Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ નવરાત્રિએ માતાજી પણ નારાજ નહીં થાય એની ખાતરી રાખજો

આ નવરાત્રિએ માતાજી પણ નારાજ નહીં થાય એની ખાતરી રાખજો

13 October, 2020 01:59 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

આ નવરાત્રિએ માતાજી પણ નારાજ નહીં થાય એની ખાતરી રાખજો

માતાજી દિલથી ભક્તિ માગે છે અને આ વખતે એ જ કરવાનું છે. મેદાનમાં ગયા વિના અને સોસાયટીમાં પણ હાજરી પુરાવ્યા વિના.

માતાજી દિલથી ભક્તિ માગે છે અને આ વખતે એ જ કરવાનું છે. મેદાનમાં ગયા વિના અને સોસાયટીમાં પણ હાજરી પુરાવ્યા વિના.


કોરોનાને કારણે આ વખતે નવરાત્રિ ન રમી શકો તો ચિંતા કરતા નહીં. માતાજીએ ક્યારેય દાંડિયાની માગણી કરી નહોતી. તેમની તો ભાવના શુદ્ધ હતી કે જ્યાં પણ હો, જે અવસ્થામાં હો એ અવસ્થામાં મારી આરાધના કરો અને આરાધના મુજબ ફળ મેળવો. આ જ વાતને આ વખતે સૌકોઈએ યાદ રાખવાની છે અને યાદ રાખીને માતાજીની આરાધના કોવિડને ધ્યાનમાં રાખીને કરવાની છે. કોવિડને કારણે આરાધના ઓછી થશે તો માતાજી નારાજ નથી થવાનાં અને એવું પણ નથી થવાનું કે માતાજી કોપાયમાન થાય. શ્રદ્ધા અને ભક્તિભાવના સાથે જોડાયેલા હોય છે. માતાજીને દેખાવ સામે કોઈ સંબંધ નથી. એક ગરબો ઓછો ગવાશે તો માતાજીને માઠું નથી લાગવાનું અને જો પૂરી ભાવનાથી એક જ ગરબો ગાવામાં આવશે તો પણ માતાજી ઓવારી જવામાં મોડું નથી કરવાનાં. માતાજી દિલથી ભક્તિ માગે છે અને આ વખતે એ જ કરવાનું છે. મેદાનમાં ગયા વિના અને સોસાયટીમાં પણ હાજરી પુરાવ્યા વિના.

કોવિડ સામે લડવાનો પહેલો અને સરળ નિયમ છે કે નિયમોનું પાલન કરો અને સ્પષ્ટતા સાથે અંતર જાળવો. અજાણ્યાને મળવું નથી અને અજાણ્યાઓની યાદીમાં પાડોશીને પણ સામેલ કરવો છે. અત્યારે બોરીવલી-કાંદિવલી કોવિડના કેસમાં સૌથી આગળ છે. કારણ શું હોઈ શકે એ વિચારો? જવાબ સરળ છે, બેદરકારી.
હા, ગમે કે ન ગમે, પણ હકીકત આ જ છે. બેદરકારી જ કોવિડને લઈ આવવાનું કામ કરે છે. જરા વિચાર તો કરો કે કોવિડ કાબૂમાં આવતાં-આવતાં નવેસરથી ઊથલો મારે છે. ફરીથી આંકડાઓ વધવા માંડે છે. મહેરબાની કુદરતની કે હવે રિકવરી રેશિયો ઊંચો આવ્યો છે, પણ આવી રહેલો એ રેશિયો પણ હરખાવાલાયક નથી. કોઈ મરવો ન જોઈએ. કોરોનાનાં પ્રારંભિક લક્ષણો જે પ્રકારનાં છે એ જોતાં તો ખરેખર કોઈ મરવું ન જોઈએ અને જો એ જ સાચું હોય તો આ મોતનું કારણ પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી જ છે. ઘણા લોકો એવા જોવા મળે છે જેમને કોરોનાનાં કહેવાય એવાં જ લક્ષણો છે છતાં ઘરમેળે દવા લઈને હૉસ્પિટલમાં ચેક કરાવવાનું ટાળે છે. જો ટાળતા રહેશો તો તમે જ કોવિડ-બૉમ્બ બનશો અને આ બૉમ્બ બહાર ફૂટે એ પહેલાં તમારા સ્વજનની આસપાસ ફૂટવાનો છે. બને કે તમે જ તમારા પરિવારના કોઈ સભ્યને જોખમમાં મૂકવાનું પાપ કરી બેસો. માફી સાથે આ શબ્દો વાપરું છું, પણ આ શબ્દો વાપરવા પડે એવી બેદરકારી પણ દાખવવામાં આવી રહી છે. પોતે ૫૦ને ક્રૉસ કરી ગયા હોય અને પરિવારમાં ૭૦-૮૦ વર્ષના વડીલો હોય એ પછી પણ કોવિડનાં લક્ષણો સાથે માણસ ઘરમાં જ રહે અને મનને મનાવ્યા કરે કે તેને કોવિડ નથી થયો તો આ વાત કેવી રીતે સહન કરી શકાય, કેવી રીતે એને સ્વીકારી શકાય. તમે તમારું જોખમ લો એ તમારી ઇચ્છા હોઈ શકે, પણ તમે બીજાના જીવને પણ જોખમમાં મૂકો એ ક્યાંનો ન્યાય? કોવિડ માટે સરકારે આટલું ગાઈવગાડીને કહી દીધું એ પછી પણ કોવિડને ગંભીરતાથી નહીં લેનારાઓનો તોટો નથી અને દેશની આ જ સૌથી મોટી કરમકઠણાઈ છે એ કબૂલ્યા વિના પણ છૂટકો નથી.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 01:59 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK