કોરોના :બીક નહીં, સાવચેતી જરૂરી છે

Published: Mar 13, 2020, 14:16 IST | Jamnadas Majethia | Mumbai

ચીનથી આવેલો આ વાઇરસ સામાન્ય શરદી જેવો લાગે, પણ એના પ્રત્યે બેદરકાર રહેવું નહીં એ મારી તમને સૌને નમ્ર વિનંતી

કોરોના પ્રોટેક્શનઃ બીમારી કરતાં સાવધાની અને સાવચેતી હજાર દરજ્જે સારી.
કોરોના પ્રોટેક્શનઃ બીમારી કરતાં સાવધાની અને સાવચેતી હજાર દરજ્જે સારી.

કોરોના વાઇરસ.

આજે દુનિયાના ખૂણેખાંચરે દરેક છાપાના મથાળામાં અને ન્યુઝ-ચૅનલની ચર્ચામાં તથા સોશ્યલ મીડિયાની સર્ચમાં કોરોનાએ કેન્દ્રસ્થાન લઈ લીધું છે. આપણને એની કોઈ ચિંતા નથી, કારણ કે આપણને એવું લાગે છે કે કોરોના આપણા સુધી પહોંચી જ નહીં શકે. આપણી આ ધારણા, આપણી આ માન્યતા થોડી ખોટી હોઈ શકે છે, કારણ કે કોરોના ચેપી છે. ક્યારે, ક્યાંથી કોને મળીને આ જંતુના સંપર્કમાં આવી જઈએ એની કોઈ ખાતરી નથી અને કોણ એ આપી જશે એની પણ ખબર નથી. આપણે બહુ સાવચેત રહીએ, માન્યું પણ આપણા ઘરે કે ઑફિસે કામ કરતા સ્ટાફથી લઈને, જ્યાં-જ્યાં ટ્રાવેલ કરીએ છીએ એ જગ્યા કે પછી ન ધારેલી જગ્યાએથી પણ આપણને આ ચેપ લાગી શકે છે. ઇલેક્શન વખતે સેક્યુલરિઝમની ચર્ચામાં જેમ લોકોએ સંબંધ બગાડ્યો એવું આમાં નહીં થાય. ખોટી માહિતી લોકોનો સમય બગાડશે અને ચિંતામાં વધારો કરશે પણ એવું ન થાય એટલે કોરોના શું છે એની સમજણની જરૂર તો છે જ. સરળ અને સીધા શબ્દોમાં કહું તો, કોરોના શું છે અને કોરોનાનો ઇલાજ શું છે એવું તો દુનિયાના મોટામાં મોટા ડૉક્ટરો પણ શોધી નથી શક્યા અને એ જ એનો ચિંતાનો વિષય છે. આ અજાણ્યા વાઇરસનું નામ કોરોના કેવી રીતે પડ્યું એ પણ પાછું રસપ્રદ છે.

લૅબોરેટરીમાં એના જંતુ જોવામાં આવ્યા, એનો આકાર એક પ્રકાર ક્રાઉન જેવો છે અને ક્રાઉનને લેટિન ભાષામાં કોરોના કહે છે. આને કારણે આ કાંટાળો તાજ કોરોના તરીકે ઓળખાયો. સામાન્ય રીતે લોકો ક્રાઉન પાછળ ભાગે, પણ કોરોના નામનો આ તાજ પહેરવાનું તો ઠીક, કોઈ એને જોવાની પણ ઇચ્છા નથી રાખતું.

મૂળ વાત પર આવીએ. કોરોના વાઇરસ ચીનના વુહાન નામના શહેરની લૅબોરેટરીમાંથી ફેલાયો છે એવું કહેવાય છે અને એ સાચું પણ છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે સૌથી વધારે જાનહાનિ પણ આ વુહાનમાં જ થઈ છે. આટલો સમય વીતી ગયા પછી ચીનના વડા પ્રધાન આ શહેરની મુલાકાતે ગયા અને આવીને તેમણે કહ્યું કે હવે લોકો ભયમુક્ત થઈને ફરી પાછું પોતાનું જીવન શરૂ કરી શકે છે, કારણ કે હવે કોરોનાનું કોઈ ઇન્ફેક્શન રહ્યું નથી, વુહાનમાં શુદ્ધીકરણ થઈ ગયું છે. વિચાર કરો કે કોઈ પણ દેશના આક્રમણ વગર તમે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મુકાઈ જાઓ છો, ઘરની બહાર નીકળવાનું બંધ, સ્કૂલો બંધ, ઑફિસ, મૉલ, થિયેટર, ઑડિટોરિયમ બધું બંધ. આખું શહેર બંધ અને બધું બંધ એટલે બધા લોકો ઘરે રહે અને ઘરમાં બેસીને ન્યુઝ-ચૅનલના સ્ટુડિયોથી ફક્ત કોરોના વાઇરસથી આખી દુનિયાની શું હાલત થઈ છે એ જ જોયા કરવાનું. તૂટી ગયેલી માર્કેટ અને મરતા જતા લોકોના આંકડાઓના સમાચાર જ જોયા કરવાના. આવી પરિસ્થિતિ માત્ર ચીનના વુહાનમાં જ નહીં; ઇટલી અને જપાનનાં અમુક શહેરો, ઈરાન-ઇરાક અને બીજા દેશોમાં પણ ઉપસ્થિત થઈ છે, ખાસ કરીને ઠંડા પ્રદેશમાં. હવે આ સાંભળીને એવું થાય પણ ખરું કે આમાં ભારતને શી લેવાદેવા, અમે ધ્યાન રાખીશું. આ તો સામાન્ય રીતે કોલ્ડ એટલે કે શરદી કહેવાય એવી જ વાત છે. જેવી શરદી થાય કે તરત ઇલાજ કરી લઈશું. સૂંઠ, ગોળ અને ઘી ભેગાં કરીને ખાઈ લો એટલે વાત પતી. અમને તો આની વર્ષોની આદત છે અને એનો ઇલાજ પણ અમારે ત્યાં વર્ષોથી છે. આયુર્વેદમાં રસ ન હોય તો એકાદ-બે પૅરાસિટામોલની ગોળી ખાઈ લો, વાત પતે.

પણ ના, આટલું સહેલું નથી.

ભારતના ઘણા લોકોને કોરોના વાઇરસે ભરડામાં લીધા છે, ડાયરેક્ટ નહીં, પણ ઇનડાયરેક્ટ રીતે. ચીન સાથેના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. યુરોપ અને બીજા દેશો સાથેની પરિસ્થિતિ પણ વણસી રહી છે. ટૂર્સ અને ટ્રાવેલના વેપારીને પૂછો તો ખબર પડે કે શું હાલત છે તેમની. માર્ચથી લઈને જુલાઈ-ઑગસ્ટ સુધી ફૉરેનમાં ફરવાની સીઝન છે, કારણ કે ઠંડા પ્રદેશોમાં આ સમયગાળામાં ખુશનુમા વાતાવરણ હોય છે. શૂટિંગ માટે પણ સીઝન જબરદસ્ત હોય છે. દિવસો લાંબા હોય, સૂરજદાદા સવારથી લઈને રાતે મોડે સુધી કૃપા કરીને દર્શન આપતા હોય તો પણ બધાં જ શૂટિંગ રદ થઈ રહ્યાં છે અને આવું કઈંકેટલુંય નુકસાન થઈ રહ્યું છે. આપણને ખબર પણ નથી એવી રીતે આર્થિક રીતે ભીંસમાં આવી રહ્યા છે.

મોટા ભાગના દેશો સુધરેલા છે. તેમની મેડિકલ અને સાયન્સની રિસર્ચ-વિન્ગ ઍક્ટિવ અને ઍડ્વાન્સ છે, પણ કોઈ કશું કરી શકતું નથી. મૂળ વિષય પર આવીને હું એટલું જ કહીશ કે તમને થયેલી શરદીને જરા પણ લાઇટલી ન લેતા અને સૂંઠિયું ખાઈને કે પછી બેચાર દિવસ છીંકાછીંક કરીને કે સામાન્ય પૅરાસિટામોલ લઈને એવું ન વિચારતા કે એની મેળે મટી જશે. ના જરાય નહીં. આ ખોટી હિંમત બતાવવાનો સમય નથી, પણ આ ‘ચેતતો નર સદા સુખી’ કહેવતને અમલમાં મૂકવાનો સમય છે. શરદી ન થાય એની તકેદારી રાખવાની, શરદી થયેલા લોકોથી દૂર રહેવાની, જરાસરખુંય ઇન્ફેક્શન લાગે તો તરત જ મેડિકલ ચેકઅપની સલાહ આપવાનો સમય છે. આ કોરોના વાઇરસ પક્ષીઓ અને મેમલ્સને થાય છે, પણ એ માણસ સુધી પહોંચ્યો જેનું કારણ નૉન-વેજ ફૂડ છે. ગુજરાતીઓમાં નૉન-વેજ ખાનારનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, પણ એમ છતાં જેઓ ખાતા હોય તેમણે ન ખાવું એવી સલાહ વૉટ્સઍપ અને સોશ્યલ મીડિયાના અન્ય વિડિયોમાં ફરી રહી છે એટલે એ સલાહ સાચી છે કે ખોટી એની ચકાસણી કરીને જ આગળ મોકલવી.

આગળ કહ્યું એમ, કોઈ પણ બીમાર વ્યક્તિએ તાવ અને શરદી થાય તો એની મેળે મટી જશે કે સીઝનલ ચેન્જ છે એટલે બે-ત્રણ દિવસ બીમારી રહેશે એવી બેફિકરાઈ ન રાખવી, પણ તરત જ ચેકઅપ અને ઇલાજ કરાવવો. ઘરે આવતી દરેક વ્યક્તિને પણ આ જ સલાહ આપવી. સૅનિટાઇઝર કે સાબુથી હાથ સાફ કરવાથી ફાયદો થશે અને હસ્તધૂનન ન કરવાથી ઇન્ફેક્શનની ચિંતા ટળી જાય છે એની તમને પણ ખબર હશે એટલે એવી સલાહ નથી લખતો, પણ આ આર્ટિકલ લખવાનું કારણ શું છે એ વાત પર હવે આવું છું.

તમે વાંચ્યું હશે કે જપાનમાં ૮ વર્ષ પહેલાં ઑલિમ્પિક નક્કી થયેલી, પણ એ પણ હવે મુલતવી રાખવાની વાત ચાલે છે. જપાનમાં કરોડોના ખર્ચે ઊભું થયેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે એમનું એમ ઊભું રહી જાય એવું બની શકે. ભારતની આઇપીએલનું ભવિષ્ય પણ અધ્ધર જ છે. તમારે માટે આ આર્ટિકલ લખી રહ્યો છું ત્યારે આવેલા સમાચાર મુજબ, આઇપીએલ કદાચ નહીં રમાય. આ લખું છું ત્યારે જ અમને ચૅનલ અને અસોસિએશન તરફથી પણ સૂચના આવી ગઈ છે કે દરેકેદરેક સ્ટુડિયો, ઑફિસ, એડિટિંગ સ્ટુડિયો અને અન્ય જગ્યાની હાઇજિનનું ધ્યાન રાખવાનું છે. કહેવાયું છે કે બીમારોને રજા આપવી અને તેમને ચેકઅપની સગવડ કરી આપવી. શક્ય હોય ત્યાં સુધી સેટ પર ડૉક્ટર બોલાવીને રેગ્યુલર ચેકઅપ પણ કરાવવાનું કહેવાયું છે. સેટ પર ૧૦૦થી વધુ માણસો કામ કરતા હોય એવામાં જો એક પણ માણસને આ વાઇરસ લાગ્યો અને ફેલાય તો તેના એકથી આ વાઇરસ ક્યાં જઈ શકે એનો અંદાજ કોઈ માંડી શકે એમ નથી. થોડા સમયમાં બને કે બધાં શૂટિંગ બંધ થાય અને તમને ‘ભાખરવડી’ અને તમારી બીજી ફેવરિટ સિરિયલ જોવા ન મળે. આ પરિસ્થિતિની ધારણા મૂકવામાં આવે છે અને ધારણા મૂકવામાં આવેલી આ પરિસ્થિતિ દર્શાવે છે કે કેટલી ગંભીર વાત છે. કોરોનાથી ડરાવવાનો કે અફવા ફેલાવવાનો હેતુ નહીં, પણ ખાસ ધ્યાન રાખવું, દવાઓ સમયસર લેવી, મેડિકલ ચેકઅપ કરાવી લેવું. શરદી થાય તો માત્ર ઘરગથ્થુ ઉપચાર કરવાની માનસિકતા ન રાખતા. જેની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એનું ધ્યાન રાખવું. બાળકો અને વૃદ્ધોમાં એવું જોવા મળતું હોય છે એટલે એ લોકોનું ખાસ ધ્યાન રાખવું. પૌષ્ટિક આહાર લેવો. જે વિટામિન શરીરમાં ઘટતાં હોય એ ખાસ લેવાં જેથી રોગપ્રતિકારક શક્તિ વધે. મારા બધા વાચકોને દૂરથી નમસ્કાર અને તમે પણ એવું જ કરતા રહેજો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK