આપણી હસવાની મજા બીજા કોઈ માટે અપમાનની સજા તો નથી બની રહીને?

Published: Dec 02, 2019, 13:19 IST | Falguni Jadia | Mumbai

સોશ્યલયન્સ:મિત્રોની અંદર-અંદર પરસ્પર મજાકમસ્તી ચાલતી જ રહેતી હોય છે, પરંતુ એ મજાકમાં પણ મર્યાદા હોવી આવશ્યક છે. બલકે ફક્ત મિત્રો જ નહીં, કોઈની પણ મજાક તેનું અપમાન કે નામોશી ન બની જાય એની કાળજી રાખવાનો વિવેક પણ હોવો જ જોઈએ.

કપિલ અને સુનિલ
કપિલ અને સુનિલ

જીવનમાં હસવું અને હસતાં રહેવું અત્યંત મહત્ત્વનું છે. આપણામાં હાસ્યનું મહત્ત્વ સમજાવતી ‘હસે તેનું ઘર વસે,’ ‘હસતો નર સદા સુખી’ વગેરે જેવી અનેક કહેવતો પણ જાણીતી છે. નાના બાળકનું નિર્દોષ હાસ્ય ભલભલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણા ચહેરા પર એક હળવું સ્મિત ફરકાવી જાય છે. ખુલ્લા દિલે હસી શકતો માણસ જ ખુલ્લા દિલે જીવી શકે છે એ સત્યથી પણ આપણે બધા સુપેરે પરિચિત છીએ. તેમ છતાં ક્યાં, ક્યારે, કેવી પરિસ્થિતિમાં હસવું અને કોના પર કેટલું હસવું એની આંતરિક સમજ હોવી પણ એટલી જ જરૂરી છે અન્યથા આપણી જ એક ગુજરાતી કહેવત અનુસાર કેટલીક વાર હસવામાંથી ખસવાની પરિસ્થિતિ નિર્માણ થઈ જતાં વાર લાગતી નથી.
તાજેતરમાં આ સત્યનો પુરાવો આપતી એક પરિસ્થિતિના સાક્ષી બનવાનું થયું. બન્યું એવું કે બિલ્ડિંગના ફ્રેન્ડ્સનું એક ટોળું શનિવારની સાંજે ડિનર કરવા હોટેલમાં ગયું. હવે એ મિત્રો જ શું જે એકબીજાની મજાક ન કરે, એકબીજાની ફિરકી ન લે? સ્વાભાવિક રીતે આ મિત્રો પણ એકબીજાની ટાંગ ખેંચવાની એક પણ તક ચૂકી નહોતા રહ્યા. કોઈના ફાટેલા જીન્સની મજાક ઊડી રહી હતી તો કોઈના કલરફુલ ટી-શર્ટની.
મજાક-મસ્તી કરતાં-કરતાં ગ્રુપની બે મહિલાઓ એક ત્રીજી મહિલાના પતિના માથાની ટાલ પર ટોણો મારી જોર-જોરથી હસવા લાગી. મિત્રની પત્નીઓના મોઢે શું લાગવાનું એમ વિચારી પતિદેવ તો બિચારા ચૂપ રહ્યા, પરંતુ આ પહેલાં પણ અનેકવાર પેલી બે મહિલાઓના આવા ગેરવાજબી વર્તનને નજરઅંદાજ કરી ગયેલી પત્નીથી આ વખતે ન રહેવાયું. ઘણા સમયથી તેણે અંદર ધરબી રાખેલો દાવાનળ એકાએક ફાટી ગયો. તેણે તરત જ ડાઈનિંગ ટેબલ પર જોરથી મુઠ્ઠી પછાડી અને ‘ઇનફ’ કહી મોટેથી ત્રાડ પાડી.
ઘડીના છઠ્ઠા ભાગમાં આખી હોટેલમાં સન્નાટો છવાઈ ગયો. તેણે આગઝરતી લાલઘૂમ આંખે પેલી બે મહિલાઓ તરફ જોયું અને બન્ને તરફ આંગળી કરતાં કહ્યું, ‘મારા પતિના માથે ટાલ છે એમાં મને કોઈ વાંધો નથી તો તમને શું કામ કોઈ સમસ્યા હોવી જોઈએ? એમ તો તમે બન્ને પણ તમારી થાઇરૉઇડની સમસ્યાને કારણે જાડી ભેંસ બની ગઈ છો, પણ અમારા બેમાંથી કોઈએ આવીને ક્યારેય તમને એ બાબત માટે કશું કહ્યું? નહીંને? તો પછી મારા પતિની ટાલની મજાક ઉડાવનાર તમે કોણ? મારા પતિના માથે જે ટાલ પડી છે એ તેમણે પોતાના જીવનમાં અમારા માટે ઉઠાવેલી જહેમતનું પરિણામ છે. તે રોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જાય છે. અમારા દીકરાને સ્કૂલે મૂકી દિવસ આખો તનતોડ મહેનત કરે છે અને ફરી પાછા ઘરે આવી મારા દીકરાને તેના હોમવર્કમાં મદદ કરે છે અને જરૂર પડ્યે ઘરકામમાં મારો સાથ પણ આપે છે. મેં તમારા વાળવાળા પતિદેવોને જોયા છે. તેઓ સવારે સાત અને આઠ વાગ્યે ઊઠીને બેડરૂમમાંથી બહાર આવે એ પહેલાં તો તમારા છોકરાઓ સ્કૂલભેગા થઈ ગયા હોય છે. સાંજે પણ ઓફિસેથી ઘરે આવ્યા બાદ તમને કોઈ પણ પ્રકારે મદદરૂપ થવાને સ્થાને ટીવીની સામેથી હલતા પણ નથી. વળી મારા પતિ તમારા બન્નેના પતિ કરતાં વધુ સારી કંપનીમાં, વધુ સારી પોસ્ટ પર, વધુ સારા પગારે કામ કરે છે. મેં ક્યારેય એનો રૂઆબ દેખાડ્યો? નહીંને? કારણ કે આ મુકામે પહોંચવા માટે તેમણે ભોગવેલા શારીરિક અને માનસિક થાકનો મને અંદાજ છે. આ તેમના માથે પડેલી ટાલ તેમના જીવનમાં રહેલા સ્ટ્રેસનું પરિણામ છે અને છતાં તેઓ જે રીતે હસતા મોઢે બધું સહન કરી રહ્યા છે એને પગલે તેમના માથાની આ ટાલ પર મને શરમ નહીં, ગર્વ છે. તેથી બહેતર તો એ જ છે કે બીજી વાર કોઈની સામે આંગળી કરતાં પહેલાં તમે તમારી તરફ વળેલી તમારી પોતાની જ ત્રણ આંગળીઓને જોઈ લો.’ આટલું કહી એ મહિલા પોતાના પતિને હાથ પકડીને ત્યાંથી લઈ ગઈ અને બન્નેએ આખા મિત્રવર્તુળ સાથે બધા સંપર્ક કાપી નાખ્યા.
આ પ્રસંગ બનતાં જ આંખની સામે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’નું પેલું દૃશ્ય તાદૃશ્ય થઈ ગયું જેમાં અક્ષય ખન્ના આમિર ખાન અને સૈફ અલી ખાન સામે પોતે પોતાનાથી બમણી ઉંમરની સ્ત્રી (ડિમ્પલ કાપડિયા)ના પ્રેમમાં હોવાનો એકરાર કરે છે, પણ આમિર ખાન તેની લાગણીઓને સમજવાને સ્થાને તેની મજાક ઉડાડતાં અક્ષય ખન્ના તેને લાફો મારી દે છે અને બન્નેની દોસ્તી ખતમ થઈ જાય છે. દરેક મજાકની એક સીમા હોય અને એ મજાક એ સીમામાં રહીને જ સારી લાગે. અન્યથા એ તેની માસૂમિયત ગુમાવી બેસે છે. મોટા ભાગના લોકો હસવા માટે બીજાને ઉતારી પાડવાનો રસ્તો અપનાવતા હોય છે. આ જ કારણ છે કે આજની તારીખમાં પણ દુનિયામાં પત્ની તથા સરદારજીઓ પરના જોક આટલા લોકપ્રિય છે; પરંતુ કોઈ એક વ્યક્તિ, સંબંધ કે જમાતની ખીલ્લી ઉડાડવાની આ ક્રિયા પાછળ ક્યાંક ને ક્યાંક આપણો અહંકાર ભાગ ભજવતો હોય છે એનો કદાચ આપણને ખ્યાલ હોતો નથી. અલબત્ત, અહંકાર તો રાજા રાવણનો પણ ટક્યો નહોતો તો આપણી તો શું હસ્તી છે? આવામાં કેટલીક વાર ખોટા સમયે ખોટી વ્યક્તિની કરવામાં આવેલી મજાક વ્યક્તિને દ્રૌપદી જેવી પરિસ્થિતિમાં મૂકી દઈ શકે છે જેણે દુર્યોધનને આંધળાનો પુત્ર આંધળો કહી ન ફક્ત પોતાના માટે, પરંતુ પોતાના પતિઓ માટે પણ દુર્ભાગ્ય વહોરી લીધું. આ મહિલાઓએ પણ ક્યારેય સપનેય વિચાર નહીં કર્યો હોય કે તેમની એક મજાકની કિંમત તેમણે પોતાની વર્ષો જૂની દોસ્તી દ્વારા ચૂકવવી પડશે.
આમ તો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કેટલાક એવા મુદ્દાઓ હોય જ છે જેના માટે તેઓ અત્યંત સંવેદનશીલ હોય છે. જેમ કે સ્ત્રીઓ પોતાની ઉંમર અને વજનને લઈને અત્યંત સંવેદનશીલ હોય છે તો પુરુષો પોતાના પગાર તથા માથાના વાળની બાબતે અત્યંત ટચી હોય છે. માતાઓ પોતાનાં સંતાનો માટે ઊતરતું સાંભળી નથી શકતી તો દીકરીઓ પોતાનાં માતાપિતા માટે કોઈની પણ સામે થઈ જતાં અચકાતી નથી. તેથી કોઈ પણ વ્યક્તિની મજાક ઉડાડતાં પહેલાં તેમની લાગણીઓને સમજવી અત્યંત આવશ્યક છે અને જો સમજ ન પડતી હોય તો ન બોલવામાં નવગુણ એ કહેવત અનુસરવામાં જ શાણપણ છે.
છેલ્લા કેટલાક સમયથી ટીવી પર આવતા સ્ટૅન્ડ અપ કૉમેડી શોમાં પણ હાસ્યાસ્પદ પ્રસંગો કે વાતોનું પ્રમાણ ઓછું અને લોકોને ઉતારી પાડવાનું પ્રમાણ વધુ જોવા મળે છે, પરિણામે આવા શો ભદ્દા અને કઢંગા વધુ લાગે છે. અરે, ત્યાં સુધી કે એ જ શોમાં બેઠેલા જજ પણ પૈસા મળતા હોવાથી જબરદસ્તી હસી રહ્યા હોવાનું ચોખ્ખું દેખાઈ આવે છે. આવા જ એક શોનાં બે લોકપ્રિય પાત્રો કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની દોસ્તી પણ મજાકમસ્તીમાં થયેલા આવા અપમાનને પગલે જ તૂટી હોવાની ઘટનાને પણ હજી બહુ લાંબો સમય થયો નથી.
પરિણામે હસતી વખતે પણ એ ધ્યાન રાખવું આવશ્યક છે કે હસવું ભલે સ્વાસ્થ્ય માટે સારું હોય, પરંતુ કોઈ બીજાના ભોગે હસવું સંબંધો માટે હાનિકારક છે. તેથી આ બન્ને વચ્ચે રહેલી પાતળી ભેદરેખાથી સાવચેત રહેવું જરૂરી છે અન્યથા કસમયનું અસંવેદનશીલ હાસ્ય આપણા માટે જીવનભરનો વસવસો પણ બની શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK