્યાં સુધી ખતમ થતો નથી જ્યાં સુધી તેના મનોબળને ન તોડી નાખવામાં આવે. બધો ખેલ જ્ઞાનતંતુઓની મજબૂતાઈનો છે. જેના જ્ઞાનતંતુઓ સ્ટીલના બનેલા હોય તે ગમે એવી મુશ્કેલીમાં ટટ્ટાર ઊભા રહી શકશે. તોફાનની સામે અડીખમ રહી શકશે. લૉકડાઉન ખૂલી ગયા પછી સાચી ખબર પડશે કે આખો દેશ સજ્જડબમ બંધ કરી દેવાની કિંમત આપણે કેટલી ચૂકવી. નિર્ણય લેનારાઓ કહેશે કે દેશ બંધ કર્યો એનાથી નુકસાનને મર્યાદિત કરી શકાયું છે, અન્યથા આના કરતાં પણ બહુ મોટી હાનિ થઈ હોત. નિર્ણયનો વિરોધ કરનારાઓ કહેશે કે નિર્ણયે બહુ મોટો ગેરલાભ કરાવ્યો, લૉકડાઉન ન નાખ્યું હોત તો દેશ આર્થિક પાયમાલીમાંથી બચી ગયો હોત. બન્ને દાવાને સમર્થન આપતા આંકડા પણ નિષ્ણાતો આપશે, પણ એ બધું જ મડદા પરની રોકકળ જેવું હશે. એવા વ્યર્થ વિલાપ કે પ્રણામનો કોઈ અર્થ નહીં હોય ત્યારે. ત્યારે તો જેને મંદી આભડી ગઈ છે, જેનો ધંધો ચોપટ થઈ ગયો છે, જેના નફા-તોટાનાં સમીકરણ બગડી ગયાં છે, જેની નોકરી ગઈ છે, જેની આવક બંધ થઈ ગઈ છે એને જે પીડા થશે એનો ઉપાય કરવાનો સમય હશે. અને આ ઉપાય જેને અસર થઈ હશે તેમણે વ્યક્તિગત જ કરવા પડશે. પોતે જ પોતાનો ટેકો બનવું પડશે.
સમય ક્યારેય આપણે ધારીએ એટલો ખરાબ હોતો નથી, આપણો ડર એને વધુ ખરાબ ચીતરી દે છે. સમય ક્યારેય એટલો પ્રતિકૂળ નથી હોતો જેટલો આપણી નબળાઈ એને બનાવી દે છે.
 ઇટ વૉઝ ધ બેસ્ટ ઑફ ટાઇમ્સ, ઇટ વૉઝ ધ વર્ડ ઑફ ટાઇમ્સ. ઇટ વૉઝ ધ એજ ઑફ વિઝડમ, ઇટ વૉઝ ધ એજ ઑફ ફુલિશનેસ. ઇટ વૉઝ ઇપોક ઑફ બિલિફ, ઇટ વૉઝ ધ એપિક ઑફ ઇનક્રેડ્યુલિટી, ઇટ વૉઝ ધ સીઝન ઑફ લાઇટ, ઇટ વૉઝ ધ સીઝન ઑફ ડાર્કનેસ. ઇટ વૉઝ ધ સ્પ્રિંગ ઑફ હૉપ, ઇટ વૉઝ ધ વિન્ટર ઑફ ડિસ્પેર.
 આ સમય સૌથી ખરાબ પણ છે અને સૌથી સારો પણ. આ ડહાપણની ચરમસીમાનો યુગ છે અને મુર્ખાઈની કનિષ્ઠતમ દશાનો યુગ છે. આ આસ્થાનો કાળ છે અને અવિશ્વાસનો પણ કાળ છે. આ અજવાસની ઋતુ છે અને અંધકારની પણ.
 ચાર્લ્સ ડિકન્સ અ ટેલ ઑફ ટુ સિટીઝના ઉઘાડનાં વાક્યો લખતી વખતે પણ સાચો હતો અને અત્યારે પણ સાચો છે. ત્યારે ઓછો સાચો હતો, અત્યારે વધુ સાચો છે.
 આજે વિજય છે, આજે પરાજય છે. આજે વિશ્વાસ છે, જે વિશ્વાસઘાત પણ છે. આજે શ્રદ્ધા છે, આજે અંધશ્રદ્ધા પણ છે, આજે ભરોસો છે, આજે અવિશ્વાસ પણ છે. આજે આશા છે, આજે નિરાશા છે. આજે ઉજાસ છે. આજે અંધકાર પણ ઝળૂંબે છે. આજે તક છે, આજે જોખમ પણ છે.
 અત્યારે મુશ્કેલીનો સમય શરૂ થયો છે, એટલે તકનો પણ સમય શરૂ થયો છે. આવા સમયમાં પરંપરા અને રૂઢિઓને પકડીને બેસી રહેનારાઓ પાછળ રહી જાય. જે હિંમત કરે, જે નવી દિશામાં ડગલાં માંડે એ સફળ થાય. અને એને માટે માનસિક મંદીથી મુક્ત હોવું જરૂરી છે. મનની સમસ્યા એ છે કે એ સમૃદ્ધિ અને પ્રતિકૂળતા બન્નેમાં નબળું પડી જાય છે. વધુપડતી સમૃદ્ધિ વખતે મન નવું કંઈ કરતું નથી એ જ રીતે પ્રતિકૂળતા વખતે શાહમૃગની જેમ માથું રેતીમાં ખોસી દે છે. જેના જ્ઞાનતંતુ મજબૂત હોય અને પોતાના મન પર જેનો કાબૂ હોય એવા મક્કમ મનોબળના માણસો આફતમાં અવસર જોઈ શકે છે. જ્યારે બધા જ હતાશ હોય, પ્રયત્ન મૂકીને બેઠા હોય, હારી ગયા હોય ત્યારે મજબૂત મનોબળવાળો માનવી ઊભો થાય છે અને પરિસ્થિતિને પડકારે છે. એ અથડાય છે, લડે છે, પડે છે, ફરી લડે છે અને અંતે જીતે છે. જેના આત્મબળને પરિસ્થિતિ તોડી શકતી નથી એ વિજયી થાય છે. સામાન્ય માણસમાં અને મક્કમ મનોબળવાળા માણસમાં ફરક માત્ર વિલપાવરનો જ હોય છે. એક તરત જ ગભરાઈ જાય છે, દબાણમાં આવી જાય છે, બીજો અડીખમ ઊભો રહે છે. નબળો માણસ મુશ્કેલી ન હોય તો પણ ફરિયાદ કરતો રહે છે અને આનંદી કાગડા જેવો સબળો વિપરીત પરિસ્થિતિમાં પણ ફરિયાદ નથી કરતો, હસતા મોઢે સહન કરતો રહે છે. આનંદી કાગડાને પીડા નહોતી થતી એવું નથી. તેને રાજાએ કૂવામાં ફેંકાવ્યો ત્યારે તે ગાવા માંડ્યો કે કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ કૂવામાં તરતાં શીખીએ છીએ. એના કાન વીંધાવ્યા, તેલની કોઠીમાં નાખ્યો, આ બધી વખતે કાગડો તો ગાતો જ રહ્યો. જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિનો આનંદ લેતો રહ્યો. તેને કૂવામાં નાખ્યો ત્યારે પીડા નહીં થઈ હોય એવું નથી, પણ એ પીડાને તેણે સહન કરી અને એમાંથી આનંદ લીધો. આનંદી કાગડો એનો સ્વભાવ આનંદી હતો એટલે ખુશ રહેતો હતો એવું નથી. તે ગમે તેવી કપરી સ્થિતિમાં પણ આનંદમાં રહી શકતો એટલું મજબૂત તેનું મન હતું એથી ખુશ રહેતો હતો. જેનું મનોબળ મજબબૂત છે તે પોતાનું નસીબ પોતે લખે છે, અન્યોના લલાટે બીજા જ લેખ લખે છે. સતત લખતા રહે છે. આજે એના લલાટે કોઈએ લખી દીધું કે નોકરીમાંથી રુખસદ. બીજો કોઈ લખી દેશે ધંધો ચોપટ. જ્યારે તમારા સિવાયના બીજા કોઈએ જ તમારું ભવિષ્ય, તમારું પ્રારબ્ધ લખવાનું હોય તો એ સારું કે તમને ગમતું કે તમને ફાવતું શા માટે લખે? એ તો પોતાને અનુકૂળ હોય એવું જ લખેને. જ્યાં સુધી તમે તમારી કિસ્મત લખવાની છૂટ કોઈને આપશો ત્યાં સુધી તમે તમારી ઇચ્છા મુજબનું ભાગ્ય મેળવી નહીં શકો. મોટા ભાગના લોકો અન્યના જ હાથમાં વિધાતાની કલમ આપી દેતા હોય છે અને પછી પોક મૂકીને રડે છે. તમારા પ્રારબ્ધની કલમ તો તમે પોતે ચલાવો. તમે જ બનો તમારા ભાગ્યવિધાતા. તમે કહેશો કે એમ પોતાના ભાગ્યવિધાતા કઈ રીતે બનવું? અહીં બધું જ બીજા પર આધારિત છે, નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં બધે જ, ત્યારે હું કઈ રીતે મારું ભાગ્ય લખી શકું? મને કેટલો નફો મળશે એ તો મારા ડિસ્ટ્રિબ્યુટર નક્કી કરે છે. ધંધાની ટર્મ્સ મારા હરીફો નક્કી કરે છે, હું કઈ રીતે કશું નક્કી કરી શકું? તમે ક્યારેય લગામ પોતાના હાથમાં લીધી નથી એટલે તમે આવું કહો એ સ્વાભાવિક છે. એક વખત લગામ પોતાના હાથમાં લઈ તો જુઓ. આદેશ આપી તો જુઓ. તમારી શરત મૂકી તો જુઓ. બાબર જ્યારે દિલ્હી જીત્યો ત્યારે હાથીની અંબાડી પર બેસાડીને તેની શોભાયાત્રા કાઢવાનું આયોજન થયું હતું. હાથી પર બાબરને બેસાડાયો. બાબર તો જન્મજાત યોદ્ધો. ઘોડાની પીઠ પર બેસીને જ જિંદગી વિતાવેલી. તેણે તરત જ પૂછ્યું કે આ હાથીની લગામ ક્યાં છે? લાવો લગામ મારા હાથમાં. મહાવતે કહ્યું કે જહાંપનાહ, હાથીની લગામ ન હોય, અંકુશ હોય અને એ બેસનારના હાથમાં ન હોય, મહાવતના હાથમાં હોય. બાબર કૂદકો મારીને હાથી પરથી ઊતરી ગયો અને બોલ્યો કે જેની લગામ મારા હાથમાં ન હોય એની સવારી હું ન કરું. તમે તમારા ભાગ્યને પોતે લખવાની કોશિશ તો કરો. મનોબળને જરા મજબૂત બનાવીને પ્રયત્ન તો કરો. તમારું મન જ તમને દોરી જશે સફળતા સુધી.
માણસ શરીરથી નબળો કે સબળો સાબિત નથી થતો, મનથી થાય છે. મોહનદાસ કરમચંદ ગાંધી અઢી હાડકાનો માણસ. કોઈની બાજુમાં ગાંધી ઊભા હોય તો બચોળિયા જેવા લાગે. નાનકડું શરીર, એના પર પોતડી. કોઈ શણગાર નહીં. કોઈ વૈભવ નહીં છતાં એ ગાંધી વિશ્વમાં મહાન વિભૂતિઓની યાદીમાં બેસી શક્યા. ભારતને આઝાદી અપાવવા સિવાયનાં ગાંધીનાં કામ પણ એટલાં અદ્ભુત છે કે તેમને પણ વિશ્વના મહાનતમ પુરુષોમાં સ્થાન આપવું પડે. આ ગાંધીની આસપાસ કેવા-કેવા લોકો એકઠા થયા હતા? સરદાર વલ્લભભાઈ પટેલ, નેહરુ, વિનોબા, બિરલા, રવીન્દ્રનાથ... યાદી બહુ લાંબી થાય એમ છે. શું હતું ગાંધી પાસે? માત્ર મક્કમ મનોબળ જ. એ મનોબળે ગાંધીને અંગ્રેજો સામે પડવા જેવા અસંભવ કામ કરવા પ્રેર્યા. એનો આત્મવિશ્વાસ આ મક્કમતામાંથી પેદા થયો હતો.
અત્યારે જમાનો કુશળતાનો છે, સ્કિલનો છે. બધા પાસે સ્કિલ છે. આવડત છે. બધા સફળ થતા નથી, જીતે એ જ છે જેનું મન મજબૂત હોય છે. છેલ્લે તો માઇન્ડ ગેમ જ મૅટર કરે છે. મજબૂત માણસો આશાવાદી હોય એવું નથી હોતું, તે જે કામ હાથમાં લે એને સફળ બનાવે છે એટલે તેમની આશા ફળે છે. તેમને આશાવાદ નથી હોતો, પોતાના પર વિશ્વાસ  હોય છે. તે ધ્યેયને નજર સામે રાખે છે અને આશા રાખીને બેસી નથી રહેતા, પુરુષાર્થ કરે છે. કોરોના પછીના કપરા કાળમાં તમે સફળ થશો જ. મુશ્કેલીને પાર કરી જ શકશો, જો મનને થોડું મજબૂત બનાવી લેશો તો તમારી પાસે અદ્ભુત તક છે, કારણ કે ઘણા લોકો હિંમત હારી જશે એટલે તમારા હરીફો ઘટી જશે. તમારા માટે મેદાન મોકળું થશે. બસ તમારા મનને મંદીગ્રસ્ત ન બનવા દેશો, પછી ભલે આર્થિક મંદીને જે કરવું હોય એ કરે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK