(નો પ્રૉબ્લેમ - રોહિત શાહ)
કવિ ચંદ્રેશ મકવાણાની ગઝલનો એક શેર છે :
‘વેંત ઊંચી વાડ છે વિખવાદની,
આપણાથી એય ઠેકાતી નથી!’
વિવાદ-વિખવાદની વાડ, કવિ કહે છે, વેંત જેટલી જ ઊંચી છે, પરંતુ આપણો અહમ પહાડ જેવડો હોય છે એનું શું કરવું?
ભજનમાં આપણે ગાઈએ છીએ કે ગર્વ કિયો સોઇનર હાર્યો... પણ ગર્વ કરવાનું એમ ક્યાં છૂટે છે? પરાજય મળે તો ભલે, બરબાદ થઈ જઈએ તો ભલે, પણ હું શા માટે નમતું મૂકું એવી વૃત્તિના ગર્ભમાંથી પ્રત્યેક પાપનો પ્રસવ થતો હોય છે. તુલસીદાસજીએ એટલે જ તો ગાયું છે કે ‘દયા ધરમ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન.’
આપણે આપણા રોજિંદા વ્યવહારમાં એક ભૂલ હંમેશાં કરતા હોઈએ છીએ. વ્યક્તિના બાહ્ય વર્તન પરથી તેને ઓળખવા-સમજવાની ઉતાવળ કરીએ છીએ. વર્તનનો સૂત્રધાર તો વૃત્તિ છે. જેવી વૃત્તિ હશે એવી પ્રવૃત્તિ માણસ કરશે.
તાજેતરમાં કવિ ઉમા શંકર જોશીની જન્મશતાબ્દીના પ્રસંગે આયોજિત એક સમારોહમાં તેમનાં કેટલાંક પત્રોનું ગઠન થયું. એ પઠન સાંભળ્યા પછી સ્મરણને આધારે વાત કરું છું, ઉમા શંકરે એક પત્રમાં એમ લખ્યું હતું કે સીતાજીએ પોતાના પતિ માટે સમર્પિત થઈને આદર્શ નારીનું સન્માન મેળવ્યું, જ્યારે મીરાંબાઈએ પોતાના પતિથી વિરુદ્ધ ચાલીને ઉત્તમ નારીનું ગૌરવ મેળવ્યુ઼ં છે. એ જ રીતે શ્રવણને તેની પિતૃભક્તિને કારણે આપણે આદર્શ પુત્ર તરીકે ઓળખ્યો, જ્યારે પ્રહ્લાદને તેના પિતાની વિરુદ્ધ મક્કમપણે જવાને કારણે આપણે આદર્શ પુત્ર માન્યો. આવાં ઉદાહરણો દ્વારા એટલું સમજાય છે કે કોઈ પણ વ્યક્તિના સ્થૂળ વ્યવહારની પાછળ તેની સિદ્ધાંતનિષ્ઠા કેવી છે એની કસોટી થવી જોઈએ.
ગુજરાતીમાં એક મજાનું સુભાષિત છે. ‘નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદાન’ એમાં ઉદાહરણો પણ આપેલાં છે. ત્રણ જણા ખૂબ નમે છે-વળે છે : ચિત્તો, ચોર અને કમાન (તીર-કામઠાની કમાન), પરંતુ એમનું નમન દગાબાજ છે. એ નમનમાં નમ્રતા નથી, લુચ્ચાઈ છે. ચિત્તો જ્યારે કોઈ શિકાર કરવાનો હોય ત્યારે લપાઈ-છુપાઈને નમીને પછી લાંબી છલંગ મારે છે. ચોરને કોઈ ઘરમાં ચોરી કરવા જવાનું હોય ત્યારે તે કાંઈ મુખ્ય પ્રવેશદ્વારમાંથી થોડો અંદર જવાનો હોય? તે તો દીવાલમાં નાનું બાકોરું પાડીને એમાંથી વાંકો વળીને અંદર ઘૂસે છે. ધનુષમાંથી જ્યારે તીર છૂટે એ પહેલાં એની પણછ ખેંચાય છે, કમાન વળે છે. એની નમ્રતા ઘાતક હોય છે. સંસારમાં કશાય કારણ વગર લળી-લળીને આપણને સલામ ભરનારાઓથી અવશ્ય ચેતવું જોઈએ.
ઇન શૉર્ટ, બહારનું બિહેવિયર આપણને ગુમરાહ કરનારું હોઈ શકે છે. આપણે જાણીએ છીએ કે આપણાં મંદિરોમાં ‘બલિ’ ચડાવવામાં આવતો હતો. નર્દિોષ પ્રાણીઓનો અને ક્યારેક તો બત્રીસ લક્ષણા દીકરાઓનો પણ બલિ ચડાવી દેવામાં આવતો હતો. કસાઈના કતલખાનામાં કોઈ પ્રાણીની હિંસા થાય તો એ પાપ ગણાય અને મંદિરમાં ‘બલિ’ના નામે કોઈ હિંસા થાય તો એ પુણ્ય ગણાય? ધર્મ અને અધર્મનાં આવાં સમીકરણો સમજવામાં આપણને ઘણો વિલંબ થયો. હજી આજના યુગમાં પણ ‘બલિ’ના બહાને ઘોર ક્રૂરતા આચરવામાં આવતી હોય છે. ઈશ્વર અને ખુદા અને ગૉડ અને ર્તીથંકર અને પ્રભુ અને પરમાત્મા શું આ રીતે રીઝે? આવાં ધતિંગોથી પ્રસન્ન્ા થાય? વિસ્મય અને આઘાત તો એ વાતનાં થાય કે જ્યારે કોઈ માણસનો બલિ ચડાવવાનો હોય ત્યારે તે બત્રીસ લક્ષણો એટલે કે સર્વગુણસંપન્ન હોય તેવી વ્યક્તિની પસંદગી થતી. આવાં ધતિંગો કરવામાં મેધાવી અને પ્રજ્ઞાવાન લોકો જ વિરોધ કરેને! એટલે તેમનો જ બલિ ચડાવી દેવાનો? ગુરુઓ કદાચ આમ કરીને પોતાના પાખંડના માર્ગના અંતરાયો-અવરોધો દૂર કરવા ઝંખતા હશે.
ધર્મ કદીય વિવાદ કરવાનું ન શિખવાડે. વિવાદ કરાવે એ કદીય ધર્મ ન હોય, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે ત્યાં ધર્મના નામે જેટલા વિવાદો-વિખવાદો અને વિસંવાદો થયા છે એટલા બીજા કોઈ કારણે થયા નથી. ભગવા અને શ્વેત અહંકારોએ આપણા અધ્યાત્મજગતને અંધકારનો કારાવાસ આપવામાં કોઈ કસર નથી છોડી. બીજાના ધર્મને નીચે ગણવો એનાથી મોટો અધર્મ વળી બીજો શો હોય? બીજાના ધર્મને સન્માન આપવાનું સમજાય તો નો-પ્રૉબ્લેમ.