બોલો, બાઇક પર નાહવાનું!
આપણે ત્યાં બાઇકરે માથે હેલ્મેટ ન પહેરી હોય તો પોલીસ પકડે એનો ડર લાગે, પણ વિયેટનામમાં તો લોકો શર્ટ પણ નથી પહેરતા અને ચાલતી બાઇકે નહાય છે. તાજેતરમાં શર્ટ અને હેલ્મેટ પહેર્યા વગર દોડતી મોટરસાઇકલ પર સ્નાન કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરનારા બે યુવાનો પાસેથી સ્થાનિક પોલીસે ૧૮ લાખ વિયેટનામીઝ દૉન્ગ (૮૧૩૦ રૂપિયા) દંડરૂપે વસૂલ્યા હતા. વિડિયોમાં બન્નેએ માથાના વાળમાં શૅમ્પૂ લગાવ્યું હતું અને તેમની વચ્ચે પાણી ભરેલી બાલદી રાખી હતી. એ ઉપરાંત બે પગ વચ્ચે બિયરનું ક્રેટ પણ રાખ્યું હતું. સોશ્યલ મીડિયા પર મોટા ભાગના લોકોએ એ વિડિયોની સખત ટીકા કરી હતી.