કસોટી હવે ક્રિકેટ બોર્ડની થવાની છે

Published: 19th November, 2014 05:41 IST

સર્વોચ્ચ અદાલતમાં બધાનાં નાક કપાય અને સર્વોચ્ચ અદાલત પગલાં સૂચવે ત્યાં બોર્ડ રાહ જોશે કે એ પહેલાં જ સાફસૂફી થશે એની જાણ થોડા દિવસમાં થઈ જશે. ક્રિકેટ બોર્ડમાં રાજકારણીઓ અને ચોરોની મંડળી જામી છે એ જોતાં લાગતું નથી કે બોર્ડ સામેથી કોઈ પગલાં લે. જેકાંઈ સાફસૂફી થશે એ અદાલત દ્વારા જ થશે અને ક્રિકેટની રમતને બચાવવા અદાલતે એ કરવું પડશે.
કારણ-તારણ - રમેશ ઓઝા


ક્રિકેટની રમતનો ધંધો પણ કરવો અને ક્રિકેટની રમત ઇમાનદારીથી રમાય એવી અપેક્ષા પણ રાખવી એ વિસંગતિ છે અને એ પણ ભારતમાં જ્યાં કોઈ ધંધામાં નીતિમત્તા પાળવામાં આવતી નથી ત્યાં. IPLની શરૂઆત જ પૈસા કમાવા માટે કરવામાં આવી હતી, જેમાં કૉર્પોરેટ કંપનીઓ અને ફિલ્મ-અભિનેતાઓ ટીમ ખરીદે છે અને ટીમને એકમેકની સામે રમાડે છે. ક્રિકેટરોની હરાજી થાય છે અને તેમને જીત મેળવીને માલિકોને પૈસા કમાવી આપવા માટે પ્રોત્સાહન (લાલચ વાંચો) આપવામાં આવે છે. IPLની કંપનીઓમાં ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પડદા પાછળ ભાગીદાર છે અને ક્રિકેટના ધંધામાં તેમનું હિત છે. કેટલાક લોકો દાયકાઓથી ક્રિકેટ બોર્ડ પર કબજો જમાવીને બેઠા છે અને ક્રિકેટ બોર્ડના વ્યવહારમાં પારદર્શકતાનો અંશ સુધ્ધાં નથી. એ ઉપરાંત ક્રિકેટ બોર્ડ રાજકારણીઓના કબજામાં છે જેમને ક્રિકેટની રમત સાથે સ્નાનસૂતકનોય સંબંધ નથી. શરદ પવાર, અરુણ જેટલી, ફારુક અબદુલ્લા જેવા રાજકારણીઓ ક્રિકેટની રમતનું સંચાલન કરે છે. માત્ર ક્રિકેટ નહીં, ભારતમાં રમાતી તમામ રમતોનું નિયમન કરનારી સંસ્થાઓ રાજકારણીઓના હાથમાં છે. હવે સમય આવી ગયો છે કે ભારતીય રમતોને રાજકારણીઓથી અને એના નામે કરાતા ધંધાથી મુક્ત કરવામાં આવે.

IPLની મૅચોને ફિક્સ કરવામાં આવે છે અને ક્યારેક માલિકોના હિતમાં અને ક્યારેક બેટિંગ કરનારાઓના હિતમાં હાર-જીત થાય છે એમ IPLની રમત શરૂ થઈ ત્યારથી કહેવામાં આવે છે. મેદાનમાં જે રમત રમાય છે એ નિર્દોષ રમત અને મનોરંજન નથી, પરંતુ અનૈતિક ધંધો છે એ વિશે ભાગ્યે જ કોઈના મનમાં શંકા હશે. માત્ર પુરાવાઓની જરૂર હતી અને હવે પુરાવાઓ હાથ લાગ્યા છે અને એમાંનું સત્ય સિદ્ધ પણ થયું છે. ગયા વર્ષે ત્રણ ખેલાડીઓની શંકાસ્પદ રમતનાં વિડિયો-ફુટેજ બહાર આવ્યાં હતાં. એ જોઈને કોઈ પણ કહી શકે કે એ કાં તો મૅચ-ફિક્સિંગ હતું અને કાં સ્પૉટ-ફિક્સિંગ હતું. સાધારણ રીતે મૅચ-ફિક્સિંગ માલિકો કરાવતા હોય અને સ્પૉટ-ફિક્સિંગ બુકીઓ કરાવતા હોય છે, જેમાં પ્રત્યેક બૉલ પર બેટિંગનો ભાવ બદલાતો હોય છે. ગયા વર્ષે પુરાવાઓ બહાર આવ્યા પછી ક્રિકેટ બોર્ડે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતની દરમ્યાનગીરીને કારણે ક્રિકેટ બોર્ડના માંધાતાઓના હાથ હેઠા પડ્યા હતા.

સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણાની વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ મુદગલને પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. આરોપોમાં પ્રથમદર્શી તથ્ય હોવાનો અહેવાલ આવ્યા પછી તેમને જ કોણ ગુનેગાર છે અને ગુનાનું સ્વરૂપ કેવું છે એની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. ન્યાયમૂર્તિ મુદગલે બંધ કવરમાં તેમનો અહેવાલ આપ્યો હતો જેમાંથી એક હિસ્સો બહાર પાડવામાં આવ્યો છે. ગેરરીતિમાં ક્રિકેટરો પણ સંડોવાયેલા છે એ સિદ્ધ થયું છે અને તેમનાં નામ હવે પછી બહાર પડાશે. ખરો બૉમ્બ હવે પછી ફૂટવાનો છે.

અત્યારે બહાર પાડવામાં આવેલા આંશિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એન. શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મય્યપ્પન ઇન્ડિવિજ્યુઅલ-ટૂ (જેનું નામ હવે પછી જાહેર થશે)ને હોટેલની રૂમમાં મળ્યો હતો અને ક્રિકેટની રમતનું બેટિંગ કરતો હતો. તેણે મૅચ ફિક્સ કરી હતી કે નહીં એ વિશે કોઈ પુરાવા મળ્યા નથી. ગુરુનાથને ચેન્નઈ સુપર કિંગ નામની કંપની સાથે કોઈ લેવા-દેવા નહોતી અને તે ક્રિકેટઘેલો હોવાથી રમત વખતે સ્ટેડિયમમાં હાજરી આપતો હતો એવો શ્રીનિવાસનનો બચાવ ન્યાયમૂર્તિ મુદગલે ફગાવી દીધો છે અને કહ્યું છે કે તે કંપનીના માલિક અને પ્રતિનિધિ તરીકે ક્રિકેટરોના સંપર્કમાં રહેતો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ અને રાજસ્થાન રૉયલ નામની IPL કંપનીનો માલિક રાજ કુન્દ્રા પણ બુકીઓના સંપર્કમાં રહેતો હતો અને બેટિંગ કરતો હતો. કુન્દ્રાએ તેમની ટીમના માલિક તરીકે એક ક્રિકેટરની ઓળખાણ બુકી સાથે કરાવી હતી એટલું જ નહીં, બુકી વતી પૈસાની લેવડ-દેવડની ગૅરન્ટી પણ લીધી હતી. ટીમના માલિક તરીકે અને ક્રિકેટ બોર્ડ સાથેના કરારના ભાગરૂપે તેણે બેટિંગ વિશે ક્રિકેટ બોર્ડને જાણ કરવી જોઈતી હતી. જાણ કરવાનું તો બાજુએ રહ્યું, તે પોતે જ પોતાની ટીમમાં બેટિંગ રમતો હતો. ત્રીજો આરોપી IPLનો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદર રમણ છે જે ગયા વર્ષની IPLની સીઝનમાં એક બુકીને આઠ વાર મળ્યો હતો.

ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એન. શ્રીનિવાસન વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેઓ બેટિંગમાં અને મૅચ-ફિક્સિંગમાં સંડોવાયેલા હોય એવા કોઈ પુરાવા મળતા નથી. તેમણે તપાસને રોકવાનો પણ કોઈ પ્રયાસ નહોતો કર્યો. જોકે વાત અહીં પૂરી થતી નથી. તેમને અને ક્રિકેટ બોર્ડના બીજા ચાર અધિકારીઓને ક્રિકેટની રમતમાં બેટિંગ થઈ રહી છે એ વિશે જાણ હતી. અહેવાલમાં એક ક્રિકેટર જેને ઇન્ડિવિજ્યુઅલ-થ્રી તરીકે ઓળખાવવામાં આવ્યો છે તેની અનૈતિક પ્રવૃત્તિ વિશે પણ આ લોકોને જાણ હતી, પરંતુ તેમણે એ ક્રિકેટર સામે કોઈ પગલાં લીધાં નથી. આ ન્યાયમૂર્તિ મુદગલના તપાસ અહેવાલનો એક હિસ્સો છે. બીજો હિસ્સો હવે પછી બહાર પડશે જેમાં ઇન્ડિવિજ્યુઅલ-થ્રીનું નામ બહાર આવશે. તે કોણ હશે એની ધારણા કરવી મુશ્કેલ નથી. અત્યારે બચી ગયેલા શ્રીનિવાસન અને બોર્ડના સભ્યો ત્યારે સાણસામાં આવશે.

દરમ્યાન હવે પછી કસોટી બોર્ડની થવાની છે. સર્વોચ્ચ અદાલતમાં બધાનાં નાક કપાય અને સર્વોચ્ચ અદાલત પગલાં સૂચવે ત્યાં બોર્ડ રાહ જોશે કે એ પહેલાં જ સાફસૂફી થશે એની જાણ થોડા દિવસમાં થઈ જશે. ક્રિકેટ બોર્ડમાં રાજકારણીઓ અને ચોરોની મંડળી જામી છે એ જોતાં લાગતું નથી કે બોર્ડ સામેથી કોઈ પગલાં લે. જેકાંઈ સાફસૂફી થશે એ અદાલત દ્વારા જ થશે અને ક્રિકેટની રમતને બચાવવા અદાલતે એ કરવું પડશે. આખેઆખા બોર્ડની એના નીતિનિયમો સહિત પુનર્રચના જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK